Kshudhit haiya pyasa man books and stories free download online pdf in Gujarati

ક્ષુધિત હૈયા પ્યાસા મન

ક્ષુધિત હૈયા પ્યાસા મન

“खामोश चेहरे पर हजारों पहरे होते है

हंसती आखों में भी जख्म गहरे होते है “

गुलझार.

સૂરજ તો રોજ સવારે ઉગે છે અને સાંજે આથમે છે. તે તેનો નિત્ય ક્રમ છે. માલતીના જીવનમાં પણ આવા કેટલાય સૂર્યોદય અને સર્યાસ્ત થયા હતા. પણ આજનો સૂર્યોદય જ કઈં વિશિષ્ટ હતો. ના .. ના ...તે ઉગ્યો હતો તો પૂર્વમાં જ અને તે પણ નિયત સમયે જ છતાં આજે તે માલતીના જીવનમાં એક સોનેરી દિવસ લાવ્યો હતો. તેની અમેરિકન કમ્પની તરફથી તેની ટ્રાન્સફરનો ઑડર તેના હાથમાં હતો. એક અઠવાડિયામાં જવાબ આપવાનો હતો અને જો તે ઑફર સ્વીકારે તો એક મહિનામાં તેણે અમેરિકા પહોંચી નવી પોસ્ટનો ચાર્જ સ્વીકારી લેવાનો હતો.બગાસું ખાતાં પતાસું મોંઢામાં આવી ગયા જેવો ઘાટ હતો.

૦-૦-૦

મયંક એન્જિનિયર હતો.માલતી સોફ્ટવેર એન્જિનિયર હતી. મયંકને અમેરિકા જવાની ઘણી ઈચ્છા હતી, અને તે ઘણો ટ્રાય કરતો હતો પણ પત્તો ખાતો નહોતો.એચ વન વીઝા માટે તેના પ્રયત્નોતો ચાલુ જ હતા. માલતીને અનાયાસે મળેલી આ તક ઝડપી લેવા તેણે આગ્રહ કર્યો. લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે તો હવે મોંઢું ધોવા ના જતી. તું જા હું પાછળ આવુ જ છું.

૦-૦-૦

માલતીના પિતા માલતીને ફક્ત ૧૦ વર્ષની ઉંમરે લલીતાને સોંપી, સ્વર્ગે સિધાવ્યા હતા. લલીતા બેન એક સ્કૂલ શિક્ષિકા હતા. એકલે હાથે અનેક મુશ્કેલીઓ વેઠી માલતીને તેમણે ઉછેરી અને ભણાવી હતી. માલતીએ માતા લલીતાના જીવનની લીલીસૂકી અંધકાર અને ઉજાસ જોયા હતા. વાસ્તવિકતા અને કલ્પનાની રમત જીવનભર સતત ચાલ્યા કરતી. આ રમતનો રોમાંચ તેણે જોયો હતો દુઃખ અને મુશ્કેલીનો તેમને ડર નહોતો પરન્તુ જે ડર માયાવી સૃષ્ટિ પેદા કરતું તે ક્યારેક થથરાવી દેતું, એવે વખતે આસમાની સુલતાની જેવી ભેદી સૃષ્ટિ સર્જાતી ત્યારે એક માત્ર પ્રભુ સમરણનો આશરો અનાયાસે થઈ જતો.

મમ્મી ઑફીસમાંથી ટ્રાન્સફરનો ઑર્ડર આવ્યો છે. જો સ્વીકારૂં તો અહિંથી અમેરિકા જવું પડશે. તને અહિં એકલી મુકીને જવાનો મારો વિચાર નથી. સ્ટાફના બધા જ સભ્યોએ મને અભિનંદન પાઠવ્યા છે.જેઓને પરદેશ જવાની ઈચ્છા છે તેઓને આથી ઈર્ષા થાય છે. જ્યારે પરદેશ જવાની મારી બીલકુલ મરજી નથી ત્યારે 'ન માગે દોડતું આવે છે ' મયંકને અમેરિકા જવાનું બહુ ઘેલું છે. તે મને કહે છે કે આવી તક જીવનમાં વારંવાર નથી આવતી.

હા માલુ !તેમની વાત તો સાચી જ છે. સર્વિસમાં આવતા પ્રમોશનનો જો અસ્વીકાર કરો તો બોસની નજરમાંથી તમે ઉતરી જશો. તેઓ તેનું અર્થ ઘટન એવું કરશે કે તમે જવાબદારીથી છટકવા માંગો છો. એટલું જ નહી પણ આ જગ્યાએ ચીટકી રહેવા પાછળ કોઈ છૂપો સ્વાર્થ છે.

હા મમ્મી મારા બોસ દીનદયાળનું પણ આવું જ માનવું છે. તે તો કહે છે કે ત્યાંની આધુનિક સગવડો, રહેણીકરણી, છોકરાઓના એજ્યુકેશન, ઓફીસના કામકાજ વગેરેથી લાઈફ સુધરી જશે. મમ્મી આ બધું ખરૂં પણ તને અને મયંકને મુકીને જતાં મારો જીવ નથી ચાલતો. જો કે મયંકનું તો દીનદયાળ સાહેબ કહે છે કે ત્યાંના બોસ રંગનાથન બહુ ભલા માણસ છે. તે મયંકને કોઈક ઠેકાણે ગોઠવી દેશે.

અરે ! ગાંડી અમેરિકામાં આપણા જેવું નથી ત્યાં તો 'એક ઢૂઢો હજાર મીલે' ત્યાં નોકરી વધુ અને માણસો ઓછા છે. નોકરીની પુષ્કળ તકો છે. જેને કામ કરવું હોય તેને કામ મળી રહે છે. ત્યાં કામનું મહત્વ છે, માણસનું નથી.

માલુ મારી ચિંતા તું છોડ. હું તો સ્વતંત્ર રીતે રહેવા ટેવાયેલી છું. સાજે માંદે આપણા સગાંવહાલાં અને પડોશીઓ તો છે ને.વળી હવે મારે ક્યાં કાઢ્યાં એટલાં વર્ષ કાઢવાના છે ?

૦-૦-૦-૦-૦

આખરે હા... ના .. હા .... ના ....કરતાં પ્રમોશનનો સ્વીકાર કરી દીધો.કમ્પની તરફથી પેપર્સ આવી ગયા.અને મહિનામાં તો માલતી અમેરિકા પહોંચી ગઈ. કમ્પનીના ગેસ્ટ હાઉસમાં કામચલાઉ વ્યવસ્થા થઈ ગઈ. ઓફીસનું રૂટીન કાર્ય ચાલુ થયું. મી રંગનાથન માલતીના ઇન્ડિઆની ઓફીસના કામકાજથી પરિચિત તો હતા જ અહિં તેમને પ્રત્યક્ષ પરિચય થયો. અઠવાડિયામાં તો આખી ઓફીસનો ભાર ઉપાડી લીધો. સ્ટાફમાં જાગૃતિ અને ચમક જોઈ રંગનાથને ઔપચારીક રીતે પૂછ્યું

માલતી, હાઉ આર યુ ? આર યુ ઓલ સેટ? ઇફ યુ નીડ એનીથીંગ ડુ લેટ મી નો.

સર, આઈ એમ ફાઈન, થેંક યુ, બટ ઈફ યુ કેન હેલ્પ મી ટુ ફાઈન્ડ મી એન એપાર્ટમેન્ટ ?

યા, સ્યોર, વ્હાય નોટ , આર યુ સીંગલ ઓર મેરીડ ?

મેરીડ.

ઑહ ! વ્હોટ યોર હસબન્ડ ડુઈંગ ?

સર, હી ઈઝ એન્જીનીઅર ઈન ઈન્ડીઆ.

ઓ કે આઈ વીલ ડુ ઇટ.

અને બીજા અઠવાડિયામાં તો સ્વતંત્ર ફ્લૅટ મળી ગયો. મયંકને મોકલવાના પેપર્સ પણ તૈયાર થઈ ગયા. અને મયંકનું સોનેરી સ્વપ્ન સિદ્ધ થયું. અમેરિકા આવી તે પણ જોબ ઉપર જોડાઈ ગયો.

૦-૦-૦-૦-૦

અમેરિકન લાઈફ સ્ટાઈલથી બંન્ને ટેવાઈ ગયા. સમય પસાર થતો ગયો. સમયના વહેતાં નીર સાથે પ્રગતીનાં સોપાનો સર કરતાં રહ્યાં. મયંક અને માલતીએ પોતપોતાની કાર્યદક્ષતા હાંસલ કરી કમ્પનીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. માલતીએ પુત્ર નિસર્ગને જન્મ આપ્યો, અને શિક્ષણ માટે સારી સ્કૂલમાં દાખલ કર્યો. લલીતા બહેન અને મયંકના માતા પિતા નિસર્ગને જોવા અને રમાડવા ઘણાં જ ઉત્સુક હતા. પરન્તુ તેઓ તેમની ઉંમરને લઈને અમેરિકા આવવા માટે નાઇલાજ હતા જ્યારે માલતી અને મયંક તેમની જોબનો મેળ સાધી શકતા (સિંક્રનાઇઝ ) નહોતા. સરિતાનાં મીઠાં જળ આખરે ખારા થઈ સિંધુમાં જ સમાય છે ! માલતીનું જીવન પણ આખરે સંસાર સાગર કિનારે આવ્યું.

મયંકને ઓફીસમાં જ એકાએક હ્રદયરોગનો હુમલો આવ્યો, અને ત્યાં જ ઢળી પડ્યો. ઓફીસના સ્ટાફે તરતજ એમ્બ્યુલન્સ બોલાવી હૉસ્પીટલમાં દાખલ કર્યો. ડૉ. એ તપાસી તેને મૃત જાહેર કર્યો. ભારતમાં દરેકને સમાચાર પહોંચાડી દીધા. અહિં કોઈએ દોડીને આવવાની જરૂર નથી. અંત્યેષ્ટિક્રિયા પતાવી તે નિસર્ગ સાથે ભારત આવશે.

મી રંગનાથને તથા ઓફીસ સ્ટાફે પોતાના સ્વજન જેવી આત્મીયતાથી બધી વિધિ પતાવી સૌએ તેને ભાવભરી વિદાય આપી.

૦-૦-૦

ભારતીય પોષાકમાં પરન્તુ અમેરિકન સ્ટાઈલમાં કસ્ટમ ક્લિઅરન્સ પતાવી નિસર્ગને લઈને બહાર આવતાં જ લોકો અમેરિકાના પ્રાણી સંગ્રહસ્થાનનું અજીબો ગરીબ પ્રાણી હોય તેમ તેની સામે એકી નજરે જોઈ રહ્યા, અને એક જણાએ તો એકાએક ઠૂઠવો જ મૂક્યો.આવા વાતાવરણની તેને આશંકા તો હતી જ અને તે અંગે તે તૈયાર જ હતી, જ્યારે નિસર્ગ માટે આ બ્ધું નવું હતું. તે ગભરાઈ માલતીને વળગી પડ્યો. માલતીની સાહેલી નીતાએ પાસે આવી માલતીને આશ્વાસનના બે શબ્દો કહ્યા અને નિસર્ગને છાનો રાખવા પ્રયાસ કર્યો.

નીતા, તમારા સૌની લાગણી હું સમજી શકું છું, પરન્તુ આ જગ્યાએ અને આ સમયે દેખાડો અને પ્રદર્શન કરવાની જરૂર નથી. રીસીવ કરવા આવેલા લોકો આ સાંભળી સ્તબ્ધ થઈ તેને જોઈ રહ્યા.

૦-૦-૦

ગરુડ પુરાણ, કથા વાર્તા,દાન ધર્મ શ્રાદ્ધક્રિયા વગેરેમાં પંદર દિવસની ક્યાંય પસાર થઈ ગયા કાંઈ ખબર ના પડી. રોજ રાત પડે ને ઘરનો વડીલ વર્ગ ભેગો થાય અને પૈસા ટકાની વાતો મયંકનો વીમો, સોશ્યલ બેનીફીટ, કમ્પની તરફથી મળવા પાત્ર રકમ અને અન્ય ફાયદા વગેરે દ્વારા માલતીનો ભાવિ પ્લાન શું છે તેની પૂછપરછ દ્વારા તેના ઉપર કાબુ જમાવવા પ્રયત્નો થતા રહ્યા. તેઓની દાનત મયંકના પૈસા ઉપર હતી તે સમજી ગઈ. હતી.

આ સંજોગોમાં માલતી તેની માતા લલીતા બહેન સાથે વાત કરવાનો મોકો જ ના મળ્યો. આખરે તેણે તેની સાસુને સ્પષ્ટ શબ્દોમાં કહેવું પડ્યું કે તેની જોબ ચાલુ છે, અને તેણે અમેરિકા પાછા જવું પડશે અને તે અમેરિકા જનાર હોવાથી તે લલીતા બહેન સાથે બે ત્રણ દિવસ રહેવા માંગે છે.

તેના સાસુ તો તેની સામું દિગ્મૂઢ નજરે જોઈ જ રહ્યા. તેના સસરા ગુસ્સામાં તાડુક્યા. માલતી તું શું બોલે છે તેનું કાંઈ ભાનબાન છે ? વિધવા સ્ત્રીએ વૈધવ્ય પાળી ખૂણે બેસવાનું હોય અને તું તારી માને ત્યાં અને અમેરિકા જવાની વાત કરે છે ? અમારી લાજ આબરૂનો કઈં વિચાર કરવાનો કે નહિં ? લોકો અમને શું કહેશે ? જરા વિચાર કર.

માલતીએ શાંતી થી જવાબ આપ્યો, બાપૂજી ! મારી જોબ ત્યાં ચાલુ છે અને મયંકનું કામકાજ બધું આટોપવું પડશે તેની બાકી નીકળતી રકમ લેવી પડશે નિસર્ગની સ્કૂલ પડે છે. પૈસાની વાત આવી એટલે તેઓ જરા નરમ પડ્યા, અને સંમતિ આપી.

૦-૦-૦

મમ્મી હું શું કરૂં મને કાંઈ સમજ નથી પડતી. સાસરિયા તો મને અહિં ગોંધી રાખવા માંગે છે.અહિં રહેવામાં મને કોઈ વાંધો નથી, મારી ઓફીસમાંથી અહીં ટ્રાન્સફર કરાવી શકું એમ છું, પરન્તુ આ લોકો મને અહિં નોકરી નહિં કરવા દે અને એકલી ઘરમાં બેસીને શું કરીશ ? નિસર્ગનો અભ્યાસ બગડશે તે જુદો.

મમ્મી આ પંદર દિવસમાં હું તો ત્રાસી ગઈ છું. નિસર્ગને પણ અહિં ગમતું નથી. ચારેકોર શોકાતુર વાતાવરણ, હું શું કરૂં કાંઈ મારી તો વિચાર શક્તિ જ કુંઠિત થઈ ગઈ છે.

માલુ મારી દશા તો તેં જોઈ છે ને, આપણે કેવી મુશ્કેલીમાં દિવસો કાઢ્યા છે ? આપણા સમાજમાં સ્ત્રીનું કોઈ સ્થાન નથી. કુંવારી હોય ત્યાં સુધી બાપ, પરણ્યા પછી ધણી અને વિધવા થાય ત્યારે છોકરાઓનો ચોવીસે કલાક ચોકી પહેરો. સ્ત્રીનો કોઈ સામાજીક દરજ્જો નહિં. લોકોનું ઓશીયાળું જીવન જીવવાનું. ઘરેણું લુગડું પહેરવાનું નહિ, કોઈની જોડે બોલવાનું નહિં ન કોઈ મોજ શોખ કે આનંદ પ્રમોદ.

માલુ, મારૂં માન. તું જ્યાં છે ત્યાં જ સારૂં છે. ત્યાં નોકરી કરજે અને છોકરાને સારૂં ભણાવજે. હવે તો તારો આધાર જ આ છોકરો છે. અને માલતીએ અમેરિકા પાછા ફરવાનો પાકો નિર્ણય કર્યો. રીટર્ન ટીકીટ તો હાથમાં જ હતી. માતાની અને સાસરિયાની રજા લઈ બેક ટુ અમેરિકા.

૦-૦-૦

ઓફીસનું રૂટીન કામકાજ શરૂ થઈ ગયું માલતીના મનમાંથી મયંક્ની યાદ ભુસાતી નહોતી. બધું રાબેતા મુજબ ગોઠવાઈ ગયું. છતાં શરીર અને મોં ઉપર અસર સ્પ્ષ્ટ જણાતી હતી. મોં હસ્તું હતું દિલ રડતું હતું. !

એક દિવસ મી.રંગરાજને માલતીને પૂછ્યું

માલતીઃ વ્હોટ એ બેડ ઈન્સીડન્ટ.!

