સંબંધોની બારાક્ષરી - 7

(૭)

મઝાકની કિમત

        મઝાક કરવી તે સારી વાત છે. હમેશાં હસતાં રહેવું જરૂરી છે. પણ મઝાક એવી ન હોવી જોઈએ કે હસવામાંથી ખસવું થઇ જાય. મઝાક હમેશાં નિર્દોષ હોવી જોઈએ. આપણે જયારે બીજાની મઝાક કરતાં હોઈએ ત્યારે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણી મઝાકનું સામેની વ્યક્તિને ખોટું તો નહિ લાગેને ? કોઈની જાતિ, ધર્મ કે અંગત બાબત પર છીછરી કે ભદ્દી મઝાક કરીને કોઈનું દિલ દુભાવવું ન જોઈએ. ઘણાં લોકોને આવી ટેવ હોય છે. ચાર વ્યક્તિઓમાં પોતાનો રોલો પાડવા માટે આવાં લોકો ગમેતેવી ગંદી મઝાક કરતાં અચકાતા નથી.

        તમે જોજો, તમારી આસપાસ પણ આવાં વ્યક્તિઓ મળી રહેશે. દરેક વ્યક્તિની સહનશક્તિની એક લીમીટ હોયછે. આવાં વ્યક્તિઓથી તંગ આવીને આવેશમાં ઘણાં લોકો ગાળા-ગાળી કે મારા-મારી પર ઉતરી આવતાં હોયછે. પરંતુ ગાળા-ગાળી કે મારા-મારી કરવી તે આવાં લોકોને સીધાં કરવાનો ઉપાય નથી. આવાં માણસોને સીધાં કરવા ઘણીવાર અશક્ય હોયછે. તેમનાથી બચવાનો એક સીધોસાદો ઉપાય તેમનાથી દુર રહેવાનો છે. તેમની સાથે તમે બોલો નહિ, તેમને એવોઈડ કરો ત્યારે તે સમજી જશે.

        નીલ, સુહાસ, ગૌરાંગ, મિતાલી, હર્ષિદા અને રીતેશ કોલેજમાં સાથે ભણતાં હતાં. તેઓ એક બીજાના સારા મિત્રો પણ હતાં. કોલેજમાં આ છ જણાની ટોળી સાથેજ ફરતી હતી. કોલેજની બહાર સેન્ડવીચ વાળાની લારી પાસે તેમની બેઠક હતી. કોલેજથી છુટીને બધાં ત્યાં ભેગાં થતાં, એક બીજાની મઝાક ઉડાવતાં, કોલેજની વાતો કરતાં અને કોઈ કોઈ વાર નાસ્તો કરીને છુટા પડતાં. આ તેમનો રોજનો ક્રમ હતો. બધાં મિત્રોમાં રીતેશ સૌથી વધારે મઝાકિયો હતો. તે બધાની મઝાક ઉડાવતો. ઘણીવાર તે કોઈને ખોટું લાગે તે પ્રકારની મઝાક પણ કરતો.

        બધાં મિત્રોમાં રીતેશ સૌથી વધારે મઝાક નીલની ઉડાવતો હતો. નીલ થોડો ઢીલો છોકરો હતો. રીતેશ રોજ બધાની વચ્ચે નીલને ઉતરી પાડતો હતો. શરૂઆતમાં તો નીલ રીતેશની મઝાકનું ખોટું લગાડતો ન હતો, પરંતુ ધીરે ધીરે રીતેશ નીલની પાછળ પડી ગયો. તે જયારે મળે ત્યારે તેની મઝાક ઉડાવતો. હવે તો તે નીલ પર જાતીય કમેન્ટ અને ગંદી મઝાક પણ કરવાં લાગ્યો હતો. ધીર ધીરે નીલને રીતેશ પ્રત્યે નફરત થવા લાગી. ગ્રુપની છોકરીઓની સામે રોજે રોજ તેને નીચું જોવું પડતું. રીતેશ માટેની વધતી નફરતે નીલના સબકોન્સિયસ માઈન્ડમાં દુશ્મનાવટ પેદા કરી દીધી હતી. તેનો આક્રોશ દિવસે દવસે વધતો જતો હતો.

        એક દિવસ કોલેજના બધાં મિત્રો રોજની જેમ સેન્ડવીચની લારી પાસે બેઠાં હતાં. રોજની જેમ રીતેશ તેની આદત મુજબ નીલની મઝાક ઉડાવતો હતો. બીજાં ફ્રેન્ડ્સ તેની મઝા લેતાં હસતાં હતાં. થોડીવાર તો નીલ કઈ બોલ્યો નહિ, પણ જયારે રીતેશ તેની મર્દાનગીને લઈને વધારે પડતી ખેંચવા લાગ્યો ત્યારે નીલથી રહેવાયું નહિ, તેણે રિતેશને વોર્નિંગ આપી, છતાંપણ રીતેશ અટક્યો નહિ. નીલ ગુસ્સાથી ઉભો થઈને દોડ્યો. કોઈ કઈ સમજે તે પહેલાંતો તેણે સેન્ડવીચ વાળાની છરી ઉઠાવીને રીતેશ પર તૂટી પડ્યો. રીતેશ લોહી લુહાણ થઈને ફસડાઈ પડ્યો. બધાએ તાત્કાલિક તેને હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ તે બચી શક્યો નહિ. નીલને પોલીસ પકડી ગઈ. તેનાપર કેસ થયો.

        હસવામાં ને હસવામાં બે યુવાનોની જીન્દગી રોળાઈ ગઈ. એક જણાએ જીવ ગુમાવ્યો અને બીજાએ જીવન ગુમાવ્યું. નજીવા કારણસર બંનેને સજા થઈ હતી. અતિશયોક્તિમાં મઝા નથી. પછી ભલેને તે મઝાક કેમ ન હોય ! કોઈનું દિલ દુખાય તેવી કોમેન્ટ કે ટીકા-ટીપ્પણીથી હમેશાં દુર રહેવું જોઈએ. કોલેજોમાં ઘણીવાર રેગિંગ થતું હોયછે. આવાં રેગીંગના પરિણામો પણ ઘણીવાર હૈયું હચમચાવી નાખે તેવાં આવતાં હોયછે. વાણી સ્વાતંત્ર્યનો અર્થ એવો નથી કે આપણે ગમે તેને ગમેતે બોલીને તેનાં દિલને ઠેસ પહોંચાડીએ. નાનામાં નાના માણસને પણ સ્વમાન હોયછે. કોઈનું સ્વમાન હણીને તેનું અપમાન કરવાનો આપણને કોઈ અધિકાર નથી.

        જો આપણો સ્વભાવ મઝાકિયો અને બીજાને ઉતરી પડવાનો હશે તો તેને આપણે બદલવો પડશે. બીજું કોઈ આપણને હલકા શબ્દોથી નવાજે તો આપણે તે સહન કરી શકીશું ? આપણને કોઈ આપણી જાતિ, મા-બાપ કે બહેન-ભાઈ પર ભદ્દી મઝાક કરે તો આપણે શું કરીશું ? બસ, આપણે જો આટલી વાત યાદ રાખીશું તો જાહેર જીવનમાં આપણે કોઈનું અપમાન નહિ કરીએ, કે કોઈની સાથે ઝઘડો પણ નહિ થાય. આપણે કોઈને સારા શબ્દો બોલીને તેનાં વખાણ ન કરી શકીએ તો કઈ નહિ પણ તેને ખરાબ શબ્દો બોલીને તેનું દિલ તોડવું જોઈએ નહિ. પિસ્તોલમાંથી છૂટેલી ગોળી અને મ્હોથી બોલાયેલાં શાબ્દો પાછાં ખેંચાતા નથી.

Email- manharguj@yahoo.com

 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Janki 5 માસ પહેલા

Nisha Jani 6 માસ પહેલા

Abhishek Patalia 6 માસ પહેલા

Jigar Pandya 6 માસ પહેલા

Jasmita 7 માસ પહેલા