Shashvat prem - Cha - 4 books and stories free download online pdf in Gujarati

શાશ્વત પ્રેમ- ચા (4)

એક દિવસ હું ટ્યુશનથી ઘેર આવતી હતી . મારી સાથે બીજી ત્રણ છોકરીઓ કે જે અમે સાથે ટ્યુશન જતા આવતાં. અમારાં ઘરો પણ એકબીજા ના રસ્તામાં આવતાં એટલે છેક સુધીનો સંગાથ રહે. થોડાં સમયમાં તો પોતાનાં ઘેરથી નિકળવાનાં ટાઇમ એવાં ગોઠવાયેલાં કે રસ્તામાં સંગાથ થઇ જાય અને કોઈને માટે ઉભા પણ ના રહેવુ પડે. મારું ઘર બધાંથી દૂર. અને ચાલતાં ચાલતાં ટ્યુશન નીકળીએ તો 10 મીનીટમાં પહોચી જવાય. મારાં પછી નજીકનું ઘર મયુરીનું. તેનાં પછી બંસરી અને છેલ્લે સૌથી નજીક રીયાનું ઘર. અમારાં બધાનાં સ્વભાવ ઘણાંખરાં મળતાં આવે. એટલે મસ્તી અને મજાકનું લેવલ હંમેશા high હોય. પણ કોઈકવાર ગુસ્સો અને ઝઘડા પણ થાય. અમારી પાક્કી મિત્રતા એટલે કોઇ દિવસ કોઈની પણ વાત મન પર ના વાગે . અમારી વચ્ચે મતભેદ હોય પણ મનભેદ ક્યારેય નહીં. અને એ જ તો ખાસિયત હતી અમારી કે આટલાં વર્ષો સુધી friendship ટકી રહી. સુખ, દુઃખ અને દરેક અસામાન્ય સંજોગોમાં એકબીજાને સાથ આપવા હંમેશા તૈયાર. રીયાનો સ્વભાવ થોડો આકરો. કે તરત ગુસ્સો આવી જાય અને બધાને મારવા તરત તૈયાર. એટલે ખાસ તો એનાં લીધે અમે મુસીબતમાં પડી જઈએ. પણ કોઈ એની પર આંગળી કરે તો બાકીના કોઇ સહન ના કરે એટલે અમે સાથે મળીને કેટલીય વાર આવું કરવાવાળા ની પીટાઇ પણ કરી છે. અને ખરેખર કોઈકને મારવામાં જેટલું ના વિચાર્યું હોય તેનાંથી વધારે એ વિચારવું પડતું કે ઘરે ખબર ના પડે તેમ મામલો રફાદફા કેમનો કરવો!....
અમારા ચારનાં લીધે અમારી મમ્મી લોકો પણ સારા એવાં ઓળખીતા બની ગયા હતાં. કોઈકવાર સાથે ફરવા જવાનો તો કોઈકવાર સાથે મુવી જોવાનો પ્રોગ્રામ બનતો. હવે તો એવું લાગવા લાગ્યું છે કે અમારાં કરતાં એમનો તાલમેલ સારો છે. પણ જે હોય, મને એ વાતથી ખુશી છે કેમકે મારા ઘરેથી કોઇ વાત માટે ના પાડવાનાં ચાન્સીસ ઘટી જાય જ્યારે મારી બહેનપણીને મમ્મી પહેલાથી જ ઓળખતાં હોય.
એક દિવસ અમે બધા બહુ ખુશ હતાં. હવે કેમ ખુશ હતાં એ તો યાદ નથી પણ એટલું યાદ છે કે અમે celebrate કરવાં સમોસા ખાવા જવાનું વિચાર્યું હતું. બેઠાં બેઠાં સમોસાની મજા સાથે વાતોની રમઝટ જામી હતી. એમ પણ જ્યાં અમારી બેઠક લાગે એટલે આજુબાજુના બધાનું ધ્યાન ખેંચાય જ આવે. એટલી મસ્તી મજાક અને બસ એકબીજાની વાત ખેંચવામાંથી ઉંચા જ ના આવે!. બસ આવી જ બધી વાતો વાતોમાં હું બોલી કે કાશ મસ્ત સમોસા જોડે ચા પણ હોત!... અને એ વાત પર મને પછીથી પસ્તાવો પણ થયો હતો. કેમ થયો એ પછી કહું.
          મારી આ વાત સાંભળી એ સમયે તો બધાએ મારી હા મા હા પરોવી. પણ રીયાએ નહીં. તેને ચા થી કોઈ ખાસ અસર નહતો થતો. અને બાકી અમે બધાં ચા માટે હંમેશા તૈયાર. એટલે જેવું જ રીયાએ ના કહ્યું કે બધાને મનમાં થોડો ગુસ્સો આવ્યો અને ઈશારામાં ને ઈશારા માં અમે તેને સબક શીખવાડવાનું નક્કી કર્યું. ઘેર જતાં જતાં સાંજ થઈ ગઈ હતી અને અમે ચાલતાં ચાલતાં ઘર તરફ જતાં હતાં. ધીમે ધીમે આગળ વધતાં પગલાંની સાથે વાતોને કંઈક બીજી તરફ વાળવાની કોશિશ સાથે અમે થોડી મહેનત પછી સફળ થયાં અને વાતનો ટોપિક ભૂતપ્રેત તરફ આવીને અટક્યો. સમી સાંજે થોડાં અંધકાર અને રીયા સિવાય અમે ત્રણેય એક સરસ મજાની બીકથી ભરેલો માહોલ સર્જતાં હતાં. ચા પીવાની ના પાડી તેનો બદલો તો લેવાનો હતો. અને અમને ખબર કે કયી વાત પર એને સબક મળશે!. રીયાના હાવભાવ આ બધું સાંભળી બદલાવા લાગ્યાં અને અમે મજા લેવાં લાગ્યાં. થોડાં આગળ જતાં સુધીમાં તે બહું ડરી ગઈ હતી અને હવે આગળથી તો અમારાં ચારેયના રસ્તા પણ અલગ થતાં હતાં. જે રસ્તાથી અમે ઘેર પાછા જતાં હતાં એ રસ્તામાં રીયાનું ઘર સૌથી છેલ્લે આવે. એટલે હવે તો રીયાને એકલું જ જવાનું હતું. તેણે અમને કહ્યું યાર ચલોને મને ઘર સુધી મૂકવાં આવો!. એટલામાં બંસરી બોલી હાં હાં પહેલા અમે તને મુકવા એવીએ પછી તું અમને મૂકવાં આવ. પછી ફરી અમે તને મુકવા આવીશું! અને રાત આમ જ પુરી .... ચલ ચલ એકલી જા. કોઇ નવરું નથી તારું બોડીગાર્ડ બનવા.. અને પછી શું! કોઇ તેની સાથે ના ગયા, ગુસ્સામાં ને ગુસ્સામાં એકલી નીકળી પડી. અને અમે થોડું ઘર બાજું જવાનું નાટક કરી ફરી એક જગ્યા ભેગા થયા અને અજીબ અજીબ અવાજો કાઢી રીયાને ડરાવવાનું કામ ચાલુ રાખ્યું. એટલું ડરાવી એટલું ડરાવી કે બિચારી દોડતા દોડતા ઘરની અંદર ઘુસી ગઈ. એ જોઈને અમને એટલું હસવું આવ્યું કે કોઈ કંટ્રોલ જ નહીં. પછી તો અમે બધાં પણ ઘેર જતાં રહ્યાં. પણ.....
             જેવી જ હું ઘરમાં પહોચી કે મમ્મી એ કહ્યું રીયાની મમ્મીનો ફોન આવ્યો હતો કે તેનાં ઘેર આજે કોઇ નથી તો તમે લોકો તેનાં ઘેર જાવ અથવા રીયાને આપણાં ઘેર બોલાવીલે... મારું મગજ એ સમયે પ્રકાશનની ગતિ કે જે સૌથી ઝડપી ગણાય તેનાથી પણ વધારે ઝડપથી દોડી રહ્યું હતું. થોડાં ગભરાટ સાથે વિચારતી હતી કે રીયાએ તેની મમ્મી ને અમારાં વિશે કહીં દીધું હશે?, જો તેની મમ્મી એ મારી મમ્મીને ફરીયાદ કરી દેશે તો!, આજે જો હું તેને મારા ઘેર બોલાવું તો એ ચોક્કસ મારી મમ્મીને જ direct બધું કહી દેશે.... અને જો હું એનાં ઘેર ગઇ તો પણ એ મને મારી જ નાખશે. કરું તો કરું શું!.... આજે રીયા સામે જવું એટલે પોતાનું માથું સિંહનાં મોં માં મુકવા બરાબર છે... આ જ બધાં વિચારોની વચ્ચે મને થયું કે ઘેર બોલાવવા કરતાં મારું ત્યાં જવું વધારે સારું રહેશે. કેમકે એટલો સંતોષ તો હશે કે મારા ઘેર કઇ ખબર નહીં પડે.
          પણ હું મરું તો એકલી કેમ મરું! મારી સાથે બીજી બે છે ને તેમને લઇને મરીશ. એટલે મેં બંસરી અને મયુરી બંને ને ફોન કરીને રીયાનાં ઘેર બોલાવ્યાં. અમે ત્રણેય ઘરનાં દરવાજે ઉભા હતાં. અને ચર્ચા એ ચાલતી હતી કે અંદર જવું તો દરવાજો કોણ ખખડાવશે! જે પણ બૂમ પાડશે તેનો પહેલો દાવ થવો નક્કી હતો. હું નહીં તું અને તું નહીં હું ની મગજમારી પછી બંસરી બોલી ચલો હું જ બૂમ પાડું. એટલે બંસરી એ બુમ પોકારી રીયા...મારી વ્હાલી બારણું ખોલ તો...જો અમે આવી ગયાં....... અજીબ લાગે છે ને કે આવું કોણ બૂમ પાડે?!..... અમને પણ એ સમયે એવું જ લાગ્યું હતું. એવું લાગ્યું કે બીકને ચાસણીમાં ડુબાડી ડુબાડી ને ઘૂંટ ભરે છે... પણ તે સમયની અમારી હાલત જ એવી હતી. રીયાનાં સ્વભાવથી બધાં જાણીતાં હતાં એટલે પરીણામ ની પહેલાથી જ ખબર હતી. ઘણી મહેનત પછી આખરે દરવાજો ખૂલ્યો અને ધક ધક ધક ધક ધક ધક ધક ની સાથે અમે અંદર ગયાં. હજું કશું કોઇ બોલે એ પહેલાં તો રીયા ખબર નહીં ક્યાં જતી રહી!. અમે તેને આમતેમ શોધવા લાગ્યા. એક રૂમથી બીજાં રૂમ અને રસોડું પણ તે નજરે ચડે જ નહીં. છેવટે એક ખુણામાંથી તેને શોધી. ગુસ્સામાં લાલચોળ આંખો અને અમારી પર તુટી પડવાની અધીરાઇ તેનાં ચહેરાં પર સાફ દેખાતી હતી. અને જેવું જ કોઇ શબ્દ અમારાં કોઈની તરફથી નીકળે કે તરત જ ગુસ્સાથી ભરેલો બોમ્બ અમારી પર ફુટ્યો. અવાજ વગરનો એ બોમ્બ આજે પણ બરાબર યાદ છે. બસ એક જ કલાક પહેલાં અમે તેની પાછળ હતાં અને એ દોડતી હતી હવે પરીસ્થિતિ બરોબર ઉંધી થઇ ગઇ એ અમારી પાછળ અને અમે દોડતા . આખાં ઘરમાં આમતેમ ભાગતા અને અમારી તરફ આવતી વસ્તુઓથી બચતાં અમે તેને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં. પણ રીયા કોઇ વાત સાંભળવા તૈયાર જ નહતી. જે વસ્તુ તેનાં હાથમાં આવતી એ ઉઠાવી અમારી તરફ ફેંકતી જ જતી. જાડું, તપેલી, વાસણો, કપડાં અને છેલ્લે કશું ના બચ્યું તો ચપ્પલ. અને બોલતી જતી કે આ હતી તમારી રીત! ડરાવવાનો મજાક કરવાનો, બહું મજા લીધી મારી તમે વધારે બીકમાં મને heart attack આવી જતો તો?! તમારા જેવાં ફ્રેન્ડ કરતાં દુશ્મન સારાં!.... આજે તો હું કોઇને નહીં છોડું.... અડધો કલાક અમારી પાછળ નોનસ્ટોપ દોડ્યા પછી થાકીને બેઠાં. પણ છતાં મોં તો બંધ ના જ થયું. અમે સાંભળતાં ગયાં અને એ બોલતી ગઇ. પણ ધીરે ધીરે તેનો ગુસ્સો શાંત થતો દેખાય રહ્યો હતો એટલે બધાં ચુપચાપ તેની વાત નીચું માથું કરી સાંભળતાં હતાં.
            જ્યારે ગુસ્સો ઉતાર્યો અને ભાન આવ્યું તો આખું ઘર ઉથલપાથલ થઇ ગયું હતું. અમે બધાં આશ્ચર્ય સાથે એકબીજાને તાકી રહ્યાં હતાં. કોણ કરશે સાફ? એ એક મોટો પ્રશ્ન દરેકનાં ચહેરાં પર હતો. અને રીયા બોલી મારું મોં શું જોવો છો! આ બધી સફાઇ તમારે જ કરવાની છે. આ સજા છે તમારી. ચલો કામે લાગી જાઓ.
           અમારો એક મજાક એ રાત્રે અમારી પર જ ભારે પડી ગયો. કહેવાય છે ને karma pays back . એ વાત ત્યારે સમજાઈ ગઈ. પણ અંતે તો બધું સારું થઈ ગયું....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED