Antare bhinje anradhar books and stories free download online pdf in Gujarati

અંતર ભીંજે અનરાધાર - ડો સુધા મહેતા - દંડ

                            દંડ
મારી બાજુમાં આવેલી પેશન્ટને બેસવા માટેની ચેર પર બેઠેલી પેશન્ટને તો હું ઓળખી ન શકી. આશરે પાંત્રીસેક વરસની વયની લાગતી તે યુવતીનો જમણી તરફનો અડધો ચહેરો જાણે કોઈએ ચેપી નાંખ્યો હોય તેવો છુંદાયેલો હતો. જમણી આંખ અને તેની નીચે છેક ગાલ સુધી ટાંકા અને અંશત: રુઝાયેલા જખમોનાં વરવા નિશાન હતા.માથા પરનાં વાળ મુંડન કરાવ્યા બાદ ઊગ્યા હોય તેવા ટૂંકા અને ખરબચડા હતાં. માથા પર સ્કાર્ફ બાંધીને આ બધી ભયાનકતાને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સામે બેઠેલા પેશન્ટના સાસુ અને હસબન્ડને તો હું તરત જ ઓળખી ગઈ. એ પરિવાર અમારી હોસ્પિટલમાં અનેક વાર આવી ચૂક્યો હતો. એ પરિવારનાં અનેક સભ્યોની ડીલીવરી અમારે ત્યાં થઈ હતી.શહેરનાં સુખી સંભ્રાંત પરિવારોમાં તેમની ગણના થતી હતી.
            મામલો શો છે તેનો તાગ મેળવવા માટે હું વારાફરતી પેશન્ટ અને મારી સામે બેઠેલા તેના સગાઓની તરફ નજર દોડાવતી હતી. આખરે જ્યારે પેશન્ટનાં સાસુએ રહસ્યસ્ફોટ કર્યો કે,”બીનાને એક્સીડેન્ટ થયો છે,ત્યારે મારા ગળામાંથી એક નાનકડી ચીસ નિકળી ગઈ. “શું વાત કરો છો? આ બીનાબેન છે? એમને આટલુ બધુ શું થઈ ગયું? મારાથી તો હજુ એ ઓળખાતા જ નથી. તમે કહો છો તો પણ માનવામાં આવતું નથી.”
           આ બીનાબેન એટલે મારા જૂના પેશન્ટ. ઘણા જ સુંદર અને સ્ટાઈલીસ્ટ. જ્યારે પણ હોસ્પિટલમાં આવે ત્યારે લેટેસ્ટ ડીઝાઈનનો ડ્રેસ જ પહેરેલો હોય. ભગવાને સુંદરતા તો આપી જ હતી,તેમ છતા તેને કોસ્મેટીક્સની મદદથી વધારે આકર્ષક બનાવતા. હમેશાં હસતા હોય,અને કોઈ ને કોઈ ડીમાન્ડ જ ફરમાવતા હોય. જૂના અને લાડકા પેશન્ટ હોવાને નાતે મારી સાથે હસી મજાક અને ક્યારેક હઠ પણ કરી લેતા. તેમને એક જ દીકરો,તે પણ પંદરેક વરસનો થઈ ગયેલો,એટલે મારી પાસે તો કોપર ટી ચેક કરાવવા કે બદલાવવા જ આવે. ક્યારેક પોતાની દેરાણી જેઠાણી,કે નણંદને લઈને આવે.
             એમને આવી હાલતમાં જોઈને ખરેખર તો હું હેબતાઈ જ ગઈ હતી. એમની શારીરિક અને માનસિક હાલત બેહદ દયાજનક હતી. આખરે એમના સાસુએ આંખોમાંથી ચોધાર ગંગાજમના વહેવડાવતા એ કરુણાંતિકાનું વર્ણન કર્યુ,” એકાદ મહીના પહેલા આ બની ગયું, દીકરાને સ્કુટી પર બેસાડીને ટ્યુશને મુકવા જતી હતી, સામેથી ખટારાવાળાએ આવીને એવો ટલ્લો માર્યો કે,દીકરો તો રોડ ઉપર જ નાળિયેરની કાચલીના જેમ વધેરાઈ ગયો,અને બીના પણ છેલ્લે શ્વાસે હતી. તૂટેલી ખોપરી,છૂંદાયેલો ચહેરો અને ઓલવાઈ ગયેલી એક આંખની સતત એક મહીનાની ન્યુરોસર્જનની સારવાર બાદ અત્યારે આટલી બહાર નિકળવા જેવી માંડ થઈ છે,એક્સીડેન્ટ વખતે તો તમે જોઈ હોય તો………”એટલુ બોલતા બોલતા તો આખો બનાવ તાદ્શ થયો હોય તેવી પીડા ભોગવતા અટકી ગયા.