ઑફકોર્સ સર, ઇટ વોઝ, બટ વી કાન્ટ હેલ્પ ઇટ. વી હેવ ટુ ફેઈસ ઇટ. લાઈફ ઇઝ લાઈક ધેટ.

આર યુ ફીલીંગ લોન્લી ? ડુ યુ વોન્ટ ટુ ગો ટુ યોર હોમ લેન્ડ ? ઈફ યુ વોન્ટ ટેલ મી વિધાઉટ એની હેઝીટેશન .

સાસરિયા તો દહેજની રકમ તથા અન્ય રાચરચીલું દબાવી બેઠા હતા. તેઓ વારંવાર ઈન્ડિયાની ઓફીસ મારફ્તે તપાસ કરાવતા રહેતા હતા. મયંકનો બાકી નીકળતો પગાર, અન્ય બેનીફીટ્સ, તેના બેન્ક એકાઉન્ટ્સની રકમ વગેરેની તપાસ કરાવતા રહેતા હતા. અમેરિકાથી ઓફીસ સ્ટાફનો કોઈ માણસ ભારત જાય તો તરત તેની પાસે જઈ માલતીની બધી વિગત જાણી લેવા કોશીશ કરતા રહેતા હતા.

ધીરે ધીરે કામમાં મન ચોંટતું ગયું. મયંકનો બાકી નીકળતો પગાર, અન્ય બેનીફીટ્સ, તેના બેન્ક એકાઉન્ટ્સની સઘળી રકમ વગેરે બધું જ ભેગું કરી સારી એવી રકમ તેની ઈન્ડિયાની ઓફીસ દ્વારા મયંકના પિતાને ૧૫ -૨૦ લાખ જેવી રકમ મોકલી આપી. મિલ્કત હાથમાં આવવાથી તેઓ ખુશ હતા. મયંક સાથે માલતી અને નિસર્ગને પણ વિસરી ચુક્યા હતા. તેમને માલતી અને નિસર્ગની ચિંતા નહોતી તેમને મયંકના પૈસાની ચિંતા હતી.

"હૃદયને ક્યારેક તમ્મર આવે છે, બુધ્ધિને ક્યારેક ચક્કર આવે છે.

ઘટના કદીક એવી પણ સર્જાય છે, જે લાગણીને પથ્થર બનાવે છે."

...દેવિકાબહેન ધ્રુવ

0-0-0-0-0

સંબંધને માત્ર એક તરફથી જ નહીં, ચારે તરફથી જીવવાનો છે. સુખમાં અને દુઃખમાં પણ એટલી જ જરૂર હોય છે, કોઈને કોઈના વગર આનંદ અધુરો લાગતો હોય તો તેના સુખ દુઃખ વખતે પણ સાથે રહેવું એ પણ સાચો સંબંધ જ છે. સુખ અને દુઃખમાં પણ કોઈનો સાથ સંગાથ જરૂરી છે.

એ જરૂરી નથી કે બધી જ જરૂરિયાતો ધન દોલતથી સંતોષાય, ધનદોલત કરતાં પણ વધુ પાવરફૂલ હોય તો તે છે લાગણી. ઈશ્વરે માલતીને ઘણું બધુ આપ્યું હતું પણ તેને ફક્ત લાગણી ભર્યા મીઠા બે શબ્દોની જ અપેક્ષા હતી. ફક્ત લાગણી ભર્યા બે મીઠાબોલની જરૂર હતી. પણ તે તેના નસીબમાં નહોતા.

જેની સાથે જીવન જીવવાના સોનેરી સ્વપ્નાં જોયાં હતાં તે સુંદર સ્વપ્ન વેરાઈ ગયું, મને તો ઠીક પણ મયંકની નાજુક સ્મૃતિ, આ નિસર્ગ ને પણ તરછોડતા વિચાર ના આવ્યો ! વાહ રે દોરંગી દુનિયા ! માલતી વિલાપ કરતી હતી. એકલતામાં માણસ શું કરે ? સિનેમા નાટક, કે નાઈટક્લબ કે પછી દિવાસ્વપ્ન !

પીડા કરતાં એકલતા ભયંકર છે. પીડા સહન કરી શકાય છે જ્યારે એકલતા સહન કરી શકાતી નથી. નિરાશામાં અને ભગ્ન હ્રદયે માનવી જીવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. પતિની ચીરવીદાય પછી દીવાલ પર તેનો ફોટો અને સુખડનો હાર જોઈને માલતીની છાતી ચિરાઈ જતી હતી. રોજ રાત્રે સુતી વખતે અને સવારે ઉઠતી વખતે નીયમીત મયંકના ફોટા સમક્ષ પ્રાર્થના કરી વિલાપ કરતી.

એક રાત્રે તેને સ્વપ્નમાં મયંકનો ભાસ થયો.

મયંકઃ શું કરૂં ? કંઇ સમજ પડતી નથી. તારી યાદગીરી આ નિસર્ગનું શું થશે ? હું એકલા હાથે કેવી રીતે ઉછેરી શકીશ ? હું હિંમત હારી ગઈ છું. મને કૈંક રસ્તો બતાવ.


મયંકઃ ઈશ્વરે દ્વંદ્વભાવની રચના કરી જ છે. દરેક ચીજને કોઈ ને કોઈનો સંગ છે. ઈશ્વરે મનુષ્યનું સર્જન કર્યું અને તેને બે હાથ બે પગ બે આંખો બે કાન નાક એક પણ નસકોરા બે, હ્રદયમાં પણ બે ભાગ કીડની પણ બે અરે ! સંસારના પણ બે ભાગ પુરુષ અને સ્ત્રી આમ તેમણે દ્વંદ્વભાવની રચના કરી. જીવનમાં એકલતાને સ્થાન જ આપ્યું નથી. કુદરતમાં પણ જુઓ ફૂલોને પતંગિયાની, ઝરણાને સરિતાની, સરિતાને સાગરની ઝંખના હોય છે. તેમ પુરુષને સ્ત્રીની અને સ્ત્રીને પુરુષની પણ ઝંખના હોય તે સ્વાભાવિક છે.

માલતીઃ મને એકલતા તો તારા વગર લાગે જ છે, જે હું જીરવી જાણું છું પણ નિસર્ગના. ઉછેર માટે મારે કોઈનો સહારો જરૂરી છે.

મયંકઃ આંખોથી બરોબર દેખાતું ન હોય તો તેનો ઉપાય યોગ્ય ચશ્મા થી કરી શકાય, હાથપગ ભાગે તો તેને પાટાપીંડી કરાય.આંખો કે હાથ પગને નકામા ગણી તેને ફેંકી દેવાય નહિં. બાગમાં ફુલો તો રોજ સવારે ઉગે છે અને સાંજે કરમાઈને ખરી પડે છે. છોડને ઉખાડી ફેંકી દેતા નથી, બાગ વેરાન-ઉજ્જડ - થઈ જતો નથી. તારા જીવનમાંથી હું ગયો પણ નિસર્ગતો છે, તે કુમળા છોડને માવજત જરૂરી છે. જીવન સાથી ગુજરી જાય તો તેની પાછળ મરી જવાતું નથી. જીવન ગુજારવા માટે જરાક જુદી રીતે જીવવાની આદત કેળવવી પડે છે. પાનખર પછી વસંત આવે એ તો કુદરતી ક્રમ છે. અને કવિએ કહ્યું જ છે ને કે

"ખીલાલે ફુલ કાંટોમેં, સજાલે અપને વિરાને;

તેરે કામ આયેંગે પ્યારે તેરે અરમાં તેરે સ્વપ્ને "

આપણાં અરમાન અને સોનેરી સ્વપ્નાં સાકાર કરવા કંટક ભર્યું જીવન તારે જીવવાનું છે. મુશ્કેલીમાંથી રસ્તો કાઢવાનો છે. કોઈ સારા પાત્રને શોધી સંસાર તરી જા.

માલતીઃ આપણો સમાજ તે સહન કરશે ?

મયંકઃ ભલેને કવિશ્રી નાનાલાલ 'સ્નેહ લગ્નની વિધવા કે દેહલગ્ન' ની વિધવાનું ગાણું ગાતા હોય આખરે વિધવા એ વિધવા જ છે ! અને તેમાંય હિન્દુ સમાજમાં વિધવાઓની જે હાલત થાય છે તે અત્યંત દયનીય હોય છે. પતિનાં મૃત્યુ પછીનો સમય બતાવે છે કે સ્ત્રીની તેના પરિવારમાં શું કિંમત છે જે પતિથી સંતાનોની ભેંટ મળી છે તે જ સંતાનોને-પતિની વંશવેલનું અસ્તિત્વ ટકાવી રાખવા, મથતી તે વિધવા માતાઓ કેવી ડિપ્રેશન યુક્ત એકલતાથી જીવે છે તે તો જેના ઘર સંસારમાં મા, બહેન કે પુત્રી વિધવા હોય તેણે જ અનુભવ્યું હોય. બાકી તો તે મહેસૂસ કરવું ખૂબ મુશ્કેલ હોય છે. વિધવાઓ માટે આ સમય એવો હોય છે જ્યારે તેને સંસારનાં સત્ય સમજાઈ જાય છે કે કોણ આપણું અને કોણ પરાયુ.

માલતી તારૂં જીવન તારૂં છે, સમાજનું નથી. તારે તારા માટે જીવવાનું છે સમાજ માટે નહિં. હિંમત રાખ.અને ઈશ્વરનું નામ લઈ ઝુકાવ.

૦-૦-૦

બીજે દિવસે તેણે તેના ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડ રંગરાજનને સ્વપ્નની વાત કરી. તેઓ ઘણા ખૂશ થયા.તેમણે જણાવ્યું

તારા પરિચયમાં આવું કોઈ છે ? હોય તો જણાવ આપણે તેની સમક્ષ પ્રસ્તાવ મુકીએ.

ના સર,અહિં તો હું તદ્દન અજાણી છું, અમેરિકન સમાજનો મને પરિચય નથી.આ કામ મારા વડીલ તરીકે આપને સોંપુ તો આપને કંઈ હરકત નહિં હોય એમ માનું છું

ના દીકરી. એ તો મારા અહોભાગ્યની વાત છે. જરૂર હું તપાસ કરી જણાવીશ.

૦-૦-૦

રંગરાજનની ઓફીસમાં સુધીર પાંડે તેમનો સેક્રેટરી હતો, અને તે પણ એકલો જ હતો ઘર ભંગ થયેલો અને એકાકી જીવ હતો.માલતી પણ એકાકી હતી. તેમણે બંન્નેની વિગત જાણી. બંન્ને વ્યથિત હતા. બંન્નેની જીવન નૈયા સંસારસાગરમાં હાલકડોલક થતી હતી ખરાબે ચઢવાની તૈયારીમાં હતી, તેને સંભાળવાની જરૂર હતી. એક જ ઓફીસમાં હોવાથી અરસપરસ એક બીજને મળવાનું સહજ હતું. અને જ્યાં

"નૈને નૈન મળે જ્યાં છાના

થાયે બંને દિલ દીવાના

તમને પારકા માનું કે માનું પોતાના"
-------બરકત વિરાણી

બંન્નેએ એકબીજાના મનની વાત જાણી વિચાર જાણ્યા. રંગરાજને પણ બંન્નેને બોલાવી વાત કરી તેમનો અભિપ્રાય જાણી લીધો,અને તેમણે બંન્નેને એક થવાનો પ્રત્સાવ રજુ કર્યો. સૌએ રાજી ખુશીથી સંમતી દર્શાવી. રંગરાજન ખુશ થયા તેમણે કહ્યું અમેરિકામા સેટ થયા છો.અમેરિકન લાઈફની હાર્ડશીપથી તમે પરિચિત છો.અમેરિકામાં રી-મેરેજ સ્વભાવિક છે. કરો કંકુના.

कुर्यात सदा मंगलम्

રંગરાજન એક સજ્જન વડીલ તરીકે સામાજીક ઉમદા અને ગૌરવવંતા કાર્યના યશભાગી થયા,અને ઓફીસમાં ગ્રાન્ડ પાર્ટી નું આયોજન કર્યું.

સમાપ્ત.

લેખકઃઉમાકાન્ત વિ.મહેતા.
૨૦, મીડો ડ્રાઈવ.
ટૉટૉવા એન જે (૦૭૫૧૨)
ન્યુ જર્સી (યુ.એસ.એ.)
ફોનઃ(૧) ૯૭૩ ૩૪૧ ૯૯૭૯
(૨) ૯૭૩ ૯૪૨ ૧૧૫૨
(મો. એપ્સ) ૯૭૩ ૬૫૨ ૦૯૮૭
e-mail:>mehtaumakant@yahoo.com<

બીજા રસપ્રદ વિકલ્પો