Featured Books
શ્રેણી
શેયર કરો

ये दिल तो ढूंढता हैं इन्कार के बहाने। (Part-2)



પ્રણય માણેકબાની વાત માનીને શુભીને પોતાની રીતે સમજવા માટે સમય આપીને એના રુમમાં બેઠો હતો. શુભીના મનમાં ચાલી રહેલું વિચારોનું યુદ્ધ કોણ જાણે કેમ શાંત થવાનું નામ નહોતું લેતું

       પોતાના ફ્લેટ પર આવીને કેટલાય કલાકો શુભી પોતાના રુમની બારીના ઓટલા પર બેસી રહી. પ્રમાણમાં નાનો પણ સુંદર અને વ્યવસ્થિત રીતે ગોઠવણી કરેલા એ રુમને જોઈને સમજાઈ જાય કે મેનેજમેન્ટ ફિલ્ડની કોઈ વ્યક્તિનો રુમ હશે. સિંગલ બેડની બાજુમાં રહેલા ટેબલ પર મુકેલી ફ્રેમમાં શુભીનો બાળપણનો ફોટો અને શુભી અને પ્રણયનો ફોટો મુકેલો હતો. બારીની બાજુની જગ્યામાં નાનું સ્ટડી ટેબલ અને થોડાંક મેનેજમેન્ટના પુસ્તકો અને ફાઈલો મુકેલી હતી.ટેબલની સામે દિવાલ પર લગાવેલા સોફ્ટ બોર્ડ પર કંપનીના પ્રોજેક્ટસ રીલેટેડ કટિંગ્સ અને પ્રણય અને શુભીના અવારનવાર ન્યૂઝ પેપરમાં આવેલા ફોટાને કટ કરીને લગાવવામાં આવ્યા હતા. બારીની બાજુમાં રહેલા નાનકડાં ઓટલા પર બેસીને વિચારી રહેલી શુભીના ગળે કોણ જાણે કેમ પણ પ્રણયનો આ નિર્ણય ગળે નહોતો ઉતરી રહ્યો. શુભી પરિમલ પારેખને જાણતી હતી એ જમાનાનો અનુભવી માણસ  ક્યારેય પોતાના દિકરાને એમાંય પ્રણવને તો પોતાના ન્યૂ બિઝનેસની જવાબદારી ન જ સોંપે. એ પરિમલ પારેખના આ નિર્ણય પરથી એટલું તો સમજી શકી હતી કે આ નિર્ણય પાછળ પરિમલ પારેખની કંઈક તો રમત હતી કારણકે ધંધામાં એક પણ પાઈનું નુકસાન સહન ન કરી શકતો હોય એ માણસ પોતાના નવા બિઝનેસની જવાબદારી પ્રણયને આપે કે જેને એ હંમેશા બેજવાબદાર અને બેફિકર સમજે છે આ વાત માનવી શુભી જેવી પ્રેક્ટિકલ છોકરી માટે અઘરી હતી.

        શુભીના મમ્મી જ્યારે ઘરમાં આવ્યા ત્યારે પોતાના રુમમાં ગુમસુમ બેઠેલી શુભીને જોઈને એ એટલું તો સમજી ગયા હતા કે પ્રણયે શુભીને પોતાના યુ.એસ.એ જવાની વાત કરી દીધી છે. શુભી સિવાય પ્રણયની યુ.એસ.એ જવાની વાત લગભગ દરેક વ્યક્તિ જાણતી હતી. પ્રણય શુભીને પિતાના આ નવા બિઝનેસની જવાબદારી પોતે સંભાળવાનો છે એ વાતની સરપ્રાઈઝ આપવા માંગતો હતો. શુભીના પિતાના મૃત્યુ પછી વંદના બહેને પોતાની દિકરી શુભીનો ઉછેર એકલા હાથે કર્યો હતો. વંદનાબહેને હંમેશા દિકરીને પોતાના નિર્ણયો જાતે લેવા દીધા હતા. શુભીની સમજદારી અને તેના પ્રભાવશાળી વ્યક્તિત્વમાં પરિસ્થિતિ અને તેની માતાના સંસ્કારોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. શુભીના પિતાના મૃત્યુ પછી તેની માતાએ તેમની જગ્યાએ નોકરી મેળવીને શુભીનો ઉછેર કર્યો હતો. ગ્રેજ્યુએશન પછી મળેલી સ્કોલરશીપમાંથી શુભીએ પૂણેની સારી ઈન્સ્ટીટ્યુશનમાંથી એમ.બી.એ કરીને સુરતની નામી કંપનીમાં માર્કેટિંગ મેનેજરની જોબ મેળવી હતી. પોતાની દિકરીની સમજદારી અને આવડત પર વંદનાબહેનને ક્યારેય શંકા થઈ આવે એવું કોઈ કામ શુભીએ કર્યું નહોતું. દરેક પરિસ્થિતિનો સરળ રસ્તો કાઢનારી પોતાની દિકરીને આ રીતે બેઠેલો જોઈને વંદના બહેનથી ન રહેવાયું અને એ રસોડામાં જઈને કોફી બનાવીને શુભી પાસે આવીને બેઠા.

