Kudarat ni Krurta - 5 books and stories free download online pdf in Gujarati

કુદરત ની ક્રુરતા - 5

ભરતભાઈ ને ત્યાં બીજા પુત્ર નો જન્મ થયો, પણ પોતે ભક્તિ માં એવા મગ્ન થઇ ગયા કે નવજાત ના આગમન બાબત કોઈ પ્રતિભાવ ન આપતા. કોઈ મિત્રો આનંદ વ્યક્ત કરીને મીઠુ મોઢું કરાવવાનું કહેતા તો જવાબ માં જેવી ભગવાન ની ઇચ્છા કહી ને હોઠ ફફડાવતા રહેતા.
સાંસારિક જવાબદારીઓ થી પણ અલિપ્ત થવા લાગ્યા.સમય સરતો રહ્યો. મનિષા ભાભી મુંઝવણ અનુભવતા હતા. બાળકો અને પોતાના ભવિષ્ય અંગે ચિંતીત રહેવા લાગ્યા. ભરતભાઈ ને બીજી મુંઝવણ હતી. એક તરફ શાળાની ફરજ હતી, તો બીજી તરફ માતાજી ની ભક્તિ. શું કરવું કે શું થશે એવી અવઢવ વચ્ચે ભરતભાઈ દુન્વયી બાબતો થી વિમુખ થઈ ગયા. કહેવાય છે ને કે સ્ત્રી શક્તિ નું સ્વરૂપ છે. આ સ્ત્રી શક્તિ મનિષા ભાભી માં જાગી ગઇ.મનિષા ભાભી એ સંસાર ની વ્યાવહારિક જવાબદારીઓ પોતાના માથે લઈ લીધી. પતિ તરફથી તો કોઈ આશા હવે રહી જ નહોતી. મનિષા ભાભી એ કમર કસી લીધી અને એક નિર્ણય કર્યો કે બાળકો ને લઇને રાજકોટ જેવા શહેરમાં રહેવા જવુ.પિયર પક્ષ તરફ થી થોડો ટેકો અને હિંમત મળી. આખરે મનિષા ભાભી બાળકો સાથે રાજકોટ માં મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા. ઇમીટેશન નું કામ મળવા લાગ્યું. બાળકો પણ સ્કૂલે થી આવી ને હોમ વર્ક કરીને, મમ્મી ને ઇમીટેશન કામમાં મદદ કરતા અને આમ અનેક અભાવો સાથે જીવન વહેવા લાગ્યુ. ભરતભાઈ ને પોતાની સાથે લઈ આવવાના ઘણા પ્રયત્નો મનિષા ભાભી એ કર્યા, પણ બહુ તો બે-ત્રણ દિવસ રોકાઈને ભરતભાઈ પાછા નવાપુર જતા રહેતા. શાળા એ જતા પણ શિક્ષણ કાર્ય માં થી મન ઉઠી ગયું. ક્લાસ રુમમાં જાય તો પણ પોતે ક્યો વિષય ભણાવવા નો છે તે પણ યાદ ન હોય ધડમાથા વગરની વાતોએ ચડી જાય. ક્યારેક એકદમ ઉદાસ થઈ જાય તો ક્યારેક ક્લાસ માં સ્ટુડન્ટ્સ સામે જોઈ ને મરકયા કરે. ભરતભાઈ ના વિચિત્ર વર્તન બાબત ની વાત ધીમે ધીમે વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓ સુધી પહોંચી. વાલીઓએ શાળાના અન્ય શિક્ષકો ને આ બાબતે કંઈક પગલાં લેવા માટે કહ્યું. શિક્ષકો એ કહ્યુ કે આ અંગે ટ્રસ્ટી મંડળ કોઈ નિર્ણય લઇ શકે. પોતાના સંતાનો ના અભ્યાસ ને લઇને ચિંતીત વાલીઓએ ટ્રસ્ટીઓને મળી ને આ પરિસ્થિતિ નો કોઈ ઉકેલ લાવવા ની રજૂઆત કરી. ટ્રસ્ટી મંડળે આ બાબત ની ચર્ચા કરવા માટે ભરતભાઈ સહિત અન્ય શિક્ષકો સાથે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું. ખુબ જ ચર્ચા વિચારણા થઈ, ભરતભાઈ ને પણ આ બાબતે તેમનું મંતવ્ય શું છે તે જણાવવા કહ્યું, પણ ભરતભાઈ એ જેવી ભગવાન ની ઇચ્છા કહી ને મૌન સાધી લીધું. અન્ય શિક્ષકો એ માનવતા ની રાહે કોઈ નિર્ણય લેવાનું ટ્રસ્ટી મંડળ ને જણાવ્યું, આખરે એક કુટુંબ ની જીંદગી નો સવાલ હતો. ભરતભાઈ ના ભાગે આવતુ શૈક્ષણિક કાર્ય અન્ય શિક્ષકો આપસમાં સમજૂતી કરી ને વહેંચી લેશે અને વિદ્યાર્થીઓ ના અભ્યાસ ને બગડવા નહીં દે તેવું આશ્વાસન ટ્રસ્ટી મંડળ ને શિક્ષકો તરફ થી આપવામાં આવ્યુ. આખરે માનવતા ની રાહે ભરતભાઈ ની માનસિક સ્થિતિ પૂર્વવત થાય એ માટે થોડી રાહ જોવી અને ભરતભાઈ ને થોડો સમય આપવો એવું નક્કી કર્યું. ભરતભાઈ આ બધી બાબતો થી અલિપ્ત હતા. તેને જીવન માં કોઈ ઉદેશ નજર સામે દેખાતો નહોતો, બલ્કે તેઓ કશું વિચારી શકતા જ નહોતા.
આ બાજુ મનિષા ભાભી રાજકોટ માં બંને પુત્રો સાથે જેમતેમ ગાડું ગગડાવતા હતા, તેને ટ્રસ્ટી મંડળ ના નિર્ણય ની જાણકારી મળતા થોડી રાહત થઇ.આ તરફ ભરતભાઈ પોતાની વૃધ્ધ માં અને મોટી ઉંમર સુધી અપરિણીત રહી ગયેલા ભાઈ સાથે રહેતા હતા. માં તો ભગવાન નું રૂપ હોય છે. ઈશ્વર એકલો બધે પહોંચી વળે નહી એટલે ઈશ્વરે માં નુ સર્જન કર્યુ. આવી આ માં એક માનસિક બીમાર પુત્ર અને બીજો મોટી ઉંમર સુધી અપરિણીત રહી ગયેલા પુત્ર ની ચિંતા કરતી કરતી રાંધીને ખવડાવતી, પીવડાવતી કપડાં ધોઈ આપતી. અન્ય ભાઇઓ તો, જાણે આ લોકો પ્રત્યે પોતાની કોઈ જવાબદારી ન હોય તેમ ખર ખબર પણ ન લેતા.
ભરતભાઈ યંત્રવત્ શાળાએ જતા, ઈચ્છા થાય તો એકાદ પીરીયડ લેવા જતા અન્યથા ઑફિસમાં બેઠા બેઠા કંઈક અષ્ટમ પષ્ટમ બબડતા રહેતા.
શાળા માં કો-એજ્યુકેશન હતુ એક દિવસ ભરતભાઈ ધોરણ 10 ના ક્લાસ માં પીરીયડ લેવા ગયા. ભરતભાઈ પોતાની ટેવ મુજબ ધડમાથા વગરની વાતો કરી, થોડા ઉદાસ થઈ ને ક્લાસ રૂમના દરવાજા બહાર તાકી રહ્યા. થોડી વાર પછી ફરી ક્લાસરૂમમાં નજર ફેરવી અને વિદ્યાર્થિનીઓ સામે જોઈ ને હસ્યા. બધી છોકરીઓમાં થી એક છોકરી ને એવું લાગ્યું કે સાહેબ મારી સામે જોઈ ને ઇરાદાપૂર્વક હસ્યા. એ છોકરી એ સાહેબ સામે એવી તીક્ષ્ણ નજરે જોયું કે ભરતભાઈ સહમી ગયા અને આંખો સામે અંધકાર છવાવા લાગ્યો. ખરેખર તો ક્લાસરૂમ ના કોઈ પણ સ્ટુડન્ટ ને એવું નહોતું લાગતું કે સાહેબે આમ ઇરાદાપૂર્વક કર્યુ છે, કારણ કે બધા ભરતભાઈ ની માનસિક સ્થિતિ થી વાકેફ હતા. આ તો ભરતભાઈ ની માન્યતા હતી કે તેનાથી આવું હલકું કામ થઈ ગયુ છે. માંડ માંડ પોતાની જાતને સંભાળી ને ક્લાસ રૂમમાં થી ઑફિસમાં પહોંચી શક્યા.
બીજા દિવસે ભરતભાઈ શાળાએ પણ ન ગયા. ભારે અસમંજસમાં પડી ગયા. પોતાની જાતને જ દોષ દેતા હતા. હું મહા પાપી છું, મારા મનમાં પાપ છે, હું નીચ છું, હું શિક્ષક કહેવડાવવા ને લાયક નથી, આવા આવા વિશેષણો થી પોતાની જાતને જ બદદુવા આપતા હતા. વળતા દિવસે ભરતભાઈ એ વિદ્યાર્થીનિ ના પિતાજી પાસે ગયા. એ પણ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા.તેની પાસે જઇને પોતાના થી થયેલ ભયંકર ભૂલ નો એકરાર કર્યો અને પોતાને સજા આપવાનું કહ્યું. મને માર મારો, હું નીચ છું, પાપી છું વગેરે વગેરે. પણ આ શિક્ષક મિત્ર ભરતભાઈ ની માનસિક સ્થિતિ થી વાકેફ હતા. તેમણે ભરતભાઈ ને આશ્વાસન આપ્યું કે 'સાહેબ, તમે મનમાં કોઈ ખોટો ભાર કે ડર ન રાખશો. તમે મારી દિકરી સામે જોઈ ને હસ્યા હશો તો તે પણ પુત્રીવત ભાવ રાખીને જ હસ્યા હશો, મારી દિકરી મારા કરતા પણ વધારે તમારી દીકરી છે.'
'હું પણ એક શિક્ષક છું. શિક્ષક માટે વિદ્યાર્થીઓ પોતાના પુત્ર-પુત્રી સમાન જ હોય છે.'
' મને કે મારી દિકરી ને તમારા માટે કોઈ ફરિયાદ નથી, માટે તમે નિશ્ચિંત થઈને તમારૂ કામ કરો.'
પણ ભરતભાઈ ના મગજમાં આ એક જ વાત ઘર કરી ગઇ કે, ' હું નીચ છું, પાપી છું, શિક્ષક કહેવાને લાયક નથી.' બસ, અવારનવાર આ શબ્દો નો જ લવારો કરતા રહેતા. ભરતભાઈ એ હવે શાળાએ જવાનું સદંતર બંધ કરી દીધું.ત્રણેક વર્ષ થી પણ વધારે સમય સુધી ટ્રસ્ટીઓ અને શિક્ષકો એ ભરતભાઈ ની માનસિક સ્થિતિ સુધરે તો એક કુટુંબ નુ જીવન નિર્વાહ ચાલતો રહે તેવી રાહ જોઈ.પણ ભરતભાઈ ની માનસિક સ્થિતિ સુધરવાને બદલે દિનબદિન બગડતી ગઈ. આખરે ટ્રસ્ટીઓ એ ફરીથી મીટીંગ બોલાવી, અન્ય શિક્ષકો ને પણ સામેલ કર્યા. ચર્ચા વિચારણા ના અંતે એવો નિર્ણય લેવાયો કે શાળાના અને વિદ્યાર્થીઓ ના હિતમાં ભરતભાઈ ને ફરજમુક્ત કરવા. છેવટે ભરતભાઈ ને નોકરી માં થી છુટા કરવામાં આવ્યા.
મનિષા ભાભી ને આ સમાચાર મળતા ખુબ જ ઉંડો આઘાત લાગ્યો. જીવન નિર્વાહ માં મદદરૂપ થતી ભરતભાઈ ના પગાર ની થોડી આવક પણ હવે બંધ થઈ જાશે.થોડી વાર માટે મનિષા ભાભી નું મગજ સાવ સુન્ન થઈ ગયુ. ભવિષ્ય ની અનેક ચિંતાઓ ઘેરી વળી.ભરતભાઈ આમ પણ સ્કૂલે જતા નહોતા અને હવે તો ફરજમુક્ત થઈ ગયા પછી આખો દિવસ ગામમાં જયાં ત્યાં ભટકતા રહેવુ અને સતત કશુંક બબડતા રહેવુ. જમવાના સમયનું પણ ભાન ન રહેતુ. વૃદ્ધ અને આંખે ઓછુ ભાળતી માં જમવાના સમયે ગામમાં ભરતભાઈ શોધવા ઘૂમી વળતી.પણ ભરતભાઈ ને કોઈ એહસાસ નહોતો કે આ બિચારી ગરીબડી વૃદ્ધ માં તેની કેવી સેવા કરે છે. ખરેખર તો માં ની સેવા પુત્ર ની ફરજ હોય છે, પણ અહીં તો ઉલ્ટુ હતુ.
* હવે મનિષા ભાભી અને તેના બંને પુત્રો સાથે કુદરત કેવો ખેલ ખેલે છે તે આવતા અંકમાં જોઇશું

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED