Taro Ahesas - 1 books and stories free download online pdf in Gujarati

તારો અહેસાસ - 1

અપાર કુદરતી સૌંદર્યથી મઢેલું , ઉંચા પહાડો અને હરિયાળી વનરાજીથી છલકાયેલુ સુંદર હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ. બારે મહિના આ સ્થળની ખૂબસૂરતી જોવાલાયક હોય છે. આવી જ એક શિયાળાની હુંફાળી બપોરે એક વિશાળ બંગલાની બાલ્કનીમાં કોઈ બેધ્યાનપણે બેસેલુ હતું.

તે માહી હતી .જિંદગીના ત્રણ દાયકા વટાવી ચૂકેલી છતાં પણ યુવાનીના ઉંબરે હજુ પગલું જ માંડ્યુ હોય તેવું મોહક અને નમણુ રૂપ , દૂધથી પણ સફેદ ચહેરાનો રંગ અને ચહેરાની ડાબી બાજુએ ગાલ પર લાગેલો કાળો તલ જાણે પૂનમ ના ચાંદ પર લાગેલા સુંદર દાગ જેવો દેખાતો હતો.

સ્વર્ગની અપ્સરાઓને પણ શરમાવે તેવું રૂપ હોવા છતાં પણ તેનું વ્યક્તિત્વ સાદગીપૂર્ણ હતું . અઢળક સંપતિ ની માલિક હોવા છતાં તેણે પોતાના જીવનને વૈરાગ્ય પૂર્ણ બનાવી દીધું હતું. જિંદગીના અનેક કપરા સમયમાંથી પસાર થઈ તે થાકી ગઈ હતી અને એટલે જ તેના સાસુ કવિતાબેન તેને બધાથી દૂર આ શાંત જગ્યામાં લઈ આવ્યા હતા. સંબંધમાં કવિતાબેન સાસુ હતા પરંતુ તેણે માહીને માં કરતા પણ વિશેષ પ્રેમ આપ્યો હતો. માહીની ઈચ્છા તો તેના સાસુ સાથે બ્રહ્માકુમારી આશ્રમમાં જોડાઈ જવાની હતી પરંતુ કવિતાબેને ચોખ્ખી ના પાડી દીધી . માહી પાસે હજુ પૂરી જિંદગી પડી હતી. તેની ઇચ્છા હતી કે માહી પોતાના ભૂતકાળને ભૂલીને આગળ વધે અને જિંદગીને માણે એટલે પોતે બ્રહ્માકુમારીઝ માં જોડાયા પરંતુ માહીને ના પાડી. માહી ક્યારેક શિબિરમાં જતી તેનાથી તેના મનને શાંતિ મળતી. ક્યારેક કવિતાબેન અને માહિ કાર લઈને ગુજરાતના છેવાડાના પછાત ગામડામાં ખોરાક અને કપડા જેવી જીવન જરુરિયાતની વસ્તુઓ વહેચવા ઉપડી જતા કવિતાબહેન મોટાભાગે આશ્રમમાં જ રહેતા પરંતુ સેવાનું કાર્ય હોય ત્યારે તે ઘરે આવતા. માહીને પણ જાણે એકલતા જ પસંદ આવી ગઈ હોય તેમ તે લોકો સાથે હળવા મળવાનું ઓછું રાખતી.પોતાના ભુતકાળની એક પણ વ્યક્તિ કે વસ્તુ સાથે તેણે આબુમાં આવ્યા પછી ક્યારેય સંપર્ક કર્યો ન હતો. છેલ્લા ત્રણ વર્ષથી તે આબુમાં આવીને વસેલી હતી પરંતુ જાણે પ્રકૃતિ જ તેનો પરિવાર હોય તેમ જ્યારે પણ ફ્રી થાય ક્યારે બાલ્કનીમાં બેસીને ત્યાંથી દેખાતા વિશાળ પહાડોને નિરખ્યા કરતી અને પોતાના ભુતકાળને વાગોળ્યા કરતી.

પરંતુ આજે માહી વિચારોના વમળોમાં ફસાઈ હતી . વારંવાર તેને એ ચહેરો આંખો સામે આવતો હતો. નાં એ નાં હોઇ શકે? એ અંહીયા કઇ રીતે હોય ,અને ફરી થી એવી જ ઘટના કઇ રીતે બને ? સવારે બેંકમાં જે દ્રશ્ય તેણે જોયું તેં તેનાં મનસપટ પર વાંરવાર ઉપસી આવતું હતુ . જે અતીતથી ભાગીને પોતે આટલી દૂર આવી હતી તે અચાનક તેની સામે આવશે એ ક્યારેય તેણે વિચાર્યું ન હતું . એ ચહેરો પણ તે કઈ રીતે ભૂલી શકે ? હા એ જ હતો .. તેણે મનોમન વિચાર્યું અને ફરી તેની આંખો સમક્ષ એ એ ઘટના ઉપસી આવી.

બેંકમાં તેં બહાર વેઇટિંગ એરિયામાં મેનેજરને મળવા માટે રાહ જોતી બેઠી હતી. અચાનક તેની નજર મેનેજર કેબીનનાં પારદર્શક કાચ વીંધીને અંદર બેઠેલા એક વ્યક્તિ પર પડી. એ વ્યક્તિનો ચહેરો એક સાઇડથી જ દેખાતો હતો પરંતુ તે તેને ઓળખવામાં કેવી રીતે થાપ ખાઇ શકે ?થોડી વાર તો એને વિશ્વાસ ના આવ્યો કે પોતે જે જોઇ રહી છે એ ખરેખર સત્ય છે કે ભ્રમ. કેટલાં સમય સુધી એની નજર અંદરના દશ્ય પર જ રહી . એ વ્યક્તિ મેનેજર સાથે વાત કરી રહ્યો હતો પરંતુ જ્યારે તે વ્યક્તિએ પાછળની બાજુ નીચે પડેલી પેન લેવા માટે પોતાનો ચહેરો પાછળની તરફ ફેરવ્યો તો એ જોઈ માહીનુ લોહી થીજી ગયું. તેના દિલના ધબકારા વધી ગયા .થોડીવાર સુધી તેની વિચારવાની ક્ષમતા જતી રહી.આખરે તેણે પોતાનો હોશ સભાળ્યો અને ત્યાંથી ફટાફટ નીકળી ગઈ.

ઘરે આવીને પોતાના વિશાળ બંગલાની સૌથી સુંદર અને પોતાની મનપસંદ જગ્યા એવી બાલ્કનીમાં જઈને બેઠી. કેટલીય વાર સુધી તેને સવારનુ દ્રશ્ય આંખો સમક્ષ દેખાઈ રહ્યું હતું .તે ઉભી થઇ અને પોતાની અલમારીમાંથી એક લાકડાની પેટી કાઢી . પેટીમાં ઘણી બધી વસ્તુઓ હતી એ બધી જ એક પછી એક કાઢીને તેની નીચે રહેલી એક ડાયરી હાથમાં લીધી.

ડાયરીનુ કવર પેજ તેણે ફેરવ્યું અને મુખ્ય પેજ જોયું . કેટલી સુંદર લખાવટ હતી અને તેનાથી પણ સુંદર તેના શબ્દો.

"તું એટલે મારી જીંદગીનો એવો અહેસાસ કે જેને અનુભવવા માટે મારે કોઈ કારણની જરૂર નથી"

માહીએ એ શબ્દો ફરીથી વાંચ્યા અને તેની આંખમાંથી એક આંસુ પડીને એ પત્તા પર પડ્યું. પોતાની એકાંત જિંદગીમાં તેણે આ ડાયરી કેટલી વાર વાંચેલી હતી છતાં પણ આજે ફરીથી તેને વાંચવા માટે હાથમાં લીધી ‌.તેની અત્યાર સુધીની જિંદગીમાં સૌથી સુંદર પળો આ ડાયરીમાં કેદ હતી .તેની એકાંત જિંદગીનો એ જ તો સહારો હતી .

(શું હતો માહિનો ભૂતકાળ? શું હતું ડાયરીમાં? બેંકમાં જોયેલી વ્યક્તિ સાથે મહિનો શું સંબંધ હતો ?જોઈએ નવલકથાના આગળના ભાગોમાં)

વાચકમિત્રો ! આ મારી બીજી નવલકથા છે . આશા રાખું છું કે આપને પસંદ આવશે અને તેને પણ મારી પ્રથમ નવલકથા અજનબી હમસફર" જેટલો જ પ્રેમ આપશો. રેટિંગ અને આપના પ્રતિભાવો આપવાનું ચૂકતા નહીં .

બીજા રસપ્રદ વિકલ્પો