Sapnu (Part - 1) books and stories free download online pdf in Gujarati

સપનું (ભાગ-૧)

''સપનું''
તૃપ્તિ, વડોદરાના મધ્યમવર્ગ પરિવારની ત્રણ ભાઈ બહેનમાં સૌથી નાની લાડકી દીકરી. એણે બારમા સુધી વડોદરામાં અભ્યાસ કર્યા પછી અમદાવાદની એન્જીયરિંગ કોલેજમાં પ્રવેશ લીધો હતો. રીના, શીતલ અને શિખા ની સાથે લો ગાર્ડન પાસે આવેલા એક P. G. માં રહેતી હતી.
સવારથી સાંજ સુધી ચારેય બહેનપણીઓ સાથે જ રહેતી. સાંજે ચારેય લો ગાર્ડન પાસેની રોજની નક્કી કરેલી જગ્યાએ બેસવા જતી. ક્યારેક P.G.માં જમવામાં ભાવતું ના મળ્યું હોય ત્યારે બહાર કંઈક નાસ્તો પણ કરી લેતી.
એ લોકો જ્યાં રોજ સાંજે બેસતાં, ત્યાં સામે જ કેટલાંક નાના-મોટા છોકરાઓ પોત-પોતાના ઘોડાઓ લઈને ઉભા રહેતા.
તૃપ્તિ રોજ એમાંનાં એક સફેદ ઘોડાને તાકતી રહેતી.
રીના, શીતલ, શિખા અને તૃપ્તિમાં બબ્બેની જોડી હતી. રીના અને શીતલની જોડી અને શિખા અને તૃપ્તિની જોડી.
એક સાંજે નિત્યક્રમ પ્રમાણે ચારેય લોગાર્ડનની એ બેઠક ઉપર બેઠા હતાં. શિખા એ ઘણા સમયથી નોટિસ કર્યું હતું કે તૃપ્તિ કંઈક અલગ જ લાગણીથી એ સફેદ ઘોડાને જોયા કરતી.
આજે શિખાએ એને પૂછી જ લીધું, '' તૃપ્તિ, એક વાત પૂછું ?''
''હા બોલ ને એમાં પૂછવાનું શુ હોય ?'' તૃપ્તિએ મિત્રતાનો હક આપતાં શિખાને સંમતિ આપી.
શિખાએ તરત જ સામે સવાલ કર્યો, ''હું ઘણા સમયથી જોઉં છું, તું આ સફેદ ઘોડાને એકધારું જોયા કરે છે''
તૃપ્તિએ થોડું અચકાતા જવાબ આપવાની શરૂઆત કરી ત્યાં જ રીનાએ ઉભા થઇ બૂમ પાડી, ''ચાલો હવે જઈશું ??'' જવાબ આપવાના બદલે ત્રણેય જણે પણ ઊભા થઈ મૂક સંમતી આપી.
એ પછી છ-સાત દિવસ સુધી કોલેજમાં પરિક્ષાઓના લીધે આ વિષય ઉપર કોઈ વાત-ચીત થઈ શકી નહીં. પરંતુ એ ચારેયના નિત્યક્રમમાં જરાય ફેરફાર થયો નહોતો. આખા દિવસના અભ્યાસ પછી થોડું રેલેક્સ થવા માટે એ જગ્યાએ બેસવા તો જતાં જ. છેલ્લી પરીક્ષા પૂર્ણ થઇ એજ દિવસે બધા ત્યાં બેઠા હતાં, અચાનક જ તૃપ્તિએ સહેજ મોટા યાંત્રિક અવાજે જાણે સ્વગત જ કહ્યું, ''મને ઘોડા ઉપર બેસવું છે.''
બાકીની ત્રણેયને તો આંચકો જ લાગ્યો જાણે.
શીતલે થોડું મોઢું બગાડીને કહ્યું, '' ઓ...મેડમ... પાગલ તો નથી થઈ ગયા ને ? શું બોલો છો આ ?''
ત્યાંજ શિખાએ વાતને સંભાળી લેતા કહ્યું, ''અરે એ તો કહે..એમ થોડું ઘોડા પર બેસાય ? ચાલો આપણે બધા ઘોડા ગાડીમાં બેસીએ. હે ને...તૃપ્તિ ? ચાલો ઉભા થાઓ..''
તૃપ્તિ પોતાની એ અલગ દુનિયામાંથી પાછી વળી..''હે ? શુ કીધું ?''
શિખાએ એની મૂંઝવણ પારખી ફરીથી એને કહ્યું, ''આપણે ઘોડા ગાડીમાં બેસવા જઈએ છીએ..''
તૃપ્તિ જાણે એનું સપનું તૂટ્યું હોય એમ અકળાઈ,''મારે નથી બેસવું. તમારે જવું હોય તો જાઓ..''
શિખા હવે તૃપ્તિને સમજી શકવા અસમર્થ હતી.
એણે રીના અને શીતલથી થોડું દૂર લઈ જઈ એને સમજાવવા કે સમજવા પ્રયત્ન કર્યો, '' તૃપ્તિ શુ થયું છે તને ? કેમ આવું વર્તન કરે છે ? ઘોડા ઉપર બેસવાની બકવાસ કરતી હતી તું... ગાંડી થઈ ગઈ છે કે શું ? ઘોડા ઉપર નાનાં છોકરાઓ બેસે.. આ આબુ નથી કે અહીં ઘોડા પર ફરવા નીકળાય..ઘોડાગાડીમાં બેસવું હોય તો ચાલ, અને આ તારા પાગલવેડા બંધ કર..!!''
તૃપ્તિએ સામે કંઈજ જવાબ આપ્યા વગર P. G. તરફ ચાલવા માંડ્યું. શીખા પણ કાઈ સમજ ના પડતાં એની પાછળ જ ચાલવા લાગી. રીના અને શીતલ આ બધું જોઈ રહ્યાં હતાં. એ થોડી વાર ત્યાં જ ઉભા રહ્યાં. અને બંને જણની મજાક કરતાં ફરી થોડી વાર ત્યાં બેઠા.
તૃપ્તિએ જોયું કે શિખા એની સાથે જ રૂમ ઉપર આવી હતી. રીના અને શીતલ આવ્યા નથી. તૃપ્તિએ નિરાશ ચહેરે શિખા સામે જોયું, કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો પણ કહી ના શકાયું.
બીજા દિવસે ફરી એજ સમયે શીતલે તૃપ્તિની મજાક ઉડાવતા કહ્યું, ''ચાલો ઘોડાગાડીમાં બેસવું છે ને ?''
તૃપ્તિ અને શિખાએ પહેલા એની તરફ અને પછી એકબીજા તરફ નજર કરી.
તૃપ્તિએ કહ્યું, ''તમે લોકો ઘોડા ગાડીમાં બેસો, હું ઘોડા ઉપર બેસીસ.''
આજે હવે શિખાએ સમજાવવાનો પ્રયત્ન ના કર્યો, પરંતુ એ શું કરે છે એ જોઈ રહી.
ચારેય બહેનપણીઓ એ ઘોડાગાડીના સ્ટેન્ડ તરફ આગળ વધ્યા. લોગાર્ડનનું આખું ચક્કર લગાવવના પચાસ રૂપિયા નક્કી કરી રિના, શીતલ અને શિખા ઘોડા ગાડીમાં બેઠાં. તૃપ્તિ ખરેખર જ એ સફેદ ઘોડા તરફ આગળ વધી અને સાઈઠ રૂપિયામાં એણે ઘોડે સવારી સ્વીકારી.
સાંજે રૂમ ઉપર આવ્યા પછી બધાએ એકબીજા સાથે વાત કરવાનું પણ ટાળ્યું હતું. હવે રોજની ક્રિયામાં આ ઘોડે સવારીનો પણ ઉમેરો થઈ ગયો હતો. શિખાએ તૃપ્તિમાં થયેલા ફેરફારને જોયો હતો.પણ જ્યાં સુધી એ સામે થી કાઈ કહે નહીં ત્યાં સુધી આ બાબતે કોઈ પ્રશ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. તૃપ્તિ રોજ ઘોડે સવારી કરતી. સફેદ ઘોડો પણ એજ સમયે એના માટે ખાલી જ રહેતો. એકાદ મહિનો વીત્યો હશે..
એક દિવસ તૃપ્તિ ઘોડે સવારી કરી રહી હતી. ઘોડાના માલિકને એણે પૂછ્યું,... '' તમારું નામ શું છે ?''
''ચેતન'',સામેથી જવાબ મળ્યો.
''અને ઘોડા નું ?''.. ''સલમાન'', ફરી યાંત્રિક જવાબ.
ચેતન ક્યારેય ઉંચી નજરે વાત ના કરતો. તૃપ્તિ સામે એ સરખું જોતો પણ નહીં. પરંતુ તૃપ્તિને હવે એના વિશે બધું જ જાણવાની અધીરાઈ રહેતી. ક્યારેક તો એટલું બધું પૂછી નાખતી કે ચેતન મૂંઝાઈ જતો.
તૃપ્તિના ચહેરા પર હવે નૂર આવ્યું હતું. હવે એ પોતાની એ ખુશી કોઈ સાથે શેર કરવા માંગતી હતી આજે એણે બધું જ શિખાને કહી દેવાનું નક્કી કર્યું. ઘોડા ઉપર આંટો માર્યા બાદ શિખા સાથે બેઠી. તૃપ્તિના એ અજુગતા વર્તનના લીધે રીના અને શીતલ હવે એમની સાથે સાંજે બેસવા આવતા બંધ થઈ ગયા હતાં.
શિખા પાસે બેસીને એના હાથ પકડતા કહ્યું, ''શિખા, મારે પેલી વાત કહેવી છે..જે તું પૂછ પૂછ કરીને થાકી ગઈ હતી..''
શિખાએ જવાબ આપવાના બદલે પ્રશ્નાર્થ નજરે એના તરફ જોયા કર્યું.
તૃપ્તિએ વાત આગળ વધારી...''મને એ સફેદ ઘોડો પહેલેથી જ બહુ ગમતો હતો, ધીમે-ધીમે એની સાથે આવતો યુવક મને ગમવા લાગ્યો હતો. મને લાગતું કે જાણે દરેક છોકરીઓના સપનામાં જે સફેદ ઘોડા પર રાજકુમાર આવતો હશે..એ આ જ છે..''
શિખાએ પ્રશ્નાર્થ અને આશ્ચર્યના ભાવ સાથે હજુ પણ જોયા જ કર્યું. શિખાની મનોસ્થિતિ સમજી શકી હોવાથી એણે ફરી પોતાની હકીકત કહેવાનું શરૂ કર્યું, ''શિખા, જો હું પાગલ નથી. પણ સાચું કહું છું મને ચેતન બહુ ગમે છે..એના વગર હું નહીં રહી શકું..''
શિખા : ''તૃપ્તિ, તું આ શું કહી રહી છે ? મગજ છે કે નહીં ? તું એને કેટલું ઓળખે છે હજુ ?''
તૃપ્તિ : ''મને એ બધી કંઈજ ખબર નથી પણ હું એના વગર નહીં રહી શકું એ પાક્કું છે...''
શિખા : ''શુ એ પણ તને...???''
તૃપ્તિ : ''એની મને ખબર નથી...''
શિખા : (માથે હાથ રાખીને) ''યાર તું... આ શું ચાલી રહ્યું છે ? તું કેવી રીતે...??? તને બીજું કોઈ ના મળ્યું ???''
તૃપ્તિ : ''તું જે સમજે તે. પણ આ જ હકીકત છે અને તારે મને સાથ આપવાનો છે.''
શિખા : (આંખો પહોળી કરીને) ''હે ભગવાન..!! મારુ મગજ તો ઠેકાણે રહેવા દે તું અને તું પણ આમાંથી વહેલી બહાર આવી જા એજ સારું છે તારા માટે.''
તૃપ્તિ : ''જો શિખા, તું સાથ ના આપવાની હોય તો કહી દે.. પણ મારુ મન મક્કમ છે.''
(શિખા બોલ્યા વગર જ રૂમ તરફ ચાલવા લાગી.)
વધુ આવતા અંકે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED