પ્રમાણિકતા જ સાચી નીતિ Mohammed Saeed Shaikh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રમાણિકતા જ સાચી નીતિ

આજથી થોડા સમય પહેલાં દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ અને અન્ના હજારેએ દેશમાં ચાલતા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અને જનલોકપાલ બિલ લાવવા માટે ધરણા કર્યા ત્યારે માત્ર દિલ્લીવાસીઓ જ નહીં પરંતુ આખા દેશમાંથી એમને સમર્થન મળ્યું હતું. વિરોધ કરનારો વર્ગ તો બહુ નાનકડો હતો કે જે સમાજના એક મોટા વર્ગની અપ્રમાણિકતા અને ભ્રષ્ટતાની વિરૂદ્ધ આવાજ બુલંદ કરવા નીકળ્યો હતો. પરંતુ અફસોસ એ આંદોલન નિષ્ફળ નીવડયું અને આપણે બધા ચુપચાપ ભ્રષ્ટાચાર, અનીતિ અને અપ્રમાણિકતાની દુનિયામાં પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. દુઃખ એ વાતનું નથી કે આંદોલન નિષ્ફળ ગયું. પરંતુ એ વાતનું છે કે અનીતિ અને ભ્રષ્ટાચારની વિરૂદ્ધની આ જંગમાં ‘નૈતિકતા’ હારી ગઈ અને ‘અનૈતિકતા’ જીતી ગઈ.

ઉપરછલ્લી રીતે આ અનૈતિકતાનો વિજય હશે પરંતુ સદીઓ જૂનું જે સત્ય છે, એ જ સત્ય પ્રલય સુધી પણ સત્ય જ રહેવાનો કે પ્રમાણિકતા જ શ્રેષ્ઠ નીતિ છે. ઘણા બધા લોકો આ સત્યને માનવાનો ઇન્કાર કરે છે અને અપ્રમાણિકતા અને ભ્રષ્ટાચાર આચરતાં રહે છે. આવા જ લોકો એ જાણ્યે અજાણ્યે ભ્રષ્ટાચારને આપણે ‘રાષ્ટ્રીય રોગ’ બનાવી દીધો છે. આજે દેશમાં અને સમાજમાં અપ્રમાણિક લોકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. અપ્રમાણિકતા અને અનીતિથી જેટલી ધનદોલત એકઠી કરી શકાય એટલી કરી લેવાની હોડ લાગી છે. સામાન્ય પટાવાળાથી લઈ દેશના સર્વોચ્ચ સત્તાવાર સ્થાને બેસેલા લોકો સુધી અનીતિનો આ રોગ સામાન્ય થઈ પડયો છે.

ટ્રેજેડી આ છે કે સંસદમાં કાયદા ઘડીને લોકોને પ્રમાણિક બનાવી શકાતા નથી.

દરેક માણસે પોતે જ પ્રમાણિક બનવું રહ્યું. તો જ આ દેશની જનતાના ‘સારા’ દિવસો આવશે. સફળ જીવન માટે સારા ચારિત્ર્યની આવશ્યકતા હોય છે અને પ્રમાણિકતા સારા ચારિત્ર્યની સૌ પ્રથમ ઓળખ છે.

એલેકઝાંડર પોપે કહ્યું હતું કે પ્રમાણિક માણસ ઇશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે.

પ્રમાણિક અને સત્યતા બંનેની જુગલબંધી છે, એકમેકને અલગ કરી શકાતા નથી. પ્રમાણિકતા સત્ય છે અને સત્ય પ્રમાણિકતા છે અને આ બાબત માણસના ચારિત્ર્યની આત્મા છે.

આજના આપણા સમાજમાં સૌથી મોટી વિડંબણા આ છે કે હમામમાં બધા જ નાગા છે. દરેકને પોતપોતાની ભ્રષ્ટ નીતિની ખબર છે પણ એને નિવારવા માટે એનો ઉપાય કરવાની કોઈને પડી નથી. અપ્રમાણિકતાનું સૌથી મોટું હથિયાર છે અસત્ય. વાતવાતમાં અસત્ય ઉચ્ચારવું આધુનિક ફેશન છે. સાચા બોલનારાઓને ડફોળ ગણવામાં આવે છે. જુઠ બોલવામાં સરળતા હોય છે અને સરળતાથી જવાબદારીમાંથી છટકી શકાય છે. પહોળી છાતી તો સત્ય બોલવા માટે જોઈએ. જોકે વધુ સરળ તો સત્ય બોલવું છે કારણકે એમાં કશું યાદ રાખવાનું હોતુ નથી. જે લોકો સીધા સાદા છે અને સત્ય ઉચ્ચારનારા છે એમને ભૂમિતિનું જ્ઞાન લીધું ન હોવા છતાંય એટલી તો ખબર જ છે કે સીધી લીટી સૌથી નાની હોય છે એ ભૂમિતિમાં જેટલું સાચુ છે એટલું જ નીતિશાસ્ત્રમાં પણ સાચું છે. અસત્ય ઉચ્ચારવું એ અનૈતિકતા જ નથી પરંતુ કાયરતા છે. જ્યોર્જ હર્બર્ટે કહ્યું હતું,

“સત્ય બોલવાની હિંમત રાખો, પછી જુઠ બોલવાની કોઈ આવશ્યકતા જ નહીં રહે.”

અડધુ સત્ય બોલવાનું હોય એવું જુઠ સૌથી ખતરનાક અસત્ય છે અને આમાં સૌથી વધુ પાવરધા આપણા રાજકારણીઓ હોય છે.

બીજી વિડંબણા આ છે કે આપણા બાળકો શાળામાં નૈતિકતાના પાઠ ભણીને સારા નાગરિક બને એવી અપેક્ષા રાખીએ છીએ. પરંતુ એ જ બાળકોની સામે આપણે ફોન ઉપર જુઠ બોલીએ છીએ. અરે કેટલાક તો બાળકો દ્વારા જ કહેવડાવે છે કે કહી દે પપ્પા ફોન ઘરે ભૂલી ગયા છે, એ તો બહાર છે. આ જ બાળકોને જ્યારે આપણે ધંધામાં જોતીએ છીએ અને જાણ્યે અજાણ્યે ધંધામાં કેવી રીતે યુક્તિઓ-પ્રયુક્તિઓ દ્વારા અપ્રમાણિકતા આચરવી એનું જ્ઞાન અને અનુભવ આપીએ છીએ. તોલમાપમાં કેવી રીતે ઓછું આપવું એની ટ્રીક શીખવાડીને કે ખરાબ માલ સારા માલમાં ભેળવીને કેવી રીતે ગ્રાહકને પધરાવી દેવું એ શીખવાડીને આપણે ધન્ય ધન્ય થઈ જઈએ છીએ. ટ્રાફિક પોલીસવાળો પકડી લે ત્યારે કાયદેસરનો દંડ ભરવાને બદલે ૨૦-૩૦ રૂપિયા આપી કેવી રીતે છટકી જવું એ શીખવાડીએ છીએ. નાના બાળકોને સારી સ્કૂલમાં એડમિશન મળી જાય એ માટે લાખો રૂપિયા ડોનેશન આપવા ખુશી ખુશી તૈયાર થઈ જઈએ છીએ. સરકારી કામો ઝડપથી પતી જાય માટે અધિકારીઓને ‘વ્યવહાર’ કરવામાં આપણે બાહોશી દેખાડીએ છીએ પરંતુ આપણે ત્યાં કામ કરતા લોકોને કે આપણા વતી કામ કરી આપતા કન્સલ્ટન્ટોને એમની ફી આપવી બહુ અઘરી લાગે છે, બહુ ભારે પડે છે. એ એની મહેનતની પરસેવાની કમાણી માગે છે અને આપણે એને ખેરાત (દાન) આપતા હોઈએ એવી રીતે એની ફી ચુકવીએ છીએ. કેટલાક કટકે કટકા ઇન્સ્ટોલમેન્ટમાં ચુકવે છે અને કેટલાક નફ્ફટો તો છેલ્લો હપ્તો ‘ભૂલી જાવને યાર’ કહીને વાત હસીમાં જ ઉડાવી દે છે.

