Featured Books
શ્રેણી
શેયર કરો

Destiny Part: - 5 (‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’) - છેલ્લો ભાગ

Destiny Part: - 5

( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’)

“ભાઈ એક ચા આપો.” પાર્થએ ચાનો ઓર્ડર આપતા કહ્યું.

“હાં,બેસો બને જ છે.” ચા-વાળા ભાઈએ કહ્યું.

“આજે તો તમારા મિત્રના ભાઈની સગાઈ છેને.?” ચા-વાળા ભાઈએ ચા આપતા કહ્યું.

“હાં,આજે બપોર પછી ત્યાં જ જવાનું છે.” પાર્થએ કહ્યું.

----------------------------------------------------------------------------------------------------------

ઓનલાઇન ઓર્ડર કરેલી કોઈ વસ્તુ જ્યાં સુધી આપણને મળી નથી જતી,ત્યાં સુધી આપણી ઉત્સુકતા ચરમ પર હોય છે.લગભગ દિવસમાં અઢળક વાર આપણે તે પાર્સલ કેટલે પોહચ્યું છે તેની જાણ લેતા હોઈએ છીયે.ખરેખર ભગવાનએ માણસમાં જે ભાવનાઓ રાખેલી છે તેની તો વાત જ કઇંક અલગ છે,અને તેમાં પણ સૌથી ગજબની કોઈ ભાવના હોય તોતે છે ધીરજ.આજે વ્યક્તી પોતાની ધીરજ ગુમાવી બેઠો છે.ધંધો શરૂ કરતાની સાથે જ હજારોના વ્યાપાર થવા લાગે તેવી આશામાં જ દિવસ ટુકાવે અને પછી જ્યારે પોતાની અપેક્ષા મુજબ ધંધો ના થાય ત્યારે દુકાન બંધ કરવા નીકળી પડે.આપણાં શાસ્ત્રમાં લખ્યું છે કોઈ પણ ધંધામાં ૧૨ મહિના સુધી નફો-નુકશાન,લાભ-ગેરલાભ આ બધુ ભૂલી માત્ર અને માત્ર મહેનત કરો.૧૨ મહિના મહેનત અને જો ધંધો મોકાનો નીકળ્યો તો જિંદગી આખી લીલાલહેર.જુવાનીયા પાસે ધીરજ શબ્દની અપેક્ષા એટલે રણમાં પાણીની દુકાન શોધવી બરાબર છે.છોકરી કદાચ ભૂલથી પણ ‘hi’ મૂકી દે,તો ન જોવાના સપના જોવા લાગે.પરીક્ષા આપ્યા બાદ રિજલ્ટની રાહ જોવી તો જાણે શકય જ નથી.ભલે ને પેપર ગમે તેવું ગયું હોય,પરંતુ પરિણામ તો મારી ઈચ્છા મુજબ આવું જોઈએ નહિતર ન કરવાનું કરી બેસે.પાર્થ પણ આવી ધીરજવિહીન પળમાથી પસાર થઈ રહ્યો હતો.પહેલા રવિવારની રાહ અને હવે ક્યારે બપોર થશે તેની રાહ.આ બધાથી કંટાળી અને પાર્થ પોતાના ઘરે પહોચ્યો,તેને જોયું,હજુ ૧૧ જ વાગ્યા છે અને વૈભવના ઘરે ૩ વાગ્યે જવાનું છે.હજુ આ ૪ કલાક જે પાર્થ માટે ૪ મહિના જેવા બની ગયા હતા તે કઈ રીતે પસાર કરવા તે પાર્થ વિચારી રહ્યો હતો,એટલામાં પાર્થની નજર તેમના ઘરમાં આવેલા હીચકા પર પડી.ઘરના આંગળામાં આવેલા હીચકા પર પાર્થ બેઠો અને ગહન વિચારમાં ડૂબી ગયો.પાર્થ વિચારવા લાગ્યો કે જ્યારે તે મીનીને મળશે ત્યારે કઈ રીતે તે બંનેની વાત થશે,પછી તેને વિચાર્યું મીની તેની સાથે વાત કરશે,તેને પાર્થ ગમશે,મીનીનો પહેલાથી જ કોઈ બોય-ફ્રેન્ડ હશે તો.આવા તો અવનવા હજારો વિચાર પાર્થ કરી રહ્યો હતો એવામાં કોઈએ પાર્થના વિચારોમાં વિક્ષેપ ઊભો કર્યો..

“સિંગલ રાજા માત્ર અને માત્ર વિચાર કરવાથી કઈ નથી થતું,જીવનમાં કઈ કરવું પડે તો જ કઇંક મળે છે.”મલ્હારએ પાર્થના દિમાગમાં ઊભી થયેલી અસમંજસ અને વિચારોના વેગને જાણે એક ઝાટકે થાંભી લીધા.

“દાદા તમને કઈરીતે ખબર હું કઈ વિચારી રહ્યો છું.”આમતો પાર્થ આટલી વારથી તેની આસપાસ શું થઈ રહ્યું છે તેને ગૌણ કરી રહ્યો હતો.પરંતુ અચાનક મલ્હારના આ વાક્યે પાર્થને જાગૃત કરી મૂક્યો.

“આ ઉમરમાં આવી રીતે બેઠેલો છોકરો ૨ જ વસ્તુ વિચારી શકે.એક નોકરી અને બીજું છોકરી.નોકરીની તારે હજુ વાર છે, એટલે નક્કી વાત છોકરીની છે.” મલ્હારએ જાણે જ્યોતિષની જેમ તારણ કાઢી અને પાર્થને હલાવી દીધો.

“દાદા ગજબ હાં.તમે ખરેખર જ્યોતિષનું ચાલુ કરો ચાલશે જ ચાલશે.” પાર્થ મલ્હારની વાતોથી અત્યંત પ્રભાવિત થઈ ગયો.

“બેટા તારા બાપાનો પણ હું બાપ છું.હવે આ બધુ બાજુ પર મૂક અને બોલ વાત શું છે.” મલ્હારએ કહ્યું.

પહેલા તો પાર્થ વાતની શરૂવાત ક્યાથી કરું,અને શું કરું એમાં જ અટવાયો હતો.એટલે મલ્હારએ કહ્યું. “બેટા છોકરીનું નામ શું છે.?”

“મીની” પાર્થએ તરત કહ્યું.

“મીની આવા તે કઈ નામ હોય.” મલ્હારએ કહ્યું.

“હાં.એટલે આ એનું ઘરનું નામ છે.સાચું નામ તો મને પણ નથી ખબર.”પાર્થએ કહ્યું.

“નામ નથી ખબર.તો તમે બંને જણા એકબીજાને ઓળખતા નથી.” મલ્હારએ પૂછ્યું.

“ના એવું નથી.હું એને ઓળખું છું,એ મને નથી ઓળખતી.” પાર્થએ કહ્યું.

“તું ઓળખે છે,એ નથી ઓળખતી.શું છે કઈ નથી સમજાતું.એક કામ કર આખી વાત કર.”મલ્હારએ કહ્યું.

મલ્હારની વાત સાંભળી અને પાર્થએ આખી વાત કહેવાની શરૂવાત કરી.કઇ રીતે મીની તેને સૌથી પહેલા ક્રિકેટના ગ્રાઉંડમાં મળી,ત્યારે મીની સાથે રહેલા કુતરાને લીધે પાર્થ મીની પાસે જઈ અને વાત ના કરી શક્યો.ત્યારબાદ મીની તેને પાણીપૂરી ખાતી જોવા મળી,ત્યારે પાર્થ અને વૈભવની મગજમારીમાં મીની ત્યાંથી પાણીપૂરી ખાઈ અને જતી રહી.બીજા દિવસે વૈભવએ આવી અને જણાવ્યુ કે મીની ની મોટી બહેન સાથે વૈભવના ભાઈની સગાઈ નક્કી થઈ છે અને આ રવિવારે વૈભવના ઘરે સગાઈનો કાર્યક્ર્મ રાખેલો છે.આ સગાઈમાં મને પણ આમંત્રણ મળેલું છે,અને હવે મને ચિંતા છે કે કઈરીતે મીની સાથે વાત કરીશ.મલ્હાર પાર્થની આખી વાત સાંભળ્યા પછી જોરજોરથી હસવા લાગ્યો.મલ્હારને હસતો જોઈ અને પાર્થ બોલ્યો..

“દાદા હું ટેન્શનમાં છું અને તમે હસો છો.”પાર્થએ નિરાશ થતાં-થતાં કહ્યું.

“હાં તો તારી વાત જ ગાંડા જેવી છે.આમાં ટેન્શન જેવુ છે શું.? અને સૌથી પહેલી વાત મીનીને તો એ પણ ખબર નથી કે પાર્થ ઝવેરી તેના પ્રેમમાં પડી અને હીચકા પર બેઠા-બેઠા બીજાની સગાઈમાં જઈ અને પોતાના લગ્નના સપના જોવે છે.મને લાગે છે તે તો તારા લગ્નનું મેનૂ પણ નક્કી કરી લીધું હશે.”મલ્હારએ પાર્થની મજાક કરતાં કહ્યું.

“દાદા તમને શરમ આવે છે.એક તો પહેલીવાર મને લાગે છે મારા માથે રહેલું આ સિંગલનું ટેગ હટશે અને તમે..” પાર્થ ઉદાસ થતાં કહ્યું.

“બેટા આમાં ચિંતા કરવા જેવુ કઈ જ નથી.જો હું તને એમ ખોટા આશ્વાસન નથી કહેતો કે મીની અને તારી મૈત્રી થઈ જશે.પણ હાં જો તને મીની ખરેખર આટલી જ ગમે છે અને તેના માટે તારા ર્હદયમાં સાચે જ કઈ હશે,તો લખી રાખ તારી અને મીનીની વાત અને મુલાકાત થશે જ થશે.”મલ્હારએ પાર્થને હીમત આપતા કહ્યું.

“દાદા તમે આટલા વિશ્વાસથી કઈ રીતે કહો છો કે મારી અને મીનીની વાત અને મુલાકાત થશે જ થશે..?”પાર્થ પૂછ્યું.

“અનુભવ બેટા અનુભવ.”મલ્હારએ કહ્યું.

“અનુભવ એટલે તમારી અને મેઘા ઝવેરીની પણ મુલાકાત થઈ હતી.?” પાર્થએ ઉત્સુકતાની સાથે પૂછ્યું.

“હાં તો.પેલો ઓર્ડર અમને મળ્યો તે માત્ર અને માત્ર મેઘા એટલે કે તારી દાદીના લીધે જ મળ્યો.” મલ્હારએ પાર્થને ચોકાવતાં કહ્યું.

“શું..?પણ દાદા મારી દાદીનું નામ તો માલતીબેન છે.” પાર્થએ કહ્યું.

“આપણાં ઘરમાં કઇંક અલગ જ પ્રથા વર્ષોથી ચાલે છે.લગ્ન પછી નવી વહુ જે ઘરમાં આવે એટલે વહુની સાસુમાં તેનું નવું સાસરા પક્ષનું નામ રાખે.મારી માં એ પણ આજ પ્રથા મુજબ મેઘા નું નામ માલતી કરી નાખ્યું.પરંતુ હું તો તેને મેઘા જ કહીને બોલાવતો.તારા જન્મના ૧ વર્ષ પહેલા મેઘા મલ્હાર અને આ દુનિયા બંનેને છોડીને જતી રહી.” મલ્હારએ કહ્યું.

“શું વાત કરો છો દાદા.તો તમે વાર્તાની શરૂવાતમાં જ કેમ ના કહ્યું કે મેઘા ઝવેરી જ મારી દાદીમાં હતા.”પાર્થએ કહ્યું.

“ગાંડા ત્યારે કહ્યું હોત તો,તને વાર્તા સાંભળવાની આટલી મજા ના આવી હોત.” મલ્હારએ કહ્યું.

“ભલે હો.હવે વાર્તા કહેવાનું ચાલુ કરો.આમપણ મારે ૩ વાગ્યે સગાઈમાં જવાનું છે.ત્યાં સુધી મારાથી નહીં રહેવાય.એના કરતાં સારું છે તમે મને વાર્તા કહો.” પાર્થએ કહ્યું.

“વાર્તા કહેવાની પ્રથા તો રાતની નથી.?”મલ્હારએ મસ્તી કરતાં કહ્યું.

“કાલ રાતની તમારી વાર્તા પૂરી થયા પછી મારા મનમાં અનેકો સવાલ ઊભા થયા.અને હવે આ મેઘા ઝવેરી જ મારી દાદીમા છે એ વાત સાંભળ્યા પછી મનમાં ઊભા થયેલા અનેકો સવાલો માં એક સવાલ વધુ જોડાય ગયો.હવે જલ્દી-જલ્દી કહો તમને કઈ રીતે ખબર પડી જનકકાકા મોહનઝવેરીના સંપર્કમાં છે અને તેવો તમને અને મૂળજીભાઈ બંનેને દગો આપી રહ્યા છે.બીજું મોહન ઝવેરીને તમારી કંપનીના ભાવ કઈ રીતે ખબર પડ્યા.ત્રીજું આ બધુ તમારી વિરુદ્ધ હોવા છતાં તમને આટલો મોટો ઓર્ડર મળ્યો કઈ રીતે.અને ચોથું અને સૌથી અગત્યનું મેઘા ઝવેરીએ આમાં તમારી શું મદદ કરી,જેથી તમને આ ઓર્ડર જ નહીં પરંતુ મેઘા ઝવેરી પણ મળી ગઈ.” પાર્થ જાણે હવે મીની વિશે બધુ ભૂલી જ ગયો હતો.તેને હવે માત્ર મલ્હારની વાર્તા કોઈપણ ભોગે સાંભળવી હતી.

“વાહ તે વાર્તા બહુ ધ્યાનથી સાંભળી લાગે છે.” મલ્હારએ ફરી પાર્થની મસ્તી કરતાં કહ્યું.

