Love Letter - 1 books and stories free download online pdf in Gujarati

લવ લેટર - 1


લવ લેટર (ભાગ-૧)

''तुम इतना जो मुस्कुरा रहे हो...
क्या गम है जिसको छिपा रहे हो ???''
અરે હા યાર, તમને લાગતું હશે કે આવી હાલતમાં પણ ગીત ગાવાનું કેમ સૂઝતું હશે મને ? પણ શું કરું ? હસું કે રડું ખબર પડતી નથી, એટલે સકારાત્મક વિચારવાનો પ્રયત્ન કરું છું. ''આંખમાં આંસુ અને ચહેરા પર મુસ્કાન'' આ કદાચ સૌથી અમૂલ્ય ક્ષણ છે જિંદગીની. અને મેં એ ક્ષણને કેટલીય વાર જીવી છે. સાચે જ. ખબર છે મને કે લોકો આવી ફક્ત એક ક્ષણ માટે તડપતા હોય છે અને મેં એક વાર નહીં બે વાર નહીં અનેકવાર અનુભવ કર્યો છે એનો.
કહેવાય છે કે બોલવું કે વ્યક્ત કરવું સહેલું છે પરંતુ સાંભળવું અને મહેસુસ કરવું બહુ અઘરું છે. અત્યાર સુધી મેં ફક્ત સાંભળ્યું છે કે જોયા કર્યું છે કંઈ કેટલાય ઉતાર ચડાવમાંથી પસાર થયો છું. છતાં કોઈ ની જિંદગી બની છવાયો છું. આજ મારી પાસે એમાંનું કાઈ જ નથી. તો થયું કે હું પણ એક વાર વક્તા બની જોઉં. આજે મારી આ મહેફિલનો હું જ વક્તા અને હું જ શ્રોતા... એવી કોઈ આશા-અપેક્ષા નથી કે કોઈ મને સાંભળે કે સમજે. એક ઈચ્છા જરૂર છે જે સમય આવે કહીશ, જો કોઈ મને સાંભળી-સમજી શકશે તો...
આજ થી લગભગ પાંચ વર્ષ પહેલાં... લગભગ શુ કામ ? તારીખ પણ લખેલી જ છે મારી પર. 14 ફેબ્રુઆરી, 2015. હા, તો પાંચ વર્ષ પહેલાં એક નાજુક-નમણી છોકરીના હાથનો મને થયેલો સ્પર્શ...હજુ પણ એ યાદ છે. એમ તો પહેલાં ઘણીવાર આમથી તેમ મારી આપ-લે થઈ હતી.
એ લાંબા અને ઊંચા, આશિષે કેટલીય વાર મને એ મુસ્કાનને જબરદસ્તીથી પધરાઈ દેવાનો પ્રયત્ન કર્યો હતો. પણ મુસ્કાન એટલે ભારોભાર અભિમાનનું પૂતળું. મારી સામે એકવાર પણ જોવાની એણે તસ્દી જ ના લીધી. જોકે ત્યારે હું પણ એકદમ સ્વચ્છ, સફેદ અને શાંત હતો. એટલે મુસ્કાને જોયું પણ હોત તો કાંઈ ફેર પડવાનો નહોતો. કેમકે આ તો ફક્ત શરૂઆત હતી.આપણાં આશીષકુમાર લટ્ટુ થઈ ગયેલા હતાં એ મુસ્કાનકુમારી ઉપર. આખી સ્કૂલના બધા જ છોકરાઓ મુસ્કાનની અદાઓ પાછળ પાગલ હતા. એને એક વાર જોવા માટે કે નજીકથી નીકળવા માટે પણ લાઈનો લાગતી. પણ એ મિસ ઇન્ડિયા ફક્ત આશીષને જ થોડો ઘણો ભાવ આપતી. અને આપે પણ કેમ નહીં ? અગિયારમા ધોરણનો સ્કોલર, સૌથી દેખાવડો અને પાછો સ્કૂલ ટ્રસ્ટીનો એક નો એક છોકરો એટલે આપણો હીરો, અશિષ.

હું એટલે એક ફુલસ્કેપનું ફક્ત એક પાનું. પણ મારી જો મારી કિંમત આંકો, તો એ સમયે આશીષ અને મુસ્કાનની જિંદગી કરતાંય વધારે. ખરેખર, ઠીક છે વિશ્વાસ તો નહીં જ આવે પણ હું સમજાવાનો પ્રયત્ન કરી શકું.
અત્યાર સુધી આશીષ, આ ફુલસ્કેપને હોમવૉર્કના કોઈને કોઈ બહાને મુસ્કાનને આપતો, બીજે દિવસે પાછો માંગતો કે કદાચ એનાથી બંને વચ્ચે દોસ્તી બંધાય. પણ મુસ્કાન તો ચૂપચાપ લઇ લેતી એના ઘરના એક દિવસના રોકાણ પછી બીજે દિવસ હું આશિષ પાસે પાછો આવતો.
મારુ અસ્તિત્વ એક ફૂલસ્કેપના અન્ય પાનાઓ જેટલું જ હતું. પણ આજે કદાચ મારું નસીબ જોર કરતું હતું. આજે, એટલે 13 ફેબ્રુઆરી, 2015. આશિષે ફુલસ્કેપના કેટલાય પાનામાં કંઈક લખીને ફાડી નાખ્યું હતું. આખા દિવસની મથામણ પછી રાતે મારો વારો આવ્યો. મારા ઉપર શબ્દો ટંકાયા, ''પ્રિય મુસ્કાન....''( આટલા પાના ફાડયા પછી આશિષને બુદ્ધિ આવી કે પેન્સિલથી લખવાનું શરૂ કર્યું. ) માથું ધુણાવી ભૂંસી નાખ્યું. અંગ્રેજીમાં લખવાથી છોકરીને વધારે અસર થતી હશે કદાચ. એણે ફરી લખ્યું...''Dear Muskan...'' સામેની દીવાલ ઉપર જોઈને લખતો હોય એવું લાગ્યું. બે મિનિટમાં તો ફરી ભુસ્યું. મને તો થયું કે આ લખે તો સારું નહીં તો મારી જગ્યા આજે પાક્કું બીજા પાનાઓની સાથે એ કાળી છલકાઈ ગયેલી કચરાપેટીમાં નક્કી જ છે. એ એકધારી દિવાલ વાંચતો હતો અને હું એનો ચહેરો. કોઈ ગતિવિધિ નહી.. આખો દિવસ મ્યુઝિક ઉપર જીવતો આશિષ આજે સ્ટેચ્યુ બની ગયો હતો.
પંદરેક મિનિટ પછી અચાનક એનામાં એક ઝાટકે જીવ આવ્યો હોય, એમ ચમક્યો. એના હોઠ પણ મલકાયા... મારુ અસ્તિત્વ બચાવવાના ચાન્સ વધી ગયા હોય એમ લાગ્યું. પલંગ ઉપર બેઠાં-બેઠાં જ આડા-અવળા થઈને એણે લખવા માટેનું વોર્મઅપ કરી લીધું. શરૂ કર્યું....
''Dear Muskan,
હું નથી જાણતો, કે તારા મનમાં કે દિલમાં મારા માટે શું feelings છે... પણ I want to say કે I like u. તને First Time જોતા તો એમ જ લાગ્યું હતું કે તું બહુ Proudy હોઇશ. પણ હવે આ છ-સાત months પછી એમ લાગે છે કે તું પણ મારી જેમ જ Emotional અને Caring Pesrson છું. I know કે આપણી age હજુ આવી વાત કરવા માટે ok નથી, but I'm sure કે હું તને love કરું છું. Really yaar... તું પણ વિચારજે.
હું બીજા છોકરાઓ જેવો નથી એ તે પણ mark કર્યું જ હશે. અને I Promise કે હું તને ક્યારેય hurt કે cheat નહીં કરું. હંમેશા તને હસતી રાખીશ. તારી સાથે ક્યારેય ખરાબ React નહીં કરું.
કાલે Valentine Day છે. મારી Life નું First proposal અને First Valentine તું જ છે. અને તું જ Last હોય એ જ મારી Effert રહેશે હંમેશા. તું હા પાડીશ, તો હું Marriage પણ કરીશ તારી સાથે.
My Promises for ever :
I always love u...
I always care for u...
I never leave u...
I never let u go...
I never cry u...
I always keep u happy n smiling...
હજુ કોઈ promise જોઈતા હોય તો કહેજે, પણ જવાબ માટે wait ના કરાવતી.
I'm waiting...
-ASHISH''
ઓહ..ઓહ..સવારથી દીવાલ વાંચતો હતો ને લખ્યું ફક્ત આ અડધું જ પાનું...!!! કેવા કેવા પાગલ ભર્યા છે આ દુનીયામાં !!!
પણ આજે સમજાય છે કે આ અડધાં પાનામાં જ તો કોઈકની દુનિયા સમેટાઈ હતી.
પેન્સિલથી આછા અક્ષરોમાં લખ્યું હતું ને હવે એને શણગારવાનું કામ બાકી હતું. ગ્લિટર પેનનું આખું બોક્સ ઉપાડી લાવ્યો હતો. પલંગમાં ચારેબાજુ બધું ફેલાવીને નાનું છોકરું જેમ ચિત્રમાં રંગ પુરવા બેસે એમ એ લાગી રહ્યો હતો. એણે બધી જ ગ્લિટર પેનોના ઢાંકણા કાઢી નાખ્યા અને એક હાથમાં એક સાથે પકડી. કેમ જાણે મોટો ચિત્રકાર હોય ! એના એ પહેલાં પ્રેમપત્રમાં કલર પુરાવાના શરૂ થયા. ધીમે ધીમે હું રંગીન થઈ રહ્યો. સૌથી પહેલા એણે લાલ પેનથી આખો લેટર લખી નાખ્યો. નીચે પોતાનું નામ અને ઉપર મુસ્કાનનું નામ ગુલાબી પેનથી અને ફરી એની ઉપર આસમાની પેનથી લખી ડિઝાઇન કર્યું. વચ્ચે વચ્ચેના અંગ્રેજી શબ્દોને એણે ડાર્ક બ્લ્યુ કલરથી સજાવ્યાં. હવે ? આટલું બધું ચીતરી નાખ્યું તોય એ ધરાતો નહોતો. એણે બીજા બધાજ કલરથી બાકી રહેલી જગ્યા ઉપર એક આખું ને એક અડધું એમ ભેગા કરેલા ''હાર્ટ'' દોર્યા. ફરી બે મિનિટ એણે દીવાલ વાંચી. લીલા કલરની પેનથી જમણી બાજુ ઉપર તારીખ લખી. 14, February.2015.
બાજુના ડ્રોઅરમાંથી એણે પાંચ-છ રંગીન કવર કાઢ્યા. એક લાલ દિલવાળા કવરમાં મને વાળીને મુક્યો. વળી પાછું શુ થયું, આસમાની તારાઓ વાળા કવરમાં મુક્યો. થોડી વારમાં ફરી મને બીજા પીળા અને લાલ ફૂલ વાળા કવરમાં મુક્યો. ફરી બહાર.... મારુ થશે શુ ???
બે મિનિટની સમાધિ પછી એને લાલ દિલવાળું કવર જ પસંદ કર્યું. મને ફાઈનલી આરામ મળ્યો.
આજે વેલેન્ટાઈન ડે, સવારથી જ આશીષે મને કવરમાંથી પચાસ વાર બહાર કાઢ્યો. પચીસ વાર તો આખો વાંચ્યો. ક્યાંક દિલમાં કલર પૂરવાના હજુ બાકી દેખાયા એને એ પણ પૂર્યા. એની આ હરકતોથી હવે હું કંટાળ્યો હતો. ''શાંતિ રાખ ને ભાઈ, કરવાનું હતું તે કરી લીધું હવે જેને આપવાનું છે એને આપીને પાર લાય ને ! તો મનેય ખબર પડે કે મારી દશા શુ થવાની છે !''
એ હા, અત્યાર સુધી તો મેં એ વિચાર્યું જ નહીં, મુસ્કાન મને ફાડી નાખશે તો ? ડૂચો વાળીને આશીષના મોં પર ફેંકશે તો ? બાપ રે, હવે આશીષ ગયો તેલ લેવા, મને મારી ચિંતા થવા લાગી હતી.
આશીષે મને કવર સાથે જ ફુલસકેપમાં મૂકી સ્કૂલબેગમાં મુક્યો. કરોડોનો સમાન લઈને ચાલતો હોય અને પાછળ પોલીસ પડી હોય એમ ઉતાવળે ઉતાવળે એ સ્કૂલ પહોંચ્યો. મુસ્કાન એની બહેનપાણીઓના ટોળામાં જ બેઠી હતી. આશીષે મને બહાર કાઢી શર્ટના ખિસ્સામાં મુક્યો. મુસ્કાનના એ ટોળા સુધી બે ડગલાં ચાલ્યો પણ ખરો. એકદમ એના પગને બ્રેક વાગી અને હંમેશા પહેલી બેન્ચ પર બેસનારો આજે છેલ્લી બેન્ચ પર જઇ બેઠો. એના કરતાં તો મને હવે વધારે મૂંઝારો થતો હતો, ''આજે જો આ મહાશય હિંમત નહીં કરે તો આ કરોડોનો માલ કાલે રદ્દી થઈ જવાનો હતો, ''આપ ને ભાઈ, હિંમત કર ને બાપા'' મારી પાસે તો માથું કુટવા સિવાય બીજો કોઈ રસ્તો જ ક્યાં હતો !!!
રીસેસ પડી, પણ મુસ્કાન એના ટોળામાંથી બહાર આવે તો ને ? અડધી કલાકની રીસેસ આમ જ વીતી ગઈ પાંચ મિનિટ બાકી હતી. આ રોમિયોએ નાસ્તાનો ડબ્બો પણ ના ખોલ્યો. ઘરે મમ્મીની કચ-કચને સામી છાતીએ વહોરી લેવાની હિંમત આવી ગઈ હતી. પણ એક કાગળ આપવાની હિંમત નહોતી. ''અરે ભગવાન હવે તું એને હિંમત આપ, ને કાં તો મને પગ આપ, હું જાતે જતો રહું.''
ઉઘડ્યા....આપણાં કિસ્મત ઉઘડ્યા....આખા દિવસની એક સેકન્ડ એવી હોય કે જેમાં માંગો એ મળે....મારી એ અમૂલ્ય સેકન્ડ આ જ હતી. ભગવાને આશિષના પગમાં જોર આપ્યું. અને મુસ્કાનને......(બધું ના કહેવાય).
છેલ્લી પાંચ મિનિટ બાકી હોવાથી મુસ્કાન એકલી બાથરૂમ તરફ દોડી. લગભગ બધા જ પોતપોતાના ક્લાસમાં ગોઠવાઈ ગયા હતા. એટલે બહાર અવર-જવર પણ ઓછી થઈ ગઈ હતી. અશિષ પણ એની પાછળ દોડ્યો. દોડતાં-દોડતાં મને ખિસ્સું પકડી રાખી સાચવ્યો હતો. મુસ્કાન બાથરૂમમાં એન્ટર થાય એ પહેલાં જ એની નજીક પહોંચીને કાઈ જ બોલ્યા વગર મને ખિસ્સામાંથી બહાર કાઢી, હાથ લંબાવી દીધો. મુસ્કાને કોઈ રિએક્શન આપ્યા વગર એના હાથમાંથી મને જાટકી ને લીધો, ''પ્રેમપત્ર છું યાર, થોડી તો ઈજ્જત કર...''
મુસ્કાને મને એના એક ફુલસ્કેપમાં મૂકી એની સ્કૂલબેગમાં મૂકી દીધો. થોડો હાશકારો થયો. મારી જિંદગીમાં આજનો દિવસ તો હજુ છે જ. નહીં તો એણે ગુસ્સો કરીને ત્યાંજ ફાડી નાખ્યો હોત. એટલુ તો મને સમજાયું કે એ મને વાંચશે તો ખરી જ.



વધુ આવતા અંકે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED