મારો શું વાંક ? - 12 Reshma Kazi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો શું વાંક ? - 12

મારો શું વાંક ?

પ્રકરણ - 12

એ જ રાત્રે જાણેકે કુદરત પણ રહેમતનાં દુ:ખમાં ભાગીદાર બન્યો હોય એમ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. લગભગ રાતનાં બે વાગે રહેમત પોતાનાં ઓરડામાંથી બહાર નીકળી અને ફળિયામાં જઈને ધોધમાર વરસતા વરસાદમાં બેસી ગઈ. તેનાં ગાલ ઉપર પડતી વરસાદની જોરદાર થપાટો પોતે ઇરફાને પસંદ કરેલી બીજી સ્ત્રીની તુલનાએ કેટલી સસ્તી છે તેનો અહેસાસ તે વરસાદની થપાટો તેને કરાવતી હતી. જાણેકે ઈરફાન જ ગાલ ઉપર ઉપરા-છાપરી તમાચા મારી રહ્યો હોય અને પોતે કેટલી ભોટ અને અભણ છે તેવું મહેસસૂસ કરાવતો હોય તેવું તે અનુભવી રહી હતી.

એ રાતે અનરાધાર વરસાદની સાથે-સાથે રહેમતની આંખોમાથી પણ અનરાધાર આંસુઓનો વરસાદ વરસી રહ્યો હતો. ફળિયામાં વરસાદરૂપી ભરાયેલા પાણીમાં રહેમતની આંખોમાંથી વરસેલા આંસુઓનો અર્ક પણ હતો. વીજળીનો જોરદાર ચમકારો થતાં રહેમત મોટાં અવાજે રડી પડી અને આકાશ તરફ મીટ માંડીને બોલી ઉઠી..... ”યા અલ્લાહ! મારાથી એવી તો કઈ મોટી ભૂલ થઈ ગઈ તી... કે મને અને મારા છોકરાંવને આટલી મોટી સજા આપી? મારી અફસાના તો હજી બાર મહિનાની જ છે એને એનાં બાપની જરૂર છે. મારાં બેય છોકરાંવને એમનાં બાપનાં પ્રેમની જરૂર છે. મારાં અને મારાં છોકરાંવ હારે આ શું થઈ ગ્યું?” કહેતા રહેમત જોર-જોરથી રડવા માંડી પણ વીજળીઓનાં કડાકાઓમાં તેનો અવાજ ક્યાંય દબાઈ જતો હતો અને અલ્લાહ સિવાય તેનો અવાજ સાંભળનારું કોઈ હતું જ નહીં.

રહેમત..... મને બીજી હારે પ્રેમ થઈ ગ્યો છે, તારાં હારે મને ક્યારેય પ્રેમ હતો જ નહીં. આપણાં લગન ફક્ત મોટાંઓની મરજીથી થયા હતા. એમાં પ્રેમ ક્યાંય હતો જ નહીં. ઈરફાનનાં આ ધારદાર શબ્દો વીજળીનાં કડાકા સાથે રહેમતનાં બંને કાન સાથે સતત અથડાતાં હતા.

વીજળીનાં ચમકારા સાથે રડતી રહેમતનાં મગજમાં એક જબરદસ્ત ચમકારો થયો. તેને યાદ આવી ગયું કે ઘરનાં મોટાંઓ અને પોતે મળીને પોતાનાં બેય છોકરાંવનું સગપણ ગામમાં જ રહેતા દૂરનાં સગાને ત્યાં કરી નાખ્યું છે અને જાવેદ ભાઈના ત્રણેય છોકરાંવનાં સગપણ પણ નક્કી કરી નાખવામાં આવ્યા હતા. તે મનોમન વિચારવા લાગી કે નાનપણમાં થયેલા લગને મારો તો ભોગ લીધો પણ હું મારા છોકરાંવ હારે આ નહીં થાવા દઉં.

કાલે સવારે જ અમ્મા-અબ્બા હારે આના વિશે વાત કરીશ અને મારાં બેય છોકરાંવ અને જાવેદભાઈના છોકરાંવ એમ પાંચેયના થયેલા સગપણ તોડી નાખીશ. એ પાંચેય છોકરાંવનાં ભણી-ગણીને ઉંમરલાયક થઈ જાય પછી એમનાં લગન થાશે. હું મારી જેમ એમનો ભોગ લેવાવા નહીં દઉં. મારાં અમ્મા-અબ્બાએ હિમ્મત કરીને આ રિવાજ ના તોડ્યો પણ મારાં છોકરાંવનું સગપણ તોડીને હું આ રિવાજ તોડીને બતાવીશ. વીજળીનાં કડકાઓ હવે શાંત થઈ ગયા હતા અને વરસાદનું જોર પણ થોડું ઘટ્યું તું.. રહેમતનાં મનમાં ચાલતું ઘમાસાણ પણ હવે થોડું શાંત થયું હતું.

થોડીવાર પહેલાં અલ્લાહને ફરિયાદ કરતી રહેમત હવે તેને પોતાનાં છોકરાંવ માટે સાચો રસ્તો દેખાડવા બદલ ઉપરવાળાનો આભાર માનવા લાગી અને ઓરડામાં જઈને ભીના કપડાં બદલીને જાનમાઝ બિછાવીને શુકરાનાંની નમાઝ અદા કરીને અલ્લાહ પાસે દુઆ માંગવા લાગી કે.... ”યા અલ્લાહ! તે જ મને સાચો રસ્તો દેખાડ્યો છે અને આગળ મારાં છોકરાંવની ભલાઈના નિર્ણય લેવામાં હમેશાં મારી સાથે રહેજે”.

ઇરફાને જેને ભોટ અને અભણ સમજીને તેની સાથે શહેરમાં નહીં રહી શકે એમ કહીને છોડી દીધી હતી.... તે રહેમત સમાજનાં વર્ષો પૂરાણા ફાલતુ રિવાજને ફગાવવા જેની કોઈ પુરુષજાતે પણ હિમ્મત નહોતી કરી તે દિશામાં તે પ્રથમ પગલું માંડવા જઈ રહી હતી. આખી રાત ઘડીક પોતાનાં નાનાં બાળકોને જોઈ રહેતી તો ઘડીક આડા-અવળા પડખા ફેરવીને સવાર પડવાની રાહ જોતી રહી.

આખી રાત નહીં સૂતેલી રહેમતની આંખોમાં ઉજાગરાની લાલાશ સ્પષ્ટ દેખાતી હતી. સવારની નમાઝ અદા કરીને રહેમત સીધી ઓરડાની બહાર આવી અને અવાજ દઈને જિન્નતબાનું, શકુરમિયાં અને આખા ઘરને અવાજ દઈને ઓસરીમાં ભેગા કર્યા.

જિન્નતબાનું હાંફલા-ફાંફલા થઈને આવ્યા અને રહેમતને પૂછવા લાગ્યા.... શું થયું બેટા? તારી તબિયત તો ઠીક છે ને? પરિવારના બધાં સભ્યો ઓસરીમાં ભેગા થઈ ગયા.

હવે રહેમત મક્કમ સ્વરે બોલી.... અબ્બા! અમ્મા! હું મારાં બેય છોકરાંવનાં સગપણ તોડવા માંગુ છું અને હા ભાઈ તમનેય તમારાં છોકરાંવનું સગપણ તોડવાની વિનંતી કરું છું. આપણાં પાંચેય છોકરાંવની હાલત મારાં જેવી ના થાય એટલે હું તમારાં બધાયની હાથ જોડીને વિનંતી કરું છું કે આ સગપણ તોડી નાખો.... તોડી નાખો આ જૂનો રિવાજ... જે નિર્દોષ માણસનું જીવન ધૂળધાણી કરી નાખે છે.

રહેમતની વાત સાંભળીને ઘરનાં બધાય સભ્યોને જાણેકે સાંપ સૂંઘી ગયો હોય તેવી શાંતિ છવાઈ ગઈ. ઘડીભર તો કોઈ કાઇં બોલ્યું જ નહીં. પછી હિમ્મત ભેગી કરીને જિન્નતબાનું બોલ્યા.... સગપણ તોડી નાખવો છે? આપણાં વડવાઓએ બનાવેલો રિવાજ આપણે કઈ રીતે તોડી શકીએ? જરાક વિચાર રહેમત... પછી આ બધુ બોલ....

જાવેદ જિન્નતબાનુંની વાત વચ્ચેથી કાપીને બોલ્યો.. એમાં વિચારીને શું બોલવાનું હોય? રહેમત બરાબર કહી રહી છે... હવે આપણે આ જૂનો અણઘડ રિવાજ તોડી નાખવો જોઈએ. અમ્મા! તમે જોયું નહીં આ ફાલતુ રિવાજને કારણે આપણાં ઇરફાનયાએ આપણી ફૂલ જેવી રહેમતની જિંદગી ધૂળધાણી કરી દીધી. એના છોકરાંવ સામેય એણે એકેયવાર ના જોયું કે મોટાં થઈને એમને કેવું થાશે કે અમારા બાપે અમારી છતી માં હોવા છતાં બીજી બાયડી હારે લગન કર્યા.

જાવેદ આગળ વાત વધારતા બોલ્યો કે..... અમ્મા! જ્યારથી આપણાં ઘરમાં આ કિસ્સો થયો ત્યારથી હું આપણાં પાંચેય છોકરાંવનાં સગપણ તોડી નાખવાનું વિચારતો હતો પણ મારાથી આ હિમ્મત નોતી થાતી પણ રહેમતે આ હિમ્મત દેખાડી. અમ્મા! આપણો ઇરફાનયો કમનસીબ છે કે જે રહેમત જેવી છોકરીને હમજી ના શક્યો.... આગળ જઈને એ નપાવટ પોતાનાં આ કારનામા ઉપર ખૂબ પસ્તાવાનો છે.

જાવેદની વાત સાંભળીને ફરી પાછા જિન્નતબાનું બોલ્યા કે..... પણ જાવલા! આ જૂનો રિવાજ તોડવાથી આપણને નાત બાર કરી દેશે તો? ત્યાં ભારે ભરખમ અવાજે ગુસ્સાથી શકુરમિયાં બોલ્યા ...... કાલ નાત બાર કરતાં હોય તો આજ કરી દે. ભાડમાં જાય વડવાઓએ બનાવેલો આ રિવાજ... જે રિવાજે આ છોકરીની જિંદગી બરબાદ કરી નાખી એ રિવાજ જાય કચરાપેટીમાં.....

શકુરમિયાં તાડૂકીને બોલ્યા.... જાવલા! નાત બાર થાવું પડે તો થઈ જાશું પણ આ સગપણ તોડીને રઈશુ. આપણાં પાંચેય છોકરાંવનું જીવતર આ રિવાજની આડમાં હવે બરબાદ નહીં થાવા દઈએ. રહેમત મનોમન પોતાની વાત ઘરવાળાઓ આસાનીથી માની ગયા એ બદલ ઉપરવાળાનો આભાર માનવા લાગી.

***