Hu aeklo books and stories free download online pdf in Gujarati

હું એકલો। ..!

હું એકલો। ..!

નર્મદા ના કિનારે, આબુ ના પ્હાડે, દરિયાના કિનારે, ગીર ના જંગલોની ગોદી માં આ એવા વિચારો છે કે જ્યાં રેહવું છે

ઝીંદગી ના ઘણા વિચારો એવા હોઈ છે કે જેને વિચારવાની મજા આવે છે. જેનું પૂરું થવું જરૂરી નથી, જેનું પૂરું થવું શક્ય નથી. જેના પુરા થવા ની જરૂર પણ નથી. ખરે ખર તો જેનું પૂરું ના થવું જ આનંદિત રેહવા માટે વધુ જરૂરી છે.

એક ઈચ્છા કે જેને પુરી કરવા લાંબા સમય સુધી રાહ જોવી અથવા તો તે ઈચ્છા ની પાછળ પાછળ ફરવું, ઈચ્છા પુરી કરવાના પ્રયત્નો , સ્વપ્નો અને અથાગ ઉદ્યમ। આ બધા ના અંતમાં જયારે ઈચ્છા પુરી થઇ જાય પછી મહદ અંશે ખબર જ ના પડે કે હવે શું ?

માઉન્ટ આબુ ના ધુમ્મસ છાયા વાતાવરણ માં સવારે ખબર નહિ કેટલા વાગ્યા હશે પરંતુ સવારે જયારે ઊંઘ છોડી ને જાગ્યો ત્યારે ખાલી હું જ એકલો જાગ્યો હતો. બારી ની બહાર નજર કરી તો માત્ર થોડા સફાઈ કામદારો, હોટલ ના ગાર્ડન માં થોડા માળી અને દૂર ક્યાંક રસોડા માં થી થોડા રસોઈયાઓનો માત્ર અવાજ વાતાવરણ ને જગાડી રહ્યો હતો. જગ્યા પછી જો બીજું કોઈ જાગ્યું ના હોઈ તો મન બેચેન રહે શું કરવું તે સમજ ના પડે. સવાર સવારમાં પાંચ વાગ્યા ના સુમારે ચા ની તલબ મને રૂમ ની બહાર તો લઇ આવી પણ મને સમજ ના પડી કે મને જેવી ચા પીવા ની તલબ લાગી છે તેવી શું માઉન્ટ આબુ માં કોઈ ને ચા પીવરાવવાની કે પૈસા કમાવા ની તલાબ હશે?

વધારે વિચાર્યા વગર નીકળી તો પડ્યો હોટેલ થી નક્ક્ખી લેક ના રસ્તા તરફ. હોટેલ ના સેક્યુરીટી ગાર્ડે પણ થોડા આશ્ચર્ય અને સવારની સુસ્તી ના અણગમા સાથે સલામ ઠોકી ને દરવાજો ખોલી આપ્યો. વાતાવરણ સારું હતું, એકદમ ઠંડક હતી અને ધુમ્મસથી છવાયેલું. થોડા ઘણા શેરીના કુતરાઓ ને બાદ કરતા રસ્તા પર લગભગ કોઈ ન હતું. અડધી રાત્રી સુધી ધસમસતી બજારો જાણે હમણાજ શાંત થઈને ગહેરી ઊંઘમાં ગરકાવ થયેલી હતી. આજુબાજુ માં નજર ફેલાવતો અને આઇપોડ ના સ્પીકર માંથી હલકા અવાજે ગુંજતા ગલામઅલી ના “ચુપકે ચુપકે રાત દિન …” સાંભળતો સાંભળતો તીવ્ર ચાની તલબ સાથે નક્ક્ખી લેક તરફ ચાલી તો નીકળ્યો પરંતુ મહદંશે હું ચોક્કસ હતો કે નવ વાગ્યા પેહલા ચા મળવી મુશ્કેલ છે.

ઘણી વાર ઈચ્છા ઓ ઘણી નાની હોઈ તેને પૂર્ણ કરવાની કિંમત પણ ઘણી નાની હોઈ છતાં તે પૂર્ણ કરવા માટે જરૂરી પ્રયત્નો ઘણા મોટા હોઈ. આવી જ નાની ઈચ્છા ને લઇ લગભગ સવાર સવાર ના પહોર માં માઉન્ટ આબુના સૌંદર્ય જોતા જોતા અંદાજે પાંચ છ કિલો મીટર ચાલી ગયો. અંદાજે સવારના છ વાગવા આવ્યા હશે અને હજી માઉન્ટ માઉન્ટ આબુની સડકો એટલી જ સુસમામ હતી. ક્યાંક દૂરથી કોઈ મૌલાના પોતાના અલ્લાને આઝાન આપવા કદાચ જગ્યા હોઈ તેવું લાગ્યું.

