પગરવ - 11 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પગરવ - 11

પગરવ

પ્રકરણ – ૧૧

સુહાની પોતાની સગાઈ નક્કી કરેલાં છોકરાને મળવાં એક રૂમમાં જાય છે...પણ બધાંનાં આશ્ચર્ય વચ્ચે સુહાની પાંચ મિનિટમાં જ બહાર આવી ગઈ. પણ કંઈ જ બોલી નહીં. ચહેરો પહેલાં કરતાં પણ વધું ઉદાસ દેખાઈ રહ્યો છે.

બધાંને ચિંતા થઈ કે એવું શું થયું કે સુહાની બહાર આવી ગઈ. સુહાનીની વાત પરથી આમ પણ કૃતિ અને વીણાબેનને ચિંતા હતી ને વળી સુહાની આમ આવીને બેસી ગઈ એટલે વધારે ચિંતા થઈ કે અંદર સુહાનીએ કંઈ કહ્યું તો નહીં હોય ને આમ તેમ...વળી એ છોકરો પણ બહાર નથી આવતો... કદાચ માતાપિતા સારાં હોય પણ દીકરો એવો ન પણ હોય... મોટાં થયાં પછી ક્યાં આપણે એને જોયો કે એનાં વિશે તપાસ પણ કરી છે... ફક્ત એ આગળ ભણે છે સારું એવું જ બીજાં દ્વારા સાંભળ્યું છે.

વીણાબેને હિંમત કરીને બધાંની હાજરીમાં ધીમેથી પૂછ્યું, " સુહાની શું થયું બેટા ?? તને ન ગમ્યો છોકરો ?? બરાબર ન લાગ્યો ?? "

સુહાની થોડી બધાંને સંભળાય એમ બોલી, " એ તો એને જોઈ લો એટલે દેખાવ જોઈને જ લક્ષણ ખબર પડી જશે..."

એટલામાં જ એ છોકરો બહાર આવ્યો અને સુહાનીનાં મમ્મી પપ્પાને આવીને પડે લાગ્યોને આવકાર આપ્યો. અને પછી બોલ્યો, " અંકલ..‌હું સમર્થ..!! "

સુહાનીનો પરિવાર તો એને જોઈ જ રહ્યો કે આવાં શુશીલ, દેખાવડા, સંસ્કારી છોકરામાં સુહાનીને પાંચ મિનિટમાં શું એવું નહીં ગમ્યું હોય...

ત્યાં જ સમર્થના મમ્મી બોલ્યાં, " મને એ સમજાયું નહીં કે પાંચ જ મિનિટમાં તમે લોકોએ શું જીવનનો ફેંસલો કર્યો ?? છતાં કહું છું ના પાડતાં પહેલા એકવાર વિચારી લેજો... નહીં તો જીવનભર પસ્તાવું પડશે..."

સમર્થ : " પણ તમે લોકોએ એવું કેવી રીતે નક્કી કર્યું કે હું ના જ પાડીશ..."

સમર્થનાં મમ્મી સવિતાબેન બોલ્યાં, " જે રીતે સુહાની દીકરી ઉતરેલાં ચહેરે પાંચ જ મિનિટમાં બહાર આવી...એનો મતલબ અમારે શું સમજવો ?? "

સમર્થ હસીને બોલ્યો, " આજે અમારી જિંદગીની મજાક બનતાં ભગવાને અટકાવી દીધી. નહીંતર સાચે અમારી ના સાથે તમારે દુઃખી થવું પડત...પણ હવે એવું નહીં થાય...અમને આ સંબંધ પસંદ છે...અમે બંને હંમેશાં માટે એકબીજાં સાથે જીવનભરનો સાથ નીભાવવા તૈયાર છીએ..."

સુહાની હસીને બોલી, " હા મને પણ આ સંબંધમાં કંઈ વાંધો નથી..."

સમર્થના પિતા સૌનકભાઈ બોલ્યાં, " આટલી ટુંકી મુલાકાતમાં ?? તમે લોકો સ્પષ્ટ કરો..આ તો વધારે ટેન્શન કરાવો છો અમને‌‌..."

કૃતિ : " મને લાગે છે એ લોકો એકબીજાને પહેલેથી ઓળખે

છે, એમ આઈ રાઈટ ?? "

સમર્થ : " હા દીદી... "

કૃતિ : " કદાચ તમે એકબીજાંને પહેલેથી લવ કરો છો...પણ તમને એકબીજાંને જોયાં પછી જ ખબર પડી આ વાતની...એટલે જ કદાચ સુહાનીને કહ્યું ત્યારથી એનું મન ઉદાસ બની ગયું હતું...પણ હવે એનાં ચહેરાની ખુશી તો જો..."

સુહાની શરમાઈ ગઈ. પછી સમર્થે બધી વડીલોની હાજરીમાં કહી શકાય એ રીતે ટૂંકમાં વાત કરી...!! બધાં ખુશ થઈ ગયાં.

