મંગલ - 6 Ravindra Sitapara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મંગલ - 6

મંગલ

Chapter 6 -- એક વધુ મુકાબલો મંગલ

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com

ravisitapara.blogspot.com

M. 7567892860

-: પ્રસ્તાવના :-

નમસ્કાર

Dear Readers,

દરિયાઈ સાહસકથા – મંગલ નાં આ છટ્ઠા ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધીનાં પ્રકરણોમાં આપણે જોયું કે આદિવાસીઓની ભયંકર બલીપ્રથા અને તેની ખૂંખાર કેદમાંથી સાત કેદીઓને છોડાવવામાં મંગલ પોતે ફસાઈ જાય છે. પરંતુ આદિવાસીઓની જ એક અંધશ્રદ્ધા થી યુક્ત પ્રથા કે રિવાજ જ મંગલનો જીવ બચાવે છે. બધા જંગલમાં કબીલાથી દૂર જંગલમાં એક રાત તો વિતાવે છે પણ સવાર પડતા જ તેઓ પોતાની સામે આદિવાસીઓની સામે હોય છે. ત્યારે આઠેય નું રીએકશન કેવું હશે ? શું ફરીથી તેઓ આદિવાસીઓની કેદમાં કેદ થશે ? આદિવાસીઓના સરદાર મંગલ પ્રત્યે કેવું વલણ દાખવે છે ? શું આ વખતે સંકટના સમયે બીજું કોઈ તેમની વહારે આવશે ? આ મજેદાર રોમાંચક સાહસિક સફરને માણવાં વાંચતા રહો..

આફ્રિકાના જંગલની રોમાંચક સફરની આ રસપ્રદ કથાનું છઠ્ઠું પ્રકરણ મંગલ ચેપ્ટર – 6 - - એક વધુ મુકાબલો

મંગલ ચેપ્ટર – 6 – એક વધુ મુકાબલો

ગતાંક થી ચાલું...

સરદાર અને બીજા આદિવાસીઓ એકદમ અવાચક રહી ગયા. તેઓને આખા જંગલ ખૂંદી લીધા પછી એ કેદીઓ પોતાનાં હાથમાં આવી ગયા તેનો રાજીપો થયો હતો તેના કરતાં અનેક ગણો અચંબો તેનાં ‘ દેવારિકા ’ એટલે કે મંગલને આ લોકોની સાથે જોવાથી થયો. આ ‘ દેવારિકા ’ તેમનાં માટે એકદમ પૂજ્ય ગણાતા હતાં પણ આ જ માણસે જાણે તેની સાથે દગો કર્યો હોય એવી અનુભૂતિ થઈ ગઈ. સરદાર અને બીજી પ્રજા માટે ના સમજી શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. થોડી વાર માટે તો તેમાંથી કોઈ કંઈ પણ બોલ્યું નહિ. કોઈએ હથિયારથી હુમલો પણ ના કર્યો. સામે પક્ષે મંગલ અને બાકીનાં સાતેય કેદીઓ માટે અસમંજસની પરિસ્થિતિ પેદા થઈ. જો તે હુમલો કરે તો તેના પ્રમાણમાં આદિવાસીઓની સંખ્યા અને હથિયાર બંને વધારે હતા. અંતે મંગલે ઈશારો કરતાં બધાએ સમર્પણ કરવાનું નક્કી કર્યું. મંગલના મગજમાં કંઈક રમી રહ્યું હતું.

સરદાર હવે બધું સમજી રહ્યો હતો. તેમણે બધાને કેદ કરી લેવાનો આદેશ આપ્યો. મંગલ પણ આ કારનામાંમાં બરાબરનો ભાગીદાર હતો આથી તેને પણ કેદ કરવાનો આદેશ આપવામાં આવ્યો. જો કે સરદારે તેને બેડીઓમાં બાંધ્યો ના હતો. તેનાં હાથ સામાન્ય દોરડાથી બાંધેલ હતા. કારણ કે તે તેના માટે ‘ દેવારિકા ’ હતો. મંગલ માટે પણ હવે થોડી ગુંચવણભરી પરિસ્થિતિ પેદા થઈ કારણ કે મંગલ સિવાય બધાને આદિવાસીઓએ મજબૂત રીતે બેડીઓમાં કેદ કરેલ હતા. શું કરવું એ હવે સમજાતું ના હતું. મંગલની આજુ બાજુમાં બે સિપાહીઓ અને સરદાર ચાલ્યા જતા હતા.

મંગલ પ્રત્યે સરદાર જરા વધુ કૂણું વલણ દાખવતો હતો. મંગલ પણ હવે અકળાવા લાગ્યો. શું કરવું એ સમજાતું ન હતું. પોતાનાં સાથીઓને બેડીઓમાં કેદ કરેલા હતા અને બધાની ફરતે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. એ કોઈ રીતે છટકી શકે કે પ્રતિકાર કરી શકે એવી સ્થિતિમાં ન હતા. લગભગ એકાદ કિલોમીટર ચાલ્યા પછી એ લોકો નદી નજીક આવ્યા. મંગલના મગજમાં એક ઝબકારો થયો. મંગલે તરસ લાગ્યાનો ઈશારો કર્યો. સરદાર પહેલા તો ના માન્યો પણ થોડી વિનંતી પછી તેનાં હાથ ખોલવામાં આવ્યા.

મંગલ પાસે પોતાનાં સાથીઓને અને પોતાને આદિવાસીઓના સકંજામાંથી છોડાવવાનો એક જ અવસર હતો. જો એ એમાં નિષ્ફળ થાય તો તેનું પરિણામ બધાની મૃત્યુદંડની સજા સાથે સમાપ્ત થાય. મંગલ માટે આ નિર્ણય આકરો હતો. તેનાં આ સાહસ અથવા એમ કહો કે અખતરાનાં પરિણામની સફળતા અંગે ખુદ પોતાને પણ ખાતરી ન હતી. છતાં આ કામ કરવું તો પડશે જ. વળી બીજી બાજુ એવો પણ વિચાર આવ્યો કે પોતાનાં પર સરદારને વિશ્વાસ હતો એ પણ ગુમાવી શકે છે. પણ પોતાની જિંદગી બચાવનાર માટે બધું કુરબાન છે એમ વિચારી મંગલ આ સાહસ કરવા તત્પર થઈ ગયો.

મંગલના હાથ હવે ખૂલી ગયા હતા. ધીરે થી પોતાનાં સાથીઓને પોતાની ચાલનો ઈશારો કરી દીધો. અમુકને સમજાઈ ગયું કે મંગલના મનમાં કંઈક ચાલી રહ્યું છે. શું એ ખબર નહિ. પણ આપણે તત્પર રહેવું જોઈએ એ વિચારી બધા માનસિક રીતે તૈયાર થઈ ગયા. મંગલ નદી બાજુ આગળ વધી રહ્યો હતો.

બીજાની નજર ચૂકવી મંગલે પોતાની પાસે રહેલી છુરી કાઢી. પાણી પીવાનો ઢોંગ કરી નીચે નમી અચાનક પાસે રહેલાં ચોકીદાર પર જોરથી હુમલો કરી તેને નીચે પછાડી દીધો. બીજી જ પળે છુરી સરદારનાં ગળા પર રાખી દીધી. મંગલની અચાનક આવી પ્રતિક્રિયાથી આદિવાસીઓ તો ઠીક ખુદ તેનાં સાથીઓ પણ અચંબામાં પડી ગયા. આટલી જલ્દી પરિસ્થિતિ બદલાઈ જશે એવી તો કોઈને કલ્પના પણ ન હતી.

હવે બાજી મંગલના હાથમાં હતી. અને એ બાજી કોઈ પણ સંજોગોમાં ફરીથી ચાલી જાય એ પોષાય એમ ન હતું. મંગલે પોતાનાં સાથીઓને છોડાવવા સિપાહીઓને ઈશારો કર્યો. છુરીની અણી સરદારનાં ગળા પર તેજ બનાવી. લોહીનું ટીપું પણ નીકળી ગયું. આદિવાસીઓ પણ ગભરાઈ ગયા. તેઓ માટે સરદારનો જીવ કીમતી હતો. તેનાં જીવ માટે તે કોઈ પણ કિમત દેવા માટે તૈયાર હતા. બીજી બાજુ મંગલ માટે પણ પોતાના સાત સાથીઓનાં જીવ અમૂલ્ય હતાં. તેને કોઈ પણ કાળે ગુમાવી શકાય તેમ ન હતા. અંતે આદિવાસીઓએ હથિયાર નીચે મૂકી દીધા. મંગલના સાથીઓને બેડીઓમાંથી આઝાદ કરવામાં આવ્યા.

બેડીઓમાંથી મુક્ત થયા પછી તરત જ સમય બગાડ્યા વગર બધાં સાથીઓ એકસામટા આદિવાસીઓ પર તૂટી પડ્યા. બધાને બેડીઓમાં કેદ કરી લીધા. જે વધ્યા તેને દોરડાથી બાંધ્યા. ત્યાર બાદ બધાને વૃક્ષો સાથે બાંધી દીધા. આદિવાસીઓ અને તેનાં સરદાર માટે તો શિકારી ખુદ શિકાર હો ગયા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. કોઈને આવી આશા ન હતી કે પોતાનાં જંગલ વિસ્તારમાં જ બહારનાં કોઈ આવીને પોતાને માત આપી જશે. પોતાના જ વિસ્તારમાં પોતે નિ:સહાય હતા.

મંગલ અને તેનાં સાથીઓ વખત બગાડવા માંગતા ના હતા. મંગલ તેઓને મારવા માંગતો ના હતો. હથિયારો લઈને તેઓ ત્યાંથી નીકળી જવાની તૈયારી કરવા લાગ્યા. આદિવાસીઓ બંધનમાંથી છૂટી જાય એની પહેલાં વહેલાંમાં વહેલી તકે તેઓ જંગલ છોડવાની તૈયારીઓ કરતા હતા. પણ તેઓને ક્યાં ખબર હતી કે આ જંગલમાંથી છૂટવું એટલું સહેલું નથી. જંગલ ઘણી બધી મુશ્કેલીઓ અને પડાવોથી ભરપૂર હોય છે. આદિવાસીઓના સકંજામાંથી છૂટવું જ પૂરતું ન હોય એમ નવું સંકટ આવીને ઊભું રહી ગયું. આદિવાસીઓથી છૂટ્યા પછી હજી રાહતનો દમ લે એની પહેલાં એક નવી પરીક્ષા સામે આવીને ઊભી રહી ગઈ.

જંગલની ખૂબસુરતી તેની ભયંકરતામાં રહેલી હોય છે. સિંહદર્શન કરવાનો એક લહાવો હોય છે પણ જો એ જ સિંહ સામે આવીને ઊભો રહી જાય તો ? આવી જ પરિસ્થિતિ મંગલ અને તેનાં સાથીઓની થઈ. થોડા જ આગળ ગયા કે સામે ખૂંખાર ગેંડાના દર્શન થઈ ગયા. ગેંડો પોતાની સામે શિકારીની અદાથી ઊભો હતો. આંખોમાં ખુન્નસ ભરાયેલું હતું. જાણે વર્ષોથી લોહીની તરસ છુપાયેલી હતી અને સામે ઊભેલા શિકારથી જ બુઝાવાની હતી. મોં આગળ મોટું અણીદાર શીંગડું અને પોતાની તરફ શિકાર કરવા દોડવા માટે તત્પર ચાર પગ. ગેંડાને જોઇને બધાનાં શરીરમાં લખલખું પસાર થઈ ગયું. જો દોડે તો પણ ગેંડાની ઝપટમાં આવી જાય અને ન દોડે તો પણ ગેંડો કોઈને મુકવાનો ન હતો. આખાય જંગલમાં ગેંડાના કાળા કેર સર્વત્ર વર્તાયેલા રહેતા હતા. જાણે આખા જંગલમાં પોતાની આણ પ્રવર્તતી હોય. પોતાનું જ સર્વત્ર રાજ ચાલતું હોય એવો આ મદમસ્ત ગેંડાનો અંદાજ લાગતો હતો.

“ હવે શું કરવું ? આને ગળે તો ચાકુ પણ ના રખાય ? ” કરીમે કહ્યું.

“ તને મશ્કરી સૂઝે છે ? એક તો આપણે આ મુશ્કેલીમાં મુકાયા છીએ અને હવે કેમ નીકળવું એ પણ સુઝતું નથી. ” ઇરફાને કહ્યું.

“ ડોન્ટ વરી, વી વિલ સ્યોરલી ફાઈન્ડ ધી વે. ” જ્હોને આશા સાથે કહ્યું.

“ હા, દોસ્તો, પણ અહી આ પ્રાણી સામે મગજ કરતાં પણ શરીરને દોડાવવું પડશે. ” મંગલે બધાને કહ્યું.

“ હા પણ તેની ગતિના મુકાબલે આપણે કમજોર જ પડીશું. ” સરમણે પોતાની વાત કહી.

“ મારા મનમાં એક વિચાર આવ્યો છે. આપણે બધાએ ઝડપથી ઝાડ પર ચડી જવું પડશે. ” મંગલે પોતાની યુક્તિ કહી. બધા તેની સાથે સહમત થયા.

