પુનર્જન્મ
૧
રાહુલ ના શરીર માંથી ઠંડી નું એક લખલખું પસાર થઇ ગયું,અને પોતાને એકદમ હળવો મહેસુસ કરવા લાગ્યો.શહેર ની વચ્ચે પસાર થતી નદી ઉપર બનેલા બ્રીજ ની સાઈડ માં આવેલી ફૂટપાથ પર ઉભો હતો.એકદમ થયેલા શરીર માં પરિવર્તન થી રાહુલ ને પણ નવાઈ લાગી.તેની નજર નીચે નદી ના પટ માં ભેગી થયેલી ભીડ પર પડી.લગભગ પચાસેક લોકો ભેગા થયેલા હતા.રાહુલ ને પણ “શું થયું?” જાણવા ની ઉત્સુકતા થઇ.તે પણ રીતસર ભાગતો નીચે પહોચ્યો ભીડ માં થી રસ્તો કરી ને નજીક પહોચ્યો ત્યાં નું દ્રશ્ય જોઈ ને ફરી થી શરીર માંથી ઠંડી નું લખલખું પસાર થઇ ગયું.કોઈ તેની ઉમર ના જ યુવાન ને પાણી માંથી ખેંચી ને બહાર લાવ્યા હતા અને તેની છાતી ના ભાગે જોર થી દબાવી ને પાણી કાઢવા નો પ્રયત્ન કેટલાક ફાયર વિભાગ ના કર્મચારીઓ કરી રહ્યા હતા.પણ ભીડ ના કારણે રાહુલ તે યુવાન નો ચહેરો સ્પષ્ટ પણે જોઈ શકતો નહોતો.ત્યાં તેને બચાવવા નો પ્રયત્ન કરી રહેલા કર્મચારીઓ ના ચહેરા પર કોઈ આશાવાદ દેખાઈ નહોતો રહ્યો.થોડા પ્રયાત્નોપરાંત તે લોકો તેને સ્ટ્રેચર માં સુવડાવી ને એમ્બ્યુલન્સ તરફ જવા લાગ્યા.
રાહુલ ની પાસે થી જયારે તેઓ પસાર થયા રાહુલે તેનો ચહેરો જોયો તો રાહુલ ના પગ નીચે થી જમીન સરકી ગયી.એ ચહેરો રાહુલ નો જ હતો.રાહુલ ને આંખ આગળ અંધારા આવવા લાગ્યા તેની સમજ માં કઈ નહોતું આવતું “શું થયું?”.તેના મગજ માં બધો ઘટનાક્રમ રીવર્સ માં ચાલવા લાગ્યો.તેને બધું ધીરે ધીરે યાદ આવવા લાગ્યું.લગભગ અડધો કલાક પહેલા તેને આ બ્રીજ પર થી છલાંગ લગાવી હતી “આત્મહત્યા” ના ઉદ્દેશ્ય થી.તેના મગજ માં એક સાથે હજારો પ્રશ્નો નો મારો તીર ની જેમ થવા લાગ્યો.જેમકે “જો મેં છલાંગ લગાવી તો હું હજુ જીવિત કેમ?””જો હું બચી ગયો તો પેલા લોકો કોની લાશ લઇ ગયા?,”જો હું જીવિત છું તો તો પેલા મૃતક નો ચહેરો કેમ મારા જેવો જ હતો?”.રાહુલ એકદમ બેબાકળો બની ગયો અને નદી ની રેત માં ઘૂંટણભેર માથું પકડી ને ફસકી પડ્યો.થોડી વાર પછી થોડો સ્વસ્થ થઇ ને ઉભો થયો અને વિચાર્યું કે જલ્દી થી મગજમાં ઉભરાઈ રહેલા પ્રશ્નો નો જવાબ શોધવો પડશે નહીતર મગજ ફાટી જશે.ભીડ થોડી ઓછી થઇ હતી પરંતુ કેટલાક લોકો એકબીજા સાથે વાતચીત કરી ને પોતાની ઉત્સુકતા ની શમાવી રહ્યા હતા.રાહુલે પણ એવુજ કૈક વિચાર્યું કે કોઈ ને જઈ ને પૂછું.તે પણ ભીડ તરફ આગળ વધ્યો અને એક શિક્ષિત જેવા લાગતા આધેડ વય ના એક વ્યક્તિ ને ખભા પર હાથ મૂકી ને પૂછ્યું,”અંકલ શું થયું આ ભાઈ ને,બચી ગયો કે પછી...?.પણ પેલા ભાઈ તો જાણે બીજા સાથે વાત કરવા માં એટલા મશગુલ હતા કે રાહુલ ની વાત ની તેમના પર કોઈ અસર ના થઇ.રાહુલે ફરી થોડા ઊંચા અવાજે કહ્યું,”અંકલ શું થયું આ ભાઈ ને?”
