mout ni kimat part 3 books and stories free download online pdf in Gujarati

મૌત ની કિંમત ભાગ ૩

મૌત ની કિંમત ભાગ ૩

ગત એપિસોડ ભાગ ૧ અને ૨ માં આપે વાંચ્યું કે વાર્તા નું મુખ્ય પાત્ર એટલે કે હું એચ.આઈ.વી. નો રિપોર્ટ લેવા માટે હોસ્પિટલ જાઉં છું, તેમજ જો મારો રિપોર્ટ પોઝિટિવ આવશે તો મારે કેવી રીતે આત્મહત્યા કરવી કે જે એકસિડેન્ટ લાગે એના અલગ અલગ પ્લાન બનાવું છું, અને હોસ્પિટલ પહોંચું છું, હોસ્પિટલમાં નર્સ બેનને હું આ તકલીફમાં કઈ રીતે સપડાયો એની વાત કરી હતી ,એ યાદ કરતા મારા રિપોર્ટ આવવાની રાહ જોતા બાંકડા પર બેઠો છું. હવે આગળ વાંચો.

હવે એ જગ્યામાં હું અને એ છોકરી બને એકલા જ બેઠા હતા, એ છોકરીએ મને સમાઇલ આપ્યું, મેં પણ વળતું સમાઇલ આપ્યું અને પૂછ્યું તમારું નામ શુ છે ?

એને જણાવ્યું એનું નામ ખુશ્બુ છે, આગળ વાત કરતા એને જણાવ્યું કે એ એક ગરીબ ઘરની સાત ધોરણ ભણેલી છોકરી છે, એણે એની ઉમર 32 વર્ષ જણાવી, મારા કરતા બે વર્ષ નાની, તે હજુ અપરણિત છે, તેના પિતા ખેતરમાં મજૂરી કામ કરે છે, પણ તેમને દારૂ ની ટેવ છે, અને તેમની તબિયત હવે સારી નથી રહેતી, એના પરિવારમાં એ અને એના પિતા એમ બે જ વ્યક્તિ છે. એ પોતે લોકો ના ઘરોમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે,

હું એની વાતો શાંતિથી સાંભરતો રહ્યો, સાથે એ પણ જોતો હતો કે એ જે કહી રહી છે, એ વાત અને એના પહેરવેશ , તેમજ એની બોડીલેંગ્વેજ સાથે એની વાતનો મેળ નહોતો આવી રહ્યો. એ દેખાવ માં તો ઠીકઠાક એક સામાન્ય ઘરની સામાન્ય છોકરી હોય તેવું જણાતું હતું, એ પણ મારી જેમ શરીર થી થોડી ભારે હતી, વાત કરતી વખતે એના ચેહરાના હાવભાવ કોઈ ગરીબ, મજબુર વ્યક્તિના હોય તેવું લાગતું નહોતું, એના ચેહરા પાર વાત કરતી વખતે સતત સ્મિત હતું, આ બધું એની વાત સાથે મેળ નહોતું આવતું છતાં પણ ખબર નહિ કેમ મને એની વાત પર થોડો વિશ્વાસ પડ્યો.

આગળ મેં એને પૂછ્યું કે તો હજુ સુધી તમે લગ્ન કેમ નથી કર્યા?

એના જવાબ મેં અને જણાવ્યું કે એના પિતા ની નાણાકીય સ્થિતિ સારી નથી, અને એના સમાજમાં દહેજ આપ્યા વગર લગ્ન શક્ય નથી. તેમજ તેના પિતાની તબિયત પણ સારી નથી રહેતી તેથી પોતાના પિતાની દેખરેખ રાખવા એને હજુ લગ્ન નથી કર્યા.

સ્વાભાવિક હતું કે મારો આગળનો પ્રશ્ન એ જ હોય કે તો હવે કેમ લગ્ન કરવા છે? શુ તમારા પિતાજી ની તબિયત હવે સારી છે?

એને જણાવ્યું કે એના પિતાની તબિયત તો હજુ પણ ખરાબ જ રહે છે પણ હવે એના પિતા એની ઉપર લગ્ન માટે દબાણ કરે છે અને જો હવે એ લગ્ન ના કરે તો આત્મહત્યા કરવાની ધમકી આપે છે એટલે એના પિતા ના દબાણ ને કારણે એ લગ્ન કરવા તૈયાર થઇ છે.

" તો તમારા લગ્ન પછી તમારા પિતાજી ની દેખરેખ કોણ કરશે" મારા થી અનાયાસે પુછાઈ ગયું.

"મારા પિતાજી એ મને વચન આપ્યું છે કે મારા લગ્ન પછી તેઓ નજીક ના ઘરડાઘર માં રહેવા જતા રહેશે તેમજ દારૂ પણ છોડી દેશે." તેને જાણે આ પ્રશ્ન નો જવાબ મોઢે કરીને આવી હોય એમ સડસડાટ કહ્યું.

આ બધું જાણ્યા પછી મને એની સાથે આગળ વાત વધારવા માં કઈ વાંધો ના લાગ્યો, મેં એને મારી, મારા પરિવારની તમામ માહિતી જણાવી, અને પછી પૂછ્યું કે હવે તમે કહો તમારો શુ નિર્ણય છે, એણે મને જવાબમાં એક મીઠું સ્મિત આપ્યું, જેને મેં એની હા છે એમ સમજી લીધું, એણે જણાવ્યું કે બાકીની વાત હું એના તરફથી એની સાથે આવેલા વ્યક્તિ સાથે કરી લઉં. એણે મેં જણાવ્યું એ સિવાય મારી પાસેથી બીજું કઈ પણ જાણવાની કોશિશ ના કરી, મને નવાઈ લાગી પણ સાથે એમ પણ થયું કે કદાચ હજુ પેહલી વખત મળીયે છીએ એટલે બીજી મુલાકાત માં એ મારા વિષે વધુ જાણવાની કોશિશ કરશે, પરંતુ મારી ધારણા બિલકુલ ખોટી નીકળી.

એના ગયા પછી મારી સાથે આવેલા મારા એજન્ટ એ મને કહ્યું કે એ છોકરી તમારી સાથે લગ્ન કરવા તૈયાર છે, પણ સામે તમારે એના પિતાને પુરા સીતેર હજાર રૂપિયા ચૂકવવા પડશે તેમજ બને એજન્ટનો ખર્ચો મળીને બીજા પાંચ હજાર એમ બધું મળીને પંચોતેરહજાર રૂપિયા ચૂકવવા પડશે.

મને ખબર હતી કે અહીંયા લગ્ન માટે છોકરી ની સામે થોડા ઘણા પૈસા ચૂકવવા પડે છે પણ પંચોતેર હજાર એ મારા માટે ઘણી મોટી રકમ હતી એટલે મેં મારા એજન્ટ ને ચોખ્ખી ના પડી દીધી કે હું એટલા રૂપિયા ચૂકવી શકું તેમ નથી, એને મારી વાત ફોન પર એ છોકરી ના એજન્ટ સાથે કરાવી, એ એજંટે મને જણાવ્યું કે છોકરી ના લગ્ન પછી એના પિતા ઘરડાઘરમાં રહેવા જવા માંગે છે અને ઘરડાઘર માં દર મહિને પંદરસો રૂપિયા ચૂકવવા પડે તેમ છે, તેથી જો તમે આ રકમ આપશો તો એ રકમ ના વ્યાજ માં તેઓ ઘરડાઘરમાં રહી શકશે.

બધી વાત જાણ્યા પછી પણ મેં આટલી મોટી રકમ ચૂકવવા સક્ષમ નથી એમ જણાવ્યું અને હું વધુ માં વહુ ત્રીસ હજાર ચૂકવી શકું એમ જણાવ્યું, કારણકે મને પહેલાજ મારી બેને કહેલું હતું કે આ લોકો જો લગ્ન નક્કી થતા હશે તો મોટી રકમ માંગશે પણ પછી વધુમાં વધુ ત્રીસ-પાંત્રીસ હજાર માં લગ્ન કરાવી આપે છે.

ઘણી બધી માથાકૂટ, ઘણા બધા ફોન પર વાતચીત બધું કર્યા પછી છેલ્લે પાંત્રીસ હજાર માં વાત નક્કી થઇ, પણ મેં કહ્યું કે હું પહેલા એ છોકરી નું ઘર જોવા માંગુ છું તેમજ એના પિતાને મળવા માંગુ છું.

પેહલા તો એ લોકો એ ચોખી ના પડી કે અત્યારે તો એ શક્ય નથી પણ જયારે મેં એમ કહ્યું કે તો મારે આ સબંધ નથી કરવો ત્યારે છેક સાંજે તેઓ આ માટે તૈયાર થયા, મને વલસાડ ચીખલી થી આશરે ૨૦ કીમી. દૂર એક ગામમાં લઇ ગયા, ત્યાં એક ખેતર ની બાજુમાં એક ઝૂંપડું હતું એમાં મને લઇ જવામાં આવ્યો. એ ઝૂંપડામાં સામાન માં કહી શકાય એવો એક પલંગ અને એક ખુરસી તથા બે ત્રણ ગ્લાસ અને એક માટલું હતું, ત્યાં ખુશ્બુ અને એક સાઈઠ વર્ષની આસપાસ જણાતો એક વ્યક્તિ હતો જેની ઓળખાણ મને ખુશ્બુ ના પિતા તરીકે આપવામાં આવી, જે પૂરો નશામાં હોય એમ જણાતું હતું.

મને બહારથી લાવેલું ઠંડુ પીરસવામાં આવ્યું, એના પિતાએ કે જે પુરા નશામાં જણાતા હતા તેને મને મારા અને મારા પરિવાર વિશે થોડા પ્રશ્ન પૂછ્યા અને પછી મારે કઈ જાણવું હોય તો પૂછી શકું છું એમ જણાવ્યું.

મારો ફક્ત એક પ્રશ્ન હતો તમને આ લગ્ન થી કોઈ વાંધો તો નથી? અને હું કાયદેસર ના લગ્ન કરવા માંગુ છું.

જવાબમાં એમને જણાવ્યું કે એમને લગ્ન થી કોઈ વાંધો નથી અને મારા તરફથી પાંત્રીસ હજાર મળશે એટલે એ ઘરડાઘરમાં રહેવા જતા રહેશે.

લગ્ન ની તારીખ ઘરે જઈ પરિવાર સાથે નકી કરીને જણાવીશ એમ કહી હું હું ત્યાંથી રવાના થયો, પણ બસ માં ઘરે જતી વખતે પણ મારા મનમાં એકજ પ્રશ્ન હતો આ બધું આટલી જલ્દી શક્ય કઈ રીતે થઇ ગયું , કઈ ખોટું તો નથી થઇ રહ્યું ને ?

ઘેર જઈ ને મેં તમામ હકીકત મારા માતાપિતા તેમજ બેન બનેવી ને જણાવી, તેઓને પણ થોડું આશ્ચર્ય થયું પણ જયારે મારી બેને એમના સગા કે જેને આ એજન્ટની ઓળખાણ કરાવી હતી તેમની સાથે વાત કરી ત્યારે તેમને કહ્યું કે આ લોકો માં તો આવીજ રીતે બધું જલ્દી નક્કી થઇ જાય છે અને પૈસા આપો એટલે લગ્ન પણ થઇ જશે, એમાં કઈ ખોટું નથી.ત્યારે અમે લગ્ન માટે તારીખ નક્કી કરી , ત્રણ દિવસ પછી એક સારો દિવસ હતો એ દિવસે લગ્ન કરવા માટે નક્કી કરવામાં આવ્યું અને અમારા એજંટે ને એ અંગે જણાવ્યું. તેને મને આગળ વાત કરીને એ દિવસે તેઓ તમામ અમદાવાદ આવશે તેવું જણાવ્યું અને આવવા જવાનો તમામ ખર્ચ મારે ચૂકવવો પડશે એ પણ નક્કી કરી લીધું.

જયારે મેં લગ્ન ના એક દિવસ પેહલા મારા એજન્ટને ખુશ્બુ નું વોટિંગ કાર્ડ, રાશન કાર્ડ તેમજ કઈ ના હોય તો સ્કૂલ લિવિંગ સર્ટી જોડે લાવવા કહ્યું તો તે હા- ના કરવા લાગ્યો, મને થોડો વહેમ ગયો, જેથી મેં જો એમાંથી કઈ પણ ના હોય તો લગ્ન કરવા ના પાડી દીધી. મેં એને જણાવ્યું કે હું કાયદેસર લગ્ન કરવા માંગુ છું ત્યારે એને મને થોડી વાર માં એ મને જાણ કરશે એમ કહી ને ફોન મૂકી દીધો, સાંજ પડી ગઈ હતી પણ હજુ એજંટે ફોન કર્યો નહોતો, ત્યાંજ વલસાડ ના કોઈ લેનલાઈન નંબર પરથી મને ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો

સામે છેડેથી કોઈ છોકરી નો અવાજ હતો, મને સમજવામાં વધુ વાર ના લાગી કે આ ખુશ્બુ નો અવાજ છે, એનો અવાજ થોડો ભારે હતો, એને કહ્યું કે એની પાસે અત્યારે વોટરકાર્ડ, રાશનકાર્ડ કે અન્ય કઈ પણ જોડે નથી, એનું સ્કૂલ લિવિંગ સર્ટી પણ એણે કઢાવેલ નથી, એણે મને આજીજી કરી કે હું આના માટે અત્યારે જીદ ના કરું, એ પાછળથી મને સર્ટી લાવી આપશે, અત્યારે હું એની સાથે કોઈ મંદિર માં લગ્ન કરી લઉં, એના અવાજ માં એક દર્દ હતો , એ મને કહી રહી હતી કે એ પણ આ લગ્ન માટે રાહ જોઈને બેઠી છે, એ પણ એક સારી જિંદગી જીવવા માંગે છે, પણ જો હું જીદ કરીશ તો એના પિતા એના લગ્ન બીજે ક્યાંક કરાવશે, અને એ હવે મારી સાથેજ લગ્ન કરવા માંગે છે.

કહયું છે કે સ્ત્રીનું સૌથી મોટું હથિયાર એના આંસુ હોય છે, હું પણ ના જાણે કેમ એની વાત માં આવી ગયો, બીજા દિવસે ખુશ્બુ તેના પિતા તેમજ અન્ય પાંચ થી છ લોકો જેમાં મારો એજંટ અને ખુશ્બુ સાથે આવેલો એજંટ પણ હતો અને એની એક બહેનપણી સાથે મારા જણાવેલ સરનામે પહોંચી ગયા, અમે તેઓને એક હોટેલ માં ઉતારો આપ્યો, જ્યાં તેઓ તૈયાર થયા અને પછી હોટેલ ની નજીક આવેલ એક મંદિર માં હિન્દૂ રીત રિવાજ મુજબ મારા નક્કી કરેલ પંડિતે અમારા લગ્ન કરાવ્યા, મારા તરફથી લગ્ન માં મારા માતા પિતા , મારા બેન બનેવી તેમજ મારો મિત્ર અમિત હાજર હતો,

મને હજુ યાદ છે કે અમિત મને ગાળ બોલ્યો હતો અને આવી રીતે લગ્ન ના કરવા સમજાવ્યો હતો પણ એ વખતે અમે કોઈ પણ ભોગે મારા લગ્ન પુરા કરવા માંગતા હતા તેથી અમારામાંથી કોઈએ પણ એની વાત ધ્યાન પર ના લીધી.

લગ્ન પુરા થયા પછી એટલે મેં એના પિતા ના હાથમાં પાંત્રીસ હજાર રૂપિયા તેમજ આવવા જવાના ખર્ચ પેટે બીજા પાંચ હજાર રૂપિયા ચૂકવી દીધા. તેઓ બધાની સાથે જમીને ત્યાંથી રવાના થઇ ગયા, અને હું ખુશ્બુ સાથે મારા ઘરે પહોંચ્યો. આ રીતે લગ્ન કર્યા હોય અમે અમારા કોઈ પણ સગા કે પડોસમાં કોઈને પણ આ વાત કરેલ નહોતી.

એક વાત ની મને નવાઈ લાગી હતી કે ખુશ્બુ પોતાની સાથે કઈ પણ લાવી નહોતી, એ ફક્ત એને પહેરેલ એક જોડી કપડામાં જ આવી હતી, એટલે જેવા અમે આરામ કરવા અમારા રૂમમાં આવ્યા મેં એને આ અંગે પૂછ્યું ત્યારે એનો ફરીથી એજ જવાબ હું બહુજ ગરીબ છું, અને મારી પાસે ફક્ત બે જ જોડી કપડાં છે , એક ધોઈને સૂકવીને આવી છું અને બીજા પહેરીને.

મારે એને તરતજ શોપિંગ કરવા લઇ જવી પડી કારણકે બે દિવસ પછી મારા ખાસ મિત્ર અને મારીજ સાથે મારી પોળ માં રહેતા મારા મિત્ર સતીશ ના લગ્ન હતા, મેં ખુશ્બૂને પાંચ થી છ જોડી કપડાં તેમજ એના અંતર્વસ્ત્ર તેમજ એક જીન્સ ટી-શર્ટ પણ એના મન મુજબ અપાવ્યા, હું તો બીજું કઈ વિચારતો પણ નહોતો કારણકે એ હવે મારી પત્ની હતી અને મારે એને જિંદગીભર જોડે જ રાખવાની હતી.

મેં સતીશ અને બીજા મિત્રો ને મારા લગ્ન અંગે જણાવ્યું , બધા ખુબજ ખુશ હતા, સોંથી વધારે તો સતીશ ખુશ હતો, કારણકે બે દિવસ પછી એના પણ લગ્ન હતા, તેથી તે મારી સાથે અમારે બને કપલે હનીમૂન પર ક્યાં જવું એના પ્લાન બનાવવા લાગ્યો.

એ પછી અમે બને કપલ આબુ હનીમૂન પર ફરવા ઉપડી ગયા, બધા ખુબ ખુશ હતા, ખુશ્બુ પણ જાણે એની જિંદગી પાછી મળી ગઈ હોય એમ ખુબ ખુશ હતી, મને લાગ્યું જાણે આ મારા જિંદગી ના સૌથી સારા દિવસો છે, હા આ દરમિયાન ખુશ્બુ ને તેના પિતા ના ફોન મારા મોબાઇલ પર આવતા હતા, જયારે ફોન આવતા ત્યારે એ થોડી ડિસ્ટર્બ થઇ જતી, હું એને પૂછતો તો એ મને કઈ કેહતી નહોતી, અમે સાત દિવસ ફરીને પાછા ફર્યા .

અને આ પછી બે દિવસ પછી ખુશ્બુ બહાનું બતાવીને વલસાડ જવાની જીદ કરવા લાગી ગઈ મને હજુ બહુ વિશ્વાસ નહોતો પડતો,એટલે હું પણ એની સાથે ગયો, પણ ચીખલી બસ સ્ટેશન પર એને મને બહાનું બતાવી ને રોકી લીધો અને પોતે એક કલાક માં પાછી આવશે એમ કહી નીકળી ગઈ, એ પછી આશરે ચાર કલાક સુધી હું એના પિતા નો,મારા એજંટ નો તેમજ એના એજન્ટનો નંબર ટ્રાય કરતો રહ્યો પણ બધા નંબર બંધ આવી રહ્યા હતા, મને ખ્યાલ આવી ગયો કે અમે છેતરાઈ ગયા છીએ, ત્યાંજ થોડી વારમાં એક અજાણ્યા નંબર પરથી ખુશ્બુનો ફોન આવ્યો અને એને મને પાછા અમદાવાદ જવા કહ્યું અને પોતે બે દિવસમાં પાછી આવશે તેમ જણાવ્યું, હું જાણતો તો કે બધું ખોટું થઇ રહ્યું છે પણ હવે રાહ જોવા સિવાય મારી પાસે પણ કોઈ વિકલ્પ નહોતો, હું પાછો અમદાવાદ આવી ગયો.

હું રોજ ખુશ્બુ ને એના બધા નંબર પર ફોન કરીને સંપર્ક કરવાનો પ્રયત્ન કરતો પણ બધા નંબર બંધ થઇ ચુક્યા હતા, એવું સતત એક સપ્તાહ સુધી ચાલ્યું, એક દિવસ ગુસ્સામાં મેં ખુશ્બુ ના પિતાના નંબર પર એક મેસેજ લખ્યો કે હું પોલીસ ને લઈને કાલે આવું છું, એ દિવસે ફરીથી એક નંબર પરથી ખુશ્બુ નો ફોન આવ્યો, તેને મને જણાવ્યું કે આ તેનો કાયમી નંબર છે અને તે મને રૂબરૂ મળવા માંગે છે, પણ અમદાવાદ કે વલસાડ નહિ પરંતુ બરોડામાં .

હું એ સાંજે જ બરોડા જવા નીકળી ગયો, ઘરમાં મેં બધી વાત કરી હતી, બધાની ના હોવા છતાં હું ખુશ્બુ ને મળવા એકલો ગયો, વડોદરા સ્ટેશન ની બહાર હું ખુશ્બુ ની રાહ જોતો હતો, એનો નંબર બંધ આવી રહ્યો હતો, ત્યાં જ સામેથી ખુશ્બુ અને તેની સાથે તેની બહેનપણી મારી પાસે આવી ઉભા રહ્યા , હું કઈ કહું એ પેહલા જ એને મને કહ્યું કે એને બહુજ ભૂખ લાગી છે તો પેહલા જમી લઈએ, પછી એ મને બધું જણાવશે

જમ્યા પછી એની બહેનપણી ત્યાંથી રવાના થઇ ગઈ અને પછી અમે ત્યાં સ્ટેશન ની નજીક જ એક હોટેલ માં રૂમ લીધો અને વાત કરવા બેઠા . મેં એક જ વાક્ય કીધું કે જે કઈ પણ હોય મને બધું સાચું કહે , ત્યારે ખુશ્બુ એ મને બધું જણાવ્યું

વધુ આવતા અંકે,

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED