મિસ્ટર યાદ - ભાગ ૧ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિસ્ટર યાદ - ભાગ ૧

     દક્ષ મુંબઈના દરિયા કિનારે બેઠો હતો...દક્ષ એ ખુશનુમા સાંજને માણી રહ્યો હતો. મદમસ્ત વહેતો ઠંડો પવન વાય રહ્યો હતો. ને  એક જ વિચાર આવ્યો...કે કાશ "એ" આજ સાથે હોતી ને...આ સાંજ પેલી ક્ષિતિજની અને "એ" મારી બાહોમાં ઢળી જતે..!! દક્ષની મનોસ્થિતિ અત્યારે આ સાંજ જેવી હતી. જીવનમાં જેમ સંપૂર્ણ સુખ ના હોય અને સંપૂર્ણ દુ:ખ ના હોય તેવો સમય તે સાંજ. હા...એક એવો ચહેરો અને વ્યક્તિત્વ મળ્યું. મારો પ્રેમ શુધ્ધ હતો અને આજે પણ છે અને રહેશે. એ ઘટતો નથી બલ્કે વધતો જાય છે. જીવન એના ખ્યાલમાં જીવતાં જીવતાં જ રોશન થઈ રહ્યું છે. દક્ષ ક્ષિતિજે ધરતી અને આકાશનું પ્રેમભર્યું મિલન...ધરા અને આકાશ સાથેનું પ્રેમાળ આલિંગન...એ રંગીલી સાંજમાં એકબીજાનું સમર્પણ નિહાળી રહ્યો હતો. 

     દક્ષ ઘૂઘવતાં દરિયાને દૂર દૂર સુધી જોઈ રહ્યો. પછી પોતાની નજીક આવતા દરિયાના મોજાને જોઈ રહ્યો. આ કિનારાની રેતમાં, હંમેશ જેમ જ...મોજાઓ આવીને પાછાં ફરી ગયા! ન જાણે આ કિનારો...હદ હતી મિલનની? કે પછી આમંત્રણ હતું...પ્યારના અથાગ સાગરમાં ડૂબવાનું? કોણ જાણે કેમ...? આજ આ આંખો પલળતી રહી!

  કિનારે બેસી લહેરોમાં પગ પલાળતા પલાળતા કેટલાંય વિચારો ઉમડતા રહ્યા...આ અગણિત મોજાં જેવી અગણિત યાદો...અને કંઈક કિનારાની રેત જેવું મિલન! ક્યારેક લથબથ-લથબથ...ક્યારેક કોરુંકટ્ટ..! આ આંખોમાં ઉમડતી રહી ઉની ઉની વરાળ જેવી કંઈક ખારી ખારી બળતરાઓ...! સ્વપ્નો પણ આખરે વલખાં મારી મારીને...ભરતી પછીની ઓટની જેમ...મનના અથાગ દરિયામાં સમેટાતા રહ્યા..! અને પેલા પ્યારના અભરખાઓ...પરપોટા બનીને કિનારાની રેતમાં...વિખેરાતા રહ્યા...ફીણ ફીણ ફીણ ફીણ બની....

    દક્ષે મહેક સાથે વિતાવેલી બધી જ પળોને એકદમ પ્રેમથી દિલના કોઈ એક ખૂણામાં સાચવીને રાખી હતી. વાત કરવાનું મન થાય ત્યારે જૂની ચેટ વાંચીને યાદોને મમળાવતો રહેતો. મહેકને જોવાનું મન થાય ત્યારે ફોનમાં મહેકનો ફોટો જોઈ લેતો. 

નજર મારી આજે પણ તારા ફોટા જોઈને રોકાઈ જાય છે. કંઈક આવી રીતે જ રોજ મારી સવારથી સાંજ થઈ જાય છે.

     પવનને લીધે દક્ષના વાળ ઉડી રહ્યા હતા. દક્ષ રેતીને મુઠ્ઠીમાં લઈ લેતો પણ થોડી જ પળોમાં બધી રેતી મુઠ્ઠીમાંથી સરકી જતી. દક્ષે આવુ ત્રણથી ચાર વાર કર્યું.  દક્ષ ઉભો થયો અને કિનારે કિનારે ચાલવા લાગ્યો. દરિયાના પાણી દક્ષના પગને સ્પર્શીને પાછા વહી જતા. બે ત્રણ કદમ ચાલીને દક્ષ ઉભો રહી ગયો. થોડી પળો એ આમ જ ઉભો રહી જોવા લાગ્યો કે દરિયાનું નાનકડુ મોજું આવે છે અને પાછું જાય છે ત્યારે પગ તળેથી  રેતી ખેંચાય જાય છે. દક્ષ સ્વગત જ બોલ્યો " તારો પ્રેમ પણ દરિયાના મોજા જેવો છે આવે ત્યારે પૂરી ભીંજવી જાય છે અને જાય છે ત્યારે પગ તળે ધરતી પણ લેતી જાય છે. ઑહ મહેક શું કર્યું તે? પ્લીઝ પાછી આવી જા મારા જીવનમાં..."

     દક્ષ વિચારોના દરિયામાં ગળાડૂબ હતો. એટલામાં જ દક્ષના મોબાઈલની રીંગ વાગતા દક્ષ વિચારોના સાગરમાંથી બહાર આવ્યો. કાર્તિકનો ફોન હતો. થોડી વાતચીત કરી. સાંજના સાત વાગ્યા હતા એટલે દક્ષે ઘર તરફ પ્રયાણ કરવાનું વિચાર્યું.

    ઘરે પહોચ્યો ત્યારે ઝરમર ઝરમર વરસાદ આવતો હતો. દક્ષને પોતાની મહેક સાથેની પહેલી મુલાકાત યાદ આવી. 

    પહેલી વખત મહેકને ભીના રોડ પર ઉભેલી જોઈ હતી. વરસાદ વરસી રહ્યો હતો...શાંત ધીમા સ્વરે..ઝરમર ઝરમર..ને નાહીને સ્વચ્છ થયેલા વૃક્ષના પાંદડામાંથી પાણી ટપકે છે..આજે વરસાદ વરસ્યો છે..નિરંતર..નિ:સંકોચ..ને બધું બધે જ સુંદર...સ્વચ્છ..ને હળવું છે..હમણાં થોડીવાર પહેલાં જ વરસાદ બંધ થયો હતો ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો. દક્ષે રોડની સાઈડ પર બાઈક ઉભી રાખી. રોડની બંને સાઈડ પર વૃક્ષો હતા.  દક્ષ લીમડાના ઝાડ નીચે  વરસાદના થોભવાની રાહ જોતો ઉભો રહ્યો. એટલામાં જ દક્ષનું ધ્યાન એક ચંચળ છોકરી તરફ દોરાય છે.

     વરસાદના પાણીથી ભીંજાયેલી...પાણીથી દેહનીતરતી ચંચળ લલનાને જોતો જ રહ્યો દક્ષ. ચંચળ લલનાએ પણ દક્ષ તરફ નજર કરી પછી એક ક્ષણમાં જ નજર ફેરવી લીધી.

જીવનની ખૂબસુરત રંગીન કલ્પનાઓ એ ચાર આંખોની પ્રથમ નજરમાં હતી.

     એટલામાં જ ત્યાં કિંજલ આવે છે. મહેક તેની સાથે જતી રહે છે. દક્ષ એને જતા જોઈ રહ્યો. 

       દક્ષે પણ ઘર તરફ ગાડી હંકારી મૂકી. સાંજે પણ ઝરમર ઝરમર વરસાદ ચાલું જ હતો. દક્ષ ચા પીતો હતો. વરસાદ પર કંઈક લખવાના ઈરાદે ડાયરી અને પેન લઈ બેઠો. અચાનક દક્ષને પેલી યુવતી યાદ આવી અને ડાયરીમાં લખવા લાગ્યો.

પહેલાં વરસાદની બુંદ આજે પડી
મોસમમાં ભીની માટીની સોડમ ભળી
વિતે છે એક એક પળ સમુદ્રમંથન જેવી..
સંચરે છે હ્દયમાં ઠંડી અગન જ્વાળાઓ.. 
ભીતરમાં ઘુઘવાય છે સાત સમુદ્રો..
ને રચાય છે ક્ષિતીજ..આકાશ અને સાગરના મિલનમાં..
ફૂલ ઉપર બાઝે છે ઝાકળ જેવા પ્રસ્વેદબિંદુઓ..
ટપકે છે મધુરસ ભમરાના હોઠ પરથી..
ઉડે છે ચારેકોર રંગબેરંગી પતંગિયાઓ..
ને રચાય છે મેઘધનુષ એક હ્દયથી બીજા હ્દય સુધી..

   અચાનક જ જોરથી પવન ફૂંકાયો અને પવનને લીધે બારીઓના અવાજને લીધે દક્ષનું મન ભૂતકાળમાંથી વર્તમાનમાં આવ્યું.

ભીડની વચ્ચે રહીને,
           આ એકલતાનો અહેસાસ...
એવી છે તારી યાદ...

હર વક્ત થાય છે,
           માત્ર તારો આભાસ...
એવી છે તારી યાદ...
           
આંખના કોઈ ખૂણે,
            હજુયે તને જોવાની આશ...
એવી છે તારી યાદ...

પ્રાણ વગર પણ,
            જીવી શકે છે મારી લાશ...
એવી છે તારી યાદ...

       આજે દક્ષ પાસે એ બધુ જ છે જે એક સેલિબ્રિટી પાસે હોય. દક્ષ રૉકસ્ટાર તરીકે દરેકના મનમાં છવાયેલો હતો. આજે દક્ષ પાસે બધું જ હતું પણ નહોતી તો માત્ર મહેક. મહેક વિનાની જીંદગીની એણે કલ્પના પણ નહોતી કરી. મહેક વિના દક્ષને પોતાની ગઝલો પણ ફીક્કી લાગતી. દક્ષના મનમાં કેટલીક પંક્તિઓ સ્ફૂરી આવી. ડાયરી અને પેન લીધા અને લખવાનું શરૂ કર્યું.

શ્વાસ અધુરા,
આશ અધુરી,
એના સ્પર્શનો 
અહેસાસ અધુરો...

ચાહ અધુરી,
વાહ અધુરી,
મારા ગઝલની 
દાદ અધુરી...

રાત અધુરી,
વાત અધુરી,
અહીંયા કોઈ 
"યાદ" અધુરી...

       દક્ષને લાગતુ હતું કે સમય સાથે બધુ વિસરાઈ જવાશે...પણ હકીકત એ છે કે કંઈ વિસરાતું નથી...કંઈ ભૂલાતું નથી...બધુ મનનાં માળીયામાં દબાઈ જાય છે...આજે ઠરી ગયેલી લાગણીઓને મનનાં માળીયેથી ઉતારી...એટલે નહિ કે તું ઘણા દિવસે યાદ આવી...પણ એટલા માટે કે ઘણાં દિવસે મેં મારા મનને એની અનુમતિ આપી...

તારા વિના આ જિંદગી આત્મા વિનાના શરીર જેવી લાગે છે,
જીવવા ઘણું મથું છું તો પણ કંઈક ખૂંટતું હોય એમ લાગે છે...

ક્રમશઃ