પણ પેલા ભાઈએ પહેલા ની જેમ કોઈ પ્રતિભાવ ના આપ્યો કે ના પાછળ ફરી ને રાહુલ સામે જોયું.રાહુલ ને નવાઈ લાગી તેને વિચાર્યું કે બીજા કોઈ ને પૂછું.થોડું આગળ વધી ને તેને એક યુવાન ને પૂછ્યું,”ભાઈ શું થયું હતું આ યુવાન ને?”પણ જાણે તેનું કોઈ અસ્તિત્વ જ ના હોય તે રીતે પેલા યુવાન તરફ થી પણ કોઈ પ્રતિભાવ ના મળ્યો.હવે રાહુલ ને પણ પોતાના અસ્તિત્વ પર શક થવા લાગ્યો.તેને ફરી થી એક વાર પોતાનું અસ્તિત્વ પુરવાર કરવા માટે નો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું અને એકદમ જોર થી ચીસ પાડી ને કહ્યું,”કોઈ મને સાંભળે છે કે નહિ?”પણ પરિણામ શૂન્ય જ આવ્યું.ત્યાં હાજર રહેલા લોકો માંથી નાતો કોઈએ તેની સામે ના જોયું કે ના કોઈ પ્રત્યુતર મળ્યો.હવે રાહુલ ને થોડું થોડું સમજાવા લાગ્યું.અને તે સમજી ગયો કે તેનું શરીર પેલી એમ્બ્યુલન્સ માં ચાલી ગયું અને અત્યારે તેની હયાતી માત્ર એક સુક્ષ્મ આત્મારૂપે છે.
તેને વિચાર આવવા લાગ્યો કે,”શું મૃત્યુ પછી દરેક માણસ ની સાથે આવુ જ બનતું હશે જેવું મારી સાથે થયું?”
હવે તેના મગજ માં તેનો ભૂતકાળ સિનેમા ની જેમ ચાલવા લાગ્યો.
ત્રણ વર્ષ પહેલા રાહુલ શહેર ની એક સરકારી કોલેજ માંથી કોમર્સ માં ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએટ થઇ ને બહાર આવ્યો હતો.પરિવાર માં ચાર લોકો હતા.તેઓ શહેર ની વચ્ચે આવેલી એક ઝુંપડપટ્ટી માં એક ખોલી માં મહીને ૧૫૦૦ ના ભાડે થી રહેતા હતા.પરિવારમાં એક મોટી બહેન અને એક વચેટ બહેન અને સૌથી નાનો રાહુલ.જેમાંથી મોટી બહેન સીતા ને એક વર્ષ પહેલા પરણાવી દીધી હતી.નાની બહેન રાધા ૧૦ ધોરણ ભણી ને માં ના કામ માં મદદ કરવા માટે ભણવા નું છોડી દીધું હતું તે પણ અત્યારે લગભગ ૨૨ વર્ષ ની હતી.માં સવારે અને સાંજે શહેર ના એક મિડલક્લાસ વિસ્તાર માં શાકમાર્કેટ માં શાકભાજી ની લારી ચલાવતી હતી,અને બપોરે અને રાત્રે કેટલાક ઘર ના ઘરકામ કરતી હતી.છેલ્લા કેટલાક વર્ષ થી રાધા બા ને કામ માં મદદ કરતી હતી શાકભાજી ની લારી પર અને ઘરકામ માં પણ.મોટી બહેન સીતા ને શહેર ના બીજા વિસ્તાર માં આવેલી એક ઝુંપડપટ્ટી માં રહેતા લાભુ સાથે પરણાવી હતી લાભુ કોઈ ફેક્ટરી માં મજુર તરીકે કામ કરતો હતો.લાભુ પણ ૨ જણ નું ભરણપોષણ કરી શકે તેટલું કમાઈ લેતો હતો.
રાહુલ ને ભણાવવા માટે તેની માં શારદાબેને તેની જ ચાલી માં રહેતા કેટલાક માથાભારે તત્વો પાસે થી ખુબ ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા જેનું વ્યાજ અત્યારે વધી ને તેની મૂળ કિંમત કરતા લગભગ ૩ ગણું થઇ ગયું છે.તેની અત્યારે તે લોકો પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા.રોજ તે લોકો ઘેર આવતા અને ખુબ ઉદ્દંડ રીતે ઉઘરાણી કરતા.રોજ શાકભાજી ની લારી પર જઈ ને અપશબ્દો બોલતા.હમણાં થી તો તેમની ખરાબ નજર રાધા પર પણ હતી તેઓ રાધા ને કોઈ પણ રીતે સ્પર્શ કરવા નો પ્રયત્ન પણ કરતા.અને લગભગ રોજ શાકભાજી ફોકટ માં લઇ જતા.એક બે વાર તો તેમને રાહુલ ની સામે રાધા ની છેડતી કરવા નો પ્રયત્ન કર્યો,પણ રાહુલ ની પાસે ગુસ્સા માં મુઠ્ઠીઓ વાળવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો કારણકે તેની માં એ કહેલું હતું કે આ લોકો ગમે તેવું વર્તન કરે આપણા થી તેમનો સામનો નહિ થાય બેટા,માટે જ્યાં સુધી આપણે તેમનું દેવું ના ચૂકતે ના કરીએ ત્યાં સુધી આપણે આપને તેમના બોઝ તળે છીએ.રાહુલ ની રગો માં ગરમ લોહી ઘણી વખત ઉકળી જતું પણ પરિવાર ના કારણે તે મજબુર હતો.તેને આગળ ભણવા ની ખુબજ ઈચ્છા હતી,પરંતુ ઘર ની પરિસ્થિતિ ને જોતા તે આગળ ભણી શકે તેમાં નહોતો.જેથી કરી ને તેને ઘર માં મદદરૂપ થવા માટે નોકરી શોધવા નું શરુ કરી દીધું હતું,પણ ઘણી બધી જગ્યા એ ઇન્ટરવ્યુ આપ્યા પછી પણ તેને કોઈ જગ્યા એ તેને લાયક નોકરી નહોતી મળી રહી.લગભગ અભ્યાસ પૂરો થયા ને એક વર્ષ વીતી ગયું પણ રાહુલ ને હજુ નોકરી નો કોઈ મેળ નહોતો પડી રહ્યો.રાહુલ આખો દિવસ ઘરે બેસી રહેતો જે થી માં ઘણી વાર ગુસ્સે થઇ જતી.અને કહેતી,”ક્યાં સુધી આમ ફોકટ ના રોટલા તોડતો રહીશ જેવી મળે તેવી નોકરી કરી લે,ક્યાં સુધી આમ પરિવાર પર બોઝ બની ને રહીશ.”માં નો ગુસ્સો ક્ષણિક જ રહેતો પછી પાછી ઠંડી થઇ ને એનાજ હાથે રાહુલ ને ખવડાવતી.માં ને ઘર ચલાવવા ની ચિંતા ખાઈ રહી હતી.તેથી તે વારંવાર ગુસ્સે થઇ જતી.ઘણી વાર રાધા નો પણ ઉધડો લઇ લેતી.
રાહુલ તેના ભણતર પ્રમાણે ની નોકરી નહિ મળવા થી દિવસે દિવસે ડિપ્રેસ ડીપ્રેશન માં જવા લાગ્યો હતો.આખો દિવસ ગુમસુમ બેસી રહેતો.તેના વર્તન માં પણ ખુબજ ફેરફાર થવા લાગ્યો હતો.એક સમયે ખુબજ સાલસ અને સરળ સ્વભાવ નો માલિક આજે નઠોર અને બરડ સ્વભાવ નો થઇ ગયો હતો.માં સાથે શાકભાજી ની લારી પર જાય તો પણ ત્યાં શાક લેવા આવતા ગ્રાહકો સાથે નાહક નો ઝગડો કરી પડતો.હવે તો તેને નોકરી માટે પ્રયત્ન કરવા નું પણ છોડી દીધું હતું.ગમે ત્યારે ઘેર થી નીકળી પડતો પોતાની ધૂન માં ક્યાં પહોચી જતો તેને પણ ખબર નહિ રહેતી છેક સાંજ પડ્યે ઘેર આવતો.માં ને પણ તેની ખુબજ ચિંતા થવા લાગી હતી.માં એ એક દિવસ જમાઈ લાભુ ને બોલાવ્યો અને રાહુલ વિષે ચર્ચા કરી અને જમાઈ નો અભિપ્રાય માંગ્યો.જમાઈ એ તેની બુદ્ધિક્ષમતા પ્રમાણે નો રસ્તો બતાવ્યો,”બા એક કામ કરો ઓરડી માં પૂરી ને ધોકો લઇ ને મારો અને બે દિવસ ખાવા પીવાનું ના આપો એટલે લાટ સાહેબ ઠેકાણે આવી જશે,આ બધું તમારા લાડ નું જ પરિણામ છે.”
રાહુલ હજુ ઘર ના દરવાજે જ પહોચ્યો હતો અને તેને બા અને બનેવી વચ્ચે નો આ વાર્તાલાપ સાંભળ્યો અને તેની આંખ માં થી ગંગા જમના વહેવા લાગી અને ડૂસકું ગળા માં જ ભરાઈ રહ્યું.તેને થયું મારી માં આ શું કરી રહી છે.અને તે આગળ નો વાર્તાલાપ સાંભળ્યા વગર ભાગતો દરવાજા ની બહાર નીકળી ગયો.
માં એ લાભુ ને કહ્યું,”ખબરદાર લાભુડા જો હવે એક શબ્દ પણ મોઢા માંથી કાઢ્યો છે.મને તો એમ કે તું હુશિયાર છે અને તું મને કઈક સારો રસ્તો બતાવીશ પણ તારા મગજ માં ભૂસું ભર્યું છે.તું શું મને રસ્તો દેખાડવા નો,ચલ તું નીકળ તારો રસ્તો પકડ,મારા દીકરા નું હું જોઈ લઈશ.”
સાસુ નું આવું રૌદ્ર રૂપ જોઈ ને લાભુ પણ ઉભી પુન્છ્ડીયે ભાગ્યો.
આ બાજુ રાહુલ ને પણ ખુબજ લાગી આવ્યું અને તેને આ દુનિયા છોડી દેવાનો ત્વરિત નિર્ણય લીધો.અને શહેર ની વચ્ચે વહેતી નદી પર ના બ્રીજ પર પહોચી ગયો.બપોર નો લગભગ ૨ વાગ્યા નો સમય હતો.ટ્રાફિક થોડો ઓછો હતો.કાઈ પણ વિચાર્યા વગર બ્રીજ ની સાઈડ માં કરેલી જાળી પર ચડી ગયો અને એકદમ જ છલાંગ લગાવી દીધી....
ક્રમશ: (વધુ બીજા ભાગ માં)