ચાની તલબે કદાચ હવે હાર માની લીધી હશે અને મન થાક અને હતાશા માં લગભગ પાછા ફરવાનું નક્કી કરી રહ્યું હતું ત્યાં દૂર એક નાની ટેકરી પાર રિયો-ડી-જાનેરો ની અદામાં ઉભેલા એક જીસસ ક્રાઈસ્ટ નું સ્ટેટ્યૂ દેખાયું. ભલે રિયો-ડી-જાનેરો જેટલું મોટું ના હતું પણ દૂર થી કોઈ પણ તેને માર્ક કરી શકે તેટલું મોટું તો અચૂક હતું જ. મનના વિચારોએ પછી પાની કરી, હોટેલ ના રૂમ પર તો હજુ બીજા બે થી ત્રણ કલાક સુધી મને જાગૃત અવસ્થા માં સાથ આપે તેવું કોઈ નહિ હોઈ. અને ચા મળવા ના ચાન્સ તો હોટેલ પર પણ નવ વાગ્યા પહેલા નહિવત છે. તો શા માટે આ નાના રિયો-ડી-જાનેરો સાથે એક મુલાકાત ના કરતો આવું?

વિચાર અને વિચાર ના અમલીકરણ વચ્ચે જો જાજો સમય ના આપવામાં આવે તો આપણું મગજ એટલું જલ્દી ના કરવાના બહાના શોધી શકતું નથી. મારુ મગજ મને હજાર કારણો શોધી ને આપે કે શા માટે મારે આ બાજુ ન જવું જોઈએ, તે પેહલા જ મેં તે બાજુ ચાલવાનું શરુ કરી દીધું. ભારત સરકાર ના પર્યટન વિભાગ ને આભારી સરસ પાક્કા રસ્તા થોડા ચઢાણ સાથે જાણે નાની એવી ટેકરી ની પરિક્રમા કરી રિયો-ડી-જાનેરો ના જીસસ પાસે જવાનો પ્રયત્ન કરી રહી હતી.

સ્ટીવ જોબ નું આઈપોડ પણ જાણે રાહ અને ચાહ બંને ને ઓળખતું હોઈ તેમ ગુલામ અલી ની ચુપકે ચુપકે રાત દિન વાળી ગઝલ ને છોડી ને સવારના મોસમ ને અનુસરી મેં ઝીંદગી કા સાથ નિભાતા ચાલ ગયા પ્રકારના ગીતો વગાડવાના શરૂ કરી દીધા. રસ્તા પર કોઈ સાઈન બોર્ડ ના હતા પરંતુ આબુ ના રિયો-ડી-જાનેરો ની દિશા એકદમ સાચી લગતી હતી. જેમ જેમ આગળ વધતો જાવ તેમ તેમ ધરા તલ થી ઊંચાઈ વધતી જતી હતી અને રિયો-ડી-જાનેરો ની મૂર્તિ નું કદ મોટું થતું જતું હતું. બાજુમાંથી વહેતુ ઝરણું અને સવારના સભા ભરતા પક્ષી મારા એકલા અજાણ્યા રસ્તા પર વહી જતા ડરને રોકવાની કોશિશ કરી રહ્યા હતા. ઈચ્છાઓ જે રીતે માણસ ને જાજુ ઝંપવા નથી દેતી તેજ રીતે જાજુ ઝઝૂમવા પણ નથી દેતી. તમારા પ્રયત્નો તમને જેટલા ઝડપથી ઈચ્છા પ્રાપ્તિ સુધી પહોંચાડવા નો પ્રયત્ન કરે છે તેટલા જ વધુ અવરોધ સાથે ઈચ્છા પ્રાપ્તિ ના રસ્તા ને વધુ ને વધુ પડકાર રૂપ પણ બનાવતી જાય છે. મનુષ્ય ને મજા પણ તેમાં જ આવે છે. ઈચ્છા , ઈચ્છા પ્રાપ્તિ ના વિચારો અને પડકારો. પરંતુ ઘણી વાર અમુક પડકારો ની પરાકાષ્ઠા અથવા તો માનવ સ્વભાવ ની નબળાઈ આ ઈચ્છાઓની ઈચ્છા બંધ કરવા સુધી માણસ ને તોડી દે છે.

