'સાહેબ ફૂલ લઇ જાવને, ઘરવાળી ખુશ થઈ જશે.!'
'અલી, મારાં લગ્ન જ નથી થયાં અને તું ઘરવાળી ને ખુશ કરવાની વાતો કરે છે.'
'તો ગર્લફ્રેંડ માટે લઇ જાવ'
'ગર્લફ્રેંડ પણ નથી'
'તો મમ્મી માટે લઇ જાવ'
'તું તો પાછળ જ પડી ગઈ ને, તારે તો ગમેતેમ ફૂલ મને વેંચવા જ છે એમ કહે ને!' થોમસ રસ્તા પર પોતાની મસ્તીમાં જઇ રહ્યો હતો અને એક ફૂલ વેંચવાવાળી યુવતી એ રોક્યો.
મને સાહેબ કહી ને બોલાવે છે!
નકકી આ પાગલ જ હોવી જોઈએ એમ વિચારી તેની સામે જોયું, કંઈ ખાસ કહી શકાય એટલી રૂપાળી તો નહતી, થોડી શ્યામવર્ણી પણ ખરી, પરંતુ ચહેરા પર એક અનેરું સ્મિત હતું, જે તેની સામે જોવાવાળા નો દિવસ સુધારી નાખવા માટે પૂરતું હતું, ગરીબી ની ચાડી ખાતા કેટલીક જગ્યાએથી ફાટેલાં અને થિંગડાં મરેલા કપડાં જોઈ થોમસ ને તેના પર દયા આવી.
થોમસે ખિસ્સા ચેક કર્યા, પણ કશું ન મળ્યું.
ક્યાંથી મળે! થોમસ પોતે પણ એક અનાથ ભિખારી હતો. તેના હાલ તો ફુલવાળી છોકરી કરતાં પણ વધારે ખરાબ હતા, તૂટેલાં કપડાં માં થિંગડાં મારવા વાળું પણ કોઈ નહીં.
એકજ જોડી કપડાં એ પણ કચરામાંથી મળેલાં.
આમતેમ આંટા મારવા, ભીખ માંગી જે મળે એમાંથી બે ટંક નો ખોરાક મળી જતો, કયારેક ન મળે તો કોઈ ચર્ચ પાસે બેસી જતો, કોઈનું કોઈ કંઇક ખાવાનું આપી જતું, ત્યાં પણ મેળ ન પડે તો કોઈની પાર્ટી માં વણબોલાવ્યો ઘૂસી જતો જ્યાં ઘણી વખત ખાવા સાથે માર પણ મળી જતો.
હતો તો એકદમ યુવાન પણ માંગીને ખાવાની આદત પડી ગયેલી.
થોડી વાર ખિસ્સા તપાસ્યા પણ કસું ન નીકળ્યું માટે તેને થોડી સરમ આવી, તેને છોકરી સામે જોયું.
'કેમ સાહેબ ફૂલ નથી જ લેવાં કે છુટા પૈસા નથી?'
ફુલવાળી બોલી રહી હતી પણ એનું ધ્યાન બીજી તરફ હતું.
થોડી વાર તેની સામે જોઈ રહ્યો, થોમસને સમજાઇ ગયું કે એ આંધળી છે!
થોમસે વિચાર્યું કે આંધળીથી શું શરમવાનું એ ક્યાં મને જોઈ શકે છે.
'બરાબર કહ્યું, આજે મારી પાસે છુટા પૈસા નથી, હું કાલે જરૂર તારી પાસેથી ફૂલની ખરીદી કરીશ.' જેમ અમીર લોકો બોલે એવા અંદાજમા તે બોલ્યો અને ચાલવા લાગ્યો.
'કોઈ વાંધો નહીં પૈસા કાલે આપસો તો પણ ચાલશે.' કહી છોકરી એ ફૂલનો ગુલદસ્તો તેની સામે લંબાવ્યો.
થોમસે વિચાર્યું ચાલો ને લઇ લઉં, આમેય એ મને ક્યાં ઓળખવાની હતી કે મારે પૈસા ની ચિંતા કરવાની હોઇ, થોમસે ફૂલ લઇ લીધાં.
છોકરી એ આભાર વ્યક્ત કરતાં કહ્યું 'સાહેબ આ ફૂલ તમારી જિંદગીમાં ખુશીઓની ખુશ્બુ ભરી દે એવી ભગવાન ઈસુને પ્રાર્થના કરું છું.'
થોમસે પણ છોકરી નો આભાર વ્યક્ત કર્યો અને ચાલતો થયો.
ચાલતાં ચાલતાં એ વિચારી રહ્યો કે આ ફૂલ લઇ તો લીધાં પણ એનું કરવું શું.?
તે કબ્રસ્તાન તરફ ગયો અને તેની માં ની કબર પર તે ફૂલ ચડાવ્યાં, થોડી વાર ત્યાં બેસી રડયો અને ઉભો થઇ ચાલવાની તૈયારી કરતો હતો ત્યાંજ...
'થોમસ બેટા, આ ફૂલ ક્યાંથી લાવ્યો?' તેની માં નો અવાજ સંભળાયો જે ખરેખર તેના અંતરઆત્માનો હતો પણ તે નહોતો જાણતો.
તે ચારેતરફ જોવા લાગ્યો કે અવાજ ક્યાંથી આવે છે!
'તેં ફૂલ ના પૈસા તો આપ્યા નથી તો હું આ ફૂલ કેમ સ્વીકારું? જો તું પ્રોમિસ કરે કે તું તેના પૈસા આપી દેશે તો જ હું આ ફૂલ સ્વીકારીસ.'
તે જ અવાજ ફરી સંભળાયો.
હા, માં હું જરૂર આપીશ, હું તમને પ્રોમિસ કરું છું.' કહી તે ઉભો થયો અને ચાલવા લાગ્યો.
માં ને પ્રોમિસ તો કર્યું પણ પોતાની પાસે તો એક રૂપિયો પણ નથી ખિસ્સામાં!
કેમ કરી માંને આપેલું પ્રોમિસ પૂરું કરવું, તે વિચારી રહ્યો અને ચાલતો રહ્યો.