ઓપરેશન પુકાર
વ્રજલાલ હિરજી જોષી
4 - વીર યોદ્ધો
આગળ વધતાં મેજર સોમદત્ત, પ્રલય અને વિજયસિંહાએ પણ તે નગારાનો અવાજ સાંભળ્યો હતો, અને પૂર્વ દિશામાં વેરાતો પ્રકાશપુંજ પણ જોયો હતો.
“સર...! આગળ કોઇ જંગલી ચીનાઓની વસ્તી લાગે છે. અને સર...! જંગલીઓનો કોઇ પ્રોગ્રામ હશે, જે પ્રોગ્રામમાં એકઠા થવા માટે ઢોલ વગાડતા હશે.” વિયજસિંહાએ કહ્યું.
“આપણે ત્યાં જઇ તપાસ કરવી જોઇએ. તે માનવભક્ષી આદિવાસીઓ હોય અને તેના સંકજામાં આદિત્ય ફસાયો હોય તેવું બની શકે.” પ્રલય બોલ્યો.
“ના... અહીં માનવભક્ષી આદિવાસીઓ નથી રહેતા પણ થોડા સુધરેલા આદિવાસીઓ છે. જે જાનવરોને મારી તેનું માંસ ખાય છે. વળી તેઓ અનાજમાં ચોખ્ખા પણ પકાવે છે.” વિજયસિંહાએ માહિતી આપી.
વિજયસિંહા અહીંના વિસ્તારનો એકદમ પરિચિત હતો. તેથી જ તેને મેજર સોમદત્ત સાથે મૂકવામાં આવ્યો હતો.
“શું કરશું સર ?” વિચારમાં ખોવાયેલા મેજર સોમદત્તને પ્રલયે પૂછ્યું.
“અહીંથી તે વસ્તી કેટલી દૂર હશે ?” મૌન ધારણ કરી કશું વિચારતાં સોમદત્ત એકાએક બોલી ઉઠ્યો.
“સર...અવાજ અને પ્રકાશને જોતા તેનું અંતર વધુમાં વધુ એક કિલોમીટરનું હશે.” વિજયસિંહા બોલ્યો.
“સારું ત્યારે. આપણે ત્યાં આદિત્યની તપાસ કરતા આવીએ. આદિત્ય ત્યાં નહીં હોય તો પણ આદિત્ય વિશે કોઇ સમાચાર મળી જાય.” મેજર સોમદત્તે કહ્યું કે તરત પ્રલયના ચહેરા પર આનંદની લકીર ફરી વળી. પ્રલયને પણ આદિત્યને શોધ્યા વગર આગળ વધવાનું મન થતું ન હતું. પણ તે ફરજની આગળ લાચાર હતો, મેજર સોમદત્તના વિચારથી તે ખુશ થયો.
“સર...! આપણે ત્યાં ઝડપથી પહોંચી જઇશું. મારું મન કહે છે ચોક્કસ આદિત્ય ત્યાં હશે.” ઉત્સાહ સાથે પ્રલયે કહ્યું.
“હા, ચાલો આદિત્યને શોધ્યા વગર મારું પણ મન આગળ જવા તૈયાર નથી.” પ્રલયની સામે સ્મિત ફેરવી મેજર સોમદત્ત બોલ્યા. પછી સૌ અવાજની દિશામાં ઝડપથી આગળ વધ્યા.
નગારાનો તાલબદ્ધ અને ખોફ ફેલાવતો અવાજ જંગલમાં ઘુમી રહ્યો હતો. હજુ સતત વરસાદ પડતો હતો. કદમ દોડતો હતો. કદમ ઝડપથી આદિત્યને શોધી પોતાની ફરજ બજાવવા મેજર સોમદત્ત સર પાસે પહોંચવા થનગની રહ્યો હતો.
વરસાદના વેગ સાથે સતત અવિરતપણે ચાલુ હતો. કદમને વરસાદ અને અંધકારને લીધે કશું જ દેખાતું ન હતું. તે દોડતો-દોડતો હાંફી રહ્યો હતો. વૃક્ષ સાથે અથડાવવાથી અને વરસાદના પાણીથી ભરેલા ખાબોચિયામાં પડવાથી તેને શરીરમાં ઘણી ઇજાઓ થઇ હતી. પણ કદમ તેની પરવા ન હતી. કદમને એ પણ ખ્યાલ ન રહ્યો કે તેની રિર્વોલ્વર ભેઠમાંથી પડી ગઇ હતી.
નગારાનો અવાજ સતત નજીક આવતો જતો હતો.
કદમ તે સ્થળથી એકદમ નજીક આવીને અટકી ગયો અને પોતાના શ્વાસ કાબૂમાં લેતો વૃક્ષના ટેકે ઊભો રહ્યો.
તે હજુ વૃક્ષોના ઝૂંડમાં હતો તેનાથી થોડે દૂર એક મોટું ચોગાન હતું. ત્યાં કેટલાય લોકો કમર પર પોતીયું વાળીને ઢોલની તાલ પર નાચી રહ્યા હતા અને મશાલો લઇને ઘુમી રહ્યા હતા. જે મશાલો વરસાદના પાણીથી ભીંજાઇને બંધ થઇ ગઇ હતી પણ ત્યાં બનાવેલા એક મોટા કૂંડમાંથી હજુ આગની જવાળા લબકારા મારી ઉપર ઉઠતી હતી. તે હવનકુંડની ઉપર જૂના સડેલા પતરાનો માચડો બનેલો હોવાથી સતત વરસાદમાં પણ ત્યાં અગ્નિ પ્રગટી રહ્યો હતો.
કદમની ચકોર નજર ઘુમતી-ઘુમતી આગળનું દેખાતું ર્દશ્ય જોઇ રહી હતી. હવનકુંડની થોડે જ દૂર ખોડેલા લાકડાના બે થાંભલા વચ્ચે એક માણસને હાથ-પગ દોરડા વડે બાંધીને ત્યાં ઊભો રાખવામાં આવ્યો હતો.
તે માણસ પર નજર પડતા કદમ એકદમ ચોંકી ઉઠ્યો. સાથે સાથે તેના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી.
કદમ ઝડપથી એક મોટા વૃક્ષ પર ચડી ગયો. એ વૃક્ષની એક મોટી ડાળી હવનકુંડ તરફ ફેલાયેલી હતી. તેના પર આસ્તેઆસ્તે સરકીને આગળ વધતો હતો.
હવે સંપૂર્ણ ર્દશ્ય તેને એકદમ ચોખ્ખું દેખાઇ રહ્યું હતું. કદમે ઝડપથી કમરપટ્ટા પર હાથ મૂક્યો. તે એકદમ હેબતાઇ ગયો. તેના કમરપટ્ટામાં ખોસેલી રિર્વોલ્વર તેના સ્થાને ન હતી. રિર્વોલ્વર ક્યારે પડી ગઇ તેનો ખ્યાલ કદમને ન હતો.
“હવે...? હવે શું કરવું ?” રિર્વોલ્વરના જોર પર તે આદિવાસીઓને ધમકાવી આદિત્યને છોડાવવા માગતો હતો. પણ અત્યારે તેની રિર્વોલ્વર તેની પાસે ન હતી.
“ગમે તે થાય...આદિત્યને છોડાવ્યા વગર અહીંથી જવું નથી. પછી ભલે આદિત્યની સાથે તેનો પણ ભોગ લાગી જાય.” મક્કમતા સાથે કદમ વિચાર્યું.
વરસાદ ધીમે ધીમે ઓછો થતો જતો હતો. જંગલીઓ સતત નગારા વગાડતા હવનકુંડની આસપાસ નાચી રહ્યા હતા.
એકદમ કાળા દેખાતા અને ઘટ્ટ રૂંવાટીવાળા જંગલીઓ અગ્નિની ઉઠતી જવાળામાં ભૂતપ્રેતનો આભાસ આપતા હતા.
કદમ વૃક્ષની ડાળ પર થઇ આદિત્યા ઉપરના ભાગમાં આવ્યો અને ત્યાંથી નીચે જમ્પ મારવાની તૈયારી કરી બેસી ગયો. ગમે તે સમયે તે નીચે કૂદી પડવા માટે તૈયાર હતો.
મેજર સોમદત્ત, પ્રલય અને વિજયસિંહા હવનકુંડની એકદમ નજીક વૃક્ષોની ગીચતા વચ્ચે ચુપચાપ ઊભા હતા. તેઓએ પણ આદિત્યને ત્યાંથી જોઇ લીધો હતો. આદિત્યને ત્યાં બાંધી તે જંગલીઓ શું કરવા માગે છે તે તેઓ સમજી ન શક્યા, પણ આદિત્ય જંગલીઓ વચ્ચે ફસાઇ ગયો છે અને આદિત્યના મોતનો ખેલ ખેલાઇ રહ્યો છે એટલું તો તેઓ સમજી ગયાં.
એકાએક ઢોલ-નગારાના અવાજો બંધ થઇ ગયા. એક જ ક્ષણમાં ભેંકાર સન્નાટો વ્યાપી ગયો. જંગલીઓ ઝડપથી ટપોટપ મેદાનની આસપાસ ઉગેલા વૃક્ષની ઉપર ચડી ગયાં.
બનતી નવીન ઘટના જોઇ કદમ સાથે મેજર સોમદત્ત, પ્રલય, વિજયસિંહા પણ અચરજ પામી ગયા. અચાનક ઢોલ નગારાને ત્યાં જ પડતાં મૂકી જંગલીઓ ત્યાંથી વૃક્ષ પર કેમ ચડી ગયા તેની કોઇને સમજણ ન પડી.
કદમ વૃક્ષની ડાળ પરથી આદિત્યને છોડાવવા જમ્પ મારવાની તૈયારીમાં હતો, તો પ્રલય દોડી જઇ આદિત્યને બચાવવા દોડવાની તૈયારીમાં હતો, પણ મેજર સોમદત્તે પ્રલયના ખભા પર હાથ મૂકી થોડીવાર શાંતિથી હવે શું બનશે તે જોવા માટે ઇશારો કર્યો.
વાતાવરણ એકદમ ખોફનાક સન્નાટાથી ઘેરાઇ ગયું હતું. કઇ ક્ષણે શું થશે તે કોઇની સમજમાં આવતું નહોતું.
અચાનક ગાઢ જંગલ તરફથી એકદમ ઘુરકવાનો અવાજ સાંભળી સૌ ચોંકી ઉઠ્યા. વૃક્ષ પરથી જમ્પ લગાવવા તૈયાર થયેલો કદમ પણ એમને એમ પોઝિશનમાં બેઠ રહ્યો.
ઘુરકવાનો અવાજ એકદમ નજીક આવતો જતો હતો. કોઇ જંગલી નિશાચર પ્રાણી ત્યાં ચોકમાં આવી રહ્યું હોય તેવું તેના ઘુરકાટ પરથી લાગી રહ્યું હતું.
અને પછી...
એકાએક ગીચ વૃક્ષોનાં ઝૂંડમાંથી એક તાકતવર વાઘ બહાર નીકળી આવ્યો. તેની લાલ અંગારા જેવી આંખો સતત ત્યાં બંધાયેલા આદિત્યની સામે સ્થિર થયેલી હતી. તે પોતાનું વિકરાળ જડબું ફાડી આદિત્યની તરફ ત્રાડ નાખતો આગળ વધવા લાગ્યો.
આદિત્ય બંધનમાંથી છૂટવા માટે એકદમ છટપટવા લાગ્યો, પણ બંધનો એકદમ સખત થતા જતા હતા. આદિત્યના ચહેરા પર વરસાદના પાણી સાથે પરસેવો નીતરી રહ્યો હતો. તેની આંખમાં નર્યોનીતર્યો ખોફ છવાયેલો હતો.
હવે સૌની સમજમાં આવી ગયું હતું કે ત્યાં આદિત્યને કેમ બાંધવામાં આવ્યો હતો.
“સર...! હું આદિત્યને બચાવવા જાઉં છું. આદિત્ય બંધનમાં બંધાયેલો છે. તે છુટી નહીં શકે અને વાઘ તેનું મારણ કરી જશે.” પ્રલયના અવાજમાં ઉત્તેજના હતી.
“ગો અહેડ બોય...” મેજર સોમદત્તે પ્રલયનો ખભો થપથપાવ્યો. પ્રલય વાઘને પહોંચી વળશે તેનો પૂરો વિશ્વાસ હતા. છતાં પણ મેજર સોમદત્તે પોતાની રિવોલ્વર ખેંચી કાઢી. કોઇપણ ક્ષણે તેના હાથમાંથી રિવોલ્વરમાં ગોળીઓ ઓકવા તૈયાર હતી.
પ્રલયે ઘુંટણ નીચે બેલ્ટમાં લગાવેલું ખંજર કાઢ્યું. પછી હાથમાં પકડી એક યોદ્ધાની જેમ છાતી કાઢી મેદાન તરફ આગળ વધી ગયો.
જમ્પ મારવા માટે કદમ એકોક ચમકી ગયો અને માંડ માંડ પોતાના શરીરનું બેલેન્સ જાળવી આંકો પટપટાવા લાગ્યો.
ક્ષણ માટે તો તેને ર્દશ્ય સ્વપ્ન જેવું લાગ્યું. પણ પછી આંખોમાં વિશ્વાસ બેઠો.
ગીચ વૃક્ષોની ઝાડીમાંથી પ્રલય હાથમાં છુરો લઇ મેદાનમાં એકાએક પ્રગટ થયો. કદમ માટે તે ન માની શકાય તેવી વાત હતી, કેમ કે પ્રલય, મેજર સોમદત્ત અને વિજયસિંહા તો તેને છોડીને આગળ વધી ગયા હતા તો પ્રલય એકાએક કેમ પ્રગટ થયો તે તેની સમજમાં ન આવ્યું. પણ પ્રલયને જોઇને તેને ખૂબ જ આનંદ થયો.
વાઘ એકદમ ઘુરકાટી કરતો ત્યાં બાંધેલા આદિત્ય તરફ આગળ વધી રહ્યો હતો.
એકાએક પ્રલય આદિત્ય અને વાઘની વચ્ચે આવી પગ પહોળા કરી ઊભો રહી ગયો.
પોતાના શિકારની વચ્ચે ખલેલ પડતા વાઘ એકદમ ક્રોધિત થઇ મોં ફાડી ઘુરકાટ કરતો પ્રલય તરફ આગળ વધ્યો અને પછી આગળના પગના પંજા નમાવી એકાએક પ્રલયની ઉપર છલાંગ લગાવી.
પ્રલય એકદમ તૈયાર જ હતો.
છલાંગ લગાવી પોતાની પર કુદતા વાઘને પ્રલયે વચ્ચેથી જ પકડી પાડ્યો.
વાઘ અને પ્રલય બંને નીચે પટકાયા. પ્રલયે વાઘ પરની પકડ છોડી નહી. તે વાઘના પેટમાં એકદમ ભીંસ વધારતો જતો હતો.
વાઘ મોં નમાવીને પોતાના જડબામાં પ્રલયનું માથું પકડવાની કોશિશ કરતો હતો અને પ્રલયની પકડમાંથી છુટવા પોતાના પંજાના નહોરને પ્રલયના શરીર પર મારતો હતો.
આદિત્ય એકદમ દહેશત સાથે બંને વચ્ચેનું યુદ્ધ જોઇ રહ્યો હતો. તેને પણ એકદમ આશ્ચર્ય થયું હતુ કે પ્રલય તેની અને વાઘની વચમાં એકાએક પ્રગટ થઇ કૂદી પડ્યો. આદિત્યે પોતે જીવવા રહેવાની આશા મૂકી દીધી હતી કેમ કે તેના બંધન છુટે તેમ ન હતા અને ભૂખ્યો વાઘ તેને છોડે તેમ ન હતો.
વાઘ અને પ્રલય વચ્ચે એકદમ ખુંખાર યુદ્ધ છેડાઇ ગયું હતું. પ્રલયના મોંમાંથી પણ વાઘ જેવો જ અવાજ નીકળી રહ્યો હતો. વાઘના પંજાના મારને લીધે તેના કપડાં કેટલીય જગ્યાથી ફાટી ગયા હતા અને ચામડી ચીરાતા લોહીની ટસરો પણ ચારે તરફથી ફૂટી નીકળી હતી. તેને કારમી બળતરા થતી હતી. પણ અત્યારે તે પીડા જોવાનો સમય ન હતો. જરા સરખી ચૂક થતા જ માથું વાઘના મોંમાં આવી જાય તેમ હતું.
પ્રલય અને વાઘ જમીન પર પટકાયેલા હતા અને એકબીજાને મહાત કરવાની કોશિશ કરી રહ્યા હતા. પ્રલયના હાથમાંનું ખંજર ત્યાં જ ધરતી પર પડ્યું હતુ. પણ તેના હાથની પકડ છોડ્યા સાથે જ વાઘ તેના પર હાવી થઇ જાય તેમ હતો.
પ્રલય માંડ માંડ બેઠો થયો. વાઘ પણ પાછલા પગે ઊભો થયો. વાઘ પ્રલયના માથાને પોતાના જડબામાં સમાવવા ઝપટ મારી. પ્રલયે માથું એક તરફ ઝુકાવી દીધું અને પછી પોતાનામાં હતી એટલે તાકાત એકઠી કરી વાઘના પેટ પર બંને હાથની પકડને દબાવવા લાગ્યો. સાથે સાથે તે ઊભા થવાની કોશિશ પણ કરવા લાગ્યો.
પણ બીજી જ ક્ષણે ફરીથી એકવાર બંને ધરતી પર પટકાઇ ગયા. વાઘ નીચે હતો અને પ્રલય તેના પર પડ્યો હતો. પછીની બીજી જ ક્ષણે પોતાની અસીમ તાકાતથી પ્રલય જમ્પ મારીને ઊભો થઇ ગયો. જમ્પ મારતી વખતે બંને હાથની પકડમાંથી વાઘને છોડી દીધો હતો પણ ઊભા થતા જ ઝડપથી પ્રલયે વાઘની ગરદન ફરતે પોતાના બાવડાને તાકાત સાથે વીંટાળી દીધો. જમ્પ મારતા-મારતા નીચે પડેલ ખંજને પણ ચપળતાપૂર્વક એક હાથમાં લેવાનું ચૂક્યો ન હતો.
હવે વાઘ પણ પાછળના પગે ઊભો થયેલો હતો અને આગળના પગના પંજામાં નહોર વડે પ્રલય પર હુમલો કર્યો હતો. તો પ્રલય તેની ગરદન પૂરી તાકાત સાથે દબાવતો જતો હતો અને બીજા હાથમાં પકડેલા ખંજરને વાઘના પેટ તરફ લઇ જતો હતો.
“શાબ્બાશ પ્રલય... શાબ્બાશ, લગાવ જોર...” અચાનક વૃક્ષ પરથી ઠેકડો મારી નીચે કૂદતા કદમ ચિલ્લાયો.
કદમને જમ્પ મારી નીચે કૂદતો જોઇ મેજર સોમદત્ત, વિજયસિંહા અને ત્યાં બંધાયલો આદિત્ય જોઇ દંગ રહી ગયા.
કદમનો અવાજ સાંભળી પ્રલયના ચહેરા પર પ્રસન્નાતા ફેલાઇ. પણ પ્રલયનું ધ્યાન સતત પંજાના નહોર વડે પોતાને ચીરતા વાઘ પર જ હતું. નહોર વાગતા તેને કારમી પીડા થતી હતી, પણ તેના તરફ ધ્યાન આપ્યા વગર પ્રલય હાથમાંના ખંજરને વાઘના પેટ તરફ લઇ જઇ રહ્યો હતો અને તેમાં પણ તેને ઘણી જ સફળતા મળી હતી પણ વાઘ આમતી તેમ પોતાના શરીરને ઉછાળતો હતો એટલે પ્રલયને ખંજર ભોંકવાનો મોકો મળતો ન હતો.
“શાબાશ પ્રલય શાબાશ...ખતમ કરી દે વાઘને. તું ભારતમાંનો શુરવીર યોદ્ધા છે, લગાવ સાલ્લાને. તે આપણા આદિત્યને મારવા આવ્યો હતો.” તાળી પાડતો કદમ ચિલ્લાઇને પ્રલયના જોશને વધારી રહ્યો હતો.
અચાનક પ્રલયના હાથમાંથી પક્કડ વાઘના ગરદન પરથી છૂટી ગઇ. વાઘ એકાએક પ્રલય પર કૂદ્યો, બંને નીચે ધરતી પર પટકાયા.
પ્રલયની ગરદન અને વાઘનું વિકરાળ મોં વચ્ચે લગભગ બે થી ત્રણ ઇંચનું જ અંતર હતું. પ્રલય વાઘને ધક્કો મારીને દૂર કરવાની કોશિશ કરતો હતો. જ્યારે વાઘ પ્રલયની ફાડી ખાવાની કોશિશમાં હતો.
બંને તાકાતવાર યોદ્ધા એકબીજાને ખત્મ કરવા ભરપૂર પ્રયત્ન કરી રહ્યાં હતા.
મેજર સોમદત્ત રિવોલ્વર લઇને મેદાનમાં ધસી આવ્યા. વાઘ પ્રલયને ફાડી નાંખે તે પહેલાં તે વાઘને ગોળી મારી દેવા તત્પર બન્યા હતા.
પ્રલયે પોતાના બંને પગને વાળીને વાઘના પેટ પર ગોઠવ્યા અને પછી પૂરી તાકાત સાથે વાઘની પેટ પર લાત મારી. વાઘ અધ્ધર હવામાં ઉઠાવ્યો, જેવો તે જમ્પ મારી નીચે આવ્યો કે તરત પ્રલયે પોતાના હાથમાં રહેલા ખંજરને વાઘના પેટની નીચે પકડી રાખ્યો.
ખચ્ચ... ના અવાજ સાથે પ્રલયના હાથમાંનો ખંજર વાઘના પેટમાં અડધો ઘૂસી ગયો. પ્રલયે જોર કરી ખંજરને ગોળ ફેરવ્યો.
વાઘે જોરદાર ત્રાડ નાંખી.
પ્રલયે ખંજર બહાર કાઢ્યું, તે સાથે વાઘના તૂટેલા આંતરડા પણ બહાર આવી ગયા.
પીડાથી કહરાતો વાઘ મરણિયો બનીની પ્રલયનું માથું પોતાના પહોળા થયેલાં મોંની અંદર લઇ લેવા ઝાપટ મારી. પ્રલય એક તરફ ખસી ગયો.
ધાંય...ધાંય...ધાંય...મેજર સોમદત્તના હાથમાં પકડેલી રિવોલ્વરમાંથી આગ ઓકતી કેટલીય ગોળીઓ છૂટી અને વાઘના દેહમાં સમાઇ ગઇ.
વાઘ એકદમ લથડયો અને પછી પ્રલય પર ધડામ દઇને પડ્યો. પ્રલયે દાંત કચકચાવી વાઘના દેહ પર જોરદાર લાત મારી. વાઘનો દેહ કેટલાય ફૂટ દૂર જઇને પડ્યો. વાઘનો દેહ એકદમ તરફડીયા મારતો હતો.
ધીમે-ધીમે તેના તરફડીયા શાંત થયા, આંખો બીડાઇ અને તેણે પોતાની જાતને મોતના હવાલે કરી દીધી.
પ્રલય કપડાં ખંખેરતો ઊભો થયો.
સૌ પ્રલય તરફ દોડ્યા. કદમે પ્રલયને બંને હાથ વડે ઊંચકી લીધો અને ગોળ-ગોળ ફરવા લાગ્યો.
“ઓ... ઓ... છોડ હવે તું કાં મને હેરાન કરે છે. ” હસતાં પ્રલય બોલ્યો.
વિજયસિંહાએ ઝડપથી આદિત્યના બંધનોને છોડ્યા.
“સોરી બેટા...! તને કદાચ ખોટું લાગ્યું હશે. પણ હું મારી ડ્યુટી ફરજને લીધે લાચાર છુ. મારે આજ રાત્રિના ગમે તેમ કરીને મેજર કતારસિંગને છોડવવાના છે...” કદમની માથે વ્હાલથી હાથ ફેરવતાં સર સોમદત્ત બોલી ઉઠ્યા. પછી તેમણે પ્રલયને બાથ લઇ લીધો. “ધન્ય છે તારી જનેતાને પ્રલય તું ખરેખર માં ભારત માનો સપૂત છે.”
સૌ એકબીજાને આનંદથી મળ્યા. મસ્તીના મૂડમાં આવેલ આદિત્ય અને કદમ ભાંગડા નૃત્ય કરવા લાગ્યાં. પણ તેઓનો આનંદ બે-ચાર મિનિટ સુધી જ રહ્યો.
એકાએક ત્યાં વૃક્ષો પર છુપાયેલા આદિવાસીઓ ઠેકડા મારી-મારી વૃક્ષ પરથી નીચે કૂદ્યા અને ત્યાં ઊભેલા મેજર સોમદત્તની ટીમે ઘેરી વળ્યાં.
ક્ષણ માટે સૌ સ્તબ્ધ બની ગયા. મેજર સોમદત્તે ઝડપથી પોતાની રિવોલ્વર ખેંચી કાઢી પણ ત્યા એકઠા થયેલા જંગલીઓની સંખ્યા લગભગ પચાસ જેવી હતી અને સૌના હાથમાં કુકરીઓ પકડેલી હતી. તેઓ ગોળ કુંડાળુ કરી ચારે તરફ ઊભા રહ્યાં.
ધમ...ધમ..ધડામ અચાનક નગારાનો અવાજ સન્નાટાભર્યા વાતાવરણને ગુંજી ઉઠ્યો.
અને પછી ખબર નહીં પણ ક્યાંથી જંગલીઓના ટોળે ટોળાં ઉમટલા લાગ્યા. પચાસથી સો થયા અને સોમાંથી બસો થયા. સૌ મજેર સોમદત્તની ટીમને ઘેરી ઊભા રહી દેકારો કરી રહ્યાં હતાં.
“સર...આ તો આપણે બધા જ ફસાઇ ગયા...” હોઠ ચાવતા કદમે કહ્યું, “આ લોકોને ગોળીબાર કરી બીવડાવી ભગાડવા સિવાય આપણી પાસે ઉપાય નથી.”
“કદમ...ગોળીબારથી બે-પાંચ જંગલીઓ મરશે, ત્યારપછી બાકીના જંગલીઓ આપણા પર તૂટી પડશે અને આપણને પીંખી નાંખશે...” દીધ્ર શ્વાસ લેતાં સોમદત્તે રિવોલ્વરવાળો હાથ નીચો કર્યો.
વાગતા ભેદી નગારાના અવાજ પર ત્યાં એકઠા થયેલા જંગલીઓ મેજર સોમદત્તની ટીમ ફરતા નાચવા લાગ્યા.
“હવે શું કરશું સર...? હું તે લોકો પર તૂટી પડું...?” પ્રલયના અવાજનો પડઘો ગુંજી ઉઠ્યો.
“ના પ્રલય... આપણે વાટ જોઇને તેઓ શું કરે છે. જોખમ લાગતા જ આપણે ગોળીબાર કરતાં-કરતાં જંગલની અંદર ઘુસી જઇ અહીંથી નાસી જવાની કોશિશ કરશું. પણ તમે કોઇ ઉતાવળ ન કરતા, મારા સંકેતની વાટ જો... જો...” બૂમબરાડાના અવાજ વચ્ચે મેજર સોમદત્ત જોર-જોરથી બોલતા હતા.
જોર-જોરથી રાડો નાંખતા જંગલીઓ કોઇ ગીતનું કોરસ ગાઇ રહ્યાં હતાં. તેના શબ્દોને સાંભળતા મેજર સોમદત્ત એકદમ ચોંકી ઉઠ્યા અને સ્તબ્ધ બની ગયા.
“સાંભળો... સાંભળો... આ લોકો આપણને દેવદૂત કહીને કશું ગાઇ રહ્યાં છે. એટલે તેઓ શું કરવા માંગે છે તે નક્કી ન થાય ત્યાં સુધી કોઇપણ ગોળીબાર ન કરજો...” કદમે રાડ નાંખી.
“તારે અહીં આવવાની જરૂર જ શું હતી...?” તું તારે જંગલમાં બોર ખાતાં-ખાતાં જિંદગી કાઢી નાંખત તોપણ તારે માટે સારુ હતું. મારા ભાઇ મારા નામનો ઉપકાર બતાવ નહી. સમજ્યા વગર એકાએક વૃક્ષ પરથી ટપકી પડ્યો. જાણે આ બધા તારા નાતિબંધુ હોય... કહેતો આદિત્ય હસી પડ્યો.
“અરે...! મારા નહીં આ બધા તારા સંબંધી છે અને હવે અહીંની છોકરી સાથે તારા લગ્ન કરીને તને જમાઇ બનાવી હંમેશા અહી રાખવા માંગે છે, સમજ્યો.”
“તમે કેમ ખબર પડી કે મને જમાઇ બનાવશે. તું મારાથી રૂપાળો છો, કદાચ કોઇ જંગલીની છોકરી તારા પર ફિદા થઇ ગઇ હશે. એટલે જ આ બધું મંડળ નાટક કરી રહ્યું છે.” ખોટો ગુસ્સો બતાવતાં આદિત્યે કદમ સામેં મોં ચડાવ્યું. તેનું વર્તન જોઇ મેજર સોમદત્ત સાથે સૌ હસી પડ્યા.
“લગ્ન કરવાની ઉતાવળ તને છે, મને નહીં. જો જે આદિત્ય થોડાક સમય પછી અમે અહીં પાછા આવશું ત્યારે તું પણ આ લોકો જેવો જ જંગલી બની ગયો હોઇશ અને આમ જ આવ વા... કુંકુ... કુ કુ... કરીને નાચતો હોઇશ. તારી કાંધ ઉપર ચાર બબુઆ લટકતા હશે, અને બાપા... બાપા... કરતા હશે.”
સૌ હસી-હસીને મજાક કરી રહ્યા હતા.
એકાએક જંગલીઓનો નાચ બંધ થઇ ગયો. ફરીથી એકવાર જંગલને ચીરતો ખોફનાક સન્નાટો છવાઇ ગયો.
અને પછી સૌ આવીને પ્રલયની આજુબાજુ ઊભા રહી ગયા. એક જંગલી દોડતો વૃક્ષના થડના લાકડાનો મોટો ટુકડો ઉપાડી લાવ્યો અને તેની ઉપર પ્રલયને બેસાડ્યો.
“વા... વા... ભાઇ વા... આદિત્ય આ તો ગજબ થયો તારું સ્થાન પ્રલયને મળ્યું...” કદમ હસ્યો.
“પ્રલયની બાજુમાં તું પણ બેસી જા એટલે તને પણ ચાંદલો કરી પોંખી લે. એટલે અમે તમને બંનેને પડતા મૂકી આગળ વધી જઇએ...” આદિત્યની વાતથી સૌ ફરીથી ખડખડાટ હસી પડ્યા.
થોડી જ વારમાં કેટલીય સ્ત્રીઓ આવી, તેના હાથમાં કેળાના પાંદડા હતા અને પાંદડામાં કંકુ જેવી કાંઇ વસ્તુ સાથે ચોખા હતા.
સૌ પ્રલયને ઘેરી વળી અને વારાફરતી ચાંદલા કરી પ્રલય પર ચોખા છાંટવા લાગી અને કંઇક બોલતી જતી હતી.
મેજર સોમદત્તે ચાઇનિઝ ભાષામાં કંઇક પૂછ્યું.
સૌ આશ્ચર્યથી દંગ થતાં મેજર સોમદત્તની સામે જોઇ રહ્યા અને તેની ભાષામાં તેઓ મેજર સોમદત્તને કંઇ કહેવા લાગ્યા.
“પ્રલય... તારા તો લગ્ન થઇ ગયા ભાઇ, કેટલાંય વરસથી તું કુંવારો હતો. તે આજ તને એક બે નહીં પણ ઘણી જ સ્ત્રીઓએ તને પસંદ કર્યો છે. અને આ બધી સ્ત્રીઓ તારાથી લગ્ન કરવા માંગે છે. ભાઇ તું તો અહીંનો જમાઇ બની ગયો, એટલે હવે તારે પણ પોતીયું પહેરી અહીં જ રહેવું પડશે.” કહેતાં કહેતાં કદમ ખડખડાટ હસવા લાગ્યો.
“તું મારા મગજનું દહીં ન કર, નહીંતર હમણાં જ તારું માથું ફાટી નાખીંશ.” પ્રલયે કદમને બનાવટી ગુસ્સો કરતા કહ્યું.
“ભાઇ પ્રલય તું મારા પર શા માટે ચિલ્લાય છે, આ તો આ લોકોની ભાષા મને આવડે છે. એટલે તેઓ એ સર સાથે વાત કરી તને માંગી લીધો એટલે હું કહું છું.”
“તને એક જ ને ચાઇનિઝ ભાષા આવડે છે. તેવા ફાંકામાં ન રહેતો, તારા કરતાં પણ આ લોકોની ભાષા હુ સરળતા સાથે સમજી શકું છું.”
“સર...! આ લોકો શું ઇચ્છી રહ્યાં છે...?” વિજયસિંહાએ સોમદત્તની સામે જોતાં પૂછ્યું. તેને ચાઇનિઝ ભાષા આવડતી ન હોવાથી, તેના ચહેરા પર મૂંઝવણના ભાવ ફેલાયેલા હતા.
“વિજયસિંહા આ લોકો પ્રલયને એક યોદ્ધાના સ્વરૂપમાં જોઇ રહ્યાં છે. પ્રલયે જે વાઘને માર્યો તે વાઘ અહીંના કેટલાંય લોકોને ફાડીને હજમ કરી ગયો છે. અને તે લોકો વાઘના મારણ માટે આદિત્યને પકડીને મૂક્યો હતો અને અચાનક પ્રલય વચ્ચે કૂદી પડ્યો. વાઘને મારી નાંખતા તેઓ પ્રલય પર એકદમ ખુશ થયા છે. અને એક મહાન યોદ્ધા તરીકે પૂજી રહ્યાં છે.” મેજર સોમદત્ત બોલ્યા. તેની પૂરી વાત સાંભળી સૌ આનંદમાં આવી ગયા.
“સર...! હવે આપણે નીકળવું જોઇએ. આપણે હજુ મેજર કતારસિંગને શોધી કાઢી ચીનના લશ્કર વચ્ચેથી છોડાવવાના છે...” ગંભીર બની જઇએ કદમે ક્હયું.
“હા...આપણે હમણાં જ નીકળીશું પણ આ લોકોની તેની રસમ પૂરી કરવા દે પછી તે લોકો આપણને કોઇ મદદરૂપ બની શકે તે બાબતે મારે થોડી ચર્ચા કરવી છે.” મેજર સોમદત્તે કહ્યું.
થોડી વારમાં જ ચાંદલા-ચોખાથી પ્રલયને વધાવવાની રસમ પૂરી કરી, પછી તે કબીલાનો સરદાર પ્રલયના પગ પાસે બેસી ગયો.
“હે મહાન યોદ્ધા, તે અમારા કબીલાનું રક્ષણ કર્યું છે. તે અમારા લોકોને મારી ખાતાં એક માનવભક્ષી વાઘને મારી નાંખ્યો છે. તું શૂરવીર યોદ્ધા છે.”
પ્રલયે ઊભા થઇ કબીલાના સરદારને પણ ઊભો કર્યો. “હે મહાન સરદાર એ તો મારી ફરજ હતી. અને ઇશ્વરની ઇચ્છા હતી એટલે બધું થઇ ગયું. તેમાં આપ સૌ ખુશ છો,તે જ મારા માટે મોટી વસ્તુ છે.”
