ગરિમા-ભાગ-૩ (અંતિમ પ્રકરણ)
“ના સાહેબ એવું નથી હોતું, કોઈ પણ વાર્તાનો અંત એજ વાર્તાની સાચી શરૂઆત હોય છે. વાચકોને મન વાર્તા પૂરી થઇ ગઈ હોય, એ સમાપ્ત નું લેબલ વાંચીને વાચકને એમ થતું હોય કે વાર્તા પૂરી, પણ તમારા જીવનની શરૂઆત તો એ વાર્તાના અંત પછીજ થઇ ને?”
“હા સાચી વાત સાહેબ,પણ મને મિનાક્ષીની હમેશા ચિંતા થતી હોય છે. તો પણ હું નસીબદાર છું કે મને ગરીમા જેવી સુંદર અને સુશીલ પત્ની મળી.”
“હા સાહેબ સાચી વાત, હું પણ નસીબદાર છું કે મને તમારી વાર્તા લખવાનો મોકો મળ્યો.”
“સાહેબ નસીબદાર તો હું છું કે તમે છેટ અંજારથી અહિં ધક્કો ખાધો એ પણ મારી કહાની જાણવા માટે.”
“એ ક્રેડીટ તો તમે નિલેશભાઇને આપો, કેમકે એ તમારા ખુબ વખાણ કરતા હોય છે. ભલે એમનો સાપ્તાહિક સમાચારનો ધંધો હજુ બરાબર ચાલતો નથી, પણ મારો પગાર સમયસર આપી દે છે. અને મને વિશ્વાસ છે કે તમારી વાર્તા અમારા સાપ્તાહિક સમાચારમાં છપાશે તો ધૂમ મચાવશે.”
“કેમ ધંધો બરાબર નથી ચાલતો?”
“ચાલે છે, પણ કોઈ સમયસર લવાજમ નથી ભરતું, તો પણ અમારા સેઠ નીલેશભાઈ એટલા દીલદાર છે કે કોઈ પણ ફોન કરે તો ખાલી એટલુજ પૂછે, કે તમારે અમારું સાપ્તાહિક ચાલુ રાખવું છે? બસ અમારા એવા કેટલાય ગ્રાહકો છે જેમને પાંચપાંચ વર્ષથી લવાજમ નથી ભર્યું. તો પણ અમારા સેઠ પોતાના ખિસ્સાના રૂપિયા ખર્ચીને અમારી પ્રેસને ધમધમતી રાખે છે.”
“હા હું એમને ઓળખું છું, એ ખુબ દિલદાર માણસ છે.”
“ચાલો તો હું જાઉં છું, તમારી વાર્તા આવતા બુધવારના સાપ્તાહિક સમાચારમાં છપાઈ જશે, હું તમને એક કોપી મોકલી આપીશ.”
“અરે ના ના એમ જમ્યા વગર તમને થોડી જવા દઈશ?”
“ના સાહેબ બીજીવાર આવીશ તો હું ચોક્કસ જમ્યા વગર નહી જાઉં. મારી પાસે હવે ફક્ત એક દિવસ છે. તમારી વાર્તા લખીને કાલે રાત્રે બાર વાગ્યા સુધી મારે પ્રેશમાં પહોંચાડવાની છે. માટે મને જવાદો પ્લીઝ તમે આટલો આગ્રહ કર્યો એટલું કાફી છે. ખરેખર તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થયો. આ લ્યો મારું કાર્ડ છે, મારા જેવું કામકાજ હોય તો ફોન કરજો. આમાં મારા અને નીલેશભાઈના, એમ બંનેના નંબર છે.”
એમ કહેતા અરવિંદભાઈ હાથ મિલાવીને જતા રહ્યા, કેટલા ભલા માણસ છે. કેટલું સાદું અને સરળ જીવન જીવે છે. પહેલી વારમાં જોઇને મેં એમના માટે જે પૂર્વગ્રહ બાંધ્યો હતો એ માટે અમને ત્રણેયને ખુબ અફસોસ થયો. પણ વાર્તા અહી પૂરી નથી થતી. હજુ તો બાકી છે.