           “તેમ છતા બચી ગઈ,પણ દરરોજ સવારે ઉઠીને મારે કોના માટે જીવવું તે સવાલ થાય છે.” આવી હાલતમાં પણ બીનાબેનની વાચાળતા અને મારી સાથે નિખાલસ રીતે સંવાદ કરવાની ટેવ યથાવત્ હતી.” મારે હવે જીવવું જ નથી. મારે મારો હાર્દીક પાછો જોઈએ,કોઈ પણ હીસાબે,તમારે જે કરવું હોય તે કરો,હું તેને અહીંથી લઈ ગઈ હતી,અહીંથી જ ફરી તમારે પાછો આપવો પડશે. તમે સોનોગ્રાફી કરો,તમને જરુરી લાગે તો કોથળી સાફ કરો,અને સૌથી પહેલા તો આ કોપર ટી કાઢી નાખો……”
          “મેમ,અમારો હાર્દીક ચૌદ વરસનો હતો,પણ હાઈટબોડીમાં ચોવીસ જેવો લાગે,અને ડહાપણ અને ઠરેલપણુ તો ચોંત્રીસ જેટલું. અમારાથી એ ભુલાતો નથી,અમે મોટી આશા લઈને તમારી પાસે આવ્યા છીએ.” હવે વાતનો દોર બીનાબેનનાં હસબન્ડે સંભાળ્યો.
             આ કરુણ બનાવ સાંભળીને પહેલા તો મારે તેમને કંઈ રીતે સાંત્વન આપવું એ મુંઝવણ થઈ ગઈ. આધ્યાત્મિક લોકો મરણની કરુણતા અને અનિવાર્યતા સમજાવતા કહેતા હોય છે કે,આત્મા અમર છે,કપડું જેમ જીર્ણ થાય અને આપણે બદલાવીએ તેમ આત્મા ખોળીયુ બદલાવે છે.
       न हन्यते हन्यमाने शरीरे વગેરે વગેરે…….
      પણ આ હાર્દીકનુ ખોળીયુ કયાં જીર્ણ થયું હતું? તેને તો હજુ મોટા થવાનું ભણવાનું,પરણવાનું,બધુ જ કરવાનું બાકી હતું. તો તે કેમ અચાનક ખોળીયુ બદલવા નિકળી પડ્યો? એ લોકોને આશ્વાસન આપતા પહેલા તો મારે જ આશ્વાસન મેળવવાની જરૂરત પડી ગઈ. પહેલા તો બીનાબેનને તપાસ માટે લીધા,અને કોપર ટી કાઢી નાંખી. તેમને સોનોગ્રાફી માટે મોકલ્યા. ઓપીડી ચાલુ હતી છતા બીજા પેશન્ટને બોલાવવાનું મુલત્વી રાખીને હું બીનાબેનના ફ્લેશબેકમાં સરી પડી.
         બીનાબેન જ્યારે મારી પાસે પહેલી વાર આવ્યા ત્યારે તાજા જ પરણેલા હતા,પહેલી પ્રેગ્નન્સીનો અણસાર આવતા જ એમના સાસુ એમને મારી પાસે લઈ આવ્યા. તેમને તપાસીને જરુરી સુચનાઓ દવાઓ વગેરે આપ્યા. મને એવું લાગ્યું કે,બીનાબેન કંઈક પૂછવા માંગે છે. મેં તેમને નિસંકોચપણે જે પૂછવું હોય તે પૂછવા કહ્યું. તેના જવાબમાં તેમણે જે કંઈ કહ્યું તે સાંભળીને મને એક હળવો આંચકો લાગી ગયો.
“ મેડમ,મારે આ બાળકનું જાતી પરિક્ષણ કરાવવુ છે,અને જો દીકરો હોય,તો જ આ પ્રેગ્નન્સી ચાલુ રાખવાની છે. અમારે દીકરીની જરુર નથી.”
      એ વખતે ગર્ભસ્થ શિશુ જાતીપરિક્ષણ પર કાયદો હતો નહી. તેમ છતા એ વૈજ્ઞાનિક સંશોધનનો ઉપયોગ અગાઉ બે કે તેથી વધારે દીકરીઓ હોય,તો જ લોકો કરતા. અમે પણ દીકરાની રાહમાં દીકરીઓની લાંબી લાઈન ન થાય તે માટે એ પરિક્ષણ કરી આપતા. પહેલી પ્રેગ્નન્સીમાં તો મોટાભાગે કોઈ આવી ડીમાન્ડ કરતા નહી. કરે તો પણ અમે પહેલા તો જે આવે તે વધાવી લેવાય તેવી સલાહ આપીને સમજાવી લેતા. અહીં તો બીનાબેન હઠ પકડીને બેસી ગયા હતા.
         “ મેડમ,તમને ખબર નથી,અમારા ઘરમાં મારા એક નણંદને સાસરામાં એટલુ દુ:ખ પડ્યું કે,એ હવે પોતાનું ઘર છોડીનેઅમારી સાથે જ રહે છે. તેમનામાં કોઈ કમી નથી,અમે કરિયાવર પણ સારો કર્યો છે,તેમ છતા બીચારાને સાસરીયાઓએ બહુ કનડ્યા. દીકરીને જન્મ આપીને પછી આવી રીતે હેરાન થતી જોવી,એ કરતા તેને જન્મ જ ન આપવો સારો!! એટલે મારે તો દીકરી જોતી જ નથી. તમારે મને તો આ પરિક્ષણ કરી જ આપવું પડશે.”
        તેમની સાથે તેમના સાસુ અને પંચ્યાસી વરસના મોટા સાસુ પણ આવેલા. જુના જમાનાના હોવા છતા મને હજુ પણ યાદ છે કે,એમણે પણ બીનાબેનની વાતનું સમર્થન કહેલું કે,ઘરમાં દીકરી તો જોઈએ જ નહી!”
           પરિચિત અને લાડકા પેશન્ટ હોવાને નાતે તેમણે ધરાર પરિક્ષણ કરાવ્યુ. તે પણ એકવાર નહી પણ જયાં સુધી ગર્ભમાં દીકરો છે,તેવો રીપોર્ટ ન આવ્યો ત્યાં સુધી લાગલગાટ!!! દીકરો આવી ગયો પછી બીનાબેન અને પરિવારને હાશ થઈ. દીકરા પહેલા બલી ચડાવેલી અજન્મી દીકરીઓની કસુવાવડોથી થાકીને બીનાબેને દીકરો આવ્યા બાદ કોપર ટી અપનાવી લીધી. પછી તો સમયાંતરે તેઓ કોપર ટી ચેક કરાવવા અને બદલાવવા આવતા રહેતા. ત્રણ ચાર વરસ પછી મારી ટેવ મુજબ બધા પેશન્ટને જે આપતી તે સલાહ આપી, કે,” બીનાબેન હવે હાર્દીકને કોઈ ભાઈ કે બહેન આવે તેવો વખત થઈ ગયો છે. હવે કોપર ટી કાઢવી નાખો. એક ભાંડરડુ તો જોઈએ ને?”
“ ના રે ના મેડમ,મારે તો એક જ બસ છે. બીજો પ્લાન કરુ અને ક્યાંક દીકરી આવી જાય તો?....... ના ભાઈ ના ,આપણે તો એવું કરવું જ નથી ને?”
       આમ જ તેમણે ચૌદ વરસ પસાર કરી નાંખ્યા. આજે જ્યારે તેમને આ હાલતમાં જોયા ત્યારે એમના ભૂતકાળની આ બધી હકીકતો એક ફ્લેશબેકની જેમ નજર સામેથી પસાર થઈ ગઈ. કહે છે ને કે,ઈશ્વરની લાઠી વાગે છે,ત્યારે તેનો અવાજ નથી આવતો. એ અજન્મેલી બાળકીઓને જે ક્રૂરતાથી તેમણે પોતાની કુખથી દૂર કરી હતી તે પાપનો દંડ તેઓ અત્યારે ભોગવી રહ્યા હતા.
એમનો આક્રોશ તો એવો હતો કે આવુ મારી સાથે કેમ થયું? મેં કોઈનું શું બગાડ્યું હતું ? વગેરે વગેરે…...પરંતુ તેમણે અગર પાછું વળીને પોતાના કર્મો તરફ એક નજર નાંખી હોત તો આ વાતનો ખુલાસો તેમને મળી જ ગયો હોત.
વહાલસોયા દીકરાને તેઓ ભૂલી શકતા ન હતા,પણ એ વહાલ ક્યારેય કોઈ દીકરી પર ન વરસાવ્યુ. સતત દીકરીને પોતાના ખોળામાંથી હડસેલી દીધી. ઈશ્વરે દંડ પણ એવો આપ્યો કે,જીવલેણ અકસ્માતમાંથી ઉગરી તો ગયા પણ એવી ખંડિત મૂર્તિ જેવી વેરણ છેરણ કાયા સાથે,કે ગયેલા દીકરાની યાદમાં ઝૂરવા સિવાય બીજું કંઈ કરી પણ ન શકે.
         સોનોગ્રાફી રીપોર્ટ લઈને પાછા આવ્યા,ત્યારે મારી વિચારધારા અચાનક તુટી. રીપોર્ટ મુજબ તેમના આંતરિક અંગો તો સલામત હતા,પણ ઉંમરમાં દોઢ દાયકાનો ઉમેરો થઈ ગયો હતો. મગજના જ્ઞાનતંતુઓને ડેમેજ થયું હોવાથી વારંવાર તાણ આંચકા આવતા હતા. તેના કંટ્રોલ માટે ભારે પાવરવાળી દવાઓ ચાલુ હતી. એ દવાઓ કમસે કમ છ મહીના પહેલા બંધ કરી શકાય તેવું ન હતું. એ દવાઓ સાથે પ્રેગ્નન્સી પ્લાન કરવામાં આવનાર બાળક જન્મજાત ખોડ લઈને આવે તેવી પુરી સંભાવના હતી. તેમની ખુદની ઉંમર જોતા આ વયે સગર્ભાવસ્થા તથા પ્રસુતી જોખમી નીવડવાની શક્યતા પણ હતી. સૌથી કડવી હકીકત તો એ હતી કે કાયદો આવી ગયો હોવાથી ગર્ભજાતીપરિક્ષણ તો હવે કોઈપણ સંજોગોમાં શક્ય ન હતું. હાર્દીક પછી બીજા બાળકનું પ્લાનિંગ કર્યુ હોત તો દીકરો કે દીકરી જે પણ હોત તેના સહારે આજ સાવ ખાલી ખોળે થઈ ગયા હતા તે તો ના થયું હોત. વંશની વેલ તો લીલી રહેત.
          ખેર! હાલ તો તે આ કોઈ વાત સાંભળવાના મુડમાં ન હતા. પોતાનીટેવ મુજબ હઠ પકડીને બેઠા હતા કે,હું અહીંથી જ મારા હાર્દીકને લઈ ગઈ હતી,અને અહીંથી જ તમારે પાછો આપવો પડશે. મેં તેમને સમજાવ્યા,કે હાલ તો તમારી તબીયત સંભાળો,વિચારો પર કાબુ રાખો, મન શાંત રાખો,જે થઈ ગયું તેને ભૂલવાની કોશિશ કરો,વગેરે વગેરે. તોય અંતે વહેરામાં વહેલી તકે બાળક થવાની સારવાર ચાલુ કરવાનું વચન લઈને વિદાય થયા.
           આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે કરેલા કર્મોના ફળ અહીેના અહીં જ ભોગવવા પડે છે.ઈશ્વરનો ન્યાય સૌથી ઊંચો અને સાચો હોય છે,એ વાતની આથી બીજી કંઈ સાબીતી હોઈ શકે?

બીજા રસપ્રદ વિકલ્પો