Joy a short story by Anton Chekhov - 1 books and stories free download online pdf in Gujarati

આનંદ - એન્તોન ચેખોવ - 1

આનંદ – એન્તોન ચેખોવ

ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા

રાત્રીના બાર વાગ્યા હતા.

મિત્યા કુલ્દ્રોવ, જેનો ચહેરો અત્યંત આનંદિત હતો અને જેના વાળ વાંકડીયા અને વિખરાયેલા હતા, તે પોતાના માતા-પિતાના ફ્લેટ તરફ દોડ્યો અને દરેક ઓરડાઓમાં ફરી વળ્યો. તેના માતા-પિતા ક્યારનાય ઊંઘી ગયા હતા. તેની બહેન પથારીમાં બેઠાબેઠા જે નવલકથા વાંચી રહી હતી તે તેનું અંતિમ પાનું વાંચી રહી હતી. નિશાળે જતા તેના ભાઈઓ પણ ઊંઘી ગયા હતા.

“તું અત્યારે ક્યાંથી આવી ચડ્યો?” તેના માતા-પિતાથી આશ્ચર્યમાં ચીસ પડાઈ ગઈ. “એવું તો શું થયું છે?”

“એ તો મને પૂછતા જ નહીં! મને તો આની કલ્પના જ ન હતી; ખરેખર આવું થશે એની તો મને કલ્પના જ ન હતી!... આ તો ખરેખર અસામાન્ય અને અદભુત છે.

મિત્યા ખડખડાટ હસ્યો અને ખુરશીમાં બેસી પડ્યો જેથી આનંદમાં અને આનંદમાં ક્યાંક તેના પગ ઢીલા ન પડી જાય અને તે નીચે ન પડી જાય.

“આ તો અદભુત છે! તમને કલ્પના પણ નહીં હોય! જુઓ!”

તેનો મોટો અવાજ સાંભળીને તેની બહેન રજાઈ છોડીને પોતાની પથારીમાંથી કુદકો મારીને ત્યાં આવી ચડી અને પોતાના ભાઈની બાજુમાં ઉભી રહી ગઈ. નાના ભાઈઓ પણ આ બધું સાંભળીને ત્યાં આવી ચડ્યા.

“પણ થયું છે શું એ તો કહે? તું આવું વર્તન તો ક્યારેય નથી કરતો!”

“હું એટલે આવું વર્તન કરી રહ્યો છું મમ્મા, કારણકે હું અત્યંત આનંદિત છું! તને ખબર છે, હવે આખું રશિયા મને ઓળખે છે! આખેઆખું રશિયા! અત્યારસુધી તું ફક્ત એક રજીસ્ટ્રેશન ક્લાર્કને ઓળખતી હતી જેનું નામ છે દિમિત્રી કુલ્દ્રોવ, અને હવે આખું રશિયા મને જાણે છે! મમ્મા! હે ભગવાન આ શું થઇ રહ્યું છે!”

મિત્યાએ ફરીથી કુદકો માર્યો અને આખા ઓરડાના ચક્કર માર્યા અને ફરીથી ખુરશી ઉપર બેસી ગયો.

“પણ શું થયું? જરા સ્પષ્ટ તો કર? અને આમ ગાંડા ન કાઢ!”

“તમે લોકો તો જંગલમાં રહેતા જાનવરો જેવા છો, તમે લોકો છાપાં નથી વાંચતા એટલે તમને ખબર નથી કે એમાં શું-શું છપાતું હોય છે, અને આ છાપાંઓમાં ઘણીબધી રસપ્રદ વાતો છપાતી હોય છે. જો ક્યાંક કશી ઘટના બનતી હોય છે તો એ બધાને ખબર પડી જતી હોય છે, અને કશું પણ છુપાવવામાં આવતું નથી! મને કેટલો આનંદ થઇ રહ્યો છે એની મને પણ ખબર નથી પડતી! હે ભગવાન! તમને ખબર છે ફક્ત જાણીતા લોકોના નામ જ છાપાંઓમાં છપાતાં હોય છે અને હવે તેમણે મારું નામ છાપ્યું છે!”

“તું શું કહી રહ્યો છે? ક્યાં છપાયું છે તારું નામ?”

પાપા થોડી ચિંતામાં દેખાયા. મમ્માએ જીજસની તસવીર સામે જોયું અને પોતાને ક્રોસ કરી. નાનકડા નાઈટ સૂટ પહેરેલા બંને નાના ભાઈઓ પથારીમાંથી કુદકો મારીને દોડીને પોતાના મોટાભાઈ પાસે આવીને ઉભા રહી ગયા.

“હા! મારું નામ છપાયું છે! હવે આખું રશિયા મને જાણે છે! મમ્મા આ છાપું સાચવી રાખજે, આ એક યાદગીરી છે! આપણે ભવિષ્યમાં ક્યારેક તેને ફરીથી વાંચીશું! જુઓ!”

મિત્યાએ પોતાના ખિસ્સામાંથી એક છાપું બહાર કાઢ્યું અને પોતાના પિતાને આપ્યું અને ભૂરા રંગવાળી પેન્સિલથી તેણે જ્યાં ગોળ બનાવ્યું હતું તે જગ્યા પર પોતાની આંગળી મૂકી.

“આ વાંચો!”

તેના પિતાએ ચશ્માં પહેર્યા.

“જરૂરથી વાંચજો!”

મમ્માએ ફરીથી જીજસના ફોટા સામે નજર નાખીને ક્રોસ કર્યો. પાપાએ પોતાનું ગળું ખોંખાર્યું અને વાંચવાનું શરુ કર્યું: “29મી ડિસેમ્બરની સાંજે અગિયાર વાગ્યે, દિમિત્રી કુલ્દ્રોવ નામનો એક રજીસ્ટ્રેશન ક્લાર્ક...”

“જોયું? જોયું? હવે આગળ વાંચો!”

“... દિમિત્રી કુલ્દ્રોવ નામનો એક રજીસ્ટ્રેશન ક્લાર્ક જે લિટલ બ્રોનાનીયાના કોઝીહીન બિલ્ડીંગમાં આવેલા એક બીયર શોપમાંથી નશાની હાલતમાં બહાર આવી રહ્યો હતો...”

“આ હું અને સેમ્યોન પેત્રોવીચ, એના વિષે પણ લખ્યું છે... શબ્દેશબ્દ સાચો લખ્યો છે! આગળ વાંચો! તમે બધા સાંભળો!”

“... નશાની હાલતમાં, લપસી પડ્યો અને યુહ્નોવ્સકી જીલ્લા દુરીકીનો ગામના ઘોડાગાડીવાળા ઇવાન દ્રોતોવના ઘોડા નીચે આવી ગયો. ગભરાયેલા ઘોડાએ કુલ્દ્રોવની ઉપર પગ મૂક્યો અને તેના પર ઘોડાગાડી પણ ચલાવી દીધી, જે ઘોડાગાડીમાં મોસ્કોના બીજા સ્તરના વ્યાપારી સ્ટેફન લુકોવ બેઠા હતા, પરંતુ રસ્તા પર બેસેલા શ્રમિકોએ દોડીને એ ઘોડાગાડીને પકડી લીધી. કુલ્દ્રોવને પહેલા તો બેભાનાવસ્થામાં પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરે તેની તપાસ કરી. તેના માથાની પાછળના ભાગમાં વાગ્યું હતું...”

“એ તો પૈડાને જોડાયેલો પેલો દંડો વાગ્યો હતો પાપા, તમે આગળ વાંચો! હવે બાકીનું બધુંજ વાંચી નાખો!”

“... તેને માથાની પાછળના ભાગમાં વાગ્યું હતું પરંતુ એ ઈજા ગંભીર ન હતી. આ અક્સ્માતની યોગ્ય રીતે ફરિયાદ નોંધવામાં આવી. ઈજાગ્રસ્ત વ્યક્તિને મેડિકલને લગતી મદદ પણ આપવામાં આવી...”

“તેમણે મને માથાની પાછળ ઠંડા પાણીનો શેક કરવાનું કહ્યું હતું. તમે હવે વાંચી લીધુંને? ઓહ! તમે જોયુંને? હવે આખા રશિયાને તેની ખબર પડી ગઈ છે! લાવો મને આપો!”

મિત્યાએ તેના પાપાના હાથમાંથી છાપું રીતસર ખેંચી લીધું અને તેને વાળીને પોતાના ખિસ્સામાં મૂકી દીધું.

“હું અત્યારે જ દોડીને માકારોવ પરિવારને દેખાડી આવું... મારે ઇવાનીત્સકી પરિવારને પણ બતાવવું જોઈએ, પછી નતાસ્યા ઇવાનોવાના અને એનીસીમ વાસીલીત્ચને પણ... હું આજે ખૂબ દોડવાનો છું! ચાલો આવજો!”

અને મિત્યાએ પોતાની ફૂમતાં વાળી ટોપી પહેરી અને આનંદ અને વિજયી મુખમુદ્રા સાથે ઘરની બહાર આવેલી ગલી તરફ દોડી પડ્યો!

સંપૂર્ણ

બીજા રસપ્રદ વિકલ્પો