“દાદા કહોને આગળની વાર્તા.” પાર્થ આજીજીના ભાવે બોલ્યો.

“રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની કમિટી પોતાના નિર્ણય સાથે તૈયાર છે.દરવર્ષે ઘણી બધી કંપની આ ઓર્ડર માટે પોતાની દાવેદારી આપે છે. રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની ગુણવતા વાળી ટીમ આ બધી કંપનીના નમૂના પરથી નક્કી કરી કરે છે કે કઈ કંપની રોયલ ગ્રુપ ઓફ ડાયમંડનો ઓર્ડર મેળવવા માટે સક્ષમ છે.ગુણવતા વાળી ટીમએ આ વર્ષે ૪૯ હીરાની કંપની માથી ૬ કંપનીની પસંદગી કરી હતી.આ ૬ કંપનીએ રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની કમિટી પાસે પોતાના હીરાના ભાવ અને ડિલિવરીના સમયવાળી ફાઇલ રાખી હતી.હીરાના નમૂના(Sample)ની ગુણવતા,તેમના ભાવ(Rate) અને કેટલા સમયમાં ઓર્ડરની ડિલિવરી થશે, તેના આધારે પર રોયલ ગ્રુપ ઓફ ડાયમંડની કમિટી આ વર્ષે આ ઓર્ડર જેમને આપ્યો છે,તે કંપનીનું નામ છે... “કિંગ ઓફ ડાયમંડ” જેમના માલિક છે “મૂળજીભાઈ”.હું મૂળજીભાઈને વિનંતી કરીશ તેવો સ્ટેજ પર આવે અને આ ઓર્ડરના કાગળ પર હસ્તાક્ષર કરે.જેવી આ જાહેરાત થઈ એટલે હું જનક પાસે ગયો અને તેના કાનમાં બોલ્યો.. “તારા અને મોહનઝવેરીના ચહેરાના હાવભાવ પરથી લાગે છે,તમારા પગ નીચેથી જમીન ખસકી ગઈ.” મલ્હાર બોલી રહ્યો હતો અને વચે પાણી પીવા અટક્યો.

“દાદા આ બહુ કાલે કહી ચૂક્યા છો.હવે આના પછી નું કહો.”પાર્થએ કહ્યું.

“હાં ભાઈ કહું છું.” મલ્હારએ આટલું કહી અને વાર્તા આગળ કહેવાની શરૂ કરી.

-----------------------------------------------------------------------------------------------------------

રોયલ ગ્રુપ ઓફ ડાયમંડનો ઓર્ડર મૂળજીભાઈની કંપની કિંગ ઓફ ડાયમંડને મળી ગયો હતો.દરરોજની જેમ હું મારી સૌથી ગમતી જગ્યા એટલે જુ-ચોપાટી પર જઈ અને દરિયામાં ઊછળી રહેલા મોજાનો આનંદ લઈ રહ્યો હતો.બહુ દિવસ પછી મારા મનના વાતાવરણમાં શાંતિ મળી હતી.આ ઓર્ડરની કિમત અમૂલ્ય હતી અને આ ઓર્ડરથી મારૂ અને મૂળજીભાઈનું નહીં,પરંતુ કિંગ ઓફ ડાયમંડના હજારો કર્મચારીનું ભવિષ્ય જોડાયેલુ હતું.હું જ્યારે ભરપૂર આત્મવિશ્વાસની સાથે મૂળજીભાઈને કહેતો હતો કે આ ઓર્ડર આપણી કંપનીને જ મળશે.ત્યારે મારા મનમાં પણ એક ખૂણે ડર રહેલો હતો કે આ ઓર્ડર લેવામાં કઈ ગળબળ થઈ ગઈ અને ઓર્ડર અમારી કંપનીને ના મળ્યો તો.? પરંતુ છેલ્લે ભગવાને બધુ પાર પાડ્યું.ઓર્ડર પણ મળી ગયો અને મારૂ શેઠ બનવાનું સપનું પણ પૂરું થવા જઈ રહ્યું હતું.આ બધી ખુશી વચે દુખ બસ એ વાતનું હતું,મેઘા હજુ નહતી મળી.મેઘા અદભૂત હતી,જો તે મળી જાય તો બધુ સુખ મળી ગયું એવું હતું.હું આ બધા વિચારોમાં ડૂબેલો અને ઊછળી રહેલા મોજાનો આનંદ લઈ રહ્યો હતો,એટલામાં મને પાછળથી મારા નામનો અવાજ સંભળાયો.અવાજ જાણીતો હતો પરંતુ કોઈ સ્ત્રીનો હતો એટલે હું પાછળ ફર્યો...

“મેઘા.” મલ્હારએ કહ્યું.

“હાં,હું.મારે તને એક વાત કહેવી છે.” મેઘાએ કહ્યું.

“હાં મેઘા બોલ.” મલ્હારએ કહ્યું.

“શું તું મારી સાથે લગ્ન કરીશ.?” મેઘાએ કહ્યું.

મેઘાની આ વાત સાંભળી અને મલ્હાર ચોંકી ઉઠ્યો.મલ્હારને સમજાયું નહીં કે આ તેની સાથે શું થઈ રહ્યું છે.ભગવાન જાણે એકીસાથે તેના પર મહેરબાન થઈ ગયા હતા,તેવું મલ્હારને લાગી રહ્યું હતું.હજુ મલ્હાર મેઘાને કહી કહેવા જાય એટલામાં પાછળથી મોહન ઝવેરી અને જનક મલ્હારની પાસે આવી રહ્યા હતા.

“મલ્હાર શું રમત રમી છે તે.?” મોહનઝવેરીએ મલ્હાર પર રૂવાબથી અને અત્યંત ગુસ્સામાં સવાલ તાક્યો,અને જનક મોહનભાઈની પાછળ પોતાની આંખો નીચે કરી અને ઊભો રહ્યો.

“આવો આવો મોહનભાઈ,કેમ છો તમે.? અને મારો ભાઈ મારો જીગરજાન મિત્ર જનક પણ આવ્યો છે.આવો તમે પણ આવો જનક શેઠ.” મલ્હારએ જાણે કટાક્ષના સ્વરમાં મોહનઝવેરી અને જનકને આવકારો આપ્યો.

“મલ્હાર આ બધી ચાગલાઈ મારી પાસે ના કરીશ.પૂછ્યો એનો સીધો જવાબ આપ,આ ઓર્ડર તમારી કંપનીને કઈ રીતો મળ્યો.તે અને મૂળજીએ શું રમત રમી છે.?”મોહનઝવેરીએ ફરી મલ્હારને એ જ સવાલ કર્યો,પરંતુ આ વખતે અવાજમાં ગરમી થોડી વધી ગઈ હતી.