સતત લગભગ બે કલાક સુધી અંદાજિત દસ કિલોમીટર થી પણ વધુ ચાલ્યા પછી જે રસ્તો એક ખંડેર મકાન પાસે સમાપ્ત થઇ જાય, કોઈ પ્રકારના સંકેત વગર કે આગળ સુ કરવું? ઈચ્છા હજી અમર હતી કે એકવાર તો આબુ ના રિયો-ડી-જાનેરો સુધી તો પહોંચવું જ છે .

માણસ ને અને માણસ ની ઈચ્છા ને બંને ને સહારા ની અચૂક જરૂર પડે છે, તકલીફ માં અથવા તો અસંજમસ ની સ્થિતિ માં બંને પોતાના કરતા બીજા પાર વધુ ભરોસો રાખે છે. રિયો-ડી-જાનેરો પાસે પહોંચવાની ઈચ્છા અકાળે અવસાન પામે, દમ તોડે અને હું પાછો પરત મારી હોટેલ બાજુ પાછો ફરું તે પહેલા દીવાની અગ્નિ ના અંતિમ પ્રયાસ જેમ સંપૂર્ણ વિશ્વાસ સાથે , કે ખંડેર માં કોઈ નથી , મેં જોરથી બારણાં ની અડધી તૂટેલી સાંકળ ને થોડા જોર સાથે ખખડાવી, નહિવત આશા સાથે કરેલા કાર્યમાં જયારે સફળતા મળે તેની મજા જ કઈ વિશેષ હોઈ, સાશ્ચર્ય અને ડર ની મિશ્રિત લાગણી કરાવતો એક ધીમો અવાજ દરવાજા ની પાછળ થી આવવા ની બદલે મારી પાછળ થી આવ્યો.

સાહેબ આ યુથ હોસ્ટેલ નું મકાન છે. વર્ષ માં ખાલી ત્રણ મહિના જ ચાલુ હોઈ છે. થોડા સમય પછી મન થોડું સાન્ત થયું અને તે ગાય વગર ના ગોવાળ સાથે બેસી ને વાતો એ વળગ્યો ત્યારે ખબર પડી કે આ રિયો-ડી-જાનેરો છે એ યુથ હોસ્ટેલ ના નાઈટ ટ્રેક નું લક્ષ્ય છે. દર શિયાળા માં ત્રણ મહિના યુથ હોસ્ટેલ ના જુદા જુદા ટ્રેકિંગ ગ્રુપ માઉન્ટ આબુ વિસ્તાર માં ટ્રેકિંગ કેમ્પ કરવા આવે છે અને આ તેમનો એક પ્રખ્યાત નાઈટ ટ્રેક છે. આ ગાય વગર નો ગોવાળ પોતાના થોડા ઘણા ઘેટાં અને બકરા ને રોજ સવારે અહીં ચરાવવા આવે છે. જે ભારત ના યુવાનો માટે એક વર્ષ માં અથવા તો કદાચ જિંદગી માં એક વાર કરવા જેવો ટ્રેક છે તે આ ગોવાળ માટે રોજ બરોજ ની મજબૂરી માં કરવી પડતી રોજિંદી ક્રિયા છે. કોઈ પણ જાતના રસ્તા કે કેડી વગર ચાંદની રાતમાં જયારે આ આબુ ના સફેદ જીસસ ક્રાઈસ્ટ ચમકતા હોઈ ત્યારે યુથ હોસ્ટેલ ના યુવાનો ની અલગ અલગ ટુકડી ઓ રિયો-ડી-જાનેરો સુધી પહોંચવાની હોડ લગાડી અને હાર - જીત ની મજા લેતા હોઈ છે તે જ આબુ ની આ નાની એવી ટેકરી પર પોતાના ઘેટાં બકરા ને કોઈ પણ જાતની સ્પર્ધા વગર શોધવા તેની માટે એક રોજ બરોજ ની જરૂરિયાત છે.

માણસ ની ઈચ્છાઓ ને નેનો અમસ્તો સહારો પણ પૂરતો છે. મારી ઇચ્છાએ પણ મારા હકાર ની રાહ જોયા વગર જ જાણે મારા પગ ની સાથે મિત્રતા કરી લીધી હોઈ તેમ રિયો-ડી-જાનેરો તરફ ચાલવા માંડ્યું. એક વર્ષ થી અહીંયા કોઈ આવ્યું નહિ હોઈ, પણ છતાં ગયા વર્ષે અહીં થી પસાર થયેલા યુવા ટુકડીઓના પદ ચિહ્નો અને મન ચિહ્નો બંને સ્પષ્ટ અંણસાર આપતા હતા. કોઈ ઝાડ પર હૃદય ની આરપાર નીકળેલા તિર ની બંને બાજુ એક એક પ્રેમી પંખીઓ ના નામ કોતરેલા હતા, તો કોઈ ઝાડ પર બે નામ વચ્ચે ઇલુ ઇલુ ની શાયરી ઓ લખેલી હતી. રાહ ની શરૂઆત ના થોડા કદમો તો અવલોકન માં જતા રહ્યા પરંતુ જેમ જેમ મગજ અવલોકન ની બહાર આવતું ગયું અને શરીર જંગલે ની અંદર જતું ગયું તેમ તેમ ફરી માણસ ની ભાગેડુ વૃત્તિ બહાર આવવા લાગી. રસ્તો ખરાબ છે, અવાવરો છે, જંગલી છે, આજુબાજુ માં કોઈ નથી, અરે મોબાઈલ નો ટાવર પણ નથી !!!

