આશરે વીસેક વર્ષ પહેલાંની વાત..! ના ના રાત નહીં..! વાત..!!
હું ત્યારે દ્વારકા પાસે મીઠાપુરમાં સ્થિત ટાટા કેમિકલ્સ માં ટ્રેઇનિંગ અર્થે જોડાયેલો અને ત્યાં હોસ્ટેલમાં જ રહેતો.
મહિને બે મહિને એકાદી વખત જામનગર આવી જતો, આવવા-જવા માટે રેલવે સૌથી સગવડતા ભર્યું રહેતું કેમકે રોડ-રસ્તા તો ત્યારે બહુ ખાડાખબડા વાળા જ હતા ઉપરથી અઢી-ત્રણ કલાક બસમાં બેસી અકળાઈ જવાતું, અને આમેય અમારે ત્યાં કહેવાય છે કે "સસ્તું ભાડું અને દ્વારકા ની જાત્રા" એ મુજબ ત્યારે તો લોકલ ટ્રેનમાં અંદાજે ઓગણીસ રૂપિયા જેવી જ ટીકીટ હતી, તો હું મોટેભાગે ટ્રેનમાં જ આવવા-જવા નું પસંદ કરતો.
બપોરે બારેક વાગ્યા આસપાસ મીઠાપુરથી જે લોકલ ટ્રેન નીકળતી એ ટ્રેન મારી ફેવરિટ હતી, જેના બે કારણ હતાં એક તો એ કે એ ટ્રેન માં કોઈ દિવસ ચેકીંગ ન આવતું, તો બંદા ટીકીટ વગર જ મુસાફરી કરી લેતા!!!
"ખુદાબક્સ" એવો જ કોઈ શબ્દ વપરાતો હોય છે કદાચ એ લોકો માટે..!
અને બીજું એ કે એ ટ્રેન એટલી તો ખાલી રહેતી કે ક્યારેક આખા ડબ્બા માં હું એકલો જ હોઉં..!
કદાચ તમને માન્યામાં નહીં આવે પણ એ સાચી વાત છે, એનું કારણ એ હતું કે એ ટ્રેન નું મુખ્ય કામ હતું બધા સ્ટેશન પર પાણી વિતરણ કરવાનું, ઓખાથી નીકળી જામનગર સુધીમાં આવતાં બધાં નાનાંમોટાં સ્ટેશન પરના ટાંકા એ ટ્રેન દ્વારા જ ભરાતા અને એ માટે તે બધા સ્ટેશન પર લાંબો સ્ટોપ કરતી જેના કારણે ઓખા થી જામનગર નો અઢી કાલાકનો રસ્તો એ ટ્રેન છ કલાકે પૂરો કરતી..!
તો નજીક નજીક જવાવાળા સિવાયના મુસાફરો એમાં સફર કરતા બાકી ઓખાથી જામનગર જવા માટે એ ટ્રેન બોરિંગ થઈ જતી, પણ અપણે તો મફત જવું હોયને..! તો એનાથી વધારે કોઈ ઉત્તમ નહીં.
હવે મેઈન વાત પર આવું, એક વખત લગભગ અડધો રસ્તો કપાયો હશે..!! એ દિવસે મેં ટ્રેન નું બાથરૂમ વાપર્યું..!!
તમને એમ લાગશે કે છ કલાક નો રસ્તો હતો તો બાથરૂમ વાપરવું તો સહજ હતું!! એમાં શું નવાઈ, નવાઈની વાત એ નથી એ તો હવે શરૂ થશે,
ટ્રેનમાં બાથરૂમ નો ઉપયોગ તો બધાએ કર્યો જ હશે, પણ કોઈ ક્યારેય ટ્રેનના બાથરૂમ માં બંધ થઈ ગયું એટલે કે ફસાઈ ગયું હોય એવું તમે કદી સાંભળ્યું નહીં હોય..!
ઠીક છે તો સાંભળો..!
દિવાળી આસપાસ નો સમય હોવાથી ખરા બપોરે પણ એકદમ ઠંડક ભર્યો પવન વહી રહ્યો હતો, ચારે બાજુ લીલાંછમ ખેતરો વચ્ચે લોકલ ગતિએ મતલબ કે ધીમી ગતિએ આગળ વધી રહેલી એ ટ્રેનમાં, આખા ડબ્બા માં માત્ર પંદરેક મુસાફરો હતા, જેમાંથી એક હું પોતે ભાવેશ પરમાર..! હતો, ખાલીખાલી સીટ પર આરામ કરી કરી કંટાળી ગયેલો હું દરવાજે જઈ બેસી ગયો અને એ ઠંડા પવન ની મજા લઈ રહ્યો હતો, એ ઠંડા પવન ને કારણે શરીરમાં ઠંડક વધે અને તેના કારણે અંદરના પાણી પર કુદરતી દબાણ પણ વધે જ, તો એ દબાણ અનુભવાતાં અને તેનાથી હળવું થવા મેં બાથરૂમ માં સહજ પ્રવેશ કર્યો અને અંદરથી લોક કરી મારુ કાર્ય પતાવ્યુ.
પ્રસંગ પૂર્ણ થઈ ગયા બાદ બહાર નીકળવા માટે એ બાથરૂમના દરવાજાને મેં હળવા પ્રેમથી ખોલવા પ્રયત્ન કર્યો, પણ કદાચ જુનવાણી ડબ્બા નો એ તોતિંગ દરવાજો પ્રેમની ભાષા નહીં સમજ્યો હોઈ એવું લાગ્યું, મેં પ્રેમનું જોર થોડું વધાર્યું, તો પણ એ લોખંડી દરવાજો ટસથીમસ ન જ થયો, હવે મને લાગ્યું એ સાહેબ પ્રેમથી નહીં સમજે માટે મેં થોડો વધારે યત્ન કર્યો છતાં પણ હલ્યો નહીં, જો કોઈએ જુનવાણી લોકલ ડબ્બામાં મુસાફરી કરી હશે તો એમને ખ્યાલ હશે, અંદરથી ખેંવાના હેન્ડલ ની હાલત પણ જુનવાણી ડબ્બા જેવી જ હતી, મેં ડરતાં ડરતાં એ હેન્ડલ ખેંચ્યું, હા, પહેલાં તો હું બધું કામ પ્રેમથી જ કરું, પણ આજે મારો પ્રેમ નાકામિયાબ નીવડ્યો..!
હું રહ્યો મૃદુ હ્રદયી એટલે ગુસ્સો બહુ જલ્દી ન આવે, અને આવે તો જલ્દી શાંત ન પડે.!! ત્યાં પણ એવું જ થયું.
મેં મારી હતી એટલી તાકાત લગાવી એ હેન્ડલ પર અને જાણે કે મારો કોઈ દુશ્મન સામે હોય અને તેનો સર્ટ ખેંચતો હોઉં એમ ખેંચ્યું!! અને "ખાટાક" કરતો એક અવાજ આવ્યો.
મને લાગ્યું, હાશ ખુલી ગયો..!
પણ, એવું તો માત્ર મને જ લાગ્યું, દરવાજાને નહીં..! એ તો એમજ અડીખમ ઉભો હતો જેમ ઉપરી અધિકારી ના હુકમ વગર નો સૈનિક સાવધાન ની સ્થિતિમાં ઉભો હોય.
એ દરવાજો તો જાણે કે મારી સામે સામીછાતીએ હસી રહ્યો હતો, હા..! ચાલુ ગાડીના અવાજ માં મને એનું અટ્ટહાસ્ય એકદમ ચોખ્ખું સંભળાઇ રહ્યું હતું, જાણે કે મારા પર જ હસી રહ્યો હતો અને કહેતો હોઈ, "કેમ ભાવેશભાઈ કેવા બરાબરના સલવાયા છો ને..!! કરો મફત મુસાફરી, બનો ખુદાબક્સ..! લો મફતની મજા..!લો..!"
પણ હવે!! હવે શું!! કેમ ખુલશે દરવાજો!!