     પોતાની મમ્મીને જોઈને શુભી અચાનક સ્વસ્થ થઈ  ગઈ. આ લે કોફી! મમ્મી શુભીને વચ્ચેથી જ અટકાવીને વંદનાબહેને કહ્યું મને ખબર છે પ્રણય યુ.એસ.એ જાય છે. વંદનાબહેનની સ્વસ્થતા જોઈને શુભીને ખરેખર નવાઈ લાગી એને હતું કે એની મમ્મીને આ વાત આટલી સરળતાથી સ્વીકારી નહીં શકે. હા, બેટા તને નવાઈ લાગતી હશે! શુભીની આંખોમાં રહેલા પ્રશ્નને જાણી લીધો હોય એ રીતે જવાબ આપતા વંદના બહેન બોલ્યા શુભી મે તારા જીંદગીના દરેક નિર્ણય તને લેવા દીધા છે અને એ નિર્ણયમાં હું તારી સાથે પણ છું.
શેનો નિર્ણય મમ્મી? પ્રણયે મને કોઈ નિર્ણય કરવાનો મોકો આપ્યો જ ક્યાં છે? એણે તો અમારા બંનેના ભાગનો નિર્ણય કરી લીધો છે એકલાએ જ એણે મને ખાલી જણાવ્યું છે કે એ યુ.એસ.એ જાય છે.  હા, બેટા મતલબ એ જ થયોને પ્રણયનો! વંદનાબહેનને ખબર હતી કે એમણે પ્રણયને બચાવવાનો સાવ પાંગળો બચાવ કર્યો હતો. ખરેખર મમ્મી આ એજ મતલબ થયો! એની જીંદગીના દરેક નિર્ણયોમાં એણે મને સાથે રાખી છે. અને જ્યારે સાચે જ જે નિર્ણય સાથે અમારા બંનેનો આટલા વર્ષોનો સંબંધ અને અમારું ભવિષ્ય જોડાયેલું હતું એ નિર્ણય લેતા પહેલાં એણે મને પૂછવાનું પણ જરૂરી ન સમજ્યું! 

        શુભી પોતાની જગ્યાએ સાચી હતી. પાંચ વર્ષોના આ સંબંધમાં પ્રણયને તેના દરેક નિર્ણયમાં શુભીની જરૂર પડી હતી કારણકે શુભી સ્ટ્રેટફોરવર્ડ અને સુલઝેલી હતી જ્યારે પ્રણય હંમેશા કન્ફયુઝડ રહેતો હતો પછી એ કપડાં લેવાના હોય, કારનો કલર નક્કી કરવાનો હોય, રુમનું ઈન્ટિરીયર નક્કી કરવાનું હોય, હિટલરને મનાવવાના હોય કે પછી ઘરમાં કોઈને ગિફ્ટ આપવાની હોય આવી દરેક વાતોમાં શુભીને પ્રણયની જરૂર પડતી હતી. શુભીને આજે પણ યાદ છે કે પરિમલ પારેખના જન્મદિવસ પર ઘરે પાર્ટી રાખવામાં આવી હતી અને કેક લાવવાની જવાબદારી પ્રણયની મમ્મીએ એ પ્રણયને આપી હતી મિસિસ પારેખના આવા નાના નાના પ્રયાસઘ ચાલ્યા જ કરતાં પ્રણયને પિતાથી નજીક લાવવાના એ દિવસે પ્રણય સવારથી જ પોતાના ફ્રેન્ડના ફાર્મ હાઉસ પર હતો.   સાંજે ઘરે પાછા ફરતા પ્રણયને યાદ આવ્યું કે એણે રાતની પાર્ટી માટે કેક લઈ જવાની હતી. અને એ હંમેશાની જેમ પહેલાંથી જ લેટ હતો. 
    
       ચાલું ગાડીમાં એણે શુભીને ફોન કરેલો. સાંભળ! તારું સાંભળવા માટે જ તો ભગવાને મને મોકલી છે!જો હમણાં આ સાંભળીવાનો મને ટાઈમ નથી! હિટલરનો બર્થડે છે! હા મને ખબર છે પ્રણય ડાર્લિંગ અને તને મોડી સાંજે આ વાતની ખબર પડી એ જાણીને મને આનંદ થયો! શુભી સિરયસલી આઈ એમ ઈન ટ્રબલ! એ તો તારું નીક નેમ છે ડોબા ટ્રબલ પરિમલ પારેખ! થઈ ગયું તારું? પ્રણય હવે ખરેખર ચિડાઈ ગયો હતો. મોમે મને હિટલર માટે કેક લાવવાનું કહ્યું હતું અને હું દોડાદોડીમાં ભુલી ગયો છું યાર! હા સર આઈ કેન અન્ડરસ્ટેન્ડ તમારે આટલા કામ હોય છે પારેખ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત તમારી મહેનત પર તો વધી રહી છે! હું સમજી શકુ છું કે તમને શ્વાસ લેવાનો ટાઈમ પણ નથી હોતો! શુભી કેન યુ પ્લીઝ જસ્ટ શટ યોર માઉથ! આ હું તને પણ કહી શકુ છું પ્રણય સવારથી પેલા કાપડીયાના ફાર્મહાઉસ પર હતો મે તને હજારવાર સમજાવ્યું છે કે એ કાપડીયા પોતે પણ કંઈ નહીં કરે અને તને પણ કંઈ નહી કરવા દે! હા મારી મા તું મને આ એકહજારને એકમી વાર કહે છે પણ હમણાં નહીં હું તારું ભાષણ પછી સાંભળીશ! હમણાં મને બચાવી લે નહીં તો હિટલર કેકની જગ્યાએ મને કાપશે યાર શુભી! હા, તો ભલે કાપી નાખે પ્રણય ડાર્લિંગ! મતલબ તું મારી હેલ્પ નહીં કરે? ઓકે ચલ બોલ શું કરવાનું છે મારે! હું અડધો કલાકમાં ઘરે પહોંચીશ પહેલાથી જ મોડું થઈ ગયું છે કેક લેવા જવાનો મારી પાસે ટાઈમ નથી! ઓકે હું સમજી ગઈ એક કામ કર પ્રણય હું માર્કેટમાંથી કેક લઈને તને તારા ઘરની બહારના રોડ પર મળું છું! ધેટ્સ ગ્રેટ માય લવ યુ આર સચ સ્વીટહાર્ટ શુભી! બાય ધ વે પ્રણય કેક પર શું લખાવુ હિટલર કે ડેડી! પ્રણયે કંટાળીને ફોન કટ કરી દીધો. વીસ મીનીટથી શુભી કેક લઈને પ્રણયની રાહ જોઈને ઉભી હતી. સોરી સોરી લેટ થઈ ગયું છે આઈ નો પણ પાક્કું પ્રોમીસ આ બધાનું ભાષણ હું રાત્રે સાંભળી લઈશ હમણાં જવાદે મને પ્લીઝ કેક લઈ શુભીના કપાળ પર કિસ કરીને પ્રણય ફટાફટ ઘરે જવા નીકળી ગયો હતો. શુભીને આજે પણ યાદ છે એ દિવસે રાત્રે એણે લગભગ અડધી રાત સુધી પ્રણયને સમજાવ્યું હતું જવાબદાર બનવા, બિઝનેસ સંભાળવા માટે અને પ્રણય હંમેશાની જેમ ચાલું ફોનમાં જ સૂઈ ગયો હતો.

ખ્યાતિ ઠક્કર
સફરનામા