માણસાઈના દીવા - 18 Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માણસાઈના દીવા - 18

માણસાઈના દીવા

( 18 )

પહેલી હવા

ઝવેરચંદ મેઘાણી

૧. કાળજું બળે છે

બોચાસણના આશ્રમમાં મને બહારવટિયા બાબર દેવાના ભાઈનો મહારાજે ભેટો કરાવ્યો, અને જાણ્યું કે એની મા હેતા હજુ જીવતી છે. કહે કે, "એ રહી—ઢોરાં ચારે." આ રામા દેવા આજે ખેડૂત છે. બાબરના બહારવટા ટાણે તમામ કુટુંબ સહિત કેદમાં ગયો હતો. પછી આખું કુટુંબ વિજાપુર 'સેટલમેન્ટ'માં પુરાયું હતું. જમીન સરકારે ખાલસા કરી નાખી હતી. આજે ફરી વાર પાછા એ ભાઈઓ ખેડુ બન્યા છે, ને પારકી જમીનો ખેડે છે. રામો રવિશંકર દાદાને વીનવતો હતો:

"એંહ–આમ જુઓ, મહારાજ ! અમારી જમીન પાછી અલાવવાનું કંઈ કરો. અમારું કાળજું—એંહ, આંઈ (છાતી બતાવીને) ભીતરમાં કાળજું બલે છે." એમ બાળક જેવો કંઈ કંઈ બોલતો ગયો. ને વાઘદીપડા જેવા પાટણવાડિયાઓને કાબુમાં રાખનાર કળાધર રવિશંકર મહારાજ આ બધું સાંભળતા શાંત મોઢે સહેજ મોં મલકાવતા બેઠા હતા.

મેં પૂછ્યું : "તમારે દીકરો છે કે ?"

એ કહે : "હોવે, જુવાન છે. અને , એંહ, બરોબર બીજો બાબરિયો જ જોઈલો ! એ જ શિકલ ! એ જ મોં ! બરાબર બીજો બાબરિયો ! હે–હે–હે..." કહેતો કહેતો એ ચકદાર કાળી ચામડીવાળો આદમી ગર્વભર્યું હાસ્ય ગજવી રહ્યો.

બાબર દેવાનું ગામ ગોરેલ આંહીથી એકાદ ગાઉ છે. એક જ ચોરી—અને એટલા બીજારોપણમાંથી ભયંકર વિષવૃક્ષનો આવો વડવિસ્તાર : કેટલી કેટલી જિંદગીઓની બરબાદી થઈ ગઈ, એ વિચારતો વિચારતો હું આ બાબરના ભાઈ રામાની કેટલીક વાતોમાંથી એ જાતિના ઊંચા શીલ પણ ઉકેલતો હતો. એ કહે કે—

"અમારે તો સાહેબ, દસ જ રોટલા હોય; ને ઘેરે એંશી મહેમાન આવ્યાં હોય, તોયે બધાં ધરાઈને ઊઠે." એટલે કે મહેમાનો યજમાનની આબરૂ ઉઘાડી ન પડી જાય તેની એટલી કાળજી રાખે કે ઓછી રસોઈમાં પણ પોતે ભૂખ્યા રહ્યાનું કળાવા ન દ્યે.

"કોઈ ઠેકાણે જમવા બેઠાં હઈએ, એક જ જમનારો પીરસનારને એમ કહે કે, "ના, હવે નહિ જોઈએ' ને તરત હાથ ધોઈ નાખે, તો બાકીનાં સર્વ સમજી જાય કે કશીક મુશ્કેલી છે, અને શાન્તિથી—પૂરાં ખઈ રયાં હોય તેવી રીતથી—ઊઠી જાય; એટલું જ નહિ પણ પાછળથી કોઈ કદી બીજાને વાત પણ ન કહે કે શી શંકા ઉપરથી ભૂખ્યાં ઊઠ્યાં હતાં."

ગુજરાતની ચોરડાકુ ગણાતી આ ખમીરવંત કોમની આટલી ઊંચી ખાસિયતો અવલોકતો હું મહારાજની સાથે આગળ વધું છું, અને મહીના કાંઠા તરફ જાઉં છું. મહીનાં કોતરો જોવાં છે, મગરો જોવાં છે અને એ પાણી જોવું છે કે જે નથી તીર્થોદક, નથી પીવાના પણ ખપનું, નથી નહાવાને પાત્ર, છતાં જેના સોગંદ આ મહીવાસીઓ પર ગીતાના સોગંદ જેટલી અસર ધરાવે છે.

'ખા મહીના.'

'પી મહી !'

— એ છે કોઈ પણ ગુનો કરનારને મનાવવાનો મંત્ર. એણે ગુનો કર્યો હશે તો કદી મહીના (સોગંદ) નહિ ખાય, કદી મહી —એટલે મહીના પાણીની અંજલી—નહિ પીએ. ગુનો કબૂલ કરી દેશે, જેલમાં જવા—ફાંસીએ જવા—તત્પર થશે, પણ મહીના નામને નહિ લોપે.

એટલા માટે થઈને મહીના પાણીનો બાટલો સરકારી અદાલતમાં રાખવામાં આવે છે !

આ રામા દેવાનો 'એંહ ! અંઈ કાળજું બલે છે, હો !' એ બોલ પકડીને હું બોચાસણમાં સૂતો.

***

૨. કરડા સેવક નથી

જેનું નિર્માણ હવે ઝાઝું દૂર નથી તે ઝડપે ચાલી આવતી 'ગુજરાત યુનિવર્સિટી'ના સર્જકોને મારી આ ભલામણ છે કે, તમારા પ્રત્યેક વિદ્યાર્થીને છેલ્લી પદવી આપતાં પહેલાં એક શરત મૂકજો : ગુજરાતના ચોક્કસ પ્રદેશો પૈકીના એકાદનું પર્યટન તો તેણે કર્યું હોવું જોઈએ.

૨૯ વર્ષની જૂની મારી 'બી.એ.' ની ઉપાધિને મેં આ પ્રવાસથી પાકી થયેલી માની છે. ગુજરાતના પગપાળા પરિવ્રાજક અને નિરંતર ચલનશીલ લોકસેવક મહારાજ રવિશંકર દાદાએ મને ફક્ત ચાર દિવસ અને પાંચ રાતનો એક ટૂંકો પ્રવાસ કરાવ્યો; ચરોતરના મહીકાંઠાનું ફક્ત પંદરેક ગામોનું કૂંડાળું દેખાડ્યું. પણ એક નાના ચાટલા (અરીસા)માં મહાકાય આકાશનું દર્શન સમાઈ રહે છે. એક છીપલી જેવડી આંખ અસંખ્ય જીવાજીવની બહોળી દુનિયાને આવરી લે છે. અમારી એવી આંખ મહારાજ હતા. એમણે એ નાનકડા કુંડાળે મને સચરાચર સુઝાડ્યું. માનવીઓ જ માત્ર નહિ, પણ માટીના થરપોપડા, માર્ગે ઊભેલ વનસ્પતિનાં વૃક્ષેવૃક્ષ, પશુપંખી ને આકાશના નક્ષત્રોય ઓળખાવ્યાં. એનાથીયે મોટો તો પોતાનો અનુભવપુંજ આટલાં વર્ષોથી સંગ્રહાયેલો છે તેના બહોળા સીમાડામાં મને કુમાશભરી માવજત કરીને ફેરવ્યો.

જાણ હતી કે મહારાજ તો માત્ર પહેર્યે લૂગડે, વધારાનું એક પંચિયું રાખીને, ફરનારા પગપાળા પરિવ્રાજક છે. માનેલું કે એમની રીતને અનુસરવું રહેશે, એટલે દોઢ જ જોડી કપડે હું જોડાયો હતો, ને પગને જરા થાબડી જૂના દિવસોની યાદ આપી ઉત્સાહ ચડાવી રાખ્યો હતો. પણ મહારાજે મારા માટે થોડા આશ્ચર્યને છુપાવી રાખ્યું હતું. મારા સાથીએ તો મને નિર્ભય બનાવ્યો હતો કે, 'દાદા એવા કરડા અને શુષ્ક લોકસેવક નથી, આપણી શક્તિ–મર્યાદાને સમજનારા અને તે મુજબ મમતાથી આપણી સર્વ ત્રુટિઓને સાચવી લેનારા છે.' એ સાચું નીકળ્યું. વાહનમાં પૂર્વે ન બેસનારા વ્રતી જેવા મહારાજે અમારે માટે તો બોચાસણ–આશ્રમની દૂધ જેવા બે સફેદ બળદોવાળી ડમણી જોડાવી.

***

૩. ’નિર્મૂલી’ અને સરકાર

ઊપડ્યા ત્યારથી છેક અમદાવાદ સ્ટેશને જુદા પડી ચાલી નીકળ્યા ત્યાં સુધી એમણે મારા માટેનો જંગમ અધ્યાપનવર્ગ ચાલુ રાખ્યો હતો. પહેલું ગામડું હજુ આવવાનું હતું. પણ વૃક્ષો તો માર્ગે ઊભાં જ હતાં. નવા પ્રદેશની સાચી પિછાન એની વનૌષધિના પરિચય વગર અધૂરી રહે, પૂછતો ગયો :"દાદા, આ શું ?" એ ઓળખાવતા ગયા : "આ કાંકર કહેવાય. ખેતરો ને વાડીઓ ફરતાં એ ઝાડ તો ગઢ–કોટ જેવાં ઊગી પડે. એની વાડમાં કોઈ સોંસરું જઈ ન શકે."

"આ ?"

"એ ચીતળો. એના મૂળ ઘસીને શરીર પર લગાડે તો ફોલ્લા ઊપડે."

" ઓ હો ! ત્યારે તો અમુક રોગો પર 'બ્લિસ્ટર ઉપડાવવાની તબીબી સગવડ કુદરતે જ યોજી રાખી છે ને શું !"

"આ ધોળી આકડી. એના મૂળિયાંમાંથી ગણેશાકૃતિની ગાંઠ નિકળે છે."

"આ ઝાડ પર પથરાઈ પડેલી સોનાના તાર જેવા અસંખ્ય ચળકતા તાંતણાવાળી વેલ : તેને લોકો કહે છે 'અંતર–વેલ.' સંસ્કૃતમાં શબ્દ છે — 'નિર્મૂલી' ; મૂળિયાં એને હોય નહિ. પૃથ્વીમાં ઊગવાની એને જરૂર નહિ. એકાદ કકડો લઈ અમુક ઝાડ પર નાખી દો એટલે બારોબાર એ ઝાડમાંથી જ પોષણ લઈને નિર્મૂલી આટલી બધી વિસ્તરે છે. માટે જ હું અંગ્રેજ સરકારને લોકો કને 'નિર્મૂલી' અથવા 'અંતર-વેલ' કહી ઓળખાવું છું !"

***

૪. પગને આંખો હોય છે

ઉપમા કેટલી સંપૂર્ણપણે બંધબેસતી છે. એનો વિચાર કરી લઉં તે પૂર્વે તો ગામ આવ્યું. કહે કે, "આ ઝારોળા—બહારવટિયા બાબર દેવાની બહેનનું ગામ : જે બહેન એની સાથે લૂંટમાં જોડાતી ને જેને બાબરે શક પરથી ગોળીએ ઠાર મારેલી. ચાલો અંદર."

ગામને પરવાડે જ આવેલા પાટાણવાડિયાના ફળિયામાં લઈ ગયા. ભેંસો છાણમાં રગદોળાતી પડી છે. (કાંઠાના પ્રદેશમાં જાહેર ચરિયાણ નથી. ભેંસો લગભગ ઘર-ખીલે જ બાંધી રહે છે.) વાસીદાં પડ્યાં છે. વચ્ચે એક ખાટલો છે. "મહારાજ આયા ! મહારાજ ચ્યોંથી ! અહાહા ચેટલાં વર્ષે આયા ! જેલમાં હતા ? મહારાજ (એટલે ગાંધીજી) ક્યાં સે ? જેલમેં ? અલ્યા, ગોદડું લાય તો !" "ના, અમે બેસશું નહિ," "ચ્યમ વારુ ?" "આમ કાંઠામાં જવું છે." "ઓ તારીની ! રોકાશો નહિ ? દૂધ પણ નહિ ? અરેરેરે ! આમ તે અવાય ! લો તારે, પધારજો ફરી વહેલા વહેલા ! એ પધારજો, મહારાજ ! એ , જેજે, મહારાજ !"

બહાર નીકળીને મહારાજ કહે : " આ મારાં યજમાનો. આમને ત્યાં જ હું ઉતરું ને તમે જે પેલી જોઈ તેવી ગોદડીમાં સૂઈ રહું. એમની પરસાળ દીઠીને, તેમા એકાદ ઠેકાણે મંગાળો પેટાવી તપેલીમાં ખીચડી પકાવી ખાઈ લઉં. આજે તો હું ઘણાં વર્ષે અહીં આવું છું. પણ આંહીં હું કામ કરતો ત્યારે રાત ને દિન હીંડ્યા જ કરતો. વચ્ચે દરેક ગામે આ લોકોના દરેક ફળીમાં જઈ, બાળબચ્ચા ને સ્ત્રીઓના ખબર અંતર પૂછી હું બીજે ગામ ચાલી નીકળતો. પેલો હતો તે બાબરનો બનેવી. એણે બૈરીને કાઢી મૂકી હતી; કારણ કે એ રઝળુ હતી."

મહારાજના આ શબ્દો કાન સાંભળતા હતા, ત્યારે કલ્પના પાછળ જતી હતી—પેલી ગંદામાં ગંદી ગોદડી ભણી. એ મચ્છરોને જીવાતોથી ભરેલાં ફળિયાં ભણી. મહારાજનું એ બિછાનું. રસોડું ને બેઠકગૃહ. એક ટંક બે મૂઠી ખીચડી અહી રાંધી લઈને વગર ઘીએ—કોઈ વારતો વગર નીમકે ને હળદરે—ચોવીસ કલાકમાં એક ટંકનો આહાર. એક જ ટંકનું જળપાન, બસ, પછી ચલો–ચલો–ચલો ! તાપમાં, ટાઢમાં, વૃષ્ટિમાં , પ્રકાશમાં કે અંધકારમાં—નિરંતર ચાલ્યા જ કરવાનું ગમતું. કહે કે, "ખરો આનંદ મને વધુમાં વધુ અંધારી રાત્રીએ ચાલવામાં પડે, કોઈ દેખે નહિ: સંપૂર્ણ એકલતા. ચાલતે ચાલતે આંખો ઊંઘતી હોય છતાં પગ તો ચાલ્યા જ કરતા હોય. હું કદીએ ભૂલો પડું નહિ ! ગમે તેવા વિકટ મહિ–કોતરોમાં પણ મારા પગ સાચે રસ્તે ચાલ્યા કરે; એટલે જ લોકોને કહું છું કે માણસના પગને આંખો હોય છે."

***

૫. લક્ષ્મી સ્વપ્નામાં આવી

ત્યાં તો ગુજરાતની ચળકતી આંખ સરીખું ગામ રાસ આવ્યું . ગામની બહાર ગાંધી–આશ્રમ છે. સ્વચ્છ દવાખાનું છે, જગ્યા છે, ખેતર છે. યંત્રથી કૂવાના પાણી ખેંચાય છે; ખેતરો પીએ છે. નવી જમીન સાફ થઈ રહી છે. કાપેલાં લાકડાં વ્યવસ્થિત ઢગલે ગોઠવાઈ રહ્યાં છે. જમીન માપવાનું ચાલે છે. એ ચાલે છે 'સ્વ. કસ્તુરબા સ્મારક ઇસ્પતાલ'ના ખાતમુરતની તૈયારી.

મહારાજ કહે : "આ ગામે એકલાએ કસ્તુરબા સ્મારકમાં એકવીશ હજાર રૂપિયા ભર્યાં છે. એમાં મુસ્લિમોએ પણ ભર્યા છે. કોળીનાળીએ, ઢેઢભંગીએ—એકેએક જણે ફાળો આપ્યો છે. રાસ ગામની આ વિશેષતા છે. ૧૯૨૨થી આ ગામ રાષ્ટ્રની લડતમાં મોખરે રહ્યું છે, '૩૦ની લડતમાં અહીંની હજારો વીઘાં જમીનો 'ના–કર'ને કારણે ખાલસા થઈ, અને અમલદાર આવ્યો. અમારા ભોળા ગરાસિયાઓને (બારૈયા–ઠાકરાડાઓને) કહે કે, 'લક્ષ્મી મારા સ્વપ્નામાં આવી અને કહી ગઈ કે, મેં જ ગાંધીને ઊંધી મતિ સુઝાડી છે; કારણ કે ગરાસિયાઓને મારે ઊંચે આણવા છે. માટે, ગરાસિયા ભાઈઓ, લઈ લો ! 'એમ કહી જમીન પાણીના મૂલે લેવરાવી. લોકો શાંત રહ્યા, 'ગાંધી–અરવીન કરાર'માં એ પાછી ન મળી. છેક કૉંગ્રેસ સરકારે પાછી આપી. ને વલ્લભભાઈએ કહેલું કે, 'જમીન તો ઢોલ–ત્રાંસા વગાડતી તમારી પાસે પાછી આવશે." એ મુજબ એની સોંપણી ટાણે અમે ઢોલ–ત્રાંસા વગાડેલાં."

***

૬. મોતી ડોસા

"અમારે અહીં એક મોતીભાઈ ડોસા હતા. મરી ગયા '૩૦ની લડતમાં બીજા ઘણાને પકડાયા, પણ એમને રાખી દીધા. એક દિવસ એ પત્રિકા વાંચતા પકડાયા. પોલીસ–વડાને એની વૃદ્ધાવસ્થા દેખી દયા આવી. એના પરનો ખટલો રોળીટોળી નાખવા માટે પૂછ્યું : 'કેમ ડોસા, આ પત્રિકા તો તમને કોઈએ મોકલી હતી ને ?' ડોસાએ જવાબ દીધો 'શું કહો છો ? મોકલે ? કોઈક મને મોકલે ? શી વાત કરો છો ! હું રીતસરનો એનો ગ્રાહક છું. હું, સાહેબ આજકાલનો નથી— '૨૨થી સત્યાગ્રહી છું.' એમ ગુનો કબૂલ કરી જેલમાં ગયેલા. બહાર આવ્યા પછી જમીનો તો ઝંટવાઈ ગયેલી; પોતે વૃદ્ધ ને જીર્ણ બનેલા. અમે એમને મદદ આપવા કહ્યું ત્યારે એ રોષ કરીને બોલી ઊઠેલા કે, 'હું મદદ લઉં ! હું પારકે પૈસે નિર્વાહ કરું ! મને જાણો છો ? હું તો રાણા પ્રતાપનો વંશજ છું. ' દૈવ જાણે શાથી એમણે પોતાને પ્રતાપવંશી કહ્યા ! પણ એ મોતી ડોસાની તદ્દન બેહાલી વચ્ચે પણ એમના આવા અરમાનથી એની કુલીનતા પ્રકાશી ઊઠી. એને ઘેર સારાવાળાઓએ કન્યા આપી, ને એની કન્યા સારાવાળાએ રાખી."

રાસને ગુજરાતની કસુંબલ આંખ બનાવનારા આવા માણસનો ઇતિહાસ મહારાજ પાસેથી પહેલી જ વાર સાંભળતા સાંભળતા, આ ગામને પોતાની કેટલીયે કુરબાનીઓ વડે પાણી ચડાવનારા, જમીનો ગઈ હતી ત્યારે ગામની ગાળો ખાનારા, આજે તો પ્રિય થઇ પડેલા, હસ્યા જ કરતા ને કસ્તુરબા સ્મારક માટેના બીજા ચાલીસેક હજારે પહોંચેલા ઉઘરાણાની ઝોળી ગામેગામ ફેરવવામાં મશગૂલ એવા લોકસેવક શ્રી આશાભાઈની મૂંગી યાતનાઓનો વૃત્તાંત વર્ણવતા મહારાજ સાથે અમે આગળ વધ્યા.

***