"ડફોળ" શબ્દ સાંભળીને એસ.પી. અમિતકુમાર ૨૦ વર્ષ પાછળ ચાલ્યા ગયા. તેમને પોતાના બાળપણની એક દુઃખદ ઘટનાનું મનમાં સ્મરણ થઈ આવ્યું જે ઘટના વિશે એ ક્યારેય નહી ભૂલી શકે, આ એ જ ઘટના હતી જેણે અમિત કુમાર ને એસ.પી. અમિત કુમાર બનાવ્યા હતા. વાત જાણે એમ હતી કે એક વખત બાળપણ માં સ્કૂલમાં સ્થાનિક રજા હોવાથી અમિત કુમાર પોતાના પિતા બ્રીજમોહન સાથે એમની કામ કરવાની જગ્યા પર ગયા હતા.
અમિત કુમારના પિતા બ્રિજ મોહન એક સરકારી કચેરીમાં સામાન્ય પટ્ટાવાળાની નોકરી કરતા હતા. બે ત્રણ ખખડેલા ઓરડા વાળી સ્કૂલમાં ભણતા અમિત કુમાર આવડી મોટી સરકારી કચેરીની ઈમારત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અને કચેરીની જુદી જુદી ઑફિસમાં આમ તમે દોડવા લાગ્યા.
આજે અમિત કુમાર માટે રજાનો દિવસ હતો. રજા એટલે બાળક માટે જાણે એક દિવસનું સ્વર્ગ ! વહેલા ઉઠવાનું નહીં, હોમ વર્ક કરવાનું નહિ, સ્કુલ નો યુનિફોર્મ પહેરવાનો નહિ, ટીવી જોવાની ખુલ્લી છૂટ, મિત્રો સાથે રમવાની પણ છૂટ ! અને બીજું ઘણું બધું....!
ધીંગા મસ્તી કરતા કરતા અમિત કુમાર એક સાહેબ(?) ની ઑફિસમાં ચાલ્યા ગયા, ત્યાં પાછળથી પપ્પુ તિવારી એટલે કે એ ઓફિસના સર્વેસર્વા ઑફિસમાં અંદર આવ્યા અને અમિત કુમારને જોઈને પૂછ્યું, " એય છોકરા કોણ છે તું ?? આમ મારી ઑફિસમાં પૂછ્યા વગર શું કરે છે ?? અમિતકુમાર એ નિર્દોષ ભાવે જવાબ આપ્યો સાહેબ હું અહી પટ્ટાવાળાની નોકરી કરતા બ્રીજમોહન નો દીકરો છું. આજે મારી સ્કુલમાં રજા હોવાથી હું અહી મારા પપ્પા જોડે ફરવા આવ્યો છું !
ફરવા આવ્યો છું એ શબ્દ સાંભળતા જ સાહેબના મગજનો બાટલો ફાટ્યો, ગુસ્સો સાતમા આસમાને, બન્ને મુઠ્ઠીઓ વળાઈ ગયી, ભ્રૂકુતી તંગ થઇ, લોહી આંખ માં ધસી આવ્યું, ચહેરો લાલ ચણોઠી જેવો થઇ ગયો, જાણે સાક્ષાત ભૃગુ ઋષિ એમના શરીર માં પ્રવેશ કરી ગયા હોઈ એવું લાગ્યું ! અને સાહેબે એક સણ સણતો તમાચો અમિત કુમાર ના ગાલ પર ચોડી દીધો અને ઓફિસની બહાર તગેડી મૂક્યો. અને જતા જતા બોલ્યા, " પટ્ટાવાળા ના ડફોળ છોકરાને એટલી પણ નથી ખબર કે "સાહેબ(?)" ની ઑફિસમાં પૂછ્યા વગર ન જવાય ! " અમિત કુમાર વિચારતા રહી ગયા કે ઑફિસમાં અંદર સાહેબ હતા નહિ અને બહાર દરવાજા પર પણ કોઈ કર્મચારી હતા નહિ તો પૂછવું કોને ??
પાંચમું ધોરણ ભણતા અમિત કુમારના મગજમાં આ ઘટના એટલી ઘર કરી ગઈ કે તેણે મનોમન બદલો લેવાનો દ્રઢ સંકલ્પ કર્યો ! અમિત કુમાર એ આ ઘટનાની જાણ એમના પિતાના પિતાને પણ ન્હોતી કરેલ, કારણ કે જો એ આ ઘટના વિશે એમને જણાવત તો એમના પિતાના આત્મસન્માન ને ખુબ જ મોટી ચોટ પહોંચી જાત.
આ દિવસ અમિત કુમાર પોતાના જીવનમાં ક્યારેય નહી ભૂલી શકે. આ દિવસથી તેમણે નક્કી કર્યું કે આ તુમાખી અધિકારી સાહેબ ને જીવનમાં એકવાર તો પાઠ ભણાવવો જ પડશે ! જીવનમાં કોઈ પણ માણસ નાનો કે મોટો નથી હોતો ! કોણ નાનું અને કોણ મોટું એ તો જોવા વાળાની દ્ર્ષ્ટી પર નિર્ભર કરે છે !
માણસ આગળ વધે છે એના કર્મો થી, ન કે એના કુળ અને જ્ઞાતિ ના લીધે, માણસ ક્યારેય મહાન નથી હોતો, મહાન હોય છે એનો સમય ! પણ માણસ પોતે મહાન હોવાનો ખોટો ભ્રમ પાળી લે છે ! આડા દિવસે જે સાપ ઘરમાં જોવા મળે છે એને લોકો લાકડી લઈને મારવા દોડે છે, પણ જેવી નાગ પંચમી આવે એટલે એ જ સાપ ને દૂધ પીવડાવવા માટે લોકો શોધતા ફરે છે ! એટલે જ કહ્યું મહાન માણસ નો સમય હોઈ છે ! પણ સમય ને બદલે માણસ પોતાને મહાન સમજવા લાગે છે !