Maro Shu Vaank - 30 books and stories free download online pdf in Gujarati

મારો શું વાંક ? - 30

મારો શું વાંક ?

પ્રકરણ - 30

ઋતુઓનાં ફાટફાટ બદલાતા ચક્રની જેમ અને અવિરત વહેતા નદીનાં પ્રવાહની જેમ જોત-જોતામાં અઢાર વરસ વીતી ગયા... રહેમત હવે આડત્રીસ વરસની થઈ ચૂકી હતી.

આદમ પોતાનું ભણવાનું પૂરું કરીને સોફ્ટવેર એંજિનિયર બની ચૂક્યો હતો અને અમદાવાદમાં મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દે નોકરી પર લાગી ગયો હતો.

જ્યારે અફસાના સાયન્સમાં માસ્ટર ડિગ્રી પૂરી કરીને એક વરસથી અમદાવાદમાં પોતાનું કોચિંગ ક્લાસ ખોલીને સાયન્સનાં વિદ્યાર્થીઓને ભણાવતી હતી.

રહેમતનાં ચહેરા ઉપર હજી સુધી ઉંમરનો કોઈ અણસાર વરતાતો જ નહોતો.. કોઈ કહી ના શકે કે તે આટલા મોટા છોકરાંઓની માં હશે. છોકરાંઓ એમની જિમ્મેદારી હવે જાતે ઉપાડતા થઈ ગયા હોવાથી પહેલા સાવ સુકાઈ ગયેલી રહેમતનું શરીર હવે સપ્રમાણ થઈ ગયું હતું. તેના ચહેરા ઉપર પાકટતા અને વર્તનમાં ઠરેલપણું આવી ગયું હતું.

જાવેદે બધાં છોકરાંઓ માટે થઈને અમદાવાદમાં ઘર પણ લઈ લીધું હતું. આખો પરિવાર અમદાવાદ શિફ્ટ થઈ ગયો હતો. ફક્ત જાવેદ અને રહેમત રોજ ખેતરનાં કામની દેખરેખ માટે ગામડે આવતા અને સાંજે પાછા અમદાવાદ વળી જતા... રોજનો એમનો આ જ ક્રમ હતો.

જાવેદનાં બે દીકરાઓ અને એક દીકરીનાં લગ્ન થઈ ચૂક્યા હતા... હવે રહેમતનાં બંને છોકરાંઓની વારી હતી.

રહેમતે રાતે આખા પરિવારની હાજરીમાં પોતાનાં બંને છોકરાંઓને પાસે બેસાડીને પૂછ્યું.... આદમ... અફસાના ... બેટા ! હવે મને લાગે છે કે તમારાં બન્નેનાં લગન માટે સારા પાત્રની શોધ ચલાવવી જોઈએ.... જો તમને બંનેને કોઈ પસંદ હોય તો મને કહી શકો છો... આપણે એ જગ્યાએ તમારાં લગનની વાત ચલાવીએ.

આદમ એકદમ ઠરેલા અવાજે બોલ્યો... ના અમ્મી ! મારા જીવનમાં કોઈ નથી... તમે મારા માટે સારા પાત્રની શોધ ચલાવો. રહેમત અફસાના સામે જોઈને બોલી... અને અફસાના ! તારે આ વિશે શું કહેવું છે?

અફસાના થોડાક થથરતા અવાજે બોલી... અમ્મી ! હું તમને... તમને કહેવાની જ હતી... મેં દાનીશ અંકલને પણ આ વિશે વાત કરી છે.... એ.. એ.... દાનીશ અંકલની સાથે જ કામ કરે છે...

રહેમત અફસાનાનું નીચે નમેલું મોં ઊંચું કરીને બોલી.... અફસાના ! તું શું કહેવા માંગે છે? જરાક ખૂલીને વાત કર.

અફસાના એની અમ્મીની આંખમાં આંખ પરોવીને બોલી... અમ્મી ! સજ્જાદ અને હું કોચિંગ ક્લાસમાં સાથે હતા. એણે એમબીએ કરેલું છે અને અત્યારે એ દાનીશ અંકલની કંપનીમાં જોબ કરે છે... અમ્મી ! હું સજ્જાદને પસંદ કરું છું.

રહેમત અફસાના સામે જોઈને બોલી.... દાનીશને આ વાતની ખબર છે અને તારી સગી માં જ આનાથી અજાણ છે!!

રહેમતે તરત જ દાનીશને ફોન જોડ્યો અને બોલી.... તમે બેય બાપ-દીકરી અંદરો-અંદર શું ખિચડી પકાવી રહ્યા છો? દાનીશ કાઇં બોલે એ પહેલા રહેમતે પૂછી લીધું... આ સજ્જાદ કોણ છે?

દાનીશે એકદમ શાંત અવાજે કહ્યું... સજ્જાદ મારી દીકરી અફસાનની પસંદ છે અને એ બંને જણાં એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે.. રહેમત મેડમ ! હું તમને અને જાવેદભાઈને આ વાત કરવાનો જ હતો. સજ્જાદ ખૂબ જ સારો છોકરો છે અને એનું પરિવાર પણ ખૂબ જ સારું છે અને એ મારી સાથે જ કામ કરે છે એ વાતની મને સૌથી વધારે ખુશી છે... કારણકે મારી દીકરી એની સાથે લગન કરવાથી મારાથી ક્યાંય દૂર નહીં જાય એ હમેશાં મારી નજીક જ રહેશે.

ભલે ત્યારે.... તમે એ છોકરાંની ગેરંટી લો છો પછી બીજું કાઇં પૂછવાનું રહેતું જ નથી... આપણે બધાં મળીને આ સંબંધની વાત એમના ઘરે કરીએ કહીને રહેમતે ફોન મૂક્યો.

દાનીશે બધાનાં ખૂબ સમજાવવા છતાં હજી સુધી લગ્ન નહોતા કર્યા... રહેમતનાં બંને બાળકો એની ખૂબ જ નજીક હતા... એમાં અફસાના તો દાનીશની લાડકી હતી.

આખરે સજ્જાદનાં પરિવારને મળીને અફસાના અને સજ્જાદનો સંબંધ પાક્કો કરી નાખવામાં આવ્યો... અને આદમે પણ બતાવેલી અનેક છોકરીઓમાં તેની પસંદ શોધી લીધી અને બંને ભાઈ- બહેનનાં લગન નક્કી કરી નાખવામાં આવ્યા.

ઈરફાનને પણ તેનાં છોકરાંઓનાં લગનની કંકોત્રી મોકલવામાં આવી હતી.

આખરે રંગેચંગે લગ્ન સંપન્ન થયા.... અફસાનાની વિદાયવેળાએ હમેશાં સૂક્કીભઠ્ઠ લાગણી વગરની આંખો લઈને જીવનની પચાસી વિતાવી ચૂકેલો દાનીશ અફસાનાને ગળે લગાડીને ચોધાર આંસુએ રડી પડ્યો હતો.

રાશીદ અફસાનાનાં મહેંદીવાળા હાથ જોઈને પોતાની જૂની યાદોમાં જતો રહ્યો... અને પોતાની નાની રહેમતનાં મહેંદવાળા હાથ અને એનાં બોલાયેલા શબ્દો કે આ બધામાં... મારો શું વાંક? એ શબ્દો સતત રાશીદનાં કાને અથડાઇ રહ્યા હતા... અને એ પોતાની દીકરીની જિંદગીની બરબાદી માટે ફરીથી અપરાધભાવ અનુભવીને સમસમીને એકબાજુ ઊભો રહી ગયો.

આ બધાથી દૂર રહેમત એકધારી દરવાજા સામે જ તાકી રહી હતી કે... હમણાં ઈરફાન એનાં છોકરાંવનાં લગનમાં હાજરી પુરાવશે.... પણ રહેમતની આ આશા ઠગારી નીવડી... અફસાનાની વિદાયનો સમય થઈ ગયો છતાં ઈરફાન ના આવ્યો.. એણે પોતાના છોકરાંવનાં લગનમાં હાજરી આપવાનું જરૂરી ના સમજયું.

જોત-જોતામાં બે મહિના વીતી ગયા... રહેમતનાં બંને છોકરાંઓ એમનાં જીવનમાં ખુશ છે એ જોઈને રહેમતને જિંદગીથી પહેલીવાર હાશકારો થયો.

એકરાત્રે રહેમતે આદમને પોતાની પાસે બેસાડીને કહ્યું... જો બેટા ! તારા નાના-નાની એટલેકે મારા અમ્મી-અબ્બાનાં જીવનમાં મારા સિવાય બીજું કોઈ નથી. જો કદાચ હું ના રહું તો તમે બધાય છોકરાંઓએ મળીને એમનું ધ્યાન રાખવાનું છે. એમને તમારી પાસે જ રાખવાના છે... રહેમત આદમનો હાથ પકડીને બોલી... બેટા ! મને વચન આપ કે તું મારા ગયા પછી એમનું પૂરેપુરું ધ્યાન રાખીશ.

આદમનાં માથા ઉપર પસીનો વળી ગયો કારણકે એની અમ્મી જવાની વાત કરતી હતી... એ એની અમ્મીને ભીંસીને ગળે લાગી ગયો અને બોલ્યો... અમ્મી ! આમ ક્યાંય જવાની વાત ના કરો... અને હું તમને વચન આપું છું કે નાના-નાની મારા નહીં પણ આપણી સાથે હમેશાં રહેશે અને હું નહીં તમે અને આપણે બધા મળીને એમનું ધ્યાન રાખીશું એવું ભાર દઈને આદમ બોલ્યો. એની અમ્મીનાં ખોળામાં માથું મૂકીને આદમ સૂઈ ગયો અને બોલ્યો... અમ્મી ! તમે નાના-નાનીની ફિકર મૂકી દો અને બીજી વખત આવી ક્યાંય જવાની ફાલતુ વાત મારી આગળ કરતાં નહીં.

રહેમતનાં અમ્મી-અબ્બા પણ ત્યાં જ રહેમતનાં ઘરે જ હતા. એ તો ઘણી જિદ્દ પકડતા જાવાની પણ જાવેદ અને રહેમત શું દાટ્યું છે ગામડે કહીને... બેસાડી દેતા અને હવે તમારે અમારા હારે જ રહેવાનુ છે એવું સંભળાવી દેતા.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED