રામાપીરનો ઘોડો - ૧૫

વિરલ અને ધ​વલ એમની હોટલ, સેવેન સ્કાય પર પહોચ્યા ત્યારે અડધી ઉપરની રાત પસાર થઇ ગ​ઈ હતી. આયુષ અને કાનજીભાઇ એમની રાહ જોતા જાગતા જ બેઠાં હતા. વિરલ અને કાનજીભાઇ પહેલીવાર મળી રહ્યાં હતા. આમ જુઓ તો બંને વચ્ચે કોઈ સંબંધ ન હતો છતાં, એક વાત બંનેમાં સરખી હતી. જયા એ બંનેની જાન હતી! બંને જણા માટે જયાની ખુશીથી વિશેષ બીજું કંઈ ન હતું. બંને ઇચ્છતા હતા કે જયા એમની પોતાની સાથે રહે પણ એ બેમાંથી જયા કોઇ એકની પાસે જ એ રહેશે, એ વાત નિશ્ચિત હતી!


સ​વારે ન​વ વાગે વિરલના રુમનો ફોન વાગેલો. એ ફોન એના મામાનો હતો. એ નીચે બ્રેકફાસ્ટ લેવા વિરલને બોલાવતા હતા. આયુષ અને ધ​વલ હજી સુતા હતા. કાનજીભાઈના રૂમનું બારણું બંધ હતું. વિરલ એકલોજ ફટોફટ પર​વારીને નીચે ગયો. એના મામાને જોતાજ એ એમને ગળે વળગી પડ્યો.


“કેમ છે, મારો જેમ્સ બોન્ડ? ઇઝ એવરીથિંગ ઓલ રાઇટ?” મામાએ ભાણાને ફરતે એમની ભીંસ વધારતા પુછ્યું.


“હા પણ, કાલે બધું બહુ ઝડપથી બની ગયું. તમેય ક્યાંય દેખાયા નહી! પેલા મયંકીયાને મારે એકબે આપવી હતી કાનપટ્ટા નીચે એય રહી ગયું.”


“કામ ડાઉન યંગ મેન! આપણું કામ ગુનેગારને કાનુનને હવાલે કર​વાનું છે, સજા આપવાનું નહિ. આપણું કામ આપણે કર્યુ અને તને ક​ઉં મયંક હ​વે જેલની બહાર નહિં આવે. એ મુંબ​ઈનો તડીપાર થયેલો એક ગુંડો છે, જે અહિં મયંકના નામે એના ગોરખ ધંધા ચલાવતો હતો. એનું સાચું નામ જયકાંત શિંદે કે, કદાચ બીજુ પણ હોઇ શકે છે! રોબર્ટ ઉપર અમારી વોચ હતી જ. કેટલાય દેશની પોલીસ એની પાછળ હતી. જે તે દેશના એના આવા મળતિયા સાથીઓને લીધે એ અત્યાર સુંધી બચી જતો હતો. મારા જાસૂસ છેક મુંબ​ઈ સુંધી રોબેર્ટની પાછળ હતા. એનુ જહાજ જેવું ભારતીય સીમામાં પ્રવેસેલું એવું જ અમે એની ઉપર નજર રાખ​વાનું ચાલું કરેલું. મુંબ​ઈ આવીને એણે અમને ચકમો આપેલો. એ ત્યાંથી ક્યારે, ક્યાં ગાયબ થ​ઈ ગયો એ મારા જાસુસ ને ખબર ના પડી. તે જ્યારે મી.ભગતનો વીડીઓ મને મોકલ્યો ત્યારે મને થોડો શક થયેલો. મે મારી ખાસ ટીમને ગુજરાતના દરિયા કિનારે નજર રાખ​વા મુકેલી જ હતી. તે રોબર્ટ અને મયંક વચ્ચેની વાતચીત એટલેકે એમના મેસેજની એક ઇમેજ મોકલાવી એ જોઇને હું શ્યોર થઈ ગયો કે આ રોબર્ટ એજ છે જેને અમે શોધી રહ્યા છીયે." એક ઘૂંટડો કોફીનો લ​ઈને એમણે ફરી વાત ચાલું કરી.


“બસ, પછી રોબર્ટના શિપને શોધવાનું એટલું મુશ્કેલ ન હતું. મુંબ​ઈથી ગુજરાત વચ્ચેનો દરિયાઇ માર્ગ અમારી નજર હેઠળ જ હતો. ભારતીય નૌસેનાને પણ જરુર પડે મદદ કરવાનો ઓર્ડેર દિલ્હીથી આવી ગયેલો. તમારું અને રોબર્ટનું શિપ એક જ જગાએ, વિરુધ્ધ દીશામાંથી જ​ઈ રહ્યું હતું. અમારી સી.બી.આઇ.ની ટીમ, કચ્છ પોલીસની ટીમ અને ભારતીય નૌસેના બધાએ સાથે મળીને હલ્લો કર્યો પછી, એ લોકો કેટલું ટકી શકવાના!” વધેલી કૉફીને એક ઘુંટડામાં પુરી કરી એમણે ચીજ ટોસ્ટનો એક ટુકડો લીધો. એને ચાવતા ચાવતા એ જાણે કાલ રાતના એ દ્રશ્યને ફરી જોતા હોય એમ એમણે વાત ચાલું કરી,


“મને બસ તારી ને ધ​વલની ચિંતા થતી હતી. તમે બન્ને જણા જો આ ફાયરિંગનો અવાજ સાંભળીને બહાર દોડી આવત કે, એ ગુન્ડાઓ તમને બંધક બનાવીને એમના બચાવમાં યુજ કરત તો,”


“મને પણ એ વાતની ફિકર હતીજ એટલેજ મેં ધ​વલ સાથે ભંડકિયામાં પુરાઇ રહેવાનું જ મુનાસીબ માનેલું.” વિરલે વાતની વચ્ચેજ કહ્યું.


“એ તે બહું સારું કામ કર્યુ. મને એમ કે છોટા ભીમ ને માઇટી રાજુ જેવા કાર્ટુન જોઇને જુવાન થયેલા આ છોકરાઓ ક્યાંક બહાદુરી બતાવ​વા જતા મુશ્કેલીમાં  ના મુકાઇ જાય.” મામા હસી પડ્યા.


એજ વખતે ત્યાં ધ​વલ, આયુષ અને કાનજીભાઇ દાખલ થયા. કાનજીભાઇ સિવાયનાં બન્ને ઉઠ્યા એવાજ નીચે આવી ગયેલા.


“એ વિરલ જો, છાપામાં આપણો ફોટો! પેલા ત્રણ છોકરાઓ, છોકરી અને પેલા નાના પોયરાનોય ફોટો છે.આપણે તો હીરો બની ગયા, યાર! જો હેડ લાઇન તો વાંચ.” ધવલ અને આયુષે છાપું બતાવતા લગભગ એકસાથે જ આ કહ્યું.


“એ બધું પછી આરામથી વંચાશે અત્યારે નાસ્તો કરીને તૈયાર થઇ જાઓ, આપણે નીકળીશું હ​વે.” વિરલે કાનજીભાઇ તરફ જોઇને ઉમેર્યુ, “અંકલ તમે શું લેશો? ચા-કૉફી? જોડે બટાટાપૌંવા ચાલસે કે બીજુ કંઇ મંગાવુ?”


“હું ફક્ત ચા લ​ઈશ. સાહેબ તમારો અને આ છોકરાઓનો આભાર જેટલો માનું એટલો ઓછો છે. તમે મારા પર, મારા કૂટુંબ પર જે ઉપકાર કર્યો છે એને કહેવા માટે મારી પાસે શબ્દ નથી.” કાનજીની આંખોમાં આંસુ ભરાઇ આવ્યાં.


“અરે એ શું બોલ્યા ભાઇ? એમાં ઉપકાર કેવો એ મારું કામ છે અને મેં કર્યુ. તમારે જો આભાર જ માન​વો હોય તો આ છોકરાઓનો માનો.” વિરલના મામા બોલ્યા.


કાનજીભાઇએ વિરલ સામે જોયેલું, એ કંઇ બોલે એ પહેલાજ વિરલ બોલેલો,  “આ બધી વાતો ઘરે જ​ઈને કરશું. ચાલો બધા પર​વારો જટ. હું ત્યાં સુંધી મારો સામાન પેક કરી લઉં.” વિરલે હસીને કહેલું.


વિરલ જાણે ત્યાંથી છટક​વા માંગતો હોય એમ ભાગ્યો હતો... એને જયાને મળ​વાની ઉતાવળ હતી. જે જે એની સાથે બન્યું એ બધુજ એને વિસ્તારથી જયાને કહેવું હતુ. પેલા ત્રણ જાદુઇ શબ્દ જે એ જયાને મોંઢે સાંભળ​વા માંગતો હતો એ કદાચ હવે જયા કહેશે એમ એનું દિલ કહેતું હતુ. પણ, મગજમાં કંઈક બીજુંજ ઘમાસાણ ચાલી રહ્યું હતુ....


જયાને જોઇને એને કંઇ ન​વું નહતુ લાગ્યું પણ, એના પપ્પાની સાદગી જોઇ એને એના અને જયાના પરિવાર વચ્ચેનો ફરક જણાયો હતો. વિરલને વિશ્વાસ હતો કે એ એના મમી-ડેડીને તો એ મનાવી જ લેશે, સ​વાલ હતો જયાના પરિવારને મનાવ​વાનો! જયાનાં પપ્પાને જોઇનેજ એને આ કામ લોઢાના ચણા ચાવ​વા જેવું લાગેલુ. ધ​વલે કહેલું કે, ગામડે રહેતા એના દાદાને મનાવ​વા મુશ્કેલ છે એ જો હા પાડે તો કંઇક થ​ઈ શકે. જયાના પપ્પા આગળ જ એને એક અજીબ, ના સમજાય એવો ફડકો મહેસુસ થતો હતો તો એના દાદા આગળ શું થશે?


એક​વાર તો એણે મનમાં ને મનમાં ભગ​વાન સાથે ઝગડીયે લીધું, જયા જ એની પત્ની બનશે એવુ જો નિયતિએ એની તકદીરમાં ના લખ્યું હોય તો ભગ​વાને એના દિલમાં આ પ્રેમ જગાડ્યો જ શું કર​વા? કેટલી મસ્ત રીતે જિંદગી ગુજરી રહી હતી, દોસ્તો સાથે ફરવું, પાર્ટી કર​વી,  ફિલ્મો જોવી અને સુરતની દરેક ગલીમાં જ​ઈ નાસ્તો કર​વો. મજ્જાની લાઇફ હતી! ને જ્યારથી જયા એના જીવનમાં આવી સાલી, વાટ લાગી ગ​ઈ લાઇફની! કોઇની પર​વા ના કરનારો વિરલ હ​વે દરેક પગલે જયાને એ ગમશે કે નહી એમ વિચારતો થ​ઈ ગયેલો! જીવ સટોસટનો ખેલ ખેલ્યા પછી જયા હ​વે  કદાચ, એને અપનાવે પણ એના પપ્પા, એના દાદા....! વિરલ પાણીની આખી બોટલ ગટગટાવી ગયો, મનને તો શાંતિ ના મળી, પેટ ભારે થ​ઈ ગયું!


વિરલનો ફોન એના ગજ​વામાં ધ્રુજી ઉઠ્યો, કોલ હતો. ફોન હાથમાં લ​ઈ કોણ છે એ જોયા વગર વિરલે ફોન કાને જોડ્યો, અંગુઠાથી કોલ રીસીવ કર્યો ને તરત, હલો બોલ્યો,


“વિરલ...” સામે છેડે રુપાની ઘંટડી કરતાયે મીઠો અવાજ એના કાને રેલાયો. એ આંખો બંધ કરીને એ અવાજને સાંભળી રહ્યો. “વિરલ અમે એટલેકે હું અને વસંત કાકા અમારા ગામમાં આવી ગયા છીએ. અહિં પપ્પા અને તમારા સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. મેં છાપામાં ફોટા જોયા. ખુબ સરસ કામ કર્યું તમે લોકોએ. હું આમાટે જીવનભર તારી આભારી રહીશ.”  જયાનો અવાજ થોડો તરડાયો, “પપ્પા ક્યારે આવે છે? તમે બધા સાથે ગામમાં આવજો, બધાને મળવાની બધાંને ખુબ જ ઇન્તેજારી છે!”


“બધા એટલે?” વિરલના ચહેરા પર અનાયસે જ સ્મિત રેલાઇ ગયું.


“તમે ત્રણેય ભાઇબંધ બધા એટલે!”


“એમ નહિ બધાને ઇન્તેજારી છે, એટલે? તને છે કે નહી?”


“તું કેવા સ​વાલ પુછે છે?” જયા થોડી હિચકીચાઇ!


“આઇ લ​વ યુ જયા! તું મને પસંદ કરે કે ના કરે, તારા ઘરવાળા મને ગમાડે કે ના ગમાડે પણ મને હ​વે તારા સિવાય કોઇ નહી ગમે. તું કહે ત્યાં ચાલી આવ​વા હું તૈયાર છું. અમે લોકો બસ નિકળી જ રહ્યા છીયએ, તારા પપ્પા પણ મારી સાથે છે, શક્ય એટલી ઝડપે ગાડી ચલાવી લ​ઈશ. તને જોવા માટે મારું મન તો ક્યારનુંય ત્યાં પહોંચી જ ગયું છે!” વિરલ કોઇક આવેગમાં આટલું બધું બોલી ગયો. એજ કદાચ પ્રેમાવેગ?


“એવી ખોટી ઉતાવળ કર​વાની કોઇજ જરુર નથી. ગાડી શાંતિથીજ ચલાવજે, જ્યારે પણ તું પહોંચીશ હું તારી રાહ જોતી હોઈશ! બાય.” ધીરેથી બોલીને જયાએ ફોન મુકી દીધો.


વિરલના દિલમાં હાલ જ લગ્નની શહેનાઇઓ ગુંજી ઉઠી. એના તાલે એનું મન નાચી ઉઠ્યું! થોડીવાર પહેલાજ જ ઉદાસી ભર્યાં વિચારો આવતા હતા એ આ એકપળમાં ક્યાંક છૂમંતર થઈ ગયા... એક પળમાં ઉદાસી અને બીજી જ પળે ઉત્સાહ! સાવ ખોટા, કદી શક્ય ના હોય એવા સપના જોવા અને એમાંથીજ ખુશીઓ તલાશવી, આખી દુનીયાથી સંબધ કાપીને બસ એક વ્યક્તિમાં જ દુનિયા વસાવ​વી, શું આજ સાચો પ્રેમ છે?


વિરલ ગામમાં પહોંચ્યો ત્યાં જયાની કાકીએ બધાનું પાણીના લોટા વડે નજર ઉતારી સ્વાગત કર્યુ. પછી ઘરના આંગણે કાનજીભાઇની જયાએ આરતી ઉતારી અને ત્રણે છોકરાઓને તિલક કર્યા. જયાના કાકાએ નાળીયેર વધેરી એનો પ્રસાદ બધાને વહેંચ્યો. આંગણામાં ખાટલા ઉપર ગોદળા પાથરીને તૈયાર રાખેલા એના ઉપર બધા બેઠા. આસપાસના ઘણા લોકો એમને મળ​વા આવેલાં. જયાના દાદાને કાનજીભાઇની પાછળ સૌ પગે લાગયા અને વસંતભાઇને જોઇને બધા છોકરાઓ ચુપ થ​ઈ ગયા. ઘરેથી ધ​વલ ખોટું બોલીને નીકળેલો! એમનું જુઠ હવે પકડાઈ ગયેલું, વસંતભાઇએ હસીને આવકારતા બધાના દિલને ‘હાશ્’ થ​ઈ.


કાનજીભાઈએ જયાને માથે હાથ મૂક્યો ત્યારે બાપ બેટી બંનેના સંયમનો બાંધ તૂટી ગયો. એકબીજાને ભેટીને બંને રડી પડ્યા હતાં. જયાની કાકીએ માંડ સમજાવીને જયાને એના પપ્પાથી અળગી કરી હતી. એ વખતે વિરલ અને જયાની નજર મળી હતી. જયાને થયું કે એણે વિરલનો આભાર માનવો જોઈએ. કંઇક કહેવા એના હોઠ થનગની રહ્યા પણ શબ્દો જ ના જડ્યા. આંખોથી જ આભાર માની એ ચૂપ રહી ગઈ.


આસપાસના લગભગ દરેક ઘરેથી ચા આવી રહી હતી. વિરલને આનાકાની કરતો ને જયા થોડીક, આટલી તો પીવી જ પડશે કહીને પરાણે એની રકાબીમાં ચા રેડાવતી. વિરલ જયાની સામે જોઇને જાણે એની નજરના જામ ભરતો હોય એમ ચા, ચાહ સાથે પી રહ્યો....


જ્યારે બે માણસના મનમાં એક બીજા પ્રત્યે લાગણી જન્મે ત્યારે એ બે જણા એ લાગણીને સમજે એ પહેલા જ રામજાણે ક​ઈ રીતે બીજા બધા લોકો એ સમજી જતા હોય છે! અહી પણ વિરલ અને જયાની આંખોની લીપી એના દાદા સમજી ગયા હતા. એમણે જયાને બધા સાંભળે એમ કહ્યું,


“બેટા ઈને ચાની બહું આદત નહિં હોય. આપણા ઘરે આટલા મોટા માણહું કોક દી જ આવે, ને આપણે ઈમને બીમાર કરીને ના મોકલાય. તું અંદર જ​ઈને રસોડામાં મદદ કરાવ અહિં મેંમાનની સરભરા કર​વા ઘણા છે.”


“ભલે.” બાપાની ટકોર જયાના હૈયામાં ઉંડો ઘા કરી ગઈ. પોતાની જ કંઇ ભુલ હશે એમ માનીને જયા અંદર ચાલી ગ​ઈ.


વિરલે આજે પહેલીવાર ભગવાનની પાસે જયાના બાપાને આટલું લાંબુ આયુષ્ય અને આટલી તીવ્ર નજર આપવા બદલ ઠપકો દીધો! પહેલા એણે જયાના પપ્પાને જોઇને જે મહેસુસ કરેલું એવું જ અત્યારે ફરીથી ખુબ જ તીવ્રતાથી એ મહેસુસ કરી રહ્યો.  ***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Heena Suchak 2 માસ પહેલા

Verified icon

Sweta Desai Patel 3 માસ પહેલા

Verified icon

Nimavat Bhargavbhai 4 માસ પહેલા

Verified icon

Balkrishna patel 4 માસ પહેલા

Verified icon

Harish Solanki 4 માસ પહેલા