પ્રલયની વાત સાંભળી સૌ ખુશ-ખુશ થઇ ગયા. અને પછી નાચવા લાગ્યા. કબીલાના સરદારે મેજર સોમદત્તની સાથે સૌને પોતાના આવાસમાં લઇ જઇ બેસાડ્યા. સરદારનું મકાન એટલે વાંસથી બનેલો મોટા ભુંગળા જેવું હતું પણ અદરની સજાવટ એકદમ સરસ હતી.
ફટાફટ સૌને ખીર પીરસવામાં આવી.
“સરદાર... અમને તમારી મદદની જરૂર છે.” ખીર ખાતાં સોમદત્ત બોલ્યા.
“કહો... અમે સૌ તમારા માટે જાનની બાજી પણ લગાવી દઇશું...” સરદાર બોલ્યો, તેમને પ્રલય મેજર સોમદત્ત તેમની ટીમના સરદાર છે, તે સમજાવ્યું હતું.
“અમે અહીં અમારા એક માણસની શોધમાં આવ્યા છીએ, જે હુબહુ મારા જેવો જ લાગે છે.”
“અરે...! મેં આ સરદાર જેવા માણસને જોયા છે અને તેની પાછળ અહીંના સિપાઇઓ પડ્યા હતા. એટલે જ હું ક્યારનોય વિચાર કરતો હતો કે તે માણસ એકલો હતો અને નાસતો છુપાતો હતો. તો હવે કેમ આ બધા સાથે અહીં આવી ગયો. સરદાર તે ખરેખર તમારા જેવો જ લાગતો હતો.” દિનતાંગ નામનો એક જંગલી ઊભો થઇ બોલ્યો.
“તે કઇ તરફ નાસતો ગયો છે, તેની તને ખબર છે ?” પ્રલયે તેને પૂછ્યું.
“હા... તે અહીંથી પૂર્વ દિશા તરફ ગયો છે. તેના પાછળ કેટલાય સિપાઇઓ તેને પકડવા ગયા છે. એટલે જ આશ્ચર્ય થતા હું અહીંથી પાંચ માઇલ સુધી તેનો પીછો કરતા તે લોકોની પાછળ ગયો હતો.” ફૂલાંતા શ્વાસને રોકતાં દિનતાંગ બોલી ઉઠ્યો.
“દિનતાંગ એ માણસની અમને ખાસ જરૂર છે. તેને માટે તો અમે અહીં આવ્યા છીએ.... એ માણસ મળી જાય તો અમારું કામ પૂરું થઇ જાય.”
“દિનતાંગ... તમારી સાથે ચાલશે અને પાંચ માઇલ પછી તેનુ પગેરું પણ શોધી આપશે...” હાથ જોડી સરદાર બોલ્યો.
“હા... હું તમારી સાથે આવવા તૈયાર છું. આ નરભક્ષી વાઘે મારા નાના ભાઇનો ભોગ લીધો છે. તેને મારવા માટે મેં અહીંના સિપાઇઓના સુબેદારને વાત કરી હતી. પણ તે હરામખોરોએ મને ધુત્કારી કાઢ્યો હતો. અને એટલે જ અહીંના સિપાઇઓ પર મને વિશ્વાસ નથી. એટલે જ તેઓની ગતિવિધિ પર હું ધ્યાન રાખતો હતો અને મને એટલે જ આ બધી વાતની ખબર છે.”
“શાબાશ દિનતાંગ... તે ખૂબ જ સરસ કામ કર્યું છે. હું તારા ભાઇને તો પાછો નહીં લાવી શકું પણ તે માનવભક્ષી વાઘને મારી મને તેનો હવે સંતોષ છે.” પ્રલયે કહ્યું.
“આપ સૌ આજની રાત અહીં રહો. કાલે સુર જ ઉગતાં જ તમે દિનતાંગ સાથે તમારા માણસને શોધવા નીકળી પડજો. પણ આજની રાત અમને તમારી મહેમાનગતિ માણસવાનો લહાવો દ્ય...” કબીલાનો સરદાર સર સોમદત્ત સામે હાથ જોડી બોલ્યો.
“તમારી મહેમાનગતિને હું આવકારું છું. સરદાર... પણ અમારે આજની રાત કયામતની રાત છે. ગમ તેમ કરી અમારા સાથીને શોધવાનો છે. નહીંતર તે માર્યો જશે...” મેજર સોમદત્તે કહ્યું.
“હા... ચોક્કસ જે ઇશ્વરે ધાર્યુ અને અમે અમારા સાથી સાથે પાછા આવ્યા તો ચોક્કસ તમારી મહેમાનગતિને માણીને જાશું...” કહેતાં સોમદત્તે પોતાના સાથીઓની સામે જોઇ બોલ્યા.
“દોસ્તો, આગળ વધવાની તૈયારી કરો. અત્યારે રાત્રિના સમયમાં જ આપણે મેજર કતારસિંગને શોધી પાછા લાવવાના છે. આપણી પાસે એક-એક ક્ષણ કિંમતી છે.”
“યસ સર...! અમે તૈયાર છીએ.” આદિત્ય બોલ્યો.
***