એક સંદેશ માનવતાનો - ૨ Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક સંદેશ માનવતાનો - ૨

************************
એક સંદેશ માનવતાનો
From darkness to light
ભાગ - ૨
************************

અરમાન અને અર્શ અર્ઝાનના ઘરે પહોંચ્યા. અર્ઝાને એમને આવકાર્યા અને ત્રણેય જણ ત્યાંથી અર્ઝાનના રૂમમાં ગયા.

"અરમાન, અર્શ.. કાલે આપણા માટે થોડો કઠિન સમય છે. આપણે એ રીતે તૈયારી કરવી પડશે જેથી આપણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સુધી આ સંદેશ સારી રીતે પહોંચાડી શકીએ."

"હા અર્ઝાન પણ તે સ્પીચ લખી છે?" અરમાન બોલ્યો.

"ના કોઈ સ્પીચ તો નથી લખી પણ કાલે દિલમાં જે આવે એ સારી રીતે વ્યક્ત કરી શકું એના માટે વિચારું છું."

"અચ્છા, તો પછી અમને અહીં કેમ બોલાવ્યા છે?"

"તમારું ખાસ કામ કાલે મારી સ્પીચ પછી શરુ થશે, એ માટે તમને આખી ફોર્મેટ શું છે એ કહેવા અને તમને લાગતા ચેન્જીસ કરવા માટે અહીં બોલાવ્યા છે.."

"તો શું છે એ ફોર્મેટ?" અર્શ બોલ્યો.

"ફોર્મેટ તો એ છે કે આ મિશનને આપણે સદભાવના મિશન નામ આપીશું. અરમાન તું પૈસાનો હિસાબ રાખીશ અને અર્શ શાળામાં વધુમાં વધુ લોકો સુધી આપણો આ સંદેશ પહોંચાડશે અને પછી દરેક મહોલ્લાઓમાં પણ. હું ગરીબ માણસો માટે જરૂરી વસ્તુઓ શું જોઈએ અને એનું બજેટ શું થશે એ બધું મેનેજ કરીશ અને જરૂરિયાતમંદ લોકો સુધી એ પહોંચાડવાનું કામ કરીશ."

"સરસ, પણ અર્ઝાન આપણા ત્રણથી આ થશે ખરું?" અરમાન બોલ્યો.

"અલ્લાહ ચાહે તો બધું જ થશે. તું ટેન્શન કેમ લે છે?" અર્ઝાન જવાબ આપ્યો.

રાતના દસ વાગ્યા સુધી આ ત્રણેય જણાઓ ખુબ વિચારો અને મંતવ્યો આપતા રહ્યા. અર્ઝાનની હિંમત પણ વધવા લાગી હતી. ત્રણેય મિત્રોના ચહેરા પર ખુશીનો માહોલ હતો.

ઈરફાન અને મિસ્બાહ પોતાના બેડ રૂમમાં આરામ કરતાં કરતાં વાતો કરી રહ્યા હતા.

"મિસ્બાહ.. આ અર્ઝાને આજે જે વાત કરી જમતી વખતે એ જાણે એની ઉંમર કરતાં વધારે સમજદારીની વાત ન લાગી?"

"હા મને પણ એમ જ થયું કે આ અર્ઝાન હજી 11 વર્ષનો ને વાતો તો મેચ્યોરિટી વાળી કરે છે. ખેલ કુદના દિવસોમાં ગરીબો વિશે વિચારે છે અને એની ઉત્સુકતાતો જુવો અરમાન અને અર્શને પણ અહીં બોલાવ્યા છે. જાણે પરીક્ષાની તૈયારી હોય એમ ત્રણેય ક્યારના ચર્ચા કરી રહ્યા છે. હું ગઈ તો પણ અર્ઝાને કહ્યું મમ્મી હાલ નહીં. અમારે ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન ચાલે છે પછી આવો.."

"અલ્લાહ એને કામયાબ કરે મિસ્બાહ. મને આજે ગર્વ થયો કે અલ્લાહે આપણાને આટલી નેક ઔલાદ આપી."

"આમીન.. હા અલ્લાહ નો લાખ લાખ શુક્ર છે..."

રાત્રે અર્ઝાન અરમાન અને અર્શ લાંબી ચર્ચા બાદ છુટા પડ્યા. અર્ઝાનને તો રાત્રે પણ નીંદર નહોતી આવતી. બસ એ તો આમ તેમ પોતાના આ સપના વિશે જ વિચારતો હતો. સવારે પાંચ વાગે ફજરની અઝાન થઇ. અર્ઝાન ઝડપથી ઉઠી બાથરૂમમાં ગયો. જલ્દી આજે નાઈ-ધોઈને ફજરની નમાજ માટે મસ્જિદમાં ગયો. જમાતનો સમયમાં હજી થોડી વાર હતી એટલે એને સુન્નત નમાજ અદા કરીને પછી થોડીવાર કુર્આન પઢવાનું ચાલુ કર્યું. અર્ઝાનની અરબી વાંચવામાં પણ ઝડપ સારી હતી. ત્રીસ થી પાંત્રીસ મિનિટ જેટલા સમયમાં એક પારો(કુર્આનના ત્રીસ ભાગ માનો એક ભાગ) પઢી લેતો. નમાજ બાદ અર્ઝાન એના પિતા સાથે ઘરે આવ્યો. ઝારા અને મિસ્બાહ પણ નમાજ બાદ નાસ્તો બનાવી રહ્યા હતા. અર્ઝાને પોતાનું સ્કુલ બેગ તૈયાર કર્યું અને પછી પપ્પા સાથે ફળિયામાં ઝૂલા પર બેઠા બેઠા ન્યુઝ પેપર વાંચી રહ્યો હતો.

"પેટ માટે ધગધગતા તાપમાં કામ કરી રહેલા એક મજુરનું મૃત્યુ..." અર્ઝાન આ ન્યુઝની લાઇન વાંચી ઉદાસ થયો. ઈરફાન અર્ઝાનને જોઈ રહ્યા હતા.

"શું થયું બેટા કેમ તારો ચહેરો ફિક્કો પડી ગયો?"

"કઈ નઈ પપ્પા આ'તો એક લાચાર વ્યક્તિના સમાચાર વાંચીને મનમાં થોડું દુઃખ લાગ્યું..."

"બેટા દુનિયામાં કેટલા લોકો છે. દરેકની જરૂરિયાતો ને દરેકને ખુશ આપણે રાખી શકીએ?"

"ના પપ્પા આપણે ન રાખી શકીએ એ કામ તો સૃષ્ટિને ચલાવનાર શક્તિ એટલે અલ્લાહનું છે. દરેકની રોજી રોટી, જીવન મૃત્યુનો મલિક અલ્લાહ જ છે. પણ મને એમ થાય કે માણસો પોતાની આસપાસ કે મહોલ્લા પૂરતું પણ ધ્યાન આપે તો આ વસ્તુમાં સુધાર આવે..."

"બેટા વાત તારી સાચી છે. અલ્લાહ તને આ નેક રાહ પર કામયાબ કરે..."

"આમીન પપ્પા..."

"અર્ઝાન બેટા નાસ્તો તૈયાર છે. ચાલો આવી જાઓ." મિસ્બાહે કિચન માંથી અવાજ આપ્યો.

અર્ઝાન અને એના પિતા ઉભા થઇ દસ્તરખાન પર ગોઠવાયા. ઝારા અને મિસ્બાહ પણ દસ્તરખાન તૈયાર કરી એમની સાથે ગોઠવાયા. નાસ્તો કર્યા બાદ અર્ઝાન મમ્મી પપ્પાને સલામ કરીને સ્કુલ માટે રવાના થયો.

પ્રાર્થના ખંડમાં બધા વિદ્યાર્થીઓ ગિચોગીચ બેઠા હતા. ત્રણ શિક્ષકો પાછળની બાજુએ ને આગળના ભાગમાં બે શિક્ષિકાઓ, બે શિક્ષક અને પ્રિન્સિપાલ મેમ બેઠા હતા. અર્ઝાન આજે ધોરણ છના વિભાગમાં પ્રથમ લાઈનમાં અરમાન અને અર્શ સાથે બેઠો હતો. એની હાર્ટબીટ થોડી આજે વધેલી હતી. સ્ટેજ ફિઅર તો નહોતો પણ આજે વાત થોડી અઘરી અને મુદ્દો થોડો સેન્સીટીવ હતો.

બધા ગોઠવાયા બાદ પ્રાર્થના થઇ અને પછી ન્યુઝ પેપરની અમુક હેડલાઇન્સ વાંચવામાં આવી. રોજની જેમ આજે પણ જનરલ નોલેજ વિશે પાંચ વાતો કરવામાં આવી. ત્યારબાદ પ્રિન્સિપાલ મેમ એ માઇક સંભાળ્યું.

"મારા વ્હાલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અસ્સલામુ અલયકુમ..."

" વ અલયકુમ સલામ..." બધા બાળકોએ જવાબ આપ્યો.

"તો આજે રોજની જેમ હું તમને એક નાનકડી અને જીવનમાં ઉતારવા જેવી વાત કહેવા જઈ રહી છું. તો મને ધ્યાનથી સાંભળજો અને પછી એ વાતથી તમને શું શીખવા મળ્યું એ કહેજો..."

"તો બાળકો વાત છે બે ભાઈઓની. એમના પિતા મરણ પથારીયે પડેલા. બંને દીકરાઓને બોલાવી એમને બંનેને એક એક હજાર રૂપિયા આપ્યા. બંને ભાઈઓને પહેલા તો કઈ સમજાયું નહીં પછી એમના પિતાએ કહ્યું. તમે આ એક એક હજાર રૂપિયા લઇ જાઓ અને આ વપરાઈ જાય પછી મને કહેજો કે ક્યાં ક્યાં વાપર્યા. બન્ને ભાઈઓ યુવાન હતા. બાવીસ વર્ષ ઉપર બન્નેની ઉંમર હતી. બન્ને જણ પૈસા લઈને ગામમાં ગયા. પહેલા ભાઈએ પૈસા ખાવા પીવામાં વાપર્યા, પોતાના મિત્રોને નાની પાર્ટી આપી અને એક જોડી કપડાં લઈને ઘરે આવ્યો. બીજા ભાઈ પણ પૈસાનો ઉપયોગ કરીને ઘરે આવ્યો. પિતા સામે બન્ને ઉભા રહ્યા. પિતાએ પહેલા દીકરાને પૂછ્યું બેટા તે શું કર્યું પૈસાનું? તો એને જવાબમાં કહ્યું એક જોડી કપડાં, મિત્રોને પાર્ટી આપી અને થોડું બીજું ખાધું પીધું. પછી એમને બીજા દીકરાને પૂછ્યું તે બેટા? બીજો દીકરો બોલ્યો. મેં સો-સો રૂપિયા આપણી બાજુના મહોલ્લાના પાંચ ફકીરને આપ્યા એમને ખાવા માટે જલ્દી મળતું નથી અને બાકીના પાંચસો માંથી બસો રૂપિયાની કિતાબો લાવ્યો જે મારે જરૂર હતી. એ કિતાબો થકી હું હદીસ અને ઇસ્લામ વિશે વધારે જ્ઞાન મેળવી શકીશ અને બાકીના ત્રણસો રૂપિયાનું શું કરવું એ હાલ મગજમાં નહોતું એટલે એ ગલ્લામાં નાખ્યા છે. જરૂરતના સમયે વાપરીશ. આ સાંભળી એના પિતાએ તરત જ વકીલને બોલાવી પોતાનો કારોબાર બીજા દીકરાને નામે કર્યો અને પહેલા દીકરાને કહ્યું કે તું હંમેશા નાનો ભાઈ કહે એમ જ કરીશ અને એને ત્યાં નોકરી કરીશ. તો બાળકો આ હતી આજની જણવાજોગ વાત.. બોલો તમને શું શીખવા મળ્યું?"

બધા બાળકોમાંથી ઘણાએ આંગળી અધ્ધર કરી. મેડમેં એક બાળકને ઉભો કરી પૂછ્યું.

"બેટા તું કહે તને આમાં શું સંદેશ મળ્યો?"

"મેડમ આપણી પાસે જે પૈસો છે એ ફક્ત આપણો નથી. એ પૈસા પર ગરીબોનો પણ હક છે એટલે એમને આપણે મદદ કરવી જોઈએ અને પૈસાનો સારી જગ્યાએ ઉપયોગ થાય એ નક્કી કરવાની જવાબદારી પણ આપણી જ છે."

"વેરી ગુડ બેટા.. તો મારા વ્હાલા બાળકો હવે હું આજે માઇક આપણા એક વિદ્યાર્થી અર્ઝાન જે ધોરણ છમાં અભ્યાસ કરે છે એને હું આપવા જઈ રહી છું. એ આપની સમક્ષ એના દિલની વાત રજૂ કરવા માંગે છે. તો તમે ધ્યાનથી સાંભળજો અને કોઈ સવાલ હોય તો એમને પૂછજો... તો બેટા અર્ઝાન પ્લીઝ કમ..."

અર્ઝાન પોતાની જગ્યાએથી ઉભો થઇ મેડમ પાસે ગયો અને માઇક પાસે ઉભા રહી એને બોલવાની શરૂઆત કરી.

"મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો હું અર્ઝાન જુણેજા હાલ ધોરણ છમાં અભ્યાસ કરું છું. શાળાના કેમ્પસમાં તમેં મને ઘણીવાર જોયો હશે પણ આજ પછી હું આપણી શાળાના દરેક વિદ્યાર્થી સાથે જોડાવા જઈ રહ્યો છું. તો વધારે સમય ન લેતા હું મારી વાત રજૂ કરું...

મિત્રો આ સૌ આ ગામમાં વર્ષોથી રહો છો આપણાં ગામમાં તમે જોયું હશે કે બધા જ લોકોને બધી જ વસ્તુઓ સરળતાથી નથી મળતી. લોકો ખેતમાં મજૂરી કરે છે, લોકો કડિયા કામ કરે છે, લોકો પશુઓ ચરાવે છે, લોકો ખેતી કરે છે, લોકો નાની નાની દુકાનો ચલાવે છે , લોકો બાજુના શહેરમાં મજૂરી માટે જાય છે. પણ તમે જાણો છો તમે છતાં હજી અમુક એવા લાચાર લોકો છે કે એ પોતાનું જીવન સારી રીતે નથી જીવી શકતા. કોઈને ખાવા પીવાની તકલીફ છે, કોઈને બાળકોને ભણાવવાના ખર્ચની તકલીફ છે કોઈને બીમારીના ઈલાજ કરાવવાની તકલીફ છે તો મિત્રો આજે હું આપને મારા દિલની ગહેરાઈથી એક આજીજી કરવા માંગુ છું કે તમને જે પૈસા ઘરેથી વાપરવા મળે છે એમાંથી ફક્ત બે રૂપિયા તમે ફાળો અમને આપો અને એ ફાળા થકી આપણે લોકોને ખાવા પીવાની જે તકલીફ છે એ દૂર કરવામાંમાં મદદ કરીએ. તમારા પૈસાનો હિસાબ એક નોટમાં લખવામાં આવશે અને તમામ ખર્ચના બિલ સાથે પૂરો હિસાબ જેને પણ જોશે એને મળશે. પ્રિન્સિપાલ મેમે આજે વાત કરીને મારુ અડધું કામ ઓછું કરી દીધું એ બદલ હું એમનો આભારી છું. એમની વાતથી તમને એ તો સમજ આવી જ ગઈ હશે કે આપણી પાસે રહેલો પૈસો પણ ગરીબોનો હક ધરાવે છે. તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓને મારી વાત યોગ્ય લાગે એ તમારા મોનિટરને પોતાનું નામ લખાવે અને આવતી કાલથી તમને મળતા પૈસા માંથી બે બે રૂપિયાનું યોગદાન આપે એવી આશા..."

આટલું કહી અર્ઝાન રોકાયો દરેક શિક્ષક અને બાળકોએ એને તાળીઓના ગળગળાટથી વધાવ્યો.

(ક્રમશ: આવતા અંકે..)

****
ઈરફાન જુણેજા
અમદાવાદ