Confession Of My Heart Beats - 1 books and stories free download online pdf in Gujarati

કન્ફેશન ઓફ માય હાર્ટ બીટ્સ - 1

સર, તમારી નવી નવલકથા આવી રહી છે તેના વિશે કંઈક જણાવો. સર, તમારી નવલકથાના રાઇટ્સ બોલીવુડના ખ્યાતનામ પ્રોડ્યુસરે લીધા છે એના વિશે તમારું શું કહેવું છે? સર, તમારી પહેલી નવલકથા “કન્ફેશન ઓફ માય હાર્ટ બીટ્સ” ખુબ જ પોપ્યુલર રહી તો આ માટેની પ્રેરણા તમને ક્યાંથી અને કેવી રીતે મળી? પત્રકારોના સવાલોના જવાબ આપી રહેલા ખ્યાતનામ નવલકથાકાર અર્જુન વિરાણીને પત્રકાર‌ના છેલ્લા પ્રશ્નથી આંચકો લાગ્યો. એ સાથે જ તેણે તરત જ ઉભા થઈને “સોરી, આઈ હેવ ટુ ગો સમવ્હેર એલ્સ” કહીને પત્રકાર પરિષદ ટુંકાવી અને પત્રકારોની ભીડ વચ્ચેથી પસાર થઈ એ પંચતારક હોટેલના બેન્કવેટ હૉલથી સીધું ‌‌જ બેઝમેન્ટમાં આવેલ કાર પાર્કિંગ તરફ ગયો અને પોતાની હોન્ડા એકોર્ડ કાર હંકારી મૂકી. શહેરના ભિષણ ટ્રાફિક અને ‌‌‌હોર્નના ત્રાસદાયક અવાજથી પર અર્જુનના ચહેરા પર વ્યગ્રતા અને વિષાદ વર્તાઈ રહ્યો હતો. ભુતકાળનો તેનો અતિત જાણે કે ક્ષણાર્ધમાં તેની આંખો સામેથી પસાર થઈ ‌‌‌‌‌‌‌‌‌રહ્યો હતો. શીવરંજની ચાર રસ્તાથી ઇસ્કોન ચાર રસ્તાનો ટ્રાફિક પસાર કરી તેની કાર પુરપાટ ઝડપે શેલા‌ ગામ તરફ આગળ વધી ‌‌‌‌રહી હતી. હવે ટ્રાફિક નહોતો અને કાર શહેરથી દૂર એક સૂમસામ હાઈરાઈઝ‌ બિલ્ડિંગમાં પાર્ક ‌‌થઈ. લિફ્ટ દ્વારા બારમાં માળે પહોંચી અર્જુને પોતાના ફ્લેટમાં પ્રવેશ કર્યો. હૉલમાં જ ટેબલ પર અમુક પુસ્તકો પડેલા હતા. અર્જુને તરત ગરમ પાણીથી સ્નાન કર્યું પરંતુ દિલોદિમાગમાં તો તેમના ભુતકાળે પાણી કરતાં પણ વધારે ગરમાવો પકડ્યો હતો. સ્નાન કરી તેણે તરત જ “જેક ડેનિયલ” નો એક પૅગ બનાવ્યો અને ગેલેરીમાં બેઠો. ડિસેમ્બરની ઠંડીને કારણે પહેલેથી જ સૂમસામ વાતાવરણ વધારે સૂમસામ બન્યું હતું. દૂરના પાર્ટી-પ્લોટ માંથી લગ્નગાળાને લીધે ફિલ્મી ગીતોનું સંગીત વાતાવરણના સૂમસામ મિજાજને મહદઅંશે ભાંગતું હતું. અર્જુન કેટલીય વાર સુધી આજ સ્થિતિમાં બેસી રહ્યો અને પોતાના દર્દને ક્ષણિક ઓગાળવા વ્હિસ્કીનો સહારો લેતો રહ્યો. સુવા માટે તે પોતાના બેડ પર આવ્યો પણ નિંદ્રા તો તેનો સાથ ઘણા સમયથી છોડી ચુકી હતી. સ્લિપીંગ પીલ્સ લઈને તેણે બેડ પર લંબાવ્યું અને સામે તેને ફરીથી એજ દ્રષ્યો દેખાવા લાગ્યા. હવે આ તેનો નિત્યક્રમ બની ગયો હતો. જુનાગઢ જેવા પ્રાકૃતિક શહેરમાં અર્જુનનું બાળપણ વીત્યું હતું. પહેલેથી જ ભણવા કરતાં ઇત્તર પ્રવૃત્તિ અને ખાસ કરીને સાહિત્ય પ્રત્યે વિશેષ લગાવ હતો. નવલકથા, કાવ્ય અને વાંચન એ જાણે કે તેના જીવનના અભિન્ન અંગ હતા. ધીમે-ધીમે વાંચનનો આ શોખ લેખનમાં પરિવર્તિત થયો. લેખન વગર જીવન તેને અધુરાં થી પણ વિશેષ, વ્યર્થ લાગવા લાગ્યું. તેના માતા-પિતા પણ તેના આ શોખને પ્રોત્સાહન આપતા. ગરવા ગિરનારની ગોદમાં જઈને પ્રકૃતિને માણવી અને અડાબીડ જંગલમાં જઈને નવી જગ્યાઓ જોવી અને કુતુહલ પામવામાં તેને અનેરો આનંદ આવતો. શાળામાં અને જીલ્લા કક્ષાએ લેવામાં આવતી નિબંધ સ્પર્ધામાં હંમેશા તે અવ્વલ આવતો. યુવાની પણ હવે ઉંબરે આંટાફેરા મારતી હતી અને દસમા ધોરણમાં સારા ગુણોથી પાસ થયા પછી તેણે કોમર્સમાં એડમિશન લીધું. તેને‌ આગળ‌ જર્નાલિઝમમાં એડમિશન લેવું હતું એટલે તેને બારમાં ધોરણમાં ખુબ સારા ગુણ મેળવવા જરૂરી હતા. આથી તેણે જુનાગઢમાં જ એક ખ્યાતનામ ક્લાસિસ માં એડમિશન લીધું. આજે ક્લાસિસ નો પહેલો જ દિવસ હોવાથી તે સવારમાં વહેલો જ ઘરેથી નીકળી ક્લાસિસ પહોંચી ગયો. તેના અમુક મિત્રો પહેલાથી જ એ ક્લાસમાં જતા. ક્લાસમાં પહોંચતા જ એ પોતાના ખાસ મિત્ર તેજસ ગાંધી ની બાજુમાં બેઠો. ક્લાસ ચાલુ થયા ત્યાં જ એક છોકરીના શુઝનો પગરવ થયો‌ અને બધાનું ધ્યાન એ તરફ ફંટાયું. એ છોકરીને જોતા જ જાણે કે અર્જુનના પગથી માથા સુધી એક લખલખું પસાર થઈ ગયું. આવો વિચિત્ર અનુભવ તેને પહેલીવાર થયો હતો. ક્લાસ લેનાર શિક્ષકે વ્યંગમાં કહ્યું, “આવો, કેયુરી મહેતા. તમે કહો તો તમારા માટે કાલથી ગાડી મોકલું?”

***************

મિત્રો,

આ મારી પહેલી નવલકથા છે. સાહિત્યની સમજણ‌ તો નથી પણ શોખ છે. જો તમને આ નવલકથા ગમે તો જરૂરથી અભિપ્રાય આપજો જેથી હું આગળ આ નવલકથા ના ભાગો‌ આપની સમક્ષ રજૂ કરી શકું.

આભાર,
અર્જુન એમ. ધ્રુવ

Ph. No.:- 9429432730

બીજા રસપ્રદ વિકલ્પો