Featured Books
શ્રેણી
શેયર કરો

હમ્પી – (૪) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી ભાગ (૨)

ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને કુદરતી સૌંદર્ય એવાં ચાર પ્રકારનાં આકર્ષણો ધરાવતા અને વિશ્વના સૌથી મોટા ઓપનએર મ્યુઝિયમ તરીકે ઓળખાતા અદભૂત પ્રવાસધામ હમ્પીની વાત હવે આપણે આગળ ચલાવીએ.

બપોરે જમ્યા પછી થોડો આરામ કરીને અમે એ જ રીક્ષા અને એ જ ગાઈડ સાથે ફરીથી હમ્પીનાં બાકીનાં જોવાલાયક સ્થળો તરફ નીકળી પડ્યા.

૧) શાહીકક્ષ:

અમારું સૌ પ્રથમ ડેસ્ટીનેશન આવ્યું રોયલ એન્ક્લોઝર એટલે કે શાહીકક્ષ. અહીં રાજાનો મુખ્ય મહેલ ઉપરાંત અન્ય ઘણાં બધાં સ્ટ્રકચર હતાં. ૫૯૦૦૦ ચોરસ મીટરના વિસ્તારમાં પ્રસરેલ અને ચોતરફ પથ્થરની મજબુત દ્વિસ્તરીય દિવાલ ધરાવતા આ વિશાળ કોમ્પલેક્સમાં હાલ ૪૩ જેટલાં નાનાં મોટાં બિલ્ડીંગ મળી આવ્યાં છે. તેના પરથી શાહીકક્ષની ભવ્યતાની કલ્પના કરી શકાય છે.

સામાન્ય રીતે મહેલ અને કિલ્લાઓના પ્રવેશદ્વારના દરવાજા લાકડામાંથી બનતાં હોય છે. પરંતુ અહીં મુખ્ય પ્રવેશદ્વારમાં એક જ પથ્થરમાંથી બનાવેલ તોતિંગ દરવાજા હતા. હાલ આ દરવાજા મેદાનમાં નીચે મૂકેલા જોવા મળે છે. આ દરવાજાના કદ અને વજન જોઇને તે વખતની અદભૂત કારીગરી પ્રત્યે માન થયું. જુઓ આ ફોટા:

૨) મહાનવમી ડિબ્બા:

આ કોમ્પલેક્સમાં સૌથી મોટું સ્ટ્રકચર છે મહાનવમી ડિબ્બા, જે એક સ્ટેડિયમના પેવેલિયન જેવું સ્ટ્રકચર છે. અહીં રમતગમત, શારીરિક કૌશલ્ય, નૃત્ય તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ થતા હતા. ડિબ્બા એટલે ટેકરો. આ સ્થળ ઊંચા ટેકરા પર છે અને મુખ્યત્વે નવરાત્રી અને દશેરા વખતે આવા કાર્યક્રમ યોજાતા, એટલે આ સ્થળ મહાનવમી ડિબ્બા તરીકે ઓળખાય છે.

રાજપરિવારના લોકોને બેસવા માટે અહીં પથ્થરનું ત્રણ સ્તરમાં બનાવેલ ઊંચું પ્લેટફોર્મ બનાવેલું છે, જેની ચોતરફ અદભુત શિલ્પકામના નમૂના કોતરેલા છે. જુઓ આ ફોટા:

કહેવાય છે કે આ પ્લેટફોર્મ ઉપર સુંદર મહેલ હતો, જે અત્યારે નષ્ટ થઈ ગયેલ છે. સામે મોટું મેદાન છે, જ્યાં વિવિધ કાર્યક્રમ યોજાતા હતા.

અહીં હાથી, ઘોડા, ઊંટ વિગેરેની સવારી, કુસ્તી, તીરંદાજી, તલવારબાજી, વાઘનો શિકાર, વિદેશી વેપારીઓ, સૈનિકો, પ્રવાસીઓ, નૃત્યો, જેવા અનેક વિષયોને લગતાં શિલ્પ જોવા મળે છે, જેના પરથી તે સમયની સંસ્કૃતિ તથા સમાજરચના વિષે ઘણું જાણવા મળે છે. જુઓ આ ફોટા:

નોંધપાત્ર બાબત એ છે કે અહીં સ્ત્રીઓના શારીરિક કૌશલ્યને લગતાં ઘણાં શિલ્પ જોવા મળે છે, જેમકે ઘોડા પર સવારી કરતી સ્ત્રીઓ, યુદ્ધ કરતી સ્ત્રીઓ, શિકાર કરતી સ્ત્રીઓ. જુઓ આ ફોટા:

આ વિગતો પરથી એવું તારણ નીકળે છે કે તે સમયમાં સ્ત્રીઓ રાજકાજમાં અને સમાજમાં ઘણી સક્રિય હશે અને અગત્યનું સ્થાન શોભાવતી હશે.