આ બાજુ ગેંડો ધીમે ધીમે તેની ગતિ વધારી રહ્યો હતો. તેનાં સાથીઓ ઝડપથી પાછળ દોડવા લાગ્યા. ફરીથી તેઓ પાછા એ જગ્યાએ આવી ગયા જ્યાં આદિવાસીઓ બંધાયેલી અવસ્થામાં હતા. આદિવાસીઓ પણ તેઓને પાછા ફરેલા જોઇને ચકિત થઈ ગયા. થોડી વારમાં ઘણી દૂરથી એક મહાકાય ગેંડાને પોતાની સામે આવતો જોયો. બધાં ખૂબ ગભરાઈ ગયા. મંગલ અને તેના સાથીઓ તો આઝાદ હતા. તેમાંના બે ત્રણ તો વૃક્ષ પર ચડી પણ ગયા. પણ આદિવાસીઓને ભાગવા માટે કોઈ જ રસ્તો ન હતો. તેઓ મદદ માટે જોર જોરથી બૂમો પાડવા લાગ્યા.

મંગલના સાથીઓ હવે તેઓને મદદ કરવાના મૂડમાં ન હતા. પણ મંગલનાં હૃદયમાં જીવદયા ઉભરી આવી. પોતાની સામે આટલા બધા લોકોનો સંહાર થતો તે જોઈ શકે તેમ ન હતો. તેણે આદિવાસીઓને છોડવાનો સંકલ્પ કર્યો. તે વૃક્ષ પર હજી અડધે જ ચડ્યો હતો અને નીચે ઉતરી ગયો અને સરદારને છોડાવવા લાગ્યો.

“ મંગલ, આ શું કરે છે ? ગાંડો નથી થઈ ગયો ને ? ” શામજીએ પૂછ્યું.

“ મંગલ, પાગલ ના બન, આપણે પાછા ફસાઈ જશું. ” સરમણે કહ્યું.

“ મંગલ, આઈ રીક્વેસ્ટ યુ, પ્લીઝ, સ્ટોપ ધીસ. ” જ્યોર્જ વિનંતી કરી.

પણ મંગલ થોભ્યો નહિ, અટક્યો નહિ. તેણે જાનની પરવાહ ના કરી. બધાની સમજાવટ પછી પણ તેણે તે જ કર્યું જે તેને ઠીક લાગ્યું, જે તેના મને કહ્યું. મંગલ તરત જ સરદાર પાસે ગયો અને તેની સાંકળ ખોલવા લાગ્યો. ત્યાર બાદ સિપાહી, ચોકીદાર અને બીજા આદિવાસીઓને ખોલવા તે તરફ દોડીને જવા લાગ્યો. આ બાજુ શામજી પણ મદદ કરવા નીચે ઉતર્યો. અને જોઇને બીજા બધા સાથીઓ પણ ઉતરીને આદિવાસીઓને મુક્ત કરવા લાગ્યા. આદિવાસીઓ બીજા બંધકોને મુક્ત કરવા લાગ્યા.

આ બાજુ ગેંડો માતેલા સાંઢની જેમ કોઈની પણ પરવા કર્યા વગર મદમસ્ત બની આ લોકો પણ આગળ વધી રહ્યો હતો. કાળને પોતાની તરફ આવતા જોઈને બધાનાં શરીરમાંથી કંપારી છૂટી ગઈ. બધા ખૂબ ઝડપથી વૃક્ષો પર ચડી ગયા. પણ સરદાર પોતાની વજનદાર કાયાને કારણે સરખી રીતે ચડી શકતો ના હતો. મંગલે જોયું કે પેલો મહાકાય ગેંડો મોત બની સરદાર તરફ આગળ વધી રહ્યો હતો. મંગલે એક પળનો પણ વિલંબ કર્યા વગર સરદારની મદદે પહોંચી ગયો. સરદારને સરળતાથી વૃક્ષ પર ચડાવી શકાય એમ ના હતું. પણ એટલા માં તો.... પેલો ગેંડો એકદમ નજીક આવી ગયો અને પોતાના ધારદાર શીંગડાથી જોરથી પ્રહાર કરી નાખ્યો.

“ મંગલ......?? ” બધાનાં મુખમાંથી એક ચીખ નીકળી ગઈ. બધાનાં આંખે અંધારા આવી ગયા.

To be Continued….

Wait for next part….