પગરવ
પ્રકરણ - ૬
માણસોથી ભરેલો એ છકડો આવે એ પહેલાં તો છાંટા ચાલું થઈ ગયાં. ઓટો આવતાં જ સમર્થે ઓટોવાળાને પૂછ્યું તો એ તરફ જ જઈ રહી છે... એકલાં જેન્ટ્સ જ છે છકડામાં એક પણ લેડીઝ નથી. ચોમાસાનો આ પહેલો વરસાદ છે એટલે કશું જ કહી ન શકાય. વળી આ સાઈડનો વિસ્તાર પણ એટલો જાણીતો નથી કે થોડો પણ વરસાદ આવ્યાં પછી શું પરિસ્થિતિ થાય છે...આથી સમર્થે કહ્યું, " સુહાની બેસી જઈએ આ છકડામાં..."
સુહાની થોડી કચવાઈ...આ બધાંની વચ્ચે કેવી રીતે બેસીશ અંદર... ત્યાં જ સમર્થે ઈશારાથી સુહાનીને એક આત્મવિશ્વાસ બતાવતાં ઈશારામાં ક્હ્યું, " હું છું ને ?? "
સુહાનીએ પણ જાણે વર્ષોથી ઓળખતી હોય એમ સમર્થનાં એ પોતીકાં ઈશારાને સ્વીકારીને બેસવા હા પાડી દીધી, ત્યાં જ સમર્થે એને છકડાના છેડાં પાસે બહારની બાજુએ એને બેસાડીને સાઈડમાં રહેલી એ થોડી સાંકડી જગ્યામાં એ બેસી ગયો જેથી બીજું કોઈ એની નજીક આવીને બેસી ન શકે...!!
એ ઘેટાં બકરાંની જેમ ભરેલો છકડો હાલકડોલક ચાલવા લાગ્યો. છકડો તો રિક્ષા જેવો હોવાથી ઉપરથી બંધ હતો છતાં બહારથી આવતી ધીમાં ધીમાં વરસાદની છાંટને, પહેલાં વરસાદથી સુગંધિત બનેલી માટીની સુગંધ એક અનોખો આનંદ આપી રહી છે...વળી વચ્ચે આવતાં થોડાં ખાડાખડિયા રસ્તા પર એક જોરથી બ્રેક વાગતાં સમર્થ સુહાનીની નજીક આવી ગયો..એણે તરત જ "સોરી" કહ્યું.
સુહાની ની બાજુમાં રહેલાં સમર્થને કારણે ઘણાં છોકરાઓ એની સામે અછડતી નજરે જોઈ લેતાં પણ કોઈની સીધું જોવાની હિંમત ન થઈ...ને એમ કરતાં શહેરમાં આવી ગયાં... ધીમેધીમે છકડો ખાલી થવાં લાગ્યો. આ છકડો સ્વામિનારાયણ પાર્ક નહોતો જતો. છેલ્લે એક સ્ટોપ પર ઉભો રહી ગયો...
બધાં ઉતરી ગયાં કદાચ આ જ છેલ્લું સ્ટોપ હતું. સમર્થે એ છકડાવાળાને કહ્યું જો એ કદાચ ત્યાં સુધી મૂકી જાય તો અલગથી વધારે પૈસા આપી દેશે પણ એ ચાલકે ના કહી.
સુહાની : " સારું છે અહીં તો હવે વરસાદ બંધ થઈ ગયો છે પણ ત્યાં કરતાં વધારે આવ્યો હોય એવું લાગે છે..."
સમર્થ : " હા..પણ હવે ફટાફટ બીજી કોઈ ઓટો શોધવી પડશે..."
સીટીમાં ઓટો મળવામાં બહું તફલીક ન પડે આથી તરત જ એમને ઘરે જવાં ઓટો મળતાં બંને બેસી ગયાં.
સુહાનીનાં મનમાં વિચારોનું ઘમસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. એ વિચારી રહી છે કે આવું કેમ થાય છે હું જેટલું સમર્થથી દૂર રહેવા પ્રયત્ન કરી રહી છું એટલી જ પરિસ્થિતિ મને એનાંથી એટલી નજીક લઈ જઈ રહી છે.
એ કંઈ બોલી નહીં...આથી સમર્થ પણ ચૂપ રહ્યો... થોડીવારમાં બંને ઉતરી ગયાં. સમર્થે પૈસા આપી દીધાં.
સમર્થે કહ્યું, " સુહાની જો તને મારી સાથે કમ્ફોર્ટેબલ ન લાગતું હોય તો કંઈ વાંધો નહીં...આપણે પોતપોતાની રીતે જતાં રહીશું... તું કંઈ તો મૂંઝવણમાં છે પણ કદાચ કહી શકતી નથી. પણ કંઈ વાંધો નહીં. કહીને બેગમાંથી એક કાગળ પર પોતાનો નંબર લખીને આપ્યોને કહ્યું, " કંઈ પણ કામ હોય તો મને કહેજે...આપણી વચ્ચે કોઈ સંબંધ તો નથી પણ છતાંય તમે મને કોઈ પણ તફલીક હોય તો ફોન કરીને કહી શકો છો...બાય..." કહીને કદાચ સુહાનીનાં મનમાં હોઠો પર આવેલાં શબ્દો એમ જ રહી ગયાંને એ મક્કમ ચાલે જઈ રહેલાં સમર્થને જોઈ રહી....!!
**************
વિચારોમાં ખોવાયેલી સુહાનીની આંખો ક્યારે મળી ગઈ ખબર જ ન પડી...સવાર પડી ગઈ છે... લગભગ સાત વાગી ગયાં છે...પાયલ, દીપાલી અને હીરલ ત્રણેય ઉઠી ગયાં છે.
પાયલ :" સુહાનીને સુવા દઈએ... કદાચ એ લગભગ મોડાં સુધી જાગતી હતી..."
એટલામાં એકાએક ઉંઘમાં જ સુહાની બોલવાં લાગી, " સમર્થ મારાથી દૂર ના થઈશ...બે દિવસમાં જ મને તારી સાથે કેમ આટલું પોતીકું લાગે છે... પ્લીઝ... પ્લીઝ...પણ મારી મજબૂરી છે !! " કહીને ચૂપ થઈ ગઈ.
હીરલ : " આ શું કહે છે સુહાની ?? "
પાયલ : " મને લાગે છે કે બેન રાત્રે ભુતકાળમાં ખોવાઈ ગયાં હશે... સમર્થ સાથેની શરૂઆતની મુલાકાતની એ વાત કરી રહી છે... કદાચ.. એનો વિચાર ત્યાં જ અટકી ગયો હશે ને એને ઉંઘ આવી ગઈ હશે...આથી જ ઉંઘમાં હજું એ જ ચાલી રહ્યું લાગે છે..."
દીપાલી : " અમે બંને તો કોમર્સ રાખ્યાં બાદ તમારાં લોકોથી થોડાં દૂર થઈ ગયાં હતાં ને વળી કોલેજ પતી જતાં તરત જ મેરેજ...એટલે અમે કદાચ તમારી ઘણી બધી વાતોથી અજાણ જ છીએ..."
પાયલ : " હા પણ હું અને સુહાની તો હંમેશા સાથે જ હતાં હા પણ મારું રિસફલિગમાં ત્યાં એડમિશન થયું હોવાથી એ મારાં પહેલાં સમર્થને ઓળખતી થઈ ગઈ હતી."
પછી પાયલે સુહાનીને એ વિચારોમાંથી બહાર લાવવા એનાં મનગમતાં સોન્ગસ શરું કર્યાં અને સુહાનીને ઉઠાડી.
સુહાની એકદમ બેડ પર બેસીને અજવાળું જોઈને કહેવા લાગી..."અરે બાપ રે !! આઠ વાગી ગયાંને. મને ઉઠાડી નહીં ?? મોડું થઈ જશેને મારે..."
પાયલ : " હજું આઠ વાગ્યા છે...તારે અગિયાર વાગ્યે જવાનું છે ને...થઈ જશે બધું..."
એટલામાં જ પાયલની મમ્મીએ પાયલને બૂમ પાડીને કહ્યું, " ચાલો ચારેય... ગરમાગરમ નાસ્તો તૈયાર છે. "
દીપાલી : " આન્ટીએ નાસ્તો કેમ બનાવ્યો ?? હવે તો અમે બધાં ઘરે જઈશું ને..."
પાયલ : " નાસ્તો કરીને જાઓ...પછી હું નહીં રોકુ બસ કોઈને..મને પણ ખબર છે તમે બંને થોડાં દિવસો માટે પિયર આવ્યાં હોય એટલે મમ્મીપપ્પાને પણ એમ હોય કે તમે લોકો એમની સાથે રહો..."
થોડીવારમાં ચા નાસ્તો પતાવીને બધાં પોતપોતાનાં ઘરે ગયાં. સુહાની ગઈ તો એની મમ્મીએ લગભગ બધી રસોઈ બનાવી દીધી છે.
વીણાબેન : " બેસ શાંતિથી...મને ખબર હતું કે ચિંતામાં પાછી આવીશ એટલે મેં બધું લગભગ કરી દીધું છે...તારે મોડું નહીં થાય જરાં પણ..."
સુહાની : " થેન્ક્યુ મમ્મી...તો હવે હું નાહીને તૈયાર થઈ જાઉં..."
સુહાની ફટાફટ નાહીને આવી. પણ રાતનાં ઉજાગરાને કારણે આંખો હજું ઘેરાયેલી છે...એ બેડ પર આડી પડી.. ત્યાં જ ફરીથી એ ભૂતકાળનાં વિચારોનાં વમળમાં અટવાઈ ગઈ...!!
*************
કોલેજમાં ભણવાનું વ્યવસ્થિત શરું થઈ ગયું. રેગ્યુલર કોલેજ શરું થઈ ગઈ. લગભગ મહિનો થઈ ગયો. સુહાની હંમેશા આવીને સમર્થનાં આવવાની રાહ જોવે છે. પણ બસ રાહ જ જોવાની...એનો ચહેરો જોઈને મનમાં એને એક શાંતિ મળે છે...
ક્લાસમાં ઘણાં છોકરાઓ સાથે એ કામ પૂરતી વાત કરી લે છે પણ સમર્થ સાથે એ વાત કરવાનું જાતે જ ટાળતી હોય એવું સમર્થને વાગ્યું.. બસ એણે પણ ભણવામાં પોતાનું ધ્યાન લગાવી દીધું. હવે તો સુહાની એક્ટિવા લઈને કોલેજ આવે છે અને સમર્થ પોતાનું બાઈક લઈને...આથી કોલેજ પૂરી થતાં બંને નીકળી જાય છે.
સુહાની સમર્થ સાથે સંબંધો અટકાવી દેતાં બેય જણાંને એકબીજાને જાણવાનો કે નજીક આવવાનો મોકો જ ન મળ્યો...!!
થોડાં દિવસો એમ જ પસાર થવા લાગ્યાં. ઘણીવાર વરસાદી વાતાવરણ હોય તો સુહાની પ્રોબ્લેમ ન થાય જવામાં એટલે એકાદ લેક્ચર છોડીને જલ્દી નીકળી જાય છે.
સમર્થ પોતે રૂમ રાખીને બીજાં ત્રણ છોકરાઓ સાથે રહે છે... એનાં મમ્મી-પપ્પા બંનેની જોબને કારણે એ લોકો બહાર રહે છે . એનાં મમ્મીપપ્પાની જીઈબીમાં સારી એવી પોસ્ટ પર જોબ છે.