હજુ તો મલ્હાર અને મોહનભાઈની વાત આગળ વધે તે પહેલા મલ્હારએ જોયું કે પાછળથી મૂળજીભાઈ અને તેમની કંપનીનો મેનેજર આવી રહ્યા હતા.હવે જુ-ચોપાટી પર મેઘા,મોહનઝવેરી,જનક પટેલ,મૂળજીઝવેરી અને મૂળજીઝવેરી નો મેનેજર.આમ બધા મલ્હારની વાત સાંભળવા માટે ઉપસ્થિત હતા.હજુ મલ્હાર કઈ બોલે તે પહેલા મૂળજીભાઈ બોલ્યા.

“મોહન મારા ભાઈ,શું થયું કેમ મારા કર્મચારી પર ગુસ્સો કરે છે.” મૂળજીભાઈએ પણ મોહનભાઈની થોડી મજાક કરી.

“આવ મૂળજી આવ.તને શું લાગે છે આ ઓર્ડર મળી ગયો એટલે તું રાજા બની ગયો.ભૂલીશ નહીં મારૂ નામ મોહનઝવેરી છે,આવા હજારો ઓર્ડર મારી અને મારી કંપની પાસે છે.” મોહનઝવેરીએ કહ્યું.

“હા..હા..હા. મોહન મારા ભાઈ અમે ક્યારે તારી કંપનીને નાની માની જ નથી.રોયલ ગ્રુપ ઓફ ડાયમંડના ઓર્ડરને મૂકીને બીજા બધા ઓર્ડર મેળવાની તારામાં અને તારી કંપનીમાં ભરપૂર શક્તિ રહેલી છે.હવે અમને આ રોયલ ગ્રુપ ઓફ ડાયમંડનો સૌથી મોટો ઓર્ડર મળ્યો,એના પેડા ખા.” મૂળજીભાઈ ફરી મોહનને યાદ અપાવ્યું કે ઓર્ડર તેમની કંપની કિંગ ઓફ ડાયમંડને મળ્યો છે.અને સાથે પોતાના મેનેજરને કહ્યું કે તે મોહનભાઈને પેડા આપે.

“નથી ખાવા મારે પેડા,મૂળજી પહેલીવાર મોહનને કોઈએ માત આપી છે.એટલે જ હું હોટલથી સીધો અહિયાં આવ્યો છું.મલ્હાર આખરે એવી તે કઈ રમત રમી ગયો કે ઓર્ડર જે તમારી કંપનીને મળવો અશક્ય હતો એ શક્ય બન્યો.” મોહનઝવેરીના આ વાક્ય પરથી તેને પોતાની હાર સ્વીકારી હોય તેવું મલ્હારને લાગ્યું.

હજુ મલ્હાર કઈ બોલે તે પહેલા જનક બોલ્યો.“મોહનભાઈ બીજું કઈ નહીં આ જાદુ છે.મલ્હારનો જાદુ.” જનકએ મોહનભાઈની પાછળથી હટી અને મલ્હારની બાજુ પર ઊભા રહેતા કહ્યું,સાથે આ વખતે તેની આંખો નીચે નહીં પરંતુ મોહનઝવેરીની આંખોમાં આંખો નાખીને જોઈ રહી હતી.

જનકએ જેવુ આવું કર્યું એટલે મોહનઝવેરીને જોરદાર ઝટકો લાગ્યો.થોડીવાર મોહનઝવેરી કઈ બોલ્યા નહીં માત્ર મલ્હાર અને જનકને જોઈ રહ્યા.

“મોહનભાઈ જાદુ ખાલી તમે જ કરી શકો છો એવું નથી.મારૂ નામ પણ મલ્હાર ઝવેરી છે.જ્યારે પહેલી વખત મેઘા મારા અને જનક પાસે તમારી ધંધામાં ભાગીદારી વાળી ઓફર લઈ અને આવી હતી.ત્યારે જ મારા મનમાં આ યોજના આવી હતી કે સિંહના શિકાર માટે બકરીને આગળ લાવ્યે તો.એટલે આ રોયલ ગ્રૂપ ઓફ ડાયમંડના મોટા ઓર્ડરને મૂળજીભાઈની કંપનીને અપાવા માટે હું અને જનકો તમારી સાથે રહી અને મૂળજીભાઈની કંપનીની બધી ખોટી માહિતી તમને આપતા રહીએ અને તમારી કંપનીની બધી સાચી માહિતી મૂળજીભાઈની કંપનીને આપીએ તો.પરંતુ પછી અમને વિચાર આવ્યો કે જો અમે આવું કઈ કર્યું અને મૂળજીભાઈને ખબર પડી તો મૂળજીભાઈને એ વાતનો વિશ્વાસ કરાવો બહુ અઘરો થઈ પડશે કે અમે મોહનઝવેરીને બધી માહિતી ખોટી આપી રહ્યા છીયે.” મલ્હારએ મોહનઝવેરીને કહ્યું.

“જેને હીરાની બજારનો કિંગ માનવામાં આવે છે,એવા મૂળજીભાઈનું નામ એકાએક મુંબઈના હીરા બજાર માથી લુપ્ત થવું,આ વાત ગળે નહતી ઉતરી રહી.જ્યારે હું હીરાના બજારમાં અચાનક મૂળજીભાઈની આવી હાલત કઈ રીતે થઈ,તેનું તારણ કાઢી રહ્યો હતો.ત્યારે એક વાત મને ખટકી.લગભગ બધી મોટી કંપની જેમની સાથે મૂળજીભાઈ વર્ષોથી ધંધો કરે છે,તેમણે છેલ્લા એક જ વર્ષમાં મોહનભાઈની કંપની સાથે ધંધો કરવાનું શરૂ કર્યું હતું.મોટા-મોટા બધા ઓર્ડર મોહનભાઈને મળવાનું એક માત્ર કારણ હતું,મૂળજીભાઈની કંપનીના હીરાના ભાવ મોહનભાઈની કંપની કરતાં મોંઘા હતા.બાકી દરવખતે હીરાના નમૂના(Sample) લગભગ-લગભગ બંને કંપનીના એક જેવા જ હતા.” જનકએ કહ્યું.

“જ્યારે જનકાએ મને આ વાત આવીને કહી ત્યારે મારૂ દિમાગ પણ એ બાજુ ચાલ્યું.જનકાની વાત પર અમે વિચાર કરી રહ્યા હતા,એટલામાં મને બીજી એક વાત જે ખૂબ જ અજીબ લાગી હતી.એ એટલે મૂળજીભાઈએ હજુ તો સવારે જ મને અને જનકને રોયલ ગ્રુપ ઓફ ડાયમંડના સૌથી મોટા ઓર્ડરની જવાબદારી શોપી અને બપોરે મેઘાએ અમને તમારી કંપનીમાં ભાગીદાર થવાની ઓફર પણ આપી દીધી.આટલી જલ્દી મોહનભાઈને ખબર કઈ રીતે પડી કે આ ઓર્ડરમાં મૂળજીભાઈ પોતે નહિઁ પરંતુ નવા આવેલા બે છોકરા પર ભરોસો રાખી અને ઓર્ડર મેળવાની જવાબદારી શોપી રહ્યા છે.હું અને જનકો આ બંને વાત લઈ અને મૂળજીભાઈ પાસે ગયા.થોડીવાર મૂળજીભાઈએ કઈ ના બોલ્યા અને પછી તેમણે કહ્યું..