અશોકભાઈ : " ખરેખર ભગવાને આજે બહું મોટી કૃપા કરી... નહીંતર કાંતો બાળકો ના કહેત સંબંધ માટે તો આપણને થોડું દુઃખ થાત...સાથે જ સમાજનાં તો આરોપો જુદાં જ... વળી અાપણા છોકરાઓ જો આપણી ખુશી ખાતર હા કહી દેત તો આખી જિંદગી બિચારા ખુશ ન રહી શકત..."

સૌનકભાઈ : " પણ એકવાત કે આ વાત આપણે બહાર કોઈને નહીં ખબર પડવાં દઈએ કે સુહાની અને સમર્થ પહેલેથી એકબીજાંને ઓળખતાં હતાં અને પ્રેમ કરતાં હતાં... ખોટું લોકો નવી વાતોને વેગ આપશે‌..."

વીણાબેન : " હા સાચી વાત છે...જો કે આ વખતે અમે લોકો કદાચ સુહાનીને ન ગમે તો એ માટે પણ માનસિક રીતે તૈયાર હતાં જ... અને તમારે તો સમર્થ એક જ છે એટલે બહું ચિંતા નહોતી.."

સવિતાબેન : " ચાલો હવે બધાં જમી લઈએ...આજે તો બહું ખુશીનો દિવસ છે‌‌..."

એટલામાં જ દિવ્યનો ફોન આવતાં વીણાબેને કહ્યું, " બેટા સુહાની અને સમર્થને એકબીજાંને ગમી ગયું છે..હવે એક ચિંતા જતી રહી...હવે તું અને અશ્વી આવો પછી બધાં ફરી મળીશું..."

બધાંએ સાથે મળીને જમી લીધું... સૌથી વધુ ખુશ સમર્થ અને સુહાની છે...પછી સમર્થે ફોન ચેક કરતાં સુહાનીનો મેસેજ જોતાં એને હસવું આવી ગયું... એને સામે લવ યુ ટુ નો મેસેજ કરી દીધોને ફરી પ્રેમની પ્યારી સફર શરું થઈ...!!

**************

વીણાબેન બૂમો પાડી રહ્યાં છે પણ સુહાની જાણે કંઈ જવાબ જ નથી આપી રહી‌...એમને એને આખી ઢંઢોળી દીધી ત્યાં એ બંધ આંખોએ જ બોલી રહી છે કે, " સમર્થ હવે તો બધાં જ ખુશ છે આપણાં સંબંધથી તો હવે શું કામ જતો રહ્યો ?? કોને વાંધો છે હવે આ સંબંધથી ?? "

વીણાબેન : " સુહાની બેટા ક્યાં ખોવાઈ ગઈ છે વિચારોમાં ?? તે સપનાંની દુનિયા અને ભૂતકાળને એક બનાવીને તું હજું એમાં જ જીવી રહી છે...."

સુહાનીએ આંખો ખોલી કે સામે ઘડિયાળમાં પોણા અગિયાર વાગેલા દેખાયાં...સુહાની ઝડપથી ઉભી થઈ ગઈ ને બોલી, " મમ્મી અગિયાર વાગવા આવ્યા ને હું તો ખાલી આડી પડી હતીને ખબર નહીં ઉંઘ આવી ગઈ. તે ઉઠાડી પણ નહીં મને??

વીણાબેન : " તું સૂઈ ગઈ હતી પણ તારું દિમાગ તો સતત ચાલું જ હતું... તું બેટા સમર્થને કદીક તો ભુલીશ કે નહીં ?? "

સુહાની : " તને તો મમ્મી મમ્મી કહીને મરી પડે છે...એક સગાં દીકરા કરતાંય અધિક સ્નેહ વરસાવે છે ને બસ તે પણ માની લીધું કે સમર્થ નહીં આવે પાછો ?? એવી કોઈ મજબૂરી હશે બાકી એમ એ મને કહ્યાં વિના ડગલું પણ નહોતો ભરતો એ વળી...."

વીણાબેન : " કેટલીક હકીકત ન માનવામાં આવે છતાં સમય સંજોગો મુજબ એ માનવી પડતી હોય છે..."

સુહાની : " સારું... મમ્મી..‌ હું આવું છું આન્ટી મારી રાહ જોતાં હશે..." કહીને સુહાની રોજનાં સમય મુજબ સવિતાબેન માટે જમવાનું લઈને નીકળી ગઈ..."

**************

સુહાની આજે મનમાં સવારથી સમર્થને યાદ કરતી કરતી આજે એને જૂનો શોખ યાદ આવ્યો. એને પોતાનાં ડ્રોઈંગ યાદ આવ્યાં. એણે બધાં જુનાં ચિત્રો બનાવેલાં કાઢ્યાં. એમાં એણે પોતે બનાવેલો સમર્થનો સ્કેચ કરેલો ફોટો કાઢ્યો... કેટલીય મિનિટો સુધી એ ફોટાને જોઈ જ રહી...એ બધું જ કાઢતાં ફરી કબાટમાંથી સમર્થ અને સુહાનીનાં કોલેજનાં દિવસોનાં જૂના ફોટા નીકળ્યાં...એક થેલીમાં પેક કરીને મૂકી દીધેલા...કેટલી એમની પ્રેમભરી મીઠી ક્ષણો એમાં કેદ કરાયેલી છે...એમ તો આધુનિક જમાનાનાં સુહાની અને સમર્થ પાસે ફોનમાં ફોટા હતાં જ પણ ફોટાંઓને આલ્બમમાં કેદ કરવાની સુહાનીને એક અલગ અનૂભૂતિ થતી... અને એને એક ગાંડો શોખ પણ હતો.

સુહાનીએ તરત બૂમ પાડી, " મમ્મી આ મારાં ફોટાં મારાં કબાટમાંથી અહીં આ બીજાં કબાટમાં કોણે મૂકી દીધાં છે ?? "

વીણાબેન થોડાં અચકાતાં બોલ્યાં, " એ તો હું સરખું...કરતી હતી‌‌..ભૂલી ગઈ..."

સુહાની : " મમ્મી સાચું બોલ, મને ખબર છે તને ખોટું બોલતાં પણ નથી આવડતું...તે એમ વિચારીને ફોટોઝ કાઢી લીધાં હતાં ને કે હવે આ ફોટાં પણ જતાં રહે તો સમર્થ ધીમેધીમે મારાં જીવનમાંથી દૂર થઈ જાય...પણ મમ્મી એ તો મારાં દિલમાં છે...એ ક્યારેય નહીં જાય...કે ના એનાં પ્રત્યેનો મારો પ્રેમ ઓછો થશે‌...!! "

વીણાબેન : " પણ... તું વર્તમાન કેમ નથી સ્વીકારતી ?? સપનાંઓની સાથે આખી જિંદગી નથી જીવાતી...એક સ્ત્રી માટે જીવનભર એકલાં રહેવું કેટલું અઘરું હોય છે તને ખબર છે...લોકો એની પર તાકતી નજરે બેઠાં હોય છે...અને વાસનાનાં ભૂખ્યા વરૂઓ વાળ ટપકાવીને જ બેઠાં હોય છે... જ્યારે આપણી પાસે કોઈ પોતીકાં કહેવાતાં પુરુષનો હાથ હોય ત્યારે કોઈની આપણી સામે આંખ ઊંચી કરીને જોવાની હિંમત પણ નથી થતી....આ તો અમે છીએ ત્યાં સુધી નહીં હોઈએ ત્યારે કોણ તારી સંભાળ રાખશે...??"

સુહાની : " ત્યાં સુધી સમર્થ નહીં આવે પાછો ?? " અને પ્લીઝ મમ્મી એવું ન કહેતી કે હું પાગલ થઈ ગઈ છું...અને હું જોબ કરીને મારું પોતાની જાતને સાચવી શકીશ એટલી તો તમે લોકોએ મને સક્ષમ બનાવી જ છે...."

વીણાબેન : " મને થાય છે કે તું ફરી જોબ કેમ નથી ચાલું કરી દેતી ?? "

સુહાની : " કરીશ‌.. મમ્મી મને પણ ખબર છે...થોડો સમય જવાં દે...પછી હું મારી જિંદગીને મારી દિશામાં ચલાવીશ...બસ એકવાર..." ને એટલામાં જ સુહાનીનાં ફોનમાં કોઈનો ફોન આવ્યો.

સુહાનીએ ફોન ઉપાડ્યો થોડીવાર કોઈ બોલ્યું નહીં....પછી એક ઘેરો પડછંદ ગભરાવી દે એવો પહાડી અવાજ આવ્યો‌.‌..

સુહાની : " કોણ બોલો ?? "

ફરી થોડીવાર પછી અવાજ આવ્યો. ને કહ્યું, " આમ જ ચૂપ રહેજે...ને મારી વાત હું કહું એમ માનજે....તો હું તારો મનનો માણિગર હું તને તારી પાસે સોંપી દઈશ...."ને એણે થોડી વાત કરીને‌....તરત જ ફોન કટ થઈ ગયો.....!!

વીણાબેન : " કોણ હતું સુહાની ?? કેમ ચૂપ છે ?? "

સુહાની : " ખબર નહીં કોક રોગ નંબર પરથી બોલી રહ્યું હતું..." ને સુહાની બહાનું બતાવીને સૂવા માટે જતી રહી.

કોણ હશે સુહાનીને ફોન કરનાર ?? એણે શું કરવાં કહ્યું હશે ?? સુહાની એ મુજબ કરશે ખરાં ?? કોઈ સાચી વ્યક્તિ હશે કે પછી કોઈ જાણીતી વ્યક્તિ એનો મજાક બનાવી રહ્યું હશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૧૨

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....