સમર્થને પણ જાણે અજાણે સુહાની મનમાં વસી ગઈ છે. એ પણ એક દેખાવડો, હાઈટેડ, સહેજ ઘઉંવર્ણો પણ એકદમ ઘાટીલો ચહેરો, વળી એનું કપડાંને બધી જ વસ્તુનું પરફેક્શન એનાં વ્યક્તિત્વને એક આગવો ઓપ આપે છે...
એક દિવસ એની મમ્મીનો રોજની જેમ જ ફોન આવ્યો...થોડી વાતચીત થઈ. છોકરીઓ કરતાં આમ પણ છોકરાઓ થોડીઘણી વાતચીત કરીને ફોન મુકી જ દેતાં હોય છોકરીઓ બધી જ વાત લગભગ ઘરે કરતી હોય. એની મમ્મીએ કહ્યું, " કોઈ છોકરી ગમી તો નથી ગઈ ને કોલેજમાં ?? "
સમર્થ : " હજું તો એવું કંઈ નથી પણ ગમશે તો પરમિશન આપશો તમે ?? "
સમર્થની મમ્મી : " હમમમ...સમય પ્રમાણે જોઈશું...બાકી તો તને ખબર જ છે ને... ?? " કહીને ચાલો બેટા હવે જોબનો સમય થઈ ગયો છે રાત્રે વાત કરીશું..." ને ફોન મુકાઈ ગયો.
થોડીવારમાં કોલેજનો સમય થતાં સમર્થ તૈયાર થઈને નીકળી ગયો...આજે ખબર નહીં કોણ જાણે એનાં મનમાં સવારની ખુશી અને ચિંતાના મિશ્ર વિચારો મનને ઘેરી વળ્યાં છે...એ મનમાં ભગવાનને પ્રાર્થના કરીને કહેવા લાગ્યો, " જે થવાનું હશે એ તો થઈને રહેશે જ બસ મારાં પોતીકાંઓને કોઈ દુઃખ ન આપીશ..એમને તફલીકોથી દૂર રાખજે."
આખો દિવસ કોલેજમાં પસાર થઈ ગયો. આજે તો તડકો પણ સારો એવો છે એટલે વરસાદ આવવાનાં કોઈ એંધાણ હોય એવું નથી લાગતું... છતાં બે લેક્ચર બાકી છે ત્યાં અચાનક સુહાની ક્લાસમાંથી બેગ લઈને ફટાફટ નીકળી ગઈ...!!
બંને જણાં વાત નહોતાં કરતા એકબીજા સાથે પણ બંનેને એકબીજાની બધી જ વાતનું ધ્યાન હોય... એનાં નીકળ્યાં બાદ લેક્ચરર નહોતાં આવ્યાં તો એ ક્લાસની બહાર નીકળ્યો. સુહાની તો કદાચ નીકળી ગઈ હતી પણ એનું પર્સ નીચે પડેલું દેખાયું...
સમર્થે એ ઉપાડીને જોયું ને ખોલીને જોયું કે કદાચ બીજાં કોઈનું પણ હોય...પણ ખોલતાં જ એને એક નાનાં કાર્ડ રાખવાનાં ખાનામાં થોડાં પાસપોર્ટ સાઈઝનાં ફોટા દેખાયાં. એમાં પહેલો જ ફોટો સુહાનીનો છે...આથી એને કન્ફર્મ થઈ ગયું કે આ એનું જ પર્સ છે...પણ બાકીનાં ફોટોઝ જોતાં એમાંથી એક ફોટો એણે જોયોને એણે એ એકીટશે જોઈ જ રહ્યોને બોલ્યો, " આ અહીં કેવી રીતે ?? "
કોણ હશે એ ફોટાવાળી વ્યક્તિ ?? સુહાની અને સમર્થ એકબીજાંની નજીક કેવી રીતે આવશે ?? એવી કેવી ઘટનાઓ બનશે કે જે સમર્થને સુહાનીથી હંમેશાં માટે દૂર કરી દેશે ?? જાણવા માટે વાંચતા રહો, પગરવ - ૭
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....