માઉન્ટ આબુના પ્રવાસે - 2 Sachin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માઉન્ટ આબુના પ્રવાસે - 2

આગળના ભાગમાં જોયું કે ભાઈબંધો વચ્ચે અચાનક આબુ ટ્રિપનું પ્લાનિંગ થાય છે અને બીજે જ દિવસે અમે આબુ જવા નીકળીએ છીએ.બપોરના ત્રણ વાગે આબુ પહોંચ્યા થોડીક બાર્ગેનિંગ કરીને હોટલનું નકકી કર્યું હોય છે.હવે આગળ....

લગભગ હોટેલ તો કહેવાય જ નહીં,આખી હોટેલમાં ત્રણ જ રૂમ. સાવ સાંકડા, ઉંચાને કરાર પગથિયાં.અમે પેમેન્ટ કરીને ઉપર ગયા.રૂમતો ઠીકઠાક હતા.પણ એક રૂમનું ટીવી ચાલતું નહોતું એટલે હોટેલના માલિક ભૂરાને ઉપર બોલાવીને ઘઘલાવી નાખ્યો.પેમેન્ટ લીધા પછી અચાનક તેને રંગ બદલાવ્યો"યે કમરે કા ટીવી નહિ ચલેગા, એસી ઔર ગીઝર તો હૈ" આટલી ઠંડીમાં એસીની શુ જરૂર હતી! પણ પેમેન્ટ અપાય ગયું હતું એટલે એની વાત માનવા સિવાય કોઈ રસ્તો પણ નહોતો.

થોડાક ફ્રેશ થઈને બહાર જમવા માટે નીકળ્યા.હોટેલથી થોડે આગળ એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં જમવાનું નકકી કર્યું.અનલિમિટેડ ગુજરાતી થાળી સો રૂપિયામાં,છાશ-પાપડનો ચાર્જ અલગથી. મેન્યુમાં ત્રણ શાક બટેટા,ચણા અને મિક્સ વેજીટેબલ. હાથના પંજામાં સમાય જાય એટલી નાની અને બિસ્કિટ જેટલી જાડી રોટલી.મિક્સ વેજ એકદમ કચરો,બટેટાનું શાક એટલે પાણીમાંથી(રસા માંથી) બટેટા શોધવા પડે,ચણાનું શાક સ્વાદિષ્ટ તો નહીં પણ કંઈક ગળે ઉતરે એવું હતું.છાશ-પાપડનો અલગથી ચાર્જ હતો એટલે એ સારા હશે પણ અમારી આ આશા ઉપર પણ પાણી ફરી વળ્યું.મને અમારા વિદ્યાનગરની સિત્તેર રૂપિયામાં અનલિમિટેડ થાળી વિથ છાશ-પાપડ યાદ આવી ગઈ.પણ કહેવત છે ને કે ભૂખમાં ગાજર પણ ચાલે.

જમતા જમતા ઇન્ડિયા-ન્યુઝીલેન્ડનો મેચ જોતા હતા.જમીને હોટેલની બહાર બાંકડા પર બેઠા હતા ત્યારે નુઝીલેન્ડને પંદર બોલમાં પંદર રનની જરૂર હતી.એટલામાં હિત હરખપદુંડો થઈને બોલ્યો"જો આ મેચ પણ ટાઇ થઈ અને અગાઉની જેમ જ ઇન્ડિયા સુપર ઓવર જીતે તો આખી ટ્રીપ મારા તરફથી સ્પોન્સર"ન્યૂઝીલેન્ડની ટીમે બાવરિયાના બોલ ઝીલી લીધા અને ખરેખર મેચ ટાઈ થઈ.સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડે કર્યા તેર રન.અમે બધા ઇન્ડિયાને ચિઅર-અપ કરીએ અને હિતો બિચારો ન્યૂઝીલેન્ડને.અંતે બે બોલ અગાઉ જ વિરાટ કોહલીએ મેચ જીતાડી.હવે શરૂ થવાની હતી અમારી બેટિંગ.અમારી આખી ટ્રીપ તો હિત સ્પોર્ન્સડ હતી. હિતનું ડાચુ ગગલી જેવું થઈ ગયું.બિચારાને કાપો તો લોહી ના નીકળે.છેલ્લે બે ઘડી મજાક સમજીને વાત પતાવી.

નખી લેકની આસપાસ થોડીવાર બેઠા.આજે ખૂબ થાકી ગયા હતા એટલે રખડવાનું માંડી વાળ્યું. સ્વેટર વગેરેની થોડી ખરીદી કરીને પાછા હોટેલ ભેગા થઈ ગયા.લગભગ અંધારું થઈ જ ગયું હશે.સાત વાગ્યાની આસપાસ ઘરેથી ફોન આવવાનો ટાઇમ થઈ ગયો.બધા ઘરેથી પરમિશન લીધા વગર જ આવ્યા હતા એટલે આ અમારી સિક્રેટ ટ્રીપ જ હતી.બધાએ પોતપોતાની રીતે ઘરે વાત કરી લીધી.કાલે આખા દિવસનો ફરવાનો પ્લાન બનાવાનો હતો.સવારના પહોરમાં પહેલું સ્થળ હતું ગુરુશીખર.એ હજુ અમારી હોટેલથી પંદરેક કિલોમીટર દૂર હતું એટલે બધાએ બાઇક ભાડા પર લઈને આખો દિવસ રખડવાનું નક્કી કર્યું.હું,વાસુ,પ્રિન્સ અને ચેતન અમે બાઇકનું નક્કી કરવા ગયા.

અમે આઠ જણ હતા એટલે ચાર એક્ટિવા લેવાનું નક્કી કર્યું.હોટેલથી બે-ચાર ગલી મૂકીને જ એક ગેરેજ હતું.ગેરેજના મલિક હારે ભાવતાલ કર્યા.તેણે બીજા દિવસે સવારે આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધીના એક એક્ટિવાના અઢીસો રૂપિયા ભાડું કીધું.અમે થોડી આનાકાની કરીને દોઢસો રૂપિયા ભાડું લેવાનું કહ્યું.પણ અંતે વચ્ચેનો રસ્તો નીકળ્યો.બસો રૂપિયા ભાડું અને સવારની જગ્યાએ અત્યારથી બીજા દિવસે સાંજે આઠ વાગ્યા સુધીનો સમય.એક્ટિવામાં પેટ્રોલ પુરાવીને ફરી પાછા હોટેલ ભેગા થઈ ગયા.

ડિનરનો ટાઇમ લગભગ થઈ જ ગયો હતો.અમે સારા રેસ્ટોરન્ટની શોધમાં ખોબા જેવડા આબુ પર્વતના બે વાર ચક્કર માર્યા પછી એક રેસ્ટોરન્ટ ફાઇનલ કર્યો.પાઉભાજી,દાલબાટી,આલુ પરોઠા,ઢોસા વગેરે માંથી કોઈ એક વાનગીતો ખાવાલાયક હશે એવી આશા સાથે.પરંતુ રેસ્ટોરન્ટ અમારી આશા ઉપર ખરો ના જ ઉતર્યો.સૌપ્રથમ પાઉભાજી આવી,ટેસ્ટ કરી,મનમાં વિચાર આવ્યો"યાર આના કરતાં તો હું સારી પાઉભાજી બનાવી લઉ"દાલબાટીની એક જ પ્લેટ મંગાવી હતી,કારણ કે મોડાસા વાળા દાલબાટીથી કંટાળી ગયા હતા.બાટીનો ભુક્કો થાય તો દાલબાટીનો મેળ પડેને! ખેર ભૂખને દિલાસો આપવા આલુ પરોઠા કંઈક ગળા નીચે ઉતરે એવા હતા.

બપોરની શોપિંગ વખતે અક્ષયને અને જયને એક સ્વેટર મગજમાં બેસી ગયું હતું.એટલે પાછા એ શોપ પર ગયા.અક્ષયને ગમતું સ્વેટરતો વેચાય ગયું હતું.દુકાનદારે બીજા જેકેટ બતાવ્યા જાડીયાને જેકેટ ગમે તો સાઈઝ ટૂંકી પડે,ને સાઈઝ માપે આવે તો જેકેટ મગજમાં ના ઉતરે.છેલ્લે કલાક એકની મગજમારીના અંતે બે જેકેટ નક્કી કર્યા.બે જેકેટમાં પણ એટલો કન્ફ્યુઝ કે બંનેને વારાફરતી ચાર વાર પહેરીને અરીસા સામે જોયા કરે કે ક્યાં જેકેટમાં વધારે પાતળો લાગુ છુ. અધૂરામાં પૂરું અમારા રીવ્યુ લીધા પણ વધારે કન્ફ્યુઝ થયો.અંતે સિક્કો ઊછાળયો,બોલો આવું કોણ કરે..!સિક્કામાં બ્લેક જેકેટ આવ્યું.આટલામાં હજી ભાઈની કન્ફ્યુઝન પુરી નહોતી થઈ,અંતે લીધું તો ગ્રીન જેકેટ જ.બીજી બાજુ જયને આગાઉનું રેડ હુડી ગમતું હતું તે ફાઇનલ લઈ લીધું.રેડ કેપ તો પેલેથી જ હતી તેની પાસે અને હવે રેડ સ્વેટર.એટલે ઓન ધ સ્પોટ જ એનું નવું નામ પડી ગયું 'લાલ કપ્તાન'...

શોપિંગ પતાવીને હોટેલ પાછા આવ્યા.લાલ કપ્તાનને એક મશ્કરી કરવાનું સૂઝ્યું.ઇન્સ્ટાગ્રામ પર એની પાસે છોકરીનું ફેક આઈડી હતું.એમાંથી એને અક્ષયને મેસેજ કર્યોં એના સિવાય અમને બધાને આ વાતની ખબર હતી. જાડીયાને પહેલી વાર કોઈ છોકરીનો સામેથી મેસેજ આવ્યો હોય,એવામાં એના ચહેરા પરનો હરખ જોઈને,અમારા ચહેરા પરનું હાસ્યનું અહીં શબ્દમાં વર્ણન નહિ થઈ શકે.ખેર આ વિષય પર આખો હાસ્ય લેખ લખાય શકે એમ છે...

રાતે બારેક વાગ્યાની આસપાસ અમે બધા ઊંઘી ગયા.સવારે આઠ વાગ્યાની આસપાસ બધા ગુરુશીખર જવા તૈયાર.
વધુ આગળના ભાગમાં....
****************************************

Hope you guys enjoying...!
પ્રિય વાંચકમિત્રો,આ ભાગ થોડો હાસ્યત્મક રાખ્યો છે.માઉન્ટ આબુની સાચી સફર આવતા ભાગથી શરૂ થશે,તો તમે બધા તૈયાર છો ને આબુનો પ્રવાસ કરવા..........

-સચિન