છતાં ઘણી વાર માણસ ની ઈચ્છાઓ ના પ્રભુત્વ નો માણસ પર ભાર વધી જાય છે. અને હોટેલ ના રૂમ પર બધા સુતા હશે, ચાલ આ આબુ ના રિયો-ડી-જાનેરો સુધી જતો આવું જેવી જગ્યા પૂરક ઈચ્છાનું સ્થાન હવે તો ભલે આખું માઉન્ટ આબુ આખું જાગે અને ફરી સુઈ જાય, ભલે રાત થઇ જાય પણ રિયો-ડી-જાનેરો સુધી તો હું જઈને જ આવીશ એવી પ્રબળ ઇચ્છાએ લઇ લીધું.

ઘણી વાર માણસ ના જીવન ના લક્ષ્યો પણ આવા જ હોઈ છે, જીવન માં ખુશી મેળવવા શું કરવું ? ચાલ કોઈ શોખ પાળું? વાંસળી શીખું ? અને ધીરે ધીરે વાંસળી શીખવા પૈસા જોવે, ધીરજ જોવે અને સમય પણ જોવે. તે બધી વસ્તુ જોવે કે જે બધી વસ્તુ ની જીવન માં કમી હોઈ. અને અંતે ખુશી ગઈ તેલ લેવા હવે તો ગમે તે થાઈ રાત દિવસ એક કરી ને પણ હું વાંસળી તો શીખી ને જ રહીશ.

ખુશી - જે મેળવવા શોખ પાળ્યો હતો તેજ ખુશી ના ભોગે હવે શોખ પુરા થાઈ છે.

થોડો પરિશ્રમ, થોડા પ્રયત્નો અને થોડા પરિવર્તિત રસ્તાઓ સાથે જેમ તેમ કરીને હું આગળ તો વધી રહ્યો હતો પરંતુ ધીરે ધીરે અજાણ્યા રસ્તા પર આગળ વધતા વધતા હજી તો લક્ષ્ય સુધી પહોંચ્યો પણ નથી અને લક્ષ્ય થી પાછો કેમ ફરીશ તેની ચિંતા શરુ થઇ ગઈ. રસ્તા માં અમુક જગ્યા એ ઝાડીઓ સંપૂર્ણ રસ્તો બંધ કરી દીધો હતો તો કોઈક જગ્યા એ પથ્થરો થી સંપૂર્ણ રસ્તો બંધ થઇ ગયો હતો. ઝાડીઓ માં નીચા નમી ને અથવા તો પથ્થરો પરથી કૂદીને કોઈને કોઈ રીતે મન મનાવાતો પ્રયત્ન કરતો આગળ વધતો હતો પરંતુ ફરી એક જગ્યા આવી જે મારી ભાગેડુ વૃત્તિ ને ફરી હવા આપે. રસ્તા ના અંત પર એક સીધું ચઢાણ હતું, લગભગ બે માથોડાં જેટલી ઊંચી ટેકરી, આજુબાજુ માં ફરી ને જવાય એવી પણ કોઈ જગ્યા ના હતી. લગભગ એવું લાગતું હતું કે બે માણસો ના ભેગા થયા સિવાય આગળ વધવું શક્ય જ નથી, કદાચ યુથ હોસ્ટેલ એ ટિમ ની ટિમ સ્પિરિટ ચેક કરવા માટે જ કદાચ આ જગ્યા બનાવી હશે. લગભગ લગભગ ચેક મેટ જેવી પરિસ્થિતિ માં પહોંચી ગયો હતો. પરંતુ ધીરે ધીરે રિયો-ડી-જાનેરો સુધી પહોંચવાની ઈચ્છા "કઈ નહિ કરવા કરતા આ કરીયે" જેવી ટાઈમ પાસ ઈચ્છા/ સ્થાન પૂરક ઈચ્છા માં થી "ના હવે તો આ કરવું જ છે " એવી ઝિદ બની ગયી હતી.

