મંગલ
Chapter 19 -- મંગલનાં પ્રયાસો
Written by Ravikumar Sitapara
ravikumarsitapara@gmail.com
ravisitapara.blogspot.com
M. 7567892860
-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,
દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ ઓગણીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે મંગલનાં પિતા વાલજી વહાણમાં ટંડેલ છે. એક સફર દરમિયાન પિતા વાલજી ટંડેલ પર આકસ્મિક આવી પડેલી આફતને લીધે મંગલ અને તેનો પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. શું તેઓ આ આફતમાંથી બહાર નીકળી શકશે ? જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ઓગણીસમું પ્રકરણ
મંગલ Chapter 19 – મંગલનાં પ્રયાસો
Chapter 19 – મંગલનાં પ્રયાસો ગતાંકથી ચાલું...
ઘરમાં માતમ જેવો માહોલ હતો. મંગલ હતપ્રભ બનીને ઊભો હતો. તેમને શું કરવું એની કશી ગતાગમ પડતી ન હતી. બાપનું છત્ર દીકરાનાં માથેથી હટી ગયું હતું. વાલજી ટંડેલનું મૃત્યુ તો થયું ન હતું પણ દુશ્મન દેશનાં સકંજામાં એક વાર આવી ગયા પછી તેનાંથી સહેલાઈથી છૂટવું લગભગ અશક્ય જેવું રહેતું હતું. પાડોશીઓ અને સગા સંબંધીઓ લાખીબહેનને દિલાસો આપવા પહોંચી ગયા હતા.
વાર તહેવારે માછીમારો પાકિસ્તાનની કેદમાં પકડાઈ જતા. કોઈ જવાબ માંગવામાં આવે તો તરત જ પાકિસ્તાન તરફથી સીમારેખાનું ઉલ્લંઘન થયાનું કારણ અથવા બહાનું આગળ ધરી દેવામાં આવતું. ઘણી વાર પાકિસ્તાની સેના જ ભારતની સીમામાં ઘૂસી માછીમારોને ગેરકાયદે પકડી ત્યાંની જેલમાં વર્ષો સૂધી યાતનાઓ સહન કરવા માટે છોડી દેવાતા. વાલજી ટંડેલ સાથે જ આવું કંઈક બન્યું હતું. મંગલને કશી સમજ પડતી ન હતી. બે દિવસ તો ખૂબ મૂંઝવણમાં કાઢ્યા.
‘બાપુને કેમ છોડાવવા ? હવે શું કરવું ? ક્યાં જવું ? કોને મળવું ?’ આવી ગડમથલમાં મંગલ પડ્યો હતો. તેમણે પાડોશી ગોવિંદ પાસે જઈને પૂછ્યું, “ગોવિંદભાઈ, તમે કોઈને ઓળખો છો જે બાપુને પાછા લાવી શકવામાં મદદ કરી શકે ?”
ગોવિંદ વિચારમાં પડી ગયો. અત્યાર સૂધી તેનાં જીવનમાં એવા કોઈ સંજોગ બન્યા ન હતા કે આવી પરિસ્થિતિમાંથી તેમને પસાર થવું પડ્યું ન હતું. જો કે નજીકમાં અમુક અમુક એવા કિસ્સાઓ બની ચૂક્યા હતા. ગોવિંદે થોડું મગજ પર જોર લગાવી કહ્યું, “હા, મારા ધ્યાનમાં એક માણસ છે.”
ઉત્સાહમાં આવીને મંગલે પૂછ્યું, “કોણ ? કોણ છે એ ?”
“પેલો રામલો છે ને ?”
“રામલો ? પેલો જીવાભાઈનો ?”
“હા, જીવાભાઈનો જ. જીવાભાઈની તને કદાચ ખબર હશે કે તે પણ માછીમારી કરવા દરિયામાં ગયા હતા ને પાડોશી મુલકનાં સિપાહીઓ જોડે ઝડપાઈ ગયા હતા. તું ત્યારે નાનો હતો એટલે કદાચ બહુ વધારે ખબર નહિ હોય.” ગોવિંદે કહ્યું.
“રામલાએ શું કર્યું હતું ?”
“એના માટે તો આપણે રામલાને જ મળવું જોઈશે. વધારે તો મને પણ કંઈ ખબર નથી.”
“તો જલ્દી હાલો, રામલાને ઘરે...”
મંગલ અને ગોવિંદ રામલાને ઘરે પહોંચ્યા. રામલો પણ માછીમારીનો ધંધો કરતો સામાન્ય ગરીબ માછીમાર હતો. તેનાં પિતા જીવાભાઈ થોડા વર્ષો પહેલા મંગલનાં પિતા વાલજીની જેમ જ દરિયામાં અધરસ્તે જ પાકિસ્તાની મરીન એજન્સીનાં હાથે ઝડપાઈ ગયા હતા. તેને પણ દસ વર્ષ થવા આવ્યા હતા. રામલાએ ભણવાનું પડતું મૂક્યું અને ઘરનું ગુજરાન ચલાવવા માટે માછીમારીનો ધંધો ચાલુ કર્યો. પાસે બે પૈસા ન હતા ત્યારે મજૂરી કરીને, બે પૈસા બચાવી, થોડી ઉધારી કરીને એક હોડી લઈ માછીમારીનો ધંધા પર હાથ અજમાવ્યો હતો. આ દસ વરસમાં સરકારી કચેરીનાં આંગણે કેટલીય વખતે ચપ્પલ ઘસી નાખ્યા હતા. કેટલાંય અધિકારી સાહેબોને વિનવણીઓ કરી, પૈસા પણ ખવડાવ્યા પણ તેનો અવાજ બહુ દૂર સૂધી પહોંચી શક્યો ન હતો.
મંગલ અને ગોવિંદ તેનાં ઘરે પહોંચ્યા. યુવાન ઉંમરે પણ ચિંતામાં ને ચિંતામાં, સરકારી દફ્તરોનાં પગથિયે અડધી શક્તિ ખર્ચી નાખેલ રામલો આધેડ વયનો દેખાઈ રહ્યો હતો. નિરાશા તેનાં વદન પર દેખાઈ રહી હતી. બંનેને જોતા રામલાએ તેમને આવકારો આપ્યો અને ખાટલા પર બેસાડ્યા અને આવવાનું કારણ પૂછ્યું. મંગલે પોતાની વાત કહી અને મદદ માટે વિનંતી કરી. રામલાએ કહ્યું, “ભાઈ, મારા બાપુને છોડાવવા દસ વરસ સૂધી સરકારી અધિકારીઓ પાસે મેં મારો અવાજ પહોંચાડ્યો છે છતાં આશ્વાસન જ મળે છે પણ ખાસ પાકી કોઈ ખાતરી થતી નથી. હવે તો આશા પણ છૂટી ગઈ છે. છતાં જો તને કંઈ મદદ જોઈતી હોય તો તને એ જરૂર મળશે.”
મંગલનાં જીવમાં જીવ આવ્યો. રામલો તેને અને પોતાનાં બાપુ સાથે વહાણમાં જે કોઈ પણ પાકિસ્તાની મરીન એજન્સી દ્વારા પકડાયેલા હતા તેમનાં પરિવારનાં લોકોને સાથે રાખી પોરબંદરની કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યા. મંગલને ખૂબ ઊંડે સૂધી આશાઓ હતી. જો કે રામલાને આ બધી વિધિઓમાં ખાસ વિશ્વાસ રહ્યો ન હતો. છતાં શરૂઆતનાં પગલા તરીકે તેમણે આ રસ્તો અપનાવ્યો. કલેક્ટર કચેરી તરફથી આ પ્રશ્ન ઉપલા લેવલે આગળ પહોંચાડવાની ખાતરી અપાઈ ગઈ. રામલાને મન આ એક મજાક જેવું જ હતું. છતાં તે ચૂપ રહ્યો.
અઠવાડિયા સૂધી મંગલે રાહ જોઈ. પછી તેનાંથી ના રહેવાયું. તેણે ફરીથી રામલા સાથે રહીને તપાસ કરાવી ત્યારે જાણ થઈ કે આગળ કોઈ પ્રગતિ થઈ જ નથી. એ સમયે સરકારી કામની ઢીલાશથી મંગલને ખૂબ આઘાત લાગ્યો. સરકારી કચેરીનાં આસને બિરાજતા અને કાગળોનાં તથા ફાઈલોનાં ઢગલાની વચ્ચે રહેતી કોઈ પણ વ્યક્તિ મંગલનાં પિતા પ્રત્યેની તેમની લાગણીને સમજી નહિ, કોઈએ તેમની ભાવનાને સમજી નહિ. માનવતા અને સંવેદનાઓ મરી પરવારી હતી.
નિરાશ થઈને મંગલ પાછો ફર્યો. રસ્તામાં તેને ધાનીનો ભેટો થઈ ગયો. નાનપણની જેમ તે આજે એટલી છૂટછાટથી ધાની સાથે વાતો કરી શકતો ન હતો. ધાનીએ મંગલનાં મોઢે નિરાશાનાં ભાવ જોયા. તે મંગલની મૂંઝવણ અને સમસ્યાને સમજી શકતી હતી. તેણે કહ્યું, “મંગલ, હું જાણું છું કે તારા પર શું વીતે છે. હું જાણું છું કે તારા પરિવાર પર શું વીતી રહી છે. કાલે મેં મારા કાકાને આ બધી વાત કરી હતી. કાકા અહીંનાં એક નેતાને ઓળખે છે. કાલે તું એની સાથે જજે.”
મંગલને કોઈ રાજકારણીનો સાથ લેવો થોડું અજુગતું લાગતું હતું. તેમને આ કંઈ યોગ્ય લાગતું ન હતું. પરંતુ તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. આમ પણ તે ધાનીની દરખાસ્તને અવગણી શકતો ન હતો. થોડો વિચાર કરીને તેમણે હા પાડી દીધી. બીજા દિવસે તે ધાનીનાં કાકા પાસે પહોંચ્યો. તેનાં કાકા જ્ઞાતિનાં એક જાણીતા સ્થાનિક રાજકારણમાં આગેવાન હતા. તેણે પોતાનાં મતવિસ્તારનાં સાંસદને આ બાબતની જાણ કરી. મામલો દેશ બહારનો હતો એટલે થોડો પેચીદો કેસ હતો. સાંસદે ધરપત તો આપી કે તે આ મામલે સરકારને વાત કરશે. મંગલને ફરીથી આશા બંધાઈ ગઈ. તેનાં મનનો ભાર હળવો થયો. તે હળવા હૈયે ઘરે પહોંચ્યો અને કંઈક ફેર પડશે એ આશાએ તે દિવસો ગણવા લાગ્યો. પણ થોડા દિવસ પછી એ આશા પણ ઠગારી નીવડી. ધાનીનાં કાકાને આ બાબતે બે ત્રણ વાર જાણ કરી પણ વારંવાર તેમને આ અંગે વાત કરવી પણ તેને ઠીક લાગતું ન હતું.
મંગલ ખૂબ લડ્યો, થાક્યો. ઘરની કમાણી પણ બંધ થઈ ગઈ હતી. ઘરનો રોજિંદો ખર્ચ કેમ કાઢવો એ પણ સમજાતું ન હતું. પોતાની બોટ ‘મંગલમ’ પણ પોતાનાં બાપુ સાથે ગુમાવી ચૂક્યો હતો. આવા કપરા સંજોગોમાં પોતાનાં ભણવાનો ખર્ચ પણ કાઢવો મુશ્કેલ થઈ પડ્યો હતો. કુટુંબની જવાબદારી મંગલ પર આવી પડી. તેમણે ઘરનાં ખર્ચને પહોંચી વળવા અને આગળની લડત લડવા માટે ભણવાનું છોડી દીધું. મંગલની જિંદગીની નવી સફરની શરૂઆત થઈ.
To be Continued…
Wait For Next Time…