મંગલ
Chapter 4 -- દેવારિકાનું રહસ્ય
Written by Ravikumar Sitapara
ravikumarsitapara@gmail.com
ravisitapara.blogspot.com
M. 7567892860
-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,
‘મંગલ’ નાં આ ચોથા ભાગમાં આપનું સ્વાગત છે. છે. અત્યાર સુધી આપ સૌ લોકોએ મંગલ અને તેનાં સાહસિક અંદાજનો પરિચય મેળવ્યો. જો ન મેળવ્યો હોય તો આગલા ત્રણેય ભાગ વાંચી જવા. અત્યાર સુધી આપણે એ જોયું કે નરબલી જેવી ખતરનાક પ્રથા ના પરિણામસ્વરૂપ જંગલ બહારના કેટલાય માણસોનો જાણતા કે અજાણતા ભોગ લેવાઈ જતો. મંગલે એક મિશનના રૂપમાં આદિવાસીઓની આ જંગલી પ્રથામાંથી સાત લોકોને ઉગારી દીધા અને ખુદના માથે જોખમ વહોરી લીધું. જેના માટે આ જોખમ વહોરી લીધું હતું એ શામજી કોણ હતો ? મંગલ કોણ હતો ? શા માટે તે જંગલમાં તેને બચાવવા આગળ આવ્યો હતો ? શું છે આ દેવારિકા ? આ બધુ જાણવા માટે...
માણો આફ્રિકાના જંગલની રોમાંચક સફર અને વાંચતા રહો આ સાહસકથાનું ચોથું પ્રકરણ
મંગલ ચેપ્ટર – 4 – દેવારિકાનું રહસ્ય
મંગલ ચેપ્ટર – 4 દેવારિકાનું રહસ્ય
ગતાંક થી ચાલું...
‘‘શામજી ? અહી ?’’ મંગલે આશ્ચર્યથી કહ્યું. ‘‘ મને એમ કે ...’’
‘‘ કે અમે નીકળી ગયા હશું એમ ? ’’ મંગલના કહેવાના શબ્દો શામજીએ કહી દીધા.
શામજી અને બીજા સાથે રહેલા આદિવાસીઓ પણ હસવા લાગ્યા. મંગલ શામજીને તો ઓળખી ગયો પણ આ સાથે રહેલા આદિવાસીઓ કેમ હસી રહ્યા હતા તે સમજાયું નહિ. મંગળના મુખ પર આશ્ચર્યનો ભાવ હતો. તેને થોડીક તો સમજણ તો પાડવા લાગી હતી પણ સંપૂર્ણ વિગત જાણવા તે અધીરો બન્યો હતો.
‘‘ આ લોકો કેમ હસી રહ્યા છે, શામજી ? આ લોકો કોણ છે ? ’’ મંગળની આતુરતા વધી રહી હતી.
‘‘ અમને ના ઓળખ્યા ? હું સરમણ, આ કરીમ અને આ ઈમરાન છે. અમને પણ તમે જ છોડાવ્યા હતા. ભૂલી ગયા ? ’’ બધા હસી પડ્યા. મુક્તિની અનુભૂતિ થતા મંગલ પણ થોડી હળવાશ અનુભવવા લાગ્યો.
‘‘ શ્શ્સ...’’ મોઢા ઉપર આંગળી રાખી શામજીએ બધાને ચૂપ રહેવા ઈશારો કર્યો. ‘‘ આદિવાસીઓની છાવણીમાંથી કે કબીલામાંથી જ દૂર આવ્યા છીએ. હજી જંગલમાંથી દૂર જવાનું બાકી છે. કબીલાનું અંતર હજી એટલું દૂર નથી કે તેઓ અપના સુધી ના પહોંચી શકે. અને હવે સાંજ પાડવા આવી છે. જલ્દી થી પગ ઉપાડો. વાતોમાં સમય ના બગાડો.’’
‘‘ હા, ભાઈઓ, શામજી સાચું કહે છે. ’’ કરીમ એની વાત સાથે સંમત થયો.
‘‘ જે આદિવાસીઓ આપણા હાથે માર્યા ગયા છે તેની લાશમાંથી પણ હવે ગંધ આવવા લાગી હશે. હવે નક્કી તેઓને સાચી હકીકતનું ભાન થઈ જશે. માટે બીજી વાર જો પકડાઈ ગયા તો બધાની બલી એકસાથે ચડાવી દેશે અને દેવતા ખુશ ખુશ થઈ જશે. ’’ મંગલે કહ્યું.
થોડી ચિંતા અને તણાવમાં પણ બધા હસી પડ્યા. પરંતુ બધાનાં મન પર અજીબ ડર, ચિંતા જેવાં વિચિત્ર ભાવો ઉપસી આવતા હતાં. બધા બંને એટલું જલ્દી દોડવા લાગ્યા. અંધારું આખા જંગલને ઘેરવા લાગ્યું હતું. સૂર્યનારાયણ પૃથ્વી પરથી પોતાના આછેરા પ્રકાશને પણ સંકેલવા લાગ્યા હતા અને છોડી ગયા અંધારી, ડરામણી, ભયાનક રાત. દિવસે પણ સિંહોની ડણક ભયંકર લાગતી હોય ત્યારે રાત્રીના અંધકારમાં જો આવા સાવજની ચમકતી બે આંખો પણ રોમાંચ સાથે ભયની લાગણી પણ જન્માવે છે. હાથીઓ અને ગેંડાઓ આખા જંગલને સતત ધમરોળતા રહે છે. પણ આ વખતે આ પાંચ મુસાફરોને વધુ ડર જંગલની ઘનઘોર રાત્રિમાં આ જંગલી પ્રાણીઓ કરતા પેલા જંગલી આદિવાસીઓના જંગલી રિવાજો સામે હતો. આ રાત્રી તો એક રીતે તેમના માટે રક્ષણ માટે હતી.
રાત્રીમાં તેઓ થોડે આગળ ગયા. ત્યા મશાલનો પ્રકાશ જોવા મળ્યો. પાંચેય ત્યાં ગયા. ત્યાં એક ઝૂંપડા જેવું બાંધેલ હતું. બધા ત્યાં ગયા. મંગલ જેવો ઝૂંપડા પાસે ગયો ત્યાં તેની નજર ત્રણ ગોરા લોકો પર પડી. ગોરા લોકો મંગલને જોઈ ખૂશ થઈ ગયા અને તેને ઓટલા પર બેસાડ્યો. મંગલ આ ગોરા લોકોને થોડી વાર મશાલના પ્રકાશમાં જોઈ ઓળખી ગયો. ‘‘ તમે ? આદિવાસીઓની કેદમાં હતા એ જ ને ? ’’ મંગલે સવાલ કર્યો.
‘‘ યસ, વી આર. વી આર થેન્ક્ફુલ ટૂ યુ. યુ સેવ્ડ અવર લાઈફ. ’’ એક ગોરાએ અંગ્રેજીમાં મંગલનો આભાર વ્યક્ત કર્યો.
‘‘ મંગલ, યુ આર બ્રેવ. ’’ બીજા ગોરાએ પણ મંગળની બહાદૂરીના વખાણ કરતા કહ્યું.
‘‘ મંગલ, આઈ એમ જ્હોન, હી ઈઝ જ્યોર્જ, માય યંગર બ્રધર એન્ડ હી ઈઝ થોમસ, માય ફ્રેન્ડ. વી આર ફ્રોમ ઈન્ગ્લેન્ડ. ’’ ત્રીજા ગોરાએ ત્રણેયનો પરિચય આપ્યો.
‘‘ હવે પહેલા બધા પેટપૂજા કરી લો. જંગલમાંથી સારા સારા ફળો મળ્યા છે તે લઈ આવ્યા છીએ. ’’ ઈમરાને અંદર આવતા જ કહ્યું. ઇમરાન અને કરીમના હાથમાં ફળોનો મોટો ટોકરો હતો. જંગલમાંથી ઘણા ફળો તેઓ તોડી લાવ્યા હતા. ‘‘ ઈમરાન અને હું બંને આ જંગલના ઘણા બધા વિસ્તારોમાં ચક્કર મારતા રહેતા. આથી જંગલના ઘણા ફળોની, વૃક્ષોની જાણકારી અમને બંનેને છે. ’’ કરીમે કહ્યું. બધા ફળો પેટ ભરીને ખાધા. આજે ઘણા દિવસે મુક્ત હવામાં, કંઈક સારું ખાવાનું મળ્યું હતું. પેટને પણ તૃપ્તિ થઈ હતી.
જમીને બધા વાતોએ વળગ્યા. મંગલે પોતાનો સવાલ બધાની સમક્ષ રાખ્યો. શામજીએ તેના પ્રશ્નનું નિરાકરણ લાવવા હવે ઉચિત સમય છે તેમ સમજી પોતાની વાત આગળ વધારી.
‘‘ મંગલ, મને ખબર હતી કે કોઈ પણ સંજોગોમાં તમે પોતાનાં પ્રાણ જોખમમાં મૂકીને અમને બચાવશો જ. જયારે અમને બધાને તમે બચાવી લીધા પણ તમારી માથે સંકટ આવ્યું ત્યારે તમે ચૂપચાપ રહ્યા બરાબર ને !’’
“ હા, પણ તમે તો બધા ભાગી ગયા હતા ને ? ”
મંગલે બધાની સામે પ્રશ્નાર્થભરી નજર કરી.
“ જી, અમે ભાગી જરૂર ગયા હતા પણ ફક્ત શામજીના કહેવાથી. ” સરમણે કહ્યું.
“ હેં ?”
“ વાત એમ છે કે ચોકીદારોને ખબર ના પડે એટલા માટે મેં પહેલા ઇમરાન, સરમણ અને કરીમને ચૂપચાપ પાછલા ભાગમાંથી કોઈને પણ શંકા ના જાય તે રીતે અંદર દાખલ કરાવી દીધા. આ ગોરાઓ પકડાઈ જશે એ ડરથી તેને જંગલમાં થોડે દૂર પહેલેથી જ ઝૂંપડું બનાવી એક સુરક્ષિત સ્થાન બનાવવા કહી દીધું. હું થોડી વાર ચોકીદારોની વાત સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન કરતો રહ્યો. મને ખબર પડી કે તમને બલિ ચડાવવા માટે લઈ જવામાં આવશે, હું તરત જ કંઈક કરવાનો વિચાર કરવા લાગ્યો. મેં અંદર આવી અને તરત જ બધી વાત ત્રણેયને કરી દીધી. તેઓ પણ વિચારમાં પડી ગયા કે હવે શું કરવું ? ક્યાંક બધાને આ લોકો શૂળે ચડાવી ના દે. પણ અમે જોખમ લેવાનું વિચારી જ લીધું હતું. ” શામજી થોડી વાર થંભ્યો.
“ પછી શું થયું ? ” મંગલે આતુરતાથી પૂછ્યું.
“ અમે હજી દૂર ઊભા ઊભા ચર્ચા કરતા હતા ત્યાં જ ધારણા પ્રમાણે બધાં ચોકીદારો તમને લઈને પેલા ઓટલા પર લાવ્યા. અમે સાબદા થઈ ગયા. ઘણા ગતકડા વિચારી જોયા પણ એકેય કારગત નીવડે એમ હતા અને તમને ગુમાવવા અમને પોષાય તેમ ના હતું. ત્યાં જ સરદારે તમારો બલિ ચડાવવાનો હુકમ કર્યો. તમને બાંધવામાં આવ્યા ત્યાં જ ઈમરાનની નજર તમારા હાથ પર ગઈ. તે આદિવાસીઓના વેશમાં સૌથી આગળની લાઈનમાં હતો. તેની પાછળ કરીમ પણ હતો. ઈમરાને હાથ જોઈ તરત જ જોર જોરથી ‘દેવારિકા’ ના નામનો ઉચ્ચાર કરવા લાગ્યો. કરીમ પણ આ જોઈ જોર જોરથી આ નારો બોલવા લાગ્યો. સરદાર, ભીડ અને પેલો જલ્લાદ આ શબ્દ સાંભળી અવાચક થઈ ગયા અને તલવાર પણ તમારો જીવ ના લઈ શકી.
“ હં... પણ .. મને એ નથી સમજાયું કે આ ‘દેવારિકા’ શબ્દ શું છે અને આ એક શબ્દે મારી જિંદગી કઈ રીતે બચાવી લીધી ? ” મંગલે જીજ્ઞાસા વ્યક્ત કરી.
“ એ કોઈ જાદુઈ શબ્દ નથી પણ આદિવાસીઓ એવા લોકોને દેવારિકા માને છે જે શારીરિક રીતે અપંગ હોય અથવા ખંડિત હોય. ” ઈમરાને કહ્યું.
“ પણ હું ક્યાં અપંગ છું ? ” મંગલે પૂછ્યું.
“ પણ ખંડિત તો છો ને ? હવે તમારા ડાબા હાથનો અંગુઠો અને પહેલી આંગળી જ નથી એ હિસાબે તો તમે ખંડિત થયા ને ? અને એ લોકો ખંડિત લોકોને દેવતાનો પ્રસાદ માને છે. તેમના માટે તમારું સ્થાન સરદાર કરતાં પણ ઊંચું હોય છે. આથી સરદારે તમને પોતાના આસને બિરાજમાન કર્યા. તમને જમાડ્યા.” કરીમે કહ્યું.
મંગલ સાંભળી રહ્યો. “ જે થાય છે તે સારા માટે થાય છે. ” નાનપણમાં સાંભળેલું આજે ફરીથી યાદ આવી ગયું. આજે તેની યાદ દ્રઢ બની ગઈ. તે વખતે તો હું આ કહેવા બદલ તને ખૂબ ખિજાયો હતો પણ આજે તારો આભાર માનવો પડશે. ખરેખર જે થાય છે તે સારા માટે થાય છે. અંગુઠો હોત તો હું ના હોત. ’’
“ મંગલ, મંગલ !! ક્યાં ખોવાઈ ગયા ? આમ મરક મરક હસો છો ? કોને યાદ કરો છો ? ” શામજીએ જરા મસ્તીમાં પૂછ્યું. મંગલ ભાનમાં આવ્યો અને કહ્યું.
“ હં... ના ભાઈ. કોઈ ને નહિ. હવે મને સમજાયું કે જીવ લેનારા અચાનક આટલા બધા મારા પ્રતિ ભાવુક કેમ થઈ ગયા. આ લોકોની અંધશ્રદ્ધા પણ ગજબ છે નહિ ? ક્યારે કોઈનો જીવ લઈ લે ને ક્યારે પગે પડી જાય. ખરેખર મોટી અજાયબી છે આ લોકો. ”
“ હા એ તો છે પણ મને એ નથી સમજાયું કે તમે આ જગ્યાએ અચાનક ક્યાંથી આવી ગયા ? અહી આવવાનું કારણ સમજાયું નહિ ? ” શામજીએ વેધક પ્રશ્ન કર્યો.
મંગલે ગળું ખોંખારીને માંડીને વાત કરી.
“ ભાઈઓ, હું અહી આફ્રિકાની દરિયાઈ પેઢીમાં છેલ્લા ચાર વર્ષોથી કામ કરું છું. શરૂ શરૂમાં હું કિનારે જતાં આવતા વહાણોમાં માલ સામાનની ઘણી વાર લૂંટફાટ થતી ત્યારે માલ અને લોકોનાં દેખરેખ માટે ફરજ બજાવતો. એટલે એમ ગણો ને કે મારું કામ ક્યાંય એક જગ્યા એ રહેતું નહિ. જ્યાં પેઢીના વેપાર માટેના માલવાહક જહાજો જતા હોય ત્યાં અને વણજારો સાથે મારે અને મારા બીજા સાથીઓની ટુકડીઓ પણ જતી. અમે ઘણી વાર આવા જંગલોમાંથી પણ નીકળ્યા છીએ. અમારી દેખરેખ હોય એટલે લગભગ લૂંટ થવાની શક્યતા પણ ના રહેતી. ઘણી વાર બીજી પેઢીઓ પણ અમારી આખી ટૂકડીની સેવા પણ લે છે. ’’ આટલું કહી પાણી પી ને મંગલે પોતાની વાત આગળ વધારી.
‘‘ એક દિવસ અમારાથી થોડા દૂરના વિસ્તારમાં આવેલી પેઢીના માલિકે અમારે ત્યાં એક પ્રસ્તાવ મોકલ્યો હતો. અમારા પેઢીના મુનીમ અને શેઠને જણાવાયું કે જંગલમાં તેના ત્રણ માણસો ગયા હતા. ત્યાના એક કબીલાના આદિવાસીઓએ તેમાંથી એક ને પકડી લીધો હતો. બાકીના બે નાસી છૂટવામાં સફળ થયા હતાં. તેઓએ આવીને પેઢીમાં જાણ કરી. ઘણા લોકોએ શોધખોળ ચલાવી પણ કોઈ પરિણામ ના મળ્યું. અંતે તેમણે ક્યાંકથી અમારા વિષે સાંભળ્યું અને અમારી પેઢીએ આવ્યા. અમારા શેઠને જઈને પૂછ્યું, ‘‘ તમારે ત્યાં મંગલ કોણ છે ? અમારે તેનું ખાસ કામ છે. ’’
શેઠે પહેલા બધી વાત જાણી. પહેલા તો શેઠનું મન ના માન્યું પણ પછી અમારી ટૂકડીના માણસોને આ કામ સોંપ્યું. એટલે અંતે મને બોલાવ્યો. હું ત્યાં આવ્યો એટલે તરત જ તમારી પેઢીનાં શેઠ અમને વિનંતી કરવા લાગ્યા કે અમારો માણસ શામજી ત્યાં આદિવાસીઓના કબજામાં છે. ત્રણ મહિના થઈ ગયા છે. આજ સુધી તેનો પતો નથી લાગ્યો. તેના ઘરનાં લોકો પણ ખૂબ ચિંતામાં છે. તમારા વિષે સાંભળ્યું એટલે તમને મળવા દોડી આવ્યો. હવે તમારી હા કે ના નો જ આધાર છે. ના ના પાડશો. એ પણ તમારા મારા દેશ - મુલકનો છે. આપણો ભાઈ જ છે. તમે તૈયાર છો ને, મંગલ ?
તમારા શેઠની આશા, તમારા કુટુંબની જીવાદોરી, તમારી જિંદગીનો આધાર – સઘળું મારી એક હા માં જ હતું. અંતે મેં હા કહી દીધી.
To be continued…
Wait for next part….