છબીલોક - 2 ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છબીલોક - 2

(પ્રકરણ – ૨)

બહુ જ લેટેસ્ટ ડિઝાઈનનું એપાર્ટમેન્ટ, નામ - ‘અતિથી રેસિડન્સી’. મુખ્ય રસ્તાની બાજુમાં પણ રસ્તાથી દુર. આજુબાજુમાં બીજાં બિલ્ડીંગ નહી. જાણે સોશિયલ ડિસ્ટન્સ પાળતી બિલ્ડીંગ. આજે ખબર પડી કે ઘર બાંધતાં પૂર્વે મકાન કે બિલ્ડીંગની આજુબાજુ જગ્યા શા માટે છોડી દેવી પડે છે. આ નવો પોઈન્ટ પણ બાંધકામની પરમીશન આપતાં પહેલાં વિચારવા જેવો છે નહી ? વધારે અંતર.. વધારે સુરક્ષા... આ વિઝન કહેવાય. હવા ઉજાસની સાથે સંક્રમણથી બચી શકાય તે માટે જરૂરી અંતર. પાર્કિંગની ઉત્તમ વ્યવસ્થા. રેન હાર્વેસ્ટિંગનું (વરસાદના પાણીનો સંગ્રહ) સુંદર આયોજન કરેલ હતું. એપાર્ટમેન્ટના બે વોચમેનની સુરક્ષા. તેઓ નિયત દિવસે ગાડીઓ ધોઈ આપે અને રોજ સાફ કરી આપે. સોસાયટીના અધ્યક્ષ પાસે પૈસા જમા કરાવો એટલે ગાડીઓ રજાના દિવસે ધોવાય. પાણીનો બગાડ નહી, વપરાયેલ પાણી બગીચામાં ઉગાડેલ ફૂલ છોડને પહોંચી જાય. ગંદગી નહી.

કોરોનાની જાહેરાત થઇ ને તરત જ અધ્યક્ષએ એક વોશબેસીન ગાર્ડનમાં ફિક્સ કરી દિધું સાથે હેન્ડવોશ પણ. દરેક વ્યકિત હાથ ધોઈ લીફ્ટમાં પ્રવેશે અને ઘરમાં પ્રવેશે એવી સુચના નોટીસ બોર્ડ ઉપર મૂકી દિધી. ગેટ પાસે દરેકની બેગ નંબર સાથે લટકતી. હતી. ઓનલાઈનવાળા દરેકનો સામાન તેમાં મુકી દેતાં. નો હ્યુમન કોન્ટેક્ટ. જરૂરિયાતની દરેક વ્યવસ્થા અધ્યક્ષ મહોદય ખુબ કાબેલીયતથી કરતાં અને તે પણ ખુબ ઓછાં મેન્ટેનન્સ ફી માં. બધાં એનું પાલન પણ કરે.

‘*****

દેવબાબુ આ એપાર્ટમેન્ટમાં છ મહિનાથી રહેતાં હતાં. હાલ એ એકલા છે એ બધાં લોકો જાણતા હતાં. બંગાળી હતાં. ઉમદા સ્વભાવ અને આકર્ષક દેહ. આવતાં જતાં બધાં એને હાય.. હલ્લો.. કરે અને એ પણ બધાંને માનથી અને નમ્રતાથી જોતા. સુંદર, સ્વચ્છભાવ અને નજર. ઘણીવાર આડોશીપાડોશીઓ અને ઉપર-નીચેના ફ્લોરવાળા એને ચા-પાણી માટે આમંત્રિત કરતાં કારણ ઘણીવાર એણે અપાર્ટમેંટવાળાઓને બંગાળી મીઠાઈ – સોન્દેશ ખવડાવી હતી. એકદમ ઓરીજીનલ ટેસ્ટવાળી. બાળકો એને સોન્દેશકાકા પણ કહેતાં.

દરેકના ઘરે ગયાં પછી દેવબાબુની નજર દિવાલ ઉપર ફ્રેમ કરેલ છબી (ફોટા) પર જડી જતી અને થોડીક મિનીટો માટે એ ફ્રેમ કરેલ સ્વર્ગવાસીઓ સાથે જાણે ખોવાઈ જતા અને વાતવાતમાં એમનાં નામ, સગપણ, અને મૃત્યુની હકીકતો જાણી લેતાં.

‘****

આજ રાત્રે પણ બીજીવાર બધી ખુરશીઓ લીફ્ટ સામેના પેસેજમાં હતી. દરેકનાં ઘરના સ્વર્ગવાસી, જે ફ્રેમમાં હતાં તેઓ ખુરશીમાં કે સ્ટુલ ઉપર વિરાજમાન હતાં. દેવબાબુએ દરેકને પોતાની તાંત્રિક વિદ્યાથી કાચની ફ્રેમમાંથી આબેહુબ બહાર કાઢ્યા હતાં, મુક્ત કર્યા હતાં. જેવાં હતાં તેવાં. છબીના છબી જેવાં. સહજ ઓળખી શકાય તેમ. પોતાની તાંત્રિક વિદ્યાથી. લોકડાઉનમાં મસ્તી. જીવંત વ્યક્તિઓ લોકડાઉનમાં કેદ અને છબીવાસીઓ એટલે કે સ્વર્ગવાસીઓ મુક્ત. દિવસોથી, વરસોથી છબીમાં હતાં તે મુક્ત. એમનાં બોરિંગ નો અંત... જાદુઈ.. તુરંત... બધાં છબીલોકવાળા આજકાલ ખુશ હતાં. એમની ગપસપ ધીરે ધીરે રંગ લઇ રહી હતી. હસી-મજાક. એકદમ મુક્ત.

જીતુના પપ્પા સ્વર્ગવાસી જયંતીભાઈ હસતાં હસતાં બોલ્યા – “જીતુને પોલીસમાં ફરિયાદ કરવી હતી, શું ? ઘરની ખુરશી બહાર કંઇ રીતે આવી તેની ? પાગલ, ભણ્યા પણ.....બધાં સાથે બોલ્યા...ગણ્યા નહી. સર્વેએ સાથે કહેવત પૂરી કરી.... હાં... હાં... મઝા આવે છે... આપણાં છબીલોકમાં !

જીતુના મમ્મી હંસાબેન હસતાં હસતાં બોલ્યા – “પહેલાં તો જીતુએ વહુને ખખડાવી.... તુ જ બહાર ભુલી ગઈ હોઈશ. ઘરમાંથી રાત્રે ખુરશી બહાર જાય કંઇ રીતે. દરવાજો તો બંધ હતો.

જયંતીભાઈ – કહેવુ પડે હાં દેવભાઈ.... આબાદ બધાંને વિચારતાં કરી દીધાં તમે. હજુ પણ એમનાં મગજમાં ખુરશી ચાલે છે. “કિસ્સા ખુરશી કા” હાં.... હાં... બધાં સાથે હસ્યાં... જયારે વિચાર કરવાનો ત્યારે વિચાર ના કરે. સરકાર જયારે ખુરશી માટે ઇલેક્શન કરે ત્યારે વિચાર ના કરે અને પોતાનાં નજીવા સ્વાર્થ ખાતર અયોગ્યને ખુરશી અપાવે. વગર વિચાર્યે વોટ આપીને આવી જાય અને પછી પાંચ વરસ બુમાબુમ કરે. કેટલાક તો વોટ કરવાં જ ના જાય. ઇલેક્શનની રજાનો ઉપયોગ આરામ કરવામાં કાઢે. પણ.. હવે.. ઘરમાં કેદ છે તો વિચાર કરે છે ઘણી વાસ્તવિકતાનો, પરિવારનો. અમે તો ફ્રેમમાં બેઠાં બેઠાં સાંભળ્યા કરીએ, જોયાં કરીએ. કિસ્સા ખુરશી કા....કિસ્સા ઘર ઘર કા...

પશાભાઇની પત્ની કુમુદબા (ગામડાનાં ઉચ્ચાર છે) બોલ્યા – ખરેખર, એ અમારાં ના હોત (પશાભાઇ) તો દોડી ગયાં હોત પોલીસ તેશને (સ્ટેશને) હહવા જેવી થાત બધાની.

રાકેશની દિકરી સ્વિટી બોલી – “પપ્પા કાયમ પૈસા, પૈસા જ કરે અને લાભ જ જુએ. એટલે સૌથી પહેલાં ઘરમાં ચેક કરવા ગયાં. આખો દિવસ પૈસાની પાછળ દોડે. કેરીઅર... કેરીઅર... કરે. એક જ ચિન્તા કેરીઅરની. મારી કેર ના કરી... મને સમય નહી આપ્યો બંનેએ....અને હું ધીરે ધીરે ડીપ્રેશનમાં ગયી.. વિચારમાં ને વિચારમાં, ખોટું કરી નાખ્યું જીન્દગી સાથે.” (રડે છે).

રડ નહી દિકરા... દિનુકાકા જે નીચેના ફ્લોરમાં રહેતાં તે બોલ્યા. કોરોનાએ બધાની સાન ઠેકાણે લાવી દિધી છે. હવે કેવાં ચુપચાપ કેદ છે. જરૂરી હતું. અરે પૈસા કમાવતા કમાવતા ટી વી વાળા પણ જરૂરી બ્રેક લઇ લે છે પણ આ ભણેલાગણેલા બ્રેક લેવાનું ભુલી ગયાં છે. જિંદગીને હાથે કરી નીરસ બનાવી, જીન્દગીમાં રસ શોધે છે. જીન્દગીમાં ફાસ દોડવાની હોડમાં. ફાસ લાઇફ અને ફાસ ફૂડ, ભાઈઓનો મોટો પગાર અને બાઈઓના ટૂંકા લૂગડાં. મારી બેટીઓએ તો પાયજામો પણ નહી શોડ્યો. શું... કે... છે.. એને... ? પલાજો...પલાજો ! વેસ્ટન થવું શે. વેસ્ટન દેખાવું છે. લગનએ ફેસન ચાલતી હોય તેવાં સહેરમાં કરવાં શે. સંસ્કાર મૂકી દીધાં મેડીએ. ટી વી જોઈને અંજાઈ જાય છે. હાં.....

દેવબાબુ બોલ્યા – તુમકો તો ફ્રેમમેંસે દેખકે મજા આતી હોગી.

“જાને દે ને ભાય... રડનેકો દિલ કરતાં હય.” મંજુબેન બોલ્યા. પણ અબ એક ફરક પડી ગયો છે. અમે જે હયાતીમાં કહેતાં હતાં તે પ્રસંગો યાદ કરી... કરી... દિવસો પસાર કરે છે. ભાગ્યે જ યાદ કરનાર દિકરો હવે મને દિવસમાં બે-ત્રણ વાર યાદ કરી પૌત્ર પુત્રીઓને મારી વાતો કરે છે. દિલ ખુશીથી નાચે છે. પણ સાથે મને એનાં પપ્પાની બહુ કાળજી થાય છે. ઉમર ઘણી છે, આ કોરોનાના દહાદાઓ સારા તંદુરસ્ત નીકળી જાય તો સારું. બાળકો પણ એમની સાથે બેસીને વાતો કરે છે અને મસ્તી કરે છે. નહી તો આખો દિવસ સ્કુલ અને ટુશન. શું કરે બિચારા ? હવે ઘરમાં બધાં બંધ. કોરોના લોકડાઉન અને આપણે આઉટ.

ખરેખર...ખરું બોલ્યા બુન... ખાંસતા ખાંસતા કનુભાઈ બોલ્યા. વાતાવરણ પણ કેટલું સુધરી ગયું નહી ? કેટલું ખરાબ વાતાવરણ થઇ ગયું હતું ? શ્વાસ લેવાની તકલીફ પડી અને દવાખાને ગયાં. ડોકટર કહે “ફેફસાં વીક... પડ્યા છે...” અને ધીરે ધીરે એક્સ-રે ના ફોટામાંથી દિવાલ ઉપર લટકતાં ફોટામાં આવી ગયાં.

વાહ ! કહેવું પડે....ભાઈ...શું વર્ણન કર્યુ... મોતનું. એક્સ-રે થી ફ્રેમ સુધીનો સફર. શારદાબેને ટાપસી પુરાવી. હવે આ લોકો બચતને સમજસે. દિકરો તો બધાની ખુશી ખાતર પૈસા ખરચતો હતો પણ મારી વહુ જાગૃતિએ, બચાવી રાખેલ પૈસા દીકરાનાં હાથમાં મુકતા કહયું. લો.. આ પૈસા.. લોકડાઉનના વધારાના દિવસો પણ સચવાઈ જશે. આપણે મિડલ ક્લાસ, ખુદ્દાર, કેમ કરી હાથ લંબાવીએ ? આ તમારા જ પૈસા છે. વાંધો નહી. આ સાંભળીને મને તો જાગૃતિને ભેટવાનું મન થયું. સ્ત્રી જ પુરુષને ખોટાં ખર્ચા અટકાવી શકે છે. પુરુષે તો બધાંને સાચવવું પડે એટલે ખર્ચે રાખે બિચારો....

દિપક (યંગમેન) હસ્યો... “આજે એ બધાં ઘરમાં મારું કેરમ રમે છે. પત્તા રમે છે. સાપસીડી રમે છે. હરઘડી મને યાદ કરે છે કારણ હવે બેન સાથે પપ્પાએ જ રમવું પડે છે. પહેલાં તો બેન સાથે હું રમતો કોઈક કોઈક વાર. બેને તે દિવસે બહાર જવાની ના પાડી હતી પણ જીદ મને કાયમ માટે લઇ ગયી. મોટરસાયકલ ફેરવવાની જીદ.. સ્પીડ.. ઘરે હોત તો સેફ હોત ત્યારે પણ અને આજે પણ.”

એય... ચાલો ચાલો બધાં છુટા પડો... સવાર થવા આવી છે. ખુરશીઓ ઘરમાં મૂકી દેજો, કાલની જેમ ખુરશીઓ બહાર રાખી ધમાલ કરાવવી નથી અને જ્યાં હતાં ત્યાં ગોઠવાઈ જજો... એટલે કે ફ્રેમમાં...

કાલે રાત્રે પાછાં મળીશું.... ના... ના... રાત્રે નહી સવારે મળીશું... નીચે વોચમેનની કેબીન પાસે. લોકડાઉન ના છુટછાટ સમયમાં. કાયદાનું પાલન કરવાનું જ. ભલે આપણે કોઈને દેખાઇએ કે નહી.

બધાં ઉત્સાહમાં હતાં કારણ તેઓ એપાર્ટમેન્ટમાંથી નીચે ઉતરવાના હતાં. બધાં દેવબાબુના વશમાં હતાં.

એય... આવજો બધાં...

(ક્રમશઃ)