“નક્કી આમાં આપણી કંપનીનો કોઈ વ્યકતી મોહનઝવેરી સાથે મળેલો છે.નહિતર બધા ઓર્ડરમાં આપણે માત્ર ભાવના લીધે જ પાછળ રહી જઈએ એવું શક્ય નથી.આપણી કંપનીનો કોઈ માણસ આપણાં બધા નિર્ણયો અને આપણી કંપનીની જાણકારી મોહનઝવેરી સુધી પોહચાડે છે.હવે આપણે એવી કોઈ યોજના બનાવી પડશે જેનાથી આપણે એ દગાબાજ વ્યકતીને પણ શોધી કાઢયે અને આ ઓર્ડરને પણ મેળવી લઈએ.”મૂળજીભાઈએ કહ્યું.

“મૂળજીભાઈની વાત સાંભળ્યા પછી અમે યોજના બનાવી.જે યોજના મુજબ જનકને તમારા પક્ષમાં મોકલવાનું નક્કી થયું.જનક તમારી સાથે રહી અને તમને એવી અનુભતી આપતો રહે કે ઓર્ડર તમારો છે.જ્યારે બીજું બાજુ તમે એ ભ્રમમાં રહો કે જનકો તમારી બાજુ છે એટલે તમે આ ઓર્ડરની રમતમાં બહુ જ આગળ છો અને અમે પાછળ.પરંતુ આ યોજના રચવાનું મુખ્ય કારણ હતું કે સાચા વિભિક્ષણને શોધી શકાય.” મલ્હારએ કહ્યું.

“સાચો વિભિક્ષણ એટલે.?” મેનેજરએ પૂછ્યું.

“સમજાવું.” આટલું કહી અને મૂળજીભાઈએ જોરદાર તમાચો મેનેજરના ગાલ પર માર્યો અને ફરી આગળ બોલ્યા. “જે થારીમાં ખાધું એમાં જ છેદ કરતાં તને શરમ ના આવી.મેનેજર તો કર્મચારીઑ માટે હતો તો,બાકી તને આ કંપનીના માલિકનો દરજ્જો આપ્યો હતો. નાના ભાઈની જેમ તને સાચવ્યો હતો,છતાં મારી સાથે જ ગદારી અને છેતરપિંડી કરી.” મૂળજીભાઈએ કહ્યું.

“મોહનભાઈ ઝટકા નંબર ૨.” જનકએ કહ્યું.

મોહનઝવેરી હજુ પહેલો ઝટકો “જનક મલ્હારની સાથે જ હતો”.એ વાત પરથી બહાર આવ્યા નહતા,ત્યાં બીજો ઝટકો “મેનેજર પણ મોહનભાઈની સાથે છે એ વાત મલ્હાર અને મૂળજીભાઈને ખબર હતી” તે લાગ્યો.

“શું કામ તે મારી સાથે આવું કર્યું.” મૂળજીભાઈએ ફરી મેનેજરને પૂછ્યું.

“આટલા વર્ષોથી તમારી કંપનીમાં કામ કરું છું. મને થયું જે કંપની માટે આખી જિંદગી વેડફી નાખી,એ કંપની પાસે મારો હક માંગવો જોઈએ.જ્યારે તમને કહ્યું કે મને આ કંપનીમાં ભાગીદાર બનાવો.ત્યારે તમે કહ્યું કે “નોકર છો,નોકર રહો.શેઠ બનવાની જરૂર નથી.” ત્યારે મારૂ ખૂન ખોલી ગયું.આટલા વર્ષોની વફાદારી નું આ વળતર મને મંજૂર નહતું.તે દિવસે જ મનોમન નક્કી કર્યું કે હવે કઈ પણ થાય આ કંપનીને બંધ કરાવે છૂટકો.હું જ્યારે આ કંપની બંધ કેમ કરાવી તેની યોજના બનાવી રહ્યો હતો,ત્યારે મને મોહનભાઈ મળ્યા. તેમણે મને કહ્યું કે હું તેમની મદદ કરું તો તેવો મને તેમની કંપનીમાં ભાગીદારી આપવા તૈયાર છે.મને જે જોઈતું હતું તે મળી ગયું.પછી શું હતું એક પછી એક લગભગ બધા ઓર્ડર મોહનભાઈની કંપનીને મળતા ગયા.તમારી કંપનીને બંધ કરવાનું મારૂ અને મોહનભાઈનું સપનું બસ હકીકત થવાની ચરમસીમા પર હતું. આટલા ઓર્ડર અને સારા સારા બધા કર્મચારી મૂળજીભાઈ પાસેથી જતાં રહ્યા પછી ધીરે-ધીરે મૂળજીભાઈ કર્જામાં ડૂબવા લાગ્યા હતા.મને ખબર હતી મૂળજીભાઈની છેલ્લી આશા એક જ હતી,રોયલ ગ્રુપ ઓફ ડાયમંડનો સૌથી મોટો ઓર્ડર.આ વખતનો રોયલ ગ્રુપ ઓફ ડાયમંડનો ઓર્ડર મૂળજીભાઈને ના મળે,એટલે તેમની કંપની નક્કી બંધ થશે જ થશે,એ વાતની મને ખાત્રી હતી.બધુ બરાબર ચાલી રહ્યું હતું,એવામાં મૂળજીભાઈએ આખા ઓર્ડરની જવાબદારી જનક અને મલ્હારને શોપી દીધી.મને ખબર હતી મલ્હાર અને જનક આ ઓર્ડરમાં મારી ચાલવા નહીં દે,અને બધુ પોતાની મરજી મુજબ કરશે.ન કરે નારાયણ અને મલ્હાર અને જનક આ રોયલ ગ્રુપ ઓફ ડાયમંડના ઓર્ડરને મેળવામાં સફળ થઈ જાય,તો આટલી કરેલી મહેનત પર પાણી ફરી વડે.આટલા નજીક પોહચ્યાં પછી કોઈ પણ જાતનું જોખમ લેવું યોગ્ય નહતું.એટલે અમે નક્કી કર્યું કે મલ્હાર અને જનકને પણ અમારી સાથે લાવી દેવા જોઈએ.હવે મલ્હાર અને જનકને અમારી તરફ કઈ રીતે લાવા તેની યોજના હું બનાવી રહ્યો હતો એવામાં એક દિવસ મે,મલ્હાર અને જનકને વાતો કરતાં સાંભળ્યા.મલ્હાર જનકને કહી રહ્યો હતો કે “જેવો સમય આવે એટલે તરત મૂળજી ના મૂળા વહેચી અને મોહનની વાંસણી વગાડવા લાગીશું”.મલ્હારને મેઘા પસંદ છે,અને બંનેનું શેઠ બનવાનું સપનું પણ છે.બસ પછી શું હતું અમને જે જોઈતું હતું એ મળી ગયું.મોહનભાઈની યોજના મુજબ મેઘા મલ્હાર અને જનક પાસે આ ભાગીદારી વાળી ઓફર લઈને જશે.અમને ખાત્રી હતી કે મલ્હાર અને જનક આ ઓફરને સ્વીકારી લેશે.પરંતુ થયું ઊંધું,જનક આ ઓફર લેવા માટે માન્યો.પણ મલ્હારએ આ ઓફર માટે ના પાડી.આખી બાજી જાણે બગડી ગઈ હોય એવું અમને લાગી રહ્યું હતું.પરંતુ એક દિવસ અચાનક જનક મોહનભાઈની ઓફિસ પર પહોચ્યો અને મોહનભાઈનો સાથ આપવા અને મોહનભાઈની ઓફર સ્વીકારવા તૈયાર થયો.આમ અચાનક જનક આવ્યો,એટલે મને અને મોહનભાઈને થોડું અજીબ લાગ્યું.એટલે અમે નક્કી કર્યું કે જનકને એ વાતની ખબર નહીં પડવા દઈએ કે હું મૂળજીભાઈનો મેનેજર મોહનભાઈની સાથે છું,અને મૂળજીભાઈની કંપની બંધ થવા આવી છે એનું મુખ્ય કારણ હું જ છું.બધુ અમારી યોજના મુજબ જ ચાલી રહ્યું હતું.હીરાના નમૂના બનાવનાર કારીગર અને ત્યારબાદ હીરાના નમૂના અમને મળી ગયા.મૂળજીભાઈની તિજોરી માથી હીરાના ભાવ અને ડીલેવરીનો સમય વાળી ફાઇલ કાઢવી કોઈ મોટી વસ્તુ નહતી.સમય મળતા ફાઇલ માથી હીરાના ભાવ અને ડીલેવરીનો સમય જોઈ લીધા અને મોહનભાઈને બતાવી દીધા. આમ પણ હીરાના નમૂના બંને કંપનીના એક જ સરખા હતા.મોહનભાઈએ મૂળજીભાઈના હીરાના ભાવ અને ડીલેવરીનો સમય મુજબ પોતાની કંપનીના ભાવ અને સમય રાખી દીધા.બધુ સેટ થઈ ગયું હતું અને હવે આ ઓર્ડર કોઈ પણ ભોગે મૂળજીભાઈને મળવાનો નથી તેની ખાત્રી અમને થઈ ગયી હતી.આ ઓર્ડર તેમની કંપનીને ના મળે એટલે તેમની કંપની બંધ થવાની હતી એ વાત પણ નક્કી હતી.બધુ બરાબર ગોઠવાય ગયું હતું,મારૂ અને મોહનઝવેરી નું સપનું બસ પૂરું જ થવા જઈ રહ્યું હતું.પરંતુ છેલ્લી ઘડીએ આ મલ્હાર અને જનકએ આખી રમત આખી બાજી પલટી નાખી.” મેનેજરએ આખી રામકથા કહી સંભળાવી.

“મેનેજર સાહેબ તમને શું લાગે છે,આ હીરાના નમૂના,હીરાના ભાવ અને ડીલેવરીનો સમય બધુ એમજ તમને નહતું મળ્યું.અમારી યોજના મુજબ હું જાતે જ નમૂના બનાવનાર કારીગરોને મોહનભાઈ પાસે લઈ ગયો.ત્યાં જઈ અને મોહનભાઈને કહ્યું કે આ કામદારો ત્રણ ગણા ભાવની માંગણી કરે છે જેથી આ રોયલ ગ્રુપ ઓફ ડાયમંડના ઓર્ડરમાં રોકવા માટે મોહનભાઈના પૈસા અમને કામ લાગે.કામદારોએ મૂળજીભાઈ અને મોહનભાઈની કંપનીના હીરાના નમૂનામાં હાથી અને ઘોડા જેટલો ફર્ક રાખ્યો હતો.અને રહી વાત હીરાના ભાવ અને ડીલેવરીના સમયની,તો અમે સામે ચાલીને તને ખોટા ભાવ અને ડીલેવરીનો સમય લેવા દીધા.જેથી તું મોહનઝવેરી પાસે જઈ અને તેમના ભાવ નક્કી કરાવે.” જનકએ કહ્યું.

“ જનક તે આ સારું નથી કર્યું,મોહનઝવેરી સાથેની આ દગાબાજી તને બહુ મોંઘી સાબિત થશે.મોહનઝવેરી પોતાના દુશ્મનને એક વખત માફ કરી શકે છે.પરંતુ દગાબાજને જીવતો નથી રહેવા દેતો.” મેનેજરએ કહ્યું.

“મોહનભાઈ તમને લાગી રહ્યું હતું આખી રમત તમે હેન્ડલ કરી રહ્યા છો.શતરંજના બધા પ્યાદા તમે તમારી મરજીથી વાપરી અને ગોઠવી રહ્યા છો.પરંતુ તમે ભૂલી ગયા કે શતરંજમાં રાજા જેટલું જ મહત્વ,વજીરનું પણ હોય છે.તમારી તરફનો વજીર જનકો પણ મૂળજીભાઈનો હતો અને મૂળજીભાઈ તરફથી તેમનો વજીર એટલે હું મલ્હાર ઝવેરી.હું પણ મૂળજીભાઈ તરફ જ હતો.” મલ્હારએ કહ્યું.

“એક વાત હજુ નથી સમજાય રહી.હું મોહનઝવેરી સાથે છું,આ વાત તમને લોકોને કઈરીતે ખબર પડી.કારણકે જનક મોહન ઝવેરી પાસે આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી હું અને મોહન ઝવેરી મળ્યા જ નથી.” મેનેજરએ આશ્ચર્યની સાથે પૂછ્યું.

“મોહનભાઈ તૈયાર છો,ઝટકા નંબર ત્રણ માટે.? કારણકે આ ઝટકો તમારા જીવનનો સૌથી મોટો ઝટકો હશે.” જનકએ મોહનઝવેરીની સામે જોઈને પૂછ્યું.

“જનક તારી તો હું બરાબરની વારી લઇશ.મલ્હાર મને પહેલા એમ કે તમને લોકોને ખબર કઈ રીતે પડી કે મેનેજર જ વિભિક્ષણ છે.એટલે કે એના લીધે જ મૂળજીભાઈની કંપની બંધ થવા આવી ગઈ છે.” મોહનઝવેરીએ કહ્યું.

“મોહનભાઈ વિભિક્ષણ માત્ર અમારા જ પક્ષમાં નહિ,પરંતુ તમારા પક્ષમાં પણ છે.” મલ્હારએ કહ્યું.

“શું એટલે અમારી બધી વાતો પણ તમને ખબર પડી રહી હતી.મારી કંપનીમાં કોણ છે વિભિક્ષણ..?” મોહનઝવેરી કહ્યું.

“પપ્પા તમારી કંપનીમાં હું છું વિભિક્ષણ.” કેટલી વારથી ચૂપ ઊભેલી મેઘાએ કહ્યું.

“મેઘા તું ..” મોહનભાઈને જાણે સાચે ૪૪૦ વૉલ્ટનો ઝટકો લાગ્યો.

“હા હું.પપ્પા હું હમેશા તમારા આ છેતરપિંડીથી ઓર્ડર મેળવાની રીતથી વિરુદ્ધ રહી હતી.હજારો વખત તમને સમજાવ્યા,પરંતુ તમારા માથે હીરાના વ્યાપારમાં કિંગ બનવાનો અલગ જ જુનુન ચડ્યો હતો.જ્યારે તમે મને કહ્યું કે મલ્હારને હું પસંદ છું અને જો હું મલ્હાર પાસે જઈશ તો,તે તમારી ઓફર લેવા માટે માની જશે.ત્યારે મને થયું કે મલ્હાર પણ તમારા જેવો જ છેતરપિંડી કરનારો વ્યકતી છે.પરંતુ જ્યારે મલ્હારએ ઓફરનો અસ્વીકાર કર્યો અને ગાડી માથી ઉતરી અને જનકને સમજાવી રહ્યો હતો કે શા માટે તેમણે આ ઓફર ના લેવી જોઈએ.અને આગળ મલ્હારએ જનકને કહ્યું કે મૂળજીભાઈ આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા અને તેને મૂળજીભાઈને વચન આપ્યું છે કે હવે કોઈપણ ભોગે આ ઓર્ડર મૂળજીભાઈને અપાવશે.ત્યારે મને થયું કે મલ્હાર એવો વ્યકતી નથી જેવો હું ધારી રહી છું.એટલે હું ત્યારે ત્યાંથી મલ્હાર અને જનકનો નિર્ણય સાંભળ્યા વગર જતી રહી.પાછળથી જ્યારે જનક પપ્પાને મળવા આવ્યો ત્યારે મને થયું કે જનક મલ્હારને દગો આપે છે.મલ્હાર તો મૂળજીભાઈ અને હજારો કર્મચારીના ભવિષ્યની ચિંતા લઈને બેઠો છે.મને થયું મલ્હાર ઈમાનદાર અને સાચો માણસ છે,માટે મારે મલ્હારની મદદ કરવી જોઈએ.એટલે હું ભાગી અને આ આખી વાત મલ્હારને કહેવા આવી.ત્યારે મલ્હારએ આંખ મૂકીને મારા પર ભરોસો રાખી અને મને તેની,મૂળજીભાઈ અને જનકની યોજના કઈ સંભળાવી.મલ્હારનો મારા પર આટલો ભરોસો જોઈ અને મને થયું કે નક્કી હું મલ્હારને પસંદ છું,મલ્હાર માત્ર પૈસા માટે મને નહતો પસંદ કરી રહ્યો.મૂળજીભાઈની કંપની બંધ થવાની છે અને તેનાથી હજારો કર્મચારીનું ભવિષ્ય બરબાદ થઈ જશે,એ વાત સાંભળ્યા બાદ મે નક્કી કર્યું કે હું મલ્હાર,જનક અને મૂળજીભાઈની મદદ કરીશ.મેનેજર જ દગાબાજ છે એ વાત મે જ મલ્હાર અને મૂળજીભાઈને કહી હતી.” મેઘાએ આખી વાત બધા વચે કહી સંભળાવી અને મેઘાની આંખોમાં રહેલા આસું બધાને દેખાય રહ્યા હતા.

“મોહન તું મને હરવા અને આ હીરાના વ્યાપારમાથી મને કાઢી ફેકવામાં આંધળો થઈ અને લાગી ગયો હતો.તને સાચું-ખોટું,નીતિ-નિયમ જેવુ કઈ દેખાય નહતું રહ્યું.માન્યું કે દરેક ધંધામાં સ્પર્ધા-પ્રતિસ્પર્ધા થવી જોઈએ.સાચું કહું તો આ સ્પર્ધાને લીધે જ ધંધો કરવાની પણ મજા આવે.પરંતુ સ્પર્ધામાં સામે વાળાને ઉખાડી ફેકવાનો વિચાર આવે,ત્યારે સમજી જવું કે હવે આપણી પડતી શરૂ થશે.મલ્હાર અને જનક ખરેખર ભગવાનના મૂકેલા બે અજુબા બની અને આવ્યા.મોહન તારી આ ખતરનાખ માયાજાળ માથી આ બંને એજ ,મને અને મારી આ કંપની કિંગ ઓફ ડાયમંડને બચાવી છે.આજે આ ઓર્ડર પણ તારા હાથમાથી ગયો અને તારી દીકરી પણ તારી વિરુદ્ધ આવી ગઈ.” મૂળજીઝવેરી બોલી રહ્યા હતા.

“મૂળજી મને આ ધંધા નું કિંગ બનવું હતું.જ્યારે હું પહેલીવાર મુંબઈ આવ્યો ત્યારે હું ઘણી બધી કંપનીઑમાં ગયો.લગભગ બધી કંપની તારા અને તારી કંપનીના વખાણ કરતી હતી.એ લોકોને ઘણી બધી ઓફર આપી,ઓછા પૈસામાં માલ આપવાની લાલચ આપી.પરંતુ તેમનું કહેવું હતું કે “મૂળજીભાઈ ડાયમંડના કિંગ છે.તેમના સાથે ધંધો કરવો એ,એક અવસર સમાન છે.માટે અમે તમારી સાથે હમણાં ધંધો નહીં કરી શકીએ.” તે લોકો પાસે તારા આટલા વખાણ સાંભળી અને હું હલી ગયો,મને થયું મુંબઈમાં મારૂ કામ ચાલવું અશકય છે.મારે પાછું સુરત ભેગા થવું પડશે.પરંતુ લાલચ મારા માથે એટલી હાવી થઈ ગઈ હતી કે હું હવે કોઈપણ ભોગે આ ધંધામાં મુંબઈની અંદર કિંગ બનવા માંગતો હતો.માટે નક્કી કર્યું કે ડબ્બા માથી ઘી સીધી આંગળીથી નથી નીકળી રહ્યું તો આંગળીવાળી અને કાઢવાની શરૂવાત કરવી જોઈએ.પહેલા તારા બધા સારા કર્મચારીઓને વધુ પગાર આપી અને લઈ લીધા અને પછી તારા મેનેજરની મદદથી તારા બધા સારા ઓર્ડર મારી પાસે આવી ગયા.બધુ બરાબર જઈ રહ્યું હતું,પરંતુ આ રોયલ ગ્રુપ ઓફ ડાયમંડનો ઓર્ડર જે રીતે મલ્હાર અને જનકએ મેળવ્યો એમાં મારી આંખો ખૂલી ગઈ.મૂળજી આજે જ્યારે મારી દીકરી જ મારી વિરુદ્ધ ઊભી છે ત્યારે મને સમજાય છે કે હું કેટલો ખોટો હતો.ઈમાનદારીનો રોટલો પચવામાં વાર નથી લાગતી.અને બીજું બાજુ બેમાનીથી કમાવેલી મુળીમાં રાતની ઊંઘ પણ હરામ થઈ જાય છે.મેઘા તું સાચી હતી આ છેતરપિંડીથી અને અનીતિથી કિંગ બનવું અશક્ય છે,સાચો કિંગ તો મહેનત અને નીતિથી બને છે.બેટા હવે હું તારા સમ ખાઈને કહું છું,આ મોહનઝવેરી જિંદગી આખી નીતિના રસ્તે ચાલશે.” મોહનએ બધાની માફી માંગતા કહ્યું.

-----------------------------------------------------------------------------------------------------------

“દાદા ગજબના ખિલાડી નીકળ્યા તમે,તમને ઓર્ડર પણ મળ્યો અને મારા દાદીમાં એટલે મેઘાઝવેરી પણ.મને તો એમ હતું જનકકાકા તમારી સાથે દગો કર્યો,પણ સાચો દગાબાજ મેનેજર હતો.સાચે તમારી વાર્તાતો અદભૂત હતી,મજા પડી ગઈ.પણ દાદા એક સવાલ હજુ મને થાય છે.?” પાર્થએ પૂછ્યું.

“હજુ શું સવાલ છે,બધુ કઈ તો દીધું.” મલ્હારએ આશ્ચર્યની સાથે પૂછ્યું.

“મેનેજરનું નામ શું હતું..?” પાર્થએ પૂછ્યું.

“અચ્છા,મેનેજરનું નામ કહ્યું નથી..?” મલ્હારએ યાદ કરતાં કહ્યું.

“ના દાદા.આખી વાર્તામાં તમે મેનેજર મેનેજર એવું જ કહ્યું નામ તો બોલ્યા જ નથી.” પાર્થએ કહ્યું.

“એવું છે.તો સાંભળ મેનેજરનું નામ હતું..“શ્રીકાંત ઝવેરી”” મલ્હારએ કહ્યું.

“એટલે મેનેજર પણ ઝવેરી જ હતો.દાદા પણ સાચે તમારી વાર્તામાં મજાતો આવી,પછી આગળ શું થયું.?” પાર્થએ પૂછ્યું.

“પછી આગળ શું થાય,ખાધું,પીધું ને રાજ કર્યું.મેઘા મળી,હું અને જનક શેઠ બન્યા.મજાની વાત કહું તો મોહનઝવેરી અને મૂળજીઝવેરી મિત્રો બની ગયા.બધુ બરાબર ગોઠવાય ગયું.સમય જતો ગયો અને મલ્હારઝવેરી યુવાન છે માથી,યુવાન હતો થઈ ગયો.પહેલા જનકો અને પછી તારી દાદી મેઘા મને અને આ દુનિયાને છોડીને જતી રહી.હવે હું પણ એજ રાહમાં છું કે ક્યારે ભગવાન બોલાવે.” મલ્હારએ કહ્યું.

“દાદા હજુ તો તમારે ઘણી વાર છે.મારા છોકરાઓને મારી તમારે વાર્તા કહેવાની છે.”પાર્થએ કહ્યું.

“હા..હા..હા.. કેમ નહીં.પણ સિંગલ રાજા છોકરા તો ત્યારે થશેને જ્યારે લગ્ન થશે.મીનીબેન માનશે,મને તો અશકય લાગે છે.?” મલ્હારએ પાર્થની મજાક કરતાં અને ફરી મીનીની યાદ અપાવતા કહ્યું.

“દાદા,આ વખતે તો હું આત્મવિશ્વાસથી ભરપૂર છું.જેમ ભાગ્ય(Destiny)એ તમને અને દાદીમાં ને સાથે કર્યા,અને અશક્ય લાગતા કામ તમે શક્ય કર્યા.એજ રીતે હું પાર્થઝવેરી પણ આ અશક્ય લાગતું કામ શક્ય કરીશ.અને આ વાત તમે લખીને રાખી લો.” પાર્થએ દ્રઢતાપૂર્વક કહ્યું.

હજુ તો મલ્હાર અને પાર્થ આગળ વાત કરે તે પહેલા પાર્થને વૈભવનો ફોન આવ્યો.વૈભવ કહ્યું.“પાર્થ ક્યાં છે ભાઈ,ત્રણ ક્યારના વાગી ગયા.મીની અને તેનો પરિવાર પણ આવી ગયો છે.મીનીના દાદા સમયના બહુ પાકા છે.તેમનું સુરતમાં ઝવેરીનું બહુ મોટું કામકાજ છે,તેવો ખાસ આ સગાઈ માટે આવ્યા છે.તું જલ્દી આવીજા,પ્રોગ્રામ બસ શરૂ થવાનો છે.અને હાં સાંભળ તારા માટે એક બહુ સારા સમાચાર છે,મને મીનીનું સાચું નામ ખબર પડી ગઈ છે.”

“અરે વાહ.જલ્દી બોલ ભાઈ,શું છે મીની નું સાચું નામ.”પાર્થ ઉત્સુકતાની સાથે પૂછી રહ્યો હતો.

“મીનીનું સાચું નામ છે..“મેઘા”.. “મેઘા ઝવેરી”.ફેસબૂકમાં સર્ચ કરજે મળી જશે.અને જો ના મળે તો સુરત સિટિ સિલેક્ટ કરજે.તેમાં શ્રીકાંત ઝવેલર્સ કરીને એક પેજ છે.મેઘા તેમાં ઘણી વખત પોસ્ટ મૂકે છે.આ શ્રીકાંત ઝવેલર્સ મેઘાના દાદાની જ દુકાન છે.મેઘાના દાદાનું નામ “શ્રીકાંત ઝવેરી” છે.તેમના નામે જ દુકાનનું નામ રાખ્યું છે. તેના દાદા બહુ નામી ઝવેરી છે.”વૈભવ પાર્થને કહી રહ્યો હતો અને પાર્થ મનમાં અને મનમાં, મીની જેનું સાચું નામ મેઘા ઝવેરી છે તેને કઈ રીતે મેળવી તેની યોજના બનાવી રહ્યો હતો.પાર્થ હવે કોઈ પણ ભોગે આ અશક્ય લાગતા કામને શક્ય કરવા જઈ રહ્યો હતો.

THE-END

-------------------------------------------------------------------------------------------------------
આ વાર્તાને અહિયાં જ પૂરી કરી છે.પરંતુ..પરંતુ પીકચર અભી બાકી હૈ... એટલે કે પાર્થઝવેરીની વાર્તા નવી “DESTINY” ના શીર્ષક સાથે ખૂબ જ ટૂક સમયમાં લાવીશ.૧)DESTINY(આંધળા પ્રેમ ની અદભૂત વાત). ૨)DESTINY(‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’). હવે નવી DESTINY જલ્દી આવશે.આ વાર્તા વાચવા માટે ખૂબ-ખૂબ આભાર.

તમારા અભિપ્રાય(FEEDBACK) મને Facebook અને Instagram દ્વારા આપી શકો છો. Facebook અને Instagram પર મારૂ UserName છે.... “ @VIRAL_RAYTHTHA ”.

KEEP READING & KEEP SHARING