બપોરે હું ચેતન અને પપ્પુ ટીફીન ખોલીને જમવા બેઠા હતા, એટલીવારમાં ગરીમાનો બે વખત ફોન આવ્યો.
“જરૂરી વાત કરવી છે. ઘરે વહેલા આવજો.”
ગરીમા કઈક ચિંતામાં હતી એવું મને લાગ્યું એટલે મુવી જોવાનો પ્રોગ્રામ મોકૂફ રાખ્યો. ગેરેજમાં થોડી ઘણી સફાઈ કરીને પપ્પુ અને ચેતનને છૂટી આપી હું સાંજે છ વાગ્યે ઘરે ગયો. ગરીમા અને મિનાક્ષી બને ટીવી જોઈ રહી હતી, મિનાક્ષી મારા માટે પાણી લાવી અને રસોડામાં ચા બનાવવા જતી રહી, ગરીમા ટીવી બંધ કરતા બોલી.
“તમારી બહેનના કારનામાં સાંભળ્યા?”
“કેમ શું થયું?”
“તમારી બહેનને હવે કાંઇક કાંઇક થાય છે.”
“એટલે? સમજ્યો નહી.”
“તમારી બહેન એક છોકરાના પ્રેમમાં છે.”
“એ તો સારી વાત કહેવાય. પણ એ છોકરો કોણ છે?”
“એ છોકરાનું નામ સાંભળીશ તો તારા પગ નીચેથી જમીન ખસકી જશે જયેશ.”
“તું ગોળગોળ ના ફેરવ, કોણ છે એ છોકરો?”
“મલય.”
“ઓહ! મલય? નો નો નો. તને કેમ ખબર પડી?”
“તારી બહેને જ મને કીધું. અને આગળ સાંભળ, રાત્રે આઠ વાગ્યે મલય તને મળવા, અને એ મુદ્દે વાત કરવા ઘરે આવવાનો છે. એ પણ તારી લાડલીએ જ કીધું.”
ત્યાં રસોડામાં કપ પ્લેટનો સળવળાટ સંભળાયો એટલે અમે બંને ચૂપ થઈ ગયા, મિનાક્ષી ચાના બે કપ લાવી ટીપોય ઉપર મૂકી નીચું જોઈ સામે ઉભી રહી ગઈ. મારુ ધ્યાન મિનાક્ષીની આંખોમાં હતું અને એ નીચું જોઈને એના દુપટ્ટાને આંગળી ઉપર વીંટાળી રહી હતી.
મેં પૂછ્યું.
“આ હું શું સાંભળું છું? સાચી વાત છે?”
“જી ભાઈ. બ.મ.મ.મ. સ..સ.સ. સાચી વાત છે.”
“કેટલા સમયથી આ ચાલી રહ્યું છે?”
“બ..મ...ભ... ભાઈ છ મહિનાથી, હું જ્યાં નોકરી કરું છું ત્યાં એ મારો બોસ છે. અને એ પણ મને પ્રેમ કરે છે.”
“એને ખબર છે કે તું મારી બહેન છો?”
“હા. “
ટૂંકમાં જવાબ આપીને મિનાક્ષી શરમાતી રસોડામાં જતી રહી. ગજબ! હવે મારા ઘરમાં કેહો માહોલ રચાયો? ત્રણેયના દિમાગમાં કેવો ઘમાસાણ મચ્યો? એક ગરીમા છે, જેની સાથે પહેલા મલયના લગ્ન થયા હતા, બીજી બાજુ એજ ગરીમા સાથે લગ્ન કરવા મેં બળવો કરીને! ના ના ટપોરીગીરી કરીને લગ્ન કર્યા! અને મારી બહેન એજ છોકરાના પ્રેમમાં પડી. મારું મગજ બ્લેન્ક થઇ ગયું હતું. આ બાજુ મિનાક્ષી ઘડીએ ઘડીએ ગેટ ઉપર જતી અને મલકાતું હસીને પાછી રસોડામાં જતી રહેતી.આવનાર મલયને આવકાર કેમ આપવો? હું સમજી નહોતો શકતો કે ગરીમાના દિમાગમાં શું ચાલતું હશે? મારું તો દિમાગ કામ કરતુ બંધ થઇ ગયું હતું. અને જયારે મારું દિમાગ કામ કરવાનું બંધ કરે ત્યારે હું ચેતન સાથે વાત કરતો.
મેં ચેતનને ફોન લગાવ્યો. ચેતનને બધીજ વાત વિગત જણાવી. ફોન ઉપર મારી વાત પૂરી થતાજ મારી નજર ગેટ પાસે ઉભેલી મિનાક્ષી ઉપર પડી. કેટલી ઉત્સાહમાં હતી એ! એનું ધ્યાન ન હતું કે હું એને નોંધી રહ્યો હતો. ગુલાબી રંગના પંજાબી દ્રેસમાં આજે મારી બહેન ગુલાબના ફૂલ જેવી લાગી રહી, એને ઘટાદાર વાળનો ચોટલો આગળ કરેલો, ગેટે પાસે ઉભી એ પોતાના ચોટલા સાથે રમતી તો ક્યારેક એનો હાથ ગાળામાં પહેરેલી ચેન ઉપર જતો રહેતો, તો ક્યારેક એ માથું ઊંચું કરીને રસ્તા ઉપર નજર દોડાવતી. અચાનક એ સફાળી જાગી હોય એમ એણે એનો પગ પછાડ્યો અને એની પાયલનો હળવો રણકાર કરતી એ શરમાતી રસોડા તરફ દોડી ગઈ. દોડતા દોડતા એનો પગ પગથીયા સાથે અથડાયો અને એને ખ્યાલ આવ્યો કે હું એને નોંધી રહ્યો હોઉં. એને એક ક્ષણ માટે મારી તરફ જોયું અને શરમાતી રસોડામાં ગરીમા પાસે ચાલી ગઈ. અને એજ ક્ષણે મારા ઘરનો ગેટ ખખડ્યો. મને સમજતા વાર ન લાગી કે એ ગેટ ઉપર આવનાર વ્યક્તિ કોણ છે. મેં ગેટ ઉપર નજર કરી, એ મલય હતો. એને ગેટ ઉપર ઉભા રહી મારી તરફ હળવું સ્મિત વેર્યું..
“અરે! મલય તમે? આવો આવો. અંદર આવો.” મેં કહ્યું.
મલય અંદર આવી સિફતથી સોફા ઉપર બેઠો. હવે હું દુવિધામાં મુકાયો આવનાર મહેમાનને પાણીનું કહેવું પણ કેમ? રસોડામાંથી કોણ પહેલ કરશે? ગરીમા કે મિનાક્ષી? એ વિચારી મેં મિનાક્ષીને આવાજ લગાવ્યો.
“મિનાક્ષીઈઈઈ. મલય ને પાણી આપો.”
મિનાક્ષી પાણી લાવી, પહેલા તો મિનાક્ષી આવતાની સાથે મારી તરફ જોયું અને હળવી સ્માઈલ કરવાનો ડોળ કરી એ મલય તરફ જોઇને પાણીનો ગ્લાસ આગળ કર્યો, બંનેની નજર એક ક્ષણ માટે એક થઇ અને બંને વચ્ચે કોઈ અદભુત, અલગારી અને હળવો હળવો છૂપો સંવાદ એક ક્ષણ માટે થયો એ મેં નોંધ્યું.
પાણી પીધા બાદ મલયે હળવેથી વાતની શરૂઆત કરી.
“જુઓ જયેશભાઈ, પેલી ઘટના બની ગયા પછી હું મારા માબાપથી અલગ થઇ ગયો. મારી બદલી છેલ્લા આઠ મહિનાથી અહીં થઇ છે. હું નહોતો જાણતો કે મિનાક્ષી તમારી બહેન છે. જયારે મને ખબર પડી કે એ તમારી બહેન છે, હું ખુબ ખુશ થયો. ખરેખર આ બાબતે વાત કરવા મારા માબાપે આવવું જોઈતું હતું, પણ પેલી ઘટના બની ગયા પછી મારા માબાપ પણ મારી સાથે વાત કરવા તૈયાર નથી, અને એમાં પણ જો એમને ખબર પડે કે મિનાક્ષી તમારી બહેન છે, તો આ સંબંધ માટે એ ક્યારેય રાજી ન થતા, બસ એ કારણસર હું પોતેજ આ બાબતે તમારી સાથે વાત કરવા આવ્યો છું.”
“ બધીજ વાત સાચી મલય, પણ તમારી જ્ઞાતિ અલગ છે અને અમારી જ્ઞાતિ અલગ છે.” મેં કહ્યું.
“અરે કેવી વાત કરો છો? એમ જોઈએ તો મારા બા બાપુની જ્ઞાતિ પણ અલગ અલગ છે. જો આપણો સમાજ માતૃપ્રધાન હોત તો હું પણ તમારી જ્ઞાતિનો હોત. પણ આપણે અહિં પિતૃપ્રધાન સમાજનો નિયમ છે, જે પિતાની જ્ઞાતિ હોય એજ જ્ઞાતિ એના બાળકોની ગણાય.મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે તમે પણ જ્ઞાતિબાધ જેવું વિચારી રહ્યા છો!”
“મલય હવે તમે મને ચાબખા મારી રહ્યા છો.”
“ચાબખા! તમને એવું લાગે છે? અંતિમ નિર્ણય તો તમારો જ માન્ય રહેશે. હું આશા રાખું છું કે તમે પણ હકારાત્મક અભિગમ અપનાવી અને મને તમારા બનેવી તરીકે સ્વીકારી લેશો.”
“મલય અમે જરા ઘરસલાહ કરી લઈએ. હું તમને વિચારીને જવાબ આપું..”
“જી જેવી તમારી મરજી”
ગરીમા ઠંડુ લાવી, અમે ઠંડુ પીધું અને ત્યાર બાદ મલય જતો રહ્યો..
રાત્રે બાર વાગ્યે ચેતનનો ફોન આવ્યો, ચેતને બધીજ વિગતો મેળવી લીધી હતી અને મને ફોન ઉપર જણાવી. મારી અને ચેતનની વાત થઈ રહી હતી અને મિનાક્ષી સાંભળી રહી હતી.
મારી ચેતન સાથે વાત પૂરી થતાં મિનાક્ષી પ્રશ્નાર્થ ભરી નજરથી મારી સામે જોવા લાગી.
“શુ છે? સુઈ જા.” મેં કહ્યું.
“ભાઈ શું વિચાર્યું તમે?”
“કંઈ નહીં, સવારે વાત કરીશું, અત્યારે સૂઈ જા.”
હું રાત્રે વિચાર કરતો લમણે હાથ દઈ આડો પડ્યો.
“શું વિચારે છે જયેશ? તારે શું કરવું જોઈએ? તું એજ વિચારી રહ્યો છે ને કે મલય મીનક્ષીને ફસાવી તારી સાથે બદલો લેવા આવ્યો છે! મને પણ એવોજ વિચાર આવ્યો.” ગરિમાએ કહ્યું.
“બધીજ વાત સાચી, પણ મિનાક્ષી મલયને પ્રેમ કરે છે, બીજું જો એને બદલો લેવો હોત તો એ એના માબાપ સાથે મળીને મારા ઉપર કેસ કરી શકતો હતો. એની સાથે પણ ચીટીંગ થયું હતું.”