શાહી કક્ષમાં પાણીના સંગ્રહ માટે મોટો કુંડ બનાવેલો હતો, જે અત્યારે પણ ઘણી સારી સ્થિતિમાં જોવા મળે છે. બ્લેક ગ્રેનાઈટમાંથી બનાવેલ આ સમચોરસ કુંડ એકસરખાં પગથીયાંને લીધે અદભૂત શિલ્પકળાના નમૂના જેવો દેખાય છે. જુઓ આ ફોટો.

આ ઉપરાંત પથ્થરમાંથી બનાવેલ પાણીની નહેરો અહીં જોવા મળે છે, જેના પરથી તે સમયમાં વોટર મેનેજમેન્ટની કેટલી સારી વ્યવસ્થા હશે તે જાણવા મળે છે.

રાજકારણની ગુપ્ત ચર્ચાઓ માટે અહીં એક ગુપ્ત ખંડ બનાવેલો જોવા મળે છે, જ્યાં ભોંયરામાં અગત્યની ગુપ્ત મીટીંગો માટે વ્યવસ્થા હતી.

૩) હજારરામ મંદિર:

મહાનવમી ડિબ્બાની બાજુમાં અદભૂત કોતરણી ધરાવતું હજારરામ મંદિર આવેલું છે. આ મંદિરમાં અંદર અને બહાર ચોતરફ રામાયણના વિવિધ પ્રસંગો કોતરેલા છે. રાજા દશરથે શ્રવણને બાણ માર્યું, ત્યારથી માંડીને રામના રાવણ પર વિજય સુધીના વિવિધ પ્રસંગોનાં શિલ્પો અહીં જોવા મળે છે. શિલ્પકળાના ચાહકો એક આખો દિવસ આ મંદિરમાં પસાર કરી શકે એટલું વૈવિધ્ય અહીં જોવા મળે છે. રામનાં હજારો શિલ્પો અહીં હોવાથી આ મંદિર હજારરામ મંદિર તરીકે ઓળખાય છે. જુઓ આ ફોટા:

મંદિરની સામે એક કિલોમીટર લાંબા બજારના અવશેષો જોવા મળે છે. અહીં હમ્પીનું લોકપ્રિય સ્થાનિક બજાર હતું, જે પાનસોપારી બજાર તરીકે જાણીતું હતું.

૪) રાણીકક્ષ:

શાહીકક્ષ જોઈ લીધા પછી અમે રવાના થયા થોડે દૂર આવેલ અંત:પુર (રાણીકક્ષ) જોવા માટે, જે ‘જનાના એન્ક્લોજર’ તરીકે ઓળખાય છે. ૩૦૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલ આ રાણીકક્ષ ચારે બાજુ ઉંચી દિવાલથી રક્ષાયેલો છે. ઉપરાંત સલામતી માટે ત્રણ દિશામાં ઊંચા વોચટાવર પણ છે.

જ્યાં રાણીનો મુખ્ય મહેલ હતો, ત્યાં હાલ પથ્થરનું વિશાળ પ્લેટફોર્મ જોવા મળે છે. તેના ઉપર ચંદનના લાકડાનો સુંદર મહેલ હતો, જે મુસ્લિમ આક્રમણખોરોએ સળગાવી દઈને નષ્ટ કરેલ છે.

આ મહેલની સામેના ભાગમાં લોટસ પેલેસ -કમળ મહેલ છે, જે સારી રીતે સચવાયેલ છે. તે શા માટે નષ્ટ ના થયો તેનું કારણ જાણતા પહેલાં તેનો આ ફોટો જુઓ:

જો તમે માર્ક કર્યું હોય તો આ બિલ્ડિંગ કમાનોવાળી રચના ધરાવે છે, જે ઇસ્લામિક સ્થાપત્ય શૈલી ગણાય છે. એટલે મુસ્લિમ આક્રમણખોરોએ આ બિલ્ડિંગ મસ્જિદ હશે તેવું માનીને તેનો નાશ નહોતો કર્યો. જોકે વાસ્તવમાં આ મકાન ગરમીની ઋતુમાં રાણીઓને આરામ કરવા માટે બનાવેલું હતું. આ મકાનની વિશિષ્ટતા એ છે કે તેના પીલર્સ અને દિવાલોમાં માટીની બનાવેલી પાઈપો મૂકેલી છે. આ પાઈપોમાં પાણી ભરવામાં આવતું હતું, જેનાથી આ મકાનની અંદર ઠંડક રહેતી હતી. આમ આ મકાન ભારતીય સ્થાપત્યવિદ્યાનો એક ઉત્તમ નમૂનો છે.

અહીંથી થોડે આગળ વિશાળ હાથીશાળા (એલિફન્ટ સ્ટેબલ) આવેલ છે. એકસાથે ૧૧ હાથી રાખી શકાય તેવી આ હાથીશાળા કમાનો અને ગુંબજની રચનાથી અત્યારે પણ આકર્ષક દેખાય છે.

તેની બાજુમાં હાથીના મહાવતો માટે રહેઠાણનું બિલ્ડીંગ છે.

આ બંને સ્થાપત્યો પણ ઈસ્લામિક સ્થાપત્ય શૈલીમાં બનેલા હોવાથી આક્રમણખોરોએ તેમનો નાશ કર્યો નહોતો.

આ ઉપરાંત અહીં પાર્શ્વનાથ જૈન દેરાસર, વૈષ્ણવ મંદિર, રંગ મંદિર, કોષાગાર, જળમહેલ વિગેરે જોવાલાયક સ્થાપત્યો છે.

૫) કૃષ્ણ મંદિર:

અહીંથી થોડે આગળ ભવ્ય કૃષ્ણમંદિર આવેલું છે. વર્ષ ૧૫૧૩માં કૃષ્ણદેવરાયે આ મંદિર બંધાવ્યું હતું, જે ખરેખર જોવાલાયક સ્થળ છે. હાલ તેનું રીપેરીંગ કામ ચાલુ હોવાથી અમને અંદર પ્રવેશ મળ્યો ન હતો, એટલે અમે બહારથી જ આ મંદિરનું નિરીક્ષણ કર્યું.

આ મંદિરની સામે મોટું બજાર હતું, જે દર સોમવારે ભરાતું હોવાથી સોમવારી બજાર તરીકે જાણીતું હતું.

૬) લક્ષ્મી નરસિંહ મંદિર:

વિષ્ણુના ચોથા અવતાર ભગવાન નરસિંહના મંદિરમાં નરસિંહની એક જ પથ્થરમાંથી બનાવેલ વિશાળકાય ૨૦ ફૂટ ઉંચી મૂર્તિ ભવ્ય દ્રશ્ય ખડું કરે છે. શેષનાગના ગૂંચળા પર પદ્માસનમાં બેઠેલા નરસિંહના ડાબા હાથ પર લક્ષ્મીજી બેઠેલાં હતાં, જે હાલ નષ્ટ થયેલ છે. મૂર્તિની ઉપર શેષનાગની સાત ફેણનું છત્ર અને તેની બંને બાજુ કલાત્મક તોરણથી અદભૂત ઉઠાવ આવે છે. આ મંદિર ઓપન ટુ સ્કાય છે, એટલે મૂર્તિની ઉપર કોઈ મંદિરની રચના નથી.

૭) બડાવીલિંગ મંદિર:

નરસિંહ મંદિરને અડીને બડાવીલિંગ મંદિર આવેલું છે. અહીં એક જ પથ્થરમાંથી બનેલું લગભગ ૧૦ ફૂટ ઊંચું વિશાળકાય શિવલિંગ છે. શિવલિંગનું વિશાળ કદ જોઈને મોટા (બડા) શિવલિંગ પરથી બડાવીલિંગ મંદિર નામ પડ્યું હશે એવું અમને લાગ્યું. પરંતુ અમારા ગાઈડે જણાવ્યું કે કન્નડ ભાષામાં બડાવી એટલે ગરીબ અને આ મંદિર એક ગરીબ સ્ત્રીએ બંધાવ્યું હતું એટલે તેનું નામ બડાવીલિંગ મંદિર પડ્યું છે.

૮) સાસીવેકાલુ ગણેશ મંદિર:

હોસ્પેટથી હમ્પી આવવાના રસ્તા પર સૌ પ્રથમ મોન્યુમેન્ટ આવે છે સાસીવેકાલુ ગણેશ મંદિર. અહીં એક ટેકરા ઉપર પથ્થરના થાંભલાઓના બનેલા ખુલ્લા મંડપમાં એક જ પથ્થરમાંથી બનાવેલ લગભગ ૧૦ ફૂટ ઉંચી ગણપતિની વિશાળ મૂર્તિ છે.

આ મંદિર આંધ્રપ્રદેશના રાઈના એક વેપારીએ બનાવેલ હતું. કન્નડ ભાષામાં રાઈને સાસીવેકાલુ કહેવાય છે, એટલે આ મંદિર સાસીવેકાલુ ગણેશ મંદિર તરીકે જાણીતું થયું છે. આ મૂર્તિની વિશિષ્ટતા એ છે કે ગણપતિ પારવતી માતાના ખોળામાં બેઠા હોય તેવી મૂર્તિ બનાવેલ છે. મૂર્તિને આગળથી જોતાં ફક્ત ગણપતિ જ દેખાય છે, પરંતુ મંદિરની પાછળના ખુલ્લા ભાગમાંથી જોઈએ, તો નીચેના ફોટા મુજબ પારવતી માતાના ખોળામાં વિશાળકાય ગણપતિ બેઠેલા હોય તેઓ દેખાવ જોવા મળે છે.

આ વિશિષ્ટ ગણેશ મંદિરની મુલાકાત સાથે અમે હમ્પીનાં મુખ્ય જોવાલાયક સ્થળો જોઈ લીધાં હતાં, એટલે અમારા ગાઈડ વિરુપાક્ષે વિદાય લીધી. સાંજ થઇ ગઈ હોવાથી અમે પણ રિક્ષામાં રૂમ પર પાછા આવ્યા.

ત્રણ દિવસમાં અમે હમ્પીનાં મુખ્ય અને અગત્યનાં કહેવાય એ બધાં સ્થળોની મુલાકાત લીધી હતી. આમ છતાં અમુક જાણીતાં સ્થળ જેવાં કે કડલેકાલુ ગણેશ મંદિર, હેમકૂટ ટેકરી, અચ્યુતરાય મંદિર, કોદંડરામ મંદિર, કિંગ્સ બેલેન્સ, ભૂગર્ભ શિવમંદિર, ભોજનશાળા, પટ્ટાભીરામ મંદિર વિગેરે અમે જોઈ શક્યા નહોતા. હમ્પીને પૂરેપૂરું અને ઝીણવટથી માણવું હોય તો પાંચ થી છ દિવસ રોકાવું પડે, એટલાં બધાં જોવાલાયક સ્થળો હમ્પીમાં છે.

હમ્પીથી સીધા બેંગલોર જવા ફક્ત બે જ બસ મળે છે, જે બંને રાત્રે ઉપડતી સ્લીપર કોચ છે. પરંતુ હોસ્પેટથી બેંગલોર માટે ઘણી બસ મળે છે. વળી હમ્પીથી હોસ્પેટ જવા દર પંદર મીનીટે બસ મળે છે. એટલે અમે રાત્રે એસટી બસમાં હમ્પીથી હોસ્પેટ ગયા અને ત્યાંથી આરામદાયક સ્લીપર કોચમાં બેંગ્લોર પરત આવ્યા. આમ એક રોમાંચક પ્રવાસ પૂરો થયો.

છેલ્લે, હમ્પીના પ્રવાસે આવવા ઈચ્છતા મિત્રો માટે થોડી ટીપ્સ આપીને આ લેખમાળા અહીં પૂર્ણ કરું છું:

૧) હમ્પી માટે ઓછામાં ઓછા બે દિવસ તો જરૂર ફાળવજો.

૨) ફુલ્લ સીઝનમાં જવાનું ગોઠવો તો રહેઠાણનું બુકીંગ કરાવી લેવું જરૂરી, પણ શક્ય હોય ત્યાં સુધી ઓફ સીઝનમાં જવાનું જ ગોઠવજો.

૩) જો તમે અંગ્રેજીમાં કમ્ફર્ટેબલ હો તો પ્રવાસ શરુ કરતાં પહેલાં www.hampi.in પર હમ્પી વિષે થોડું જાણી લેજો, જેથી હમ્પીને પૂરેપૂરું માણી શકાય. પરંતુ અંગ્રેજીમાં કમ્ફર્ટેબલ ના હો તો પણ ચિંતા કરવાની જરૂર નથી. મારી આ લેખમાળાની ચારેય પોસ્ટનો અભ્યાસ કરી લેજો એટલે કામ પત્યું!

૪) એટલીસ્ટ વિજયનગર મોન્યુમેન્ટસ જોવા જતી વખતે સાથે ગાઈડને જરૂર લઇ જજો, નહીતર હીરો ઘોઘે જઈ આવ્યો તેવું બનશે.

૫) જો તમને શોખ હોય અને શારીરિક ક્ષમતા હોય, તો અહીં સાઇકલ પર ફરવાની અને ટેકરીઓ પર ટ્રેકિંગ અને બોલ્ડરીંગ (મોટી શીલાઓ પર ચઢવાની) મજા પણ માણવા જેવી છે.

હમ્પીની પ્રવાસકથાના આ ચોથા પ્રકરણ સાથે આ લેખમાળા પૂર્ણ થાય છે. આ લેખમાળા વિષે આપનો ફીડબેક જણાવવા વિનંતી છે.

આ લેખ રંગીન અક્ષરો અને રંગબેરંગી ફોટા સાથે મારા બ્લોગ 'દાદાજીની વાતો' (dadajinivato.com) પર જોઈ શકાશે.