અચાનક જે ઈચ્છા એ માત્ર મારા પગ પાર પ્રભુત્વ જમાવ્યું હતું તેણે અચાનક જ મારા મગજ ને આદેશ આપ્યો કે તારી કોઈ સૌથી પ્રિય વસ્તુ ઉપર ફેંકી દે અને પછી જો તું પોતે જ ઉપર ચડવા નો રસ્તો ગોતી લઈશ. અને મારા આશ્ચર્ય વચ્ચે મારા મગજે ઈચ્છાની વાત માની પણ લીધી અને એક પણ પળ નો વિલંબ કર્યા વિના આઈ પોડ ને ઇઅર ફોન અલગ કર્યા , આઈ પોડ નું સ્પીકર ઓન કર્યું અને બીજી જ ક્ષણે આઈ પોડ ને તે ટેકરી પાર ફેંકી દીધું કે જે ઈચ્છા ની હાર નું પ્રબળ શક્ય કારણ હતું. હવે મારા મન પાસે કોઈ રસ્તો ના હતો કે હાર માની ને પાછું જાય. રિયો-ડી-જાનેરો સુધી પહોંચવા ની ઈચ્છા અથવા તો ઝિદ નહિ તો ઉપ્પર ફેંકેલા આઈ પોડ ને પાછું લેવા માટે પણ આગળ વધવું જરૂરી હતું.

જીવન માં ઘણા નિર્ણયો ન સમજાય એવા હોઈ છે એટલે જ તો એક હિન્દી મુવી નો બહુ પ્રચલિત સંવાદ છે "લાગણી નો પણ કેટલી પાગલ હોઈ છે , કોઈ લોગીક જ નથી સમજતી "

ઘણી વાર જીવન માં સમજાતું નથી કે કઈ ઈચ્છા રિયો-ડી-જાનેરો છે અને કઈ ઈચ્છા મારુ આઈ પોડ છે. આઈ પોડ ના લીધે મારા મગજ માંથી પાછા ફરવાનો વિકલ્પ હટાવી દીધો પછી મગજ આપો આપ આગળ વધવાના વિકલ્પો તપાસવા લાગ્યું અને અંતે થોડા દૂર પડેલા મોટા મોટા પથ્થોરોને એક બીજા પર ગોઠવી સીડી બનાવી હું પહેલા આઈ પોડ સુધી અને પછી માત્ર થોડાક ચઢાણ પછી હું આબુ ના રિયો-ડી-જાનેરો ના ચરણો માં સૂતો હતો.

વિશાળ પથરાળ ખુલી જગ્યાની વચ્ચે રિયો-ડી-જાનેરો ની નહિ નહિ તો મારાંથી ૮ થી ૧૦ માથોડાં ઊંચી પ્રતિમા હતી. અહીંથી સંપૂર્ણ આબુ જાણે નક્ક્ખી લેક ની આજુ બાજુ માં કોઈ ઘર ઘર રમતું હોઈ તે રીતે પથરાયેલું દેખાતું હતું. સંપૂર્ણ ઉર્જા રહિત રિયો-ડી-જાનેરો ના કદમોમાં લગભગ - લગભગ નિંદ્રાધીન થવાની તૈયારી માં જ હતો ત્યાં સવારના પ્રથમ કિરણો ક્રાઈસ્ટ ની પાછળ થી રેલાયા. મોબાઈલ નું નેટવર્ક તો પેહલાથી જ નહોતું અને રસ્તા માં થોડા ફોટા પાડ્યા પછી મોબાઈલ ની બેટરી એ પણ દમ તોડી દીધો હતો. મારી પાસે આ અપ્રતિમ સૌંદર્ય ને માણવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હતો. જ્યાં સુધી ગુમાવેલી ઉર્જા એકત્રિત ન કરી શકાય ત્યાં સુધી પરત ફરવું પણ શક્ય ના હતું. અને આટલી મેહનત કરી ને અહીં સુધી પહોંચ્યા પછી જો કોઈને વર્ણવી શકાય તેવા આનંદ ની અનુભૂતિ ન થાય તો શું કામનું ? કદાચ તે ઉગતા સૂર્ય ના પહેલા કિરણો મેં માત્ર દસ થી પંદર મિનિટ જ માણ્યા હશે પરંતુ તે દસ મિનિટ મારી જિંદગી ના અત્યાર સુધી ના સૌથી અવિસ્મરણીય દસ મિનિટ હતા.

-- હું એકલો ...! (એક લઘુ કથા ) (દેવલ ભાવસાર )

બીજા રસપ્રદ વિકલ્પો