જગતમાં કોઈ વ્યક્તિ એવી નહીં હોય જેણે જીવનમાં કોઈ ભૂલ ન કરી હોય. ભૂલ કરવીએ માણસની પ્રકૃતિમાં છે, એ સહજ બાબત છે. જીવનમાં કશું શીખવું હોય તો ભૂલો કરવી જોઈએ. જેઓ ભૂલો કરતા નથી તેઓ જીવનમાં કશું શીખતા નથી. અને જેઓ નવું શીખતા નથી તેઓ સફળ થતા નથી. જીવનમાં સફળ થવું હોય તો ભૂલો કરવી જોઈએ. આખા જગતને ફેસબુક થકી ઘેલું લગાડનાર માર્ક ઝુકરબર્ગને કોઈએ પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું?
ઝુકરબર્ગે જવાબ આપ્યો કે ભૂલો કરવી એ જ અમારી સફળતાનું રહસ્ય છે.
માત્ર ભૂલો કરવાથી માણસ સફળ થતો નથી પરંતુ એ ભૂલો ફરીથી ન થાય એ માટે સતત પ્રયાસ કરતા રહેવાથી સફળતા મળે છે.
ભૂલો કરવી એ માણસની માણસ હોવાની નિશાની છે, કેમકે ફરિશ્તાઓ જ ભૂલો નથી કરતા. માણસથી ઘણીવાર ઘરમાં, શાળામાં, કોલેજમાં, નોકરી-ધંધામાં, આમ જીવનના ઘણા ક્ષેત્રોમાં ભૂલ થઈ જાય છે, એ કંઇ બહુ મોટી વાત નથી. ખરી વાત આ છે કે આ ભૂલો સુધારવા માટે પ્રયાસ કરવો અને ફરીથી ભૂલો ન થાય એનું ધ્યાન રાખવું. કેટલીક ભૂલો ખૂબ જ ઉત્તેજનામાં, આવેશમાં કે લાગણીના પૂરમાં તણાઈને તો કેટલીક આપણા અજ્ઞાનવશ થઈ જતી હોય છે. એ પણ યાદ રાખવું જોઈએ કે ભૂલ કોઈ જોણી જોઈને કરતું નથી. અજાણતામાં જ થાય છે તેથી તો એ ભૂલ કહેવાય છે.
એક મહાપુરૂષે કટાક્ષમાં એવું કહ્યું હતું કે જેઓ ભૂલ કરતા નથી તેઓ મૃત હોય છે. માત્ર લાશો જ ભૂલ કરતી નથી. ભૂલો કર્યા વિના કોઈ મહાન બની શક્યું નથી. ઇતિહાસના મોટા મોટા પાત્રોના જીવનચરિત્રમાંથી આ વાતની સાબિતી મળે છે.
ક્યારેક માણસ ભૂલ કરી બેસે પછી એને પસ્તાવો થાય છે અને પોતાની જાત ઉપર ગુસ્સો આવે છે. પરંતુ એ વાત યાદ રાખવી જોઈએ કે લાંબાગાળા માટે કદાચ એ ભૂલથી ફાયદો પણ થાય. ઇશ્વર નિર્મિત કોઈ ભલાઈ માણસની પ્રતિક્ષા પણ કરતી હોય. આનો અર્થ એવો નથી કે માણસે સતત અને લગાતાર ભૂલો કરતા જ રહેવી જોઈએ. સતત ભૂલો કરતા રહેવી એ મુર્ખાઈની નિશાની છે અને ભૂલોમાંથી પદાર્થ પાઠ શીખવું બુદ્ધિમાનની નિશાની છે.
માણસ જેટલું ડહાપણ સફળતામાંથી મેળવે છે એનાથી વધુ નિષ્ફળતામાંથી મેળવે છે.
જેઓ ભૂલો કરે છે તેઓ કંઇક નવું શોધે છે, ભૂલો ન કરનાર કશુંક નવું શોધી પણ નથી શકતા. વિજ્ઞાનના ઇતિહાસમાં સૌથી રસપ્રદ બાબત આ છે કે માનવજીવનને બદલી નાખનારી ઘણીબધી મહત્વની શોધો ભૂલોને કારણે કે અકસ્માતરૂપે થઈ છે. જેમકે વલ્કેનાઈઝ રબર, ક્ષ-કિરણો, કોલટારમાંથી મળતા રંગો, ફોટોગ્રાફી, ડાયનામાઈટ, ફાઈબર ગ્લાસ વિગેરે.
આપણે ક્યારેક બીજા માણસોના સદગુણો કરતા ભૂલોમાંથી વધારે શીખી શકીએ છીએ. એવું કહેવાય છે કે મૂર્ખાઓ પોતાની ભૂલોમાંથી પણ ક્યારેય કશું શીખતા નથી જ્યારે શાણાઓ બીજાની ભૂલોમાંથી પણ ઘણું બધું શીખી લે છે.
ભૂલ થઈ જાય તો નમ્રતાપૂર્વક સ્વીકારી લેવી જોઈએ. ભૂલ સ્વીકારવામાં નાનમ નથી પરંતુ મહાનતા છે. ભૂલ ન સ્વીકારવી મૂર્ખાઈ છે. આમ પણ ભૂલ ક્યારેક ને ક્યારેક પકડાઈ જવાની, એનાથી સારૂં છે કે માણસ પોતે જ એનો સ્વીકાર કરી લે. ભૂલ કરીને બહાના બનાવવા ન જોઈએ. જે લોકો નોકરી કરે છે તેમણે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભૂલ થાય એટલે તરત ઉપરી અધિકારીની માફી માગી ભૂલને સુધારવી જોઈએ. એનાથી ઉપરી અધિકારી કે બોસની દૃષ્ટિમાં કર્મચારીનું માન વધી જાય છે અને ભવિષ્યમાં કર્મચારીની પદોન્નતિની તકો પણ વધી જાય છે. ભૂલ ન સ્વીકારનાર બોસની નજરમાંથી નીચો પડી જોય છે.
ભૂલ કર્યા પછી સ્વીકારનાર બીજોની નજરમાં નીચે પડતો નથી, ન જ એ હતાશ થઈને હાથ ઉપર દઈને બેસી રહે છે. બહાદુર સ્ત્રી-પુરૂષો ભૂલો કરીને પાછા ઊભા થાય છે. થોમસ આલ્વા એડીસને એક હજાર ત્રાણુ શોધોના પેટન્ટ લીધા એ પહેલાં એણે એની પ્રયોગશાળામાં અસંખ્ય ભૂલો કરી હતી. અબ્રાહમ લિંકને જીવનના ઘણા ક્ષેત્રોમાં મોટી ઉંમર સુધી નિષ્ફળતા જ મેળવી હતી. પેનિસિલીનની શોધ ભૂલથી થઈ હતી. આ બધા જ સફળ મહાપુરૂષોની વિશેષતા આ હતી કે તેઓ ક્યારે પણ નિરાશ થઈને બેસી ગયા ન હતા. અનેક કઠણાઈઓ અને નિષ્ફળતાઓ સહન કર્યા પછી સખત પરિશ્રમને લીધે તેઓ સફળ બની શકયા.
ભૂલ થયા પછી બીજા લોકોની ટીકા-ટિપ્પણીઓ પણ સાંભળવી પડે છે. આવી ટીકાઓથી ડરવું જોઈએ નહીં. બીજોની ટીકાઓ જો તમને હતાશ કરવા માટે હોય તો જરાય મન ઉપર ન લેવી જોઈએ. અને કોઈની ટીકા તમારી ભૂલોની સુધારણા માટે હોય તો એનાથી વધુ રૂડું બીજું શું હોઈ શકે?
જે લોકો ભૂલોમાંથી શીખવાનો પ્રયત્ન કરે છે તેઓ ક્યારેક પણ સફળ તો થાય જ છે. સફળ કંપની એકઝીક્યુટીની આ રીત હોય છે કે તેઓ સાંજે થોડી મીનિટો દિવસભરના પોતે કરેલા કાર્યોનું પૃથ્થકરણ કરે છે. પ્રસિદ્ધ અમેરિકન ઉદ્યોગપતિ જ્હોન ડી. રોકફેલરની આદત હતી - પોતાની ભૂલો અને સફળતાનું પૃથ્થકરણ કરવાની. દરરોજ સાંજે દસ મીનિટ એમણે આ કાર્ય માટે જ ફાળવી હતી. તેઓ પોતાના કાર્યો અને નિર્ણયો બાબતે ખુબ જ ટીકાત્મક અભિગમ ધરાવતા હતા અને પોતાની ભૂલો ઉપર સતત ચિંતન મનન કરતા રહેતા હતા, જેથી કંઇક નવુ શીખી શકાય. જે લોકો આવા ટીકાત્મક પૃથ્થકરણની ટેવ પાડે છે તેઓ ધંધા રોજગાર અને કૌટુંબિક બાબતોમાં પણ સફળતા મેળવે છે.
છેલ્લે મહત્વની વાત. ભૂલો કરવી એ ગુનો નથી, પરંતુ કશું જ ન કરવું અને હાથ ઉપર હાથ ધરીને બેસી રહેવુ એ જરૂર ગુનો છે. સૌથી મોટી ભૂલ તો આ છે કે ભૂલો કર્યા કરવી અને એને ઓછી કરવા માટે અથવા ન કરવા માટે કશુંય ન શીખવું.