પ્રીતની પેલે પાર - 1 Hukamsinh Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રીતની પેલે પાર - 1

1.
આજે ફરી પાછી એનાથી નજર મળી હતી. સવારે. કદાચ એના દીકરાને સ્કૂલવાનમાં મુકીને આવી હતી. સામેના ફ્લેટમાં જ રહે છે. દરરોજ એક વાર તો સામે મળી જ જાય. હું ઓફિસ જતો હોઉં, બહાર નીકળું એટલે સામે મળી જ જાય. પાંત્રીસ છત્રીસ વર્ષની ઉંમર હશે. બે દીકરા છે. એની આંખો મને ખૂબ ગહેરી લાગતી. જાણે ખૂબ ધરબાયેલું ન હોય... ભીતર... ભીતર. વાત કરતા ક્યારેય કોઇથી જોઈ નથી એટલે મને થોડી અતડી લાગે. જો કે મારી મા સાથે એને સારું ભળે. ખૂબ વાતો કરે બંને. જાણે વરસોથી એક બીજાને ઓળખતી ન હોય !

હું સાંજે ઓફિસથી ઘરે જાઉં ત્યારે ક્યારેક મારી મા સાથે તે બેઠી હોય. હું ઘર આવું એટલે તે જતી રહે. હું આમ પણ હવે ઘરે મોડો જાઉં છું. સુનિતા હતી ત્યારે જતો. સુનિતાને ગયે આજ તો દસેક વર્ષ થયા હશે. શરુ શરૂમાં તો મા કહેતી... ક્યાં સુધી આમ એકલો જીવ્યા કરીશ ? લગન કરી લે તો તારે પણ સારું ને મને પણ કોઈ મળી જાય વાતો માટે. હું ના કહી દેતો... એવી કોઈ ઈચ્છા નથી થતી મા. થશે તો ચોક્કસ કરી લઈશ. મા કહી કહીને થાકી. એટલે પછી આપો આપ પડતું મૂક્યું. જો કે હવે તો મને ચાલીસ વર્ષ થયા. હવે આદત પણ પડી ગઈ છે, એકલા રહેવાની. કામ અને હું. ત્રીજું ઘર. બસ ચાલ્યા કર્યું... ચાલ્યા કર્યું... હવે ટેવાઈ જવાયું છે. કોઈ નથી હોતું તો પણ ચાલ્યું જાય છે.

તે દિવસે હું સાંજે ઘરે ગયો ત્યારે તે ટેવવશ મારી મા પાસે બેઠી હતી. બંને કંઈક વાતો કરી રહ્યા હતા. હું હોલમાં દાખલ થયો એટલે એમની વાતોમાં ખલેલ પડી. તે ઉઠવા જતી હતી પણ માએ કહ્યું હતું: આકાંક્ષા, બેટા આજ તો તું પણ અમારી સાથે જ ચા પીને જજે. અચ્છા ! તો તેનું નામ આકાંક્ષા છે. હું મનમાં ને મનમાં બે ચાર વાર એના નામનું ઉચ્ચારણ કરી ગયો હતો. અને તે માનું કહ્યું માની ગઈ હતી. મા ઉઠવા કરતા હતા પણ તેમને બેસારીને પોતે જ ચા કરવા ગઈ. અમે સાથે ચા પીધી હતી. પછી તે ચાલી ગઈ હતી.
એવી જ રીતે આકાંક્ષા દરરોજ રાત્રે કંઈક ને કંઈક જમવાનું લઇ આવતી. એ આવતી તો ગમતું. સુના ઘરમાં જીવ આવ્યા જેવું લાગતું.

આકાંક્ષાને સામેના ફ્લેટમાં રહેવા આવ્યે વીસેક દિવસ થયા હશે. ઘણાં સમયથી એ ફ્લેટ ખાલી હતો. સામે કોઈ આવવાનું છે એ જાણી મા ખૂબ ખુશ થઇ હતી. જેમ જેમ આપણે પરિપક્વ બનતા જઈએ છીએ તેમ તેમ આપણને આપણી સ્પેસ-એકલતાની જરૂરિયાત રહે છે. પરંતુ જેમ જેમ જીવન સંધ્યા ઢળતી લાગે તેમ તેમ આપણને ભીડની આવશ્યકતા રહે છે. એ દ્રષ્ટીએ અમારા ઘરમાં હું અને મા બંને અંતિમ બિંદુ પર હતા. તેથી સામે કોણ આવવાનું છે અને કોણ નહીં એ બાબતમાં મને જરાય ફરક પડવાનો હતો નહીં. જો કે માએ તો આકાંક્ષા આવ્યાની પહેલા જ ઘણું બધું તેના વિશે જાણી લીધું હતું. તેના આવ્યા પછી બે જ દિવસમાં- મા અને આકાંક્ષા – બંને સારા એવા દોસ્ત બની ગયા હતા.

માએ જયારે આકાંક્ષાની જિંદગી વિશે વાત કરી હતી ત્યારે એ વાત જાણે મારા માટે કોઈ મહત્વ ધરાવતી ન હોય અને હું સાંભળતો જ ન હોઉં એવું ઢોંગ કરી રહ્યો હતો. જો કે માની વાત હું પૂરા ધ્યાનથી સાંભળી રહ્યો હતો.

તે કોલેજમાં હતી ત્યારે તેને કોઈ છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો. ઘરનાને ઘણાં મનાવ્યા તેમ છતાં તેઓ તેમનો સમ્બન્ધ સ્વીકારવા તૈયાર ન હતા. જ્ઞાતિભેદના લીધે તેઓ માને એમ હતા નહીં. ખૂબ રાહ જોઈ તેણે. પછી લાગ્યું કે હવે બહુ થયું. ત્યારે તેણે ભાગીને લગ્ન કરવાનું વિચાર્યું. તેને હતું જ કે તેના આ વિચારથી પોતાના માટે ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઇ જવાના છે. તેમ છતાં તેણીએ એક સમ્બન્ધ સાચવવા અનેક સમ્બન્ધ ઘડીકમાં કાપી નાખ્યા. માને આ વાત કરતા તે રડી હતી. તેને દુઃખ તો બહુ થયું હતું પણ તે મજબુર હતી.

સમય વહેતો રહ્યો. શરૂમાં તો બધું બરાબર ચાલતું રહ્યું. પછી કારણો ઊભા થયા. અને સમ્બન્ધમાં તિરાડ વધતી ગઈ. અને એ એટલી વધી કે બંનેને અલગ થવું પડ્યું. બંને અલગ થયા ત્યારે તેમના સમ્બન્ધની નિશાની રૂપે એક દીકરો હતો...પ્રેમ. પ્રેમ એકલી આકાંક્ષાના ભાગમાં આવ્યો. અને તે વડોદરા છોડી મુંબઈ જતી રહી. ઘરના દરવાજા તો પહેલાથી જ તેના માટે બંધ હતા.

મુંબઈમાં એક મોટી કંપનીની ઓફિસમાં તેને નોકરી મળી ગઈ. સમય સરકતો રહ્યો અને જૂની યાદો કપાતી રહી. તેની દુનિયા પ્રેમ પર સ્થિર થઇ ગઈ હતી. હર દર્દની સૌથી મોટી દવા સમય હોય છે એ ન્યાયે આકાંક્ષાના ઘા પણ સમય સાથે રૂઝાવા લાગ્યા હતા. અને તેની જિંદગીએ રફતાર પકડી હતી.

સમય જતા તેની જિંદગીમાં એક બીજી વ્યક્તિનું આગમન થયું. બંને એક જ ઓફિસમાં સાથે કામ કરતા હતા. આકાંક્ષાને એક ખભાની જરૂર હતી. જૂનું ભૂલીને તેણે સામે હતું એનું સ્વાગત કર્યું. બંનેએ લગ્ન કર્યા. આ સમ્બન્ધ પણ બેક વર્ષ જેવું ટક્યો હશે. અને બંને અલગ થયા ત્યારે એક બીજો દીકરો હતો, સ્નેહ. આ વખતે પણ સ્નેહ આકાંક્ષાના ભાગમાં જ આવ્યો.

સમ્બન્ધોથી હારેલી વ્યક્તિ કેટલું તૂટક તૂટક જીવતી હશે નહીં ? આકાંક્ષા વિશે જાણ્યા પછી આ વાત મને સમજાઈ હતી. એક દયાની લાગણી તેના પ્રત્યે ઉભરાઈ હતી.
કોઈ વ્યક્તિના જીવન વિશે ઉપરછલ્લી રીતે જાણીને આપણે એ વ્યક્તિને ગુનેગારના અલગ અલગ ખાનામાં ફીટ કરી દેતા હોઈએ છીએ. જાણે આપણને એમ કરવાની કોઈએ જવાબદારી સોંપી ન અ ! એ વ્યક્તિ જ્યાં ઊભી હોય ત્યાં ઊભા રહીએ પછી જ આપણે એ વ્યક્તિને ખરી રીતે સમજી શકીએ. આકાંક્ષાના અતડા વર્તન વિશે મેં ખોટું ધારી લીધું હતું. એ બાબતે એના વિશે જાણ્યા પછી દુઃખ થયું. પછીથી જયારે જયારે એને જોઉં છું, ત્યારે દયા મિશ્રિત ભાવો છલકાઈ આવે છે.
(ક્રમશઃ)