“તું કહેવા શું માંગે છે? મેં ચીટીંગ કર્યું હતું? અરે મને એકવાર એની સાથે વાત કરવા પણ નથી મળી! કે હું એને આપણા સંબંધ વિષે કહી શકું. હવે એ માણસ આપણો જમાઈ બનશે!”
“જોઈએ ચેતનનું કહેવું એવું છે કે મલય બદલો લે એવો માણસ નથી.”
“તો હવે? શું નક્કી કર્યું?”
“કશુજ નહી. સવારે વાત કરીશું, અત્યારે સુઈ જા.”
ગરિમાએ છણકો કરી પડખું ફેરવ્યું.
બીજા દિવસે સવારે હું છાપું વાંચી રહ્યો હતો. મિનાક્ષી મોં ચડાવી મારી સામે આવીને બેસી ગઈ. થોડી વાર સુનમુન બેઠી રહી અને બોલી.
”ભાઈ તમે કહ્યું હતુંને કે સવારે વાત કરીશું?”
મેં કશો જવાબ ન આપ્યો, ચાર્જીંગમાં પડેલો મારો મોબાઈલ ઉઠાવ્યો અને અરવિંદભાઈને ફોન લગાવ્યો..
“હેલો.. અરવિંદભાઈ હું જયેશ બોલું છું.”
“અરે સાહેબ તમે! બોલો બોલો કેમ છો મજામાં?”
“હા બસ જુઓ સવાર સવારમાં તમને યાદ કર્યા.”
“અરે એ તો મારા અહોભાગ્ય કે તમે મને યાદ કર્યો.”
“મારી વાર્તા લખાઈ ગઈ?”
“જી લખાઈ ગઈ. હમણાંજ વાર્તાનો અંત લખ્યો અને સમાપ્ત નું લેબલ માર્યું ત્યાં તમારો ફોન આવ્યો.”
“કહાનીમાં થોડી ટ્વીસ્ટ છે અરવિંદભાઈ.”
“અરે હવે કેવી ટ્વીસ્ટ સાહેબ?”
“વાર્તામાં જે છોકરાના ગરીમા સાથે લગ્ન થયા હતા એ છોકરો મલય મારી બહેનના પ્રેમમાં પડ્યો, મારી બહેન પણ એને પ્રેમ કરે છે. અલબત્ત ગઈ કાલે રાત્રે એ આ મુદ્દે મારી સાથે વાત કરવા પણ આવ્યો હતો.”
“તો હવે? તમે શું નિર્ણય લીધો?”
“અત્યાર સુધી હું કોઈ નિર્ણય ઉપર પહોંચ્યો નથી. પણ વિચારું છું કે હા.પડી દઉં” મેં મારી બહેન મિનાક્ષી સામે જોતા હસતા હસતા કહ્યું.
“અરે વિચારવાનું શુ હોય સાહેબ? છોકરો સારો જ હશે. વાર્તામાં એની ગરીમા છેક સુધી જળવાઈ રહી છે. અને એ કેટલો મહાન વ્યક્તિ કહેવાય કે એને લગ્નના મંડપમાંથી પરણીને લાવેલી પરણિતા એના માબાપથી વિરુદ્ધ જઈને તમને સોંપી દીધી હતી.”
“હા સાચું સાહેબ, તો આ સુધારો કરી નાખો પછી આપણે વાત કરીએ.”
“જી ચોક્કસ હમણાંજ સમાપ્તનું લેબલ હટાવી આગળ સુધારો કરી મુકું.”
“ઓકે”
સામેથી ફોન કટ થયો,
ગરિમા મારી સામે જોઈ રહી, એની આંખોમાં ચાલતું ઘમાસાણ હું જોઈ રહ્યો અને મારી બહેન મને ચોંટી પડી.
“લવ્યુ ભાઈ…લવ્યુ.લવ્યુ લવ્યુ… કહેતા એની આંખોમાંથી ખુશીના આંસુ સરી પડ્યા.
સમાપ્ત..
નીલેશ મુરાણી.
મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯
ઈમેઈલ:- nileshmurani@gmail.com