પ્રમાણિકતા સત્યના સિદ્ધાંતને પ્રમાણિત કરવા માટેનું સૌથી સરળ અને વિનમ્ર માધ્યમ છે.

પ્રમાણિકતા વિના કામ કરનાર ન જ માત્ર પોતાનું નુકસાન કરે છે પરંતુ આખા દેશ અને સમાજનું પણ નુકસાન કરે છે. અપ્રમાણિકતાથી કમાયેલું ધન કે મેળવેલી સંપત્તિ બીજી કોઈ ગરીબ કે મધ્યમવર્ગના માણસના અધિકાર ઉપર તરાપ છે. જરૂર કરતાં વધુ અનાજનો સંગ્રહ કરી લેવો, સંપત્તિ ભેગી કરી લેવી એ બીજો લોકો સાથે અન્યાય કરવા બરાબર છે. ઇસ્લામના પ્રથમ ખલીફા હઝરત અબુ બક્ર સિદ્દીક બયતુલમાલમાંથી જે પગાર લેતા હતા એ પત્નીને ઘર ચલાવવા માટે આપતા હતા. જે રકમ એમને મળતી હતી, એ એટલી જ હતી કે ઘરમાં ખાવા પીવાનું થઈ શકે. એમને મીઠાઈ ખાવાની ઇચ્છા થતી હતી એટલે જે રકમ મળતી એમાંથી રોજ થોડી થોડી રકમ અલગ કાઢી લેતા. આવી રીતે થોડી ઘણી રકમ જમા થઈ ગયા પછી એમણે મીઠાઈ બનાવી. હઝરત અબુબક્ર સિદ્દીકે મીઠાઈના પૈસા ક્યાંથી આવ્યા એ પત્નીથી પૂછ્યું. પત્નીએ આખી વાત કહી સંભળાવી. હઝરત અબુબક્ર સિદ્દીકે કહ્યું આનો અર્થ એવો થયો કે બયતુલમાલમાંથી આપણએ જે રકમ હાલમાં લઈએ છીએ એનાથી થોડી ઓછી પણ લઈએ તો આપણો ગુજારો થઈ શકે છે. અને ત્યારપછીથી એમણે રકમ ઓછી લેવાનું શરૂ કરી દીધું. બીજો કિસ્સો ઇસ્લામના બીજા ખલીફા હઝરત ઉમર ફારૂક રદિ.નો છે. એમની પાસે જેટલા પૈસા ભેગા થતા એમાંથી પોતાની જરૂરીયાત જેટલા રાખી એ ગરીબોને દાન કરી દેતા હતા. ત્રીજો કિસ્સો હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ રદિ.નો છે. તેઓ જ્યારે રૈયતનું કામ કરતા ત્યારે બયતુલમાલમાંથી જે દીવામાં તેલ નાખતા એનો ઉપયોગ કરતા અને જ્યારે પોતાનું અંગત કામ હોય ત્યારે પોતાના અંગત દીવાનો ઉપયોગ કરતા. નૈતિકતા અને પ્રમાણિકતાના આવા કિસ્સાઓ આજના યુગમાં લોકોને કદાચ કોઠે ના ઉતરે પણ સત્ય તો આ જ છે કે નૈતિકતા-અનૈતિકતાની આ જંગ આદમ અને શેતાન ઇબ્લીસથી શરૂ થઈ હતી એ પ્રલય સુધી ચાલુ રહેવાની અને એમાં વિજય હંમેશા નૈતિકતાનો જ થવાનો.