Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્વર પ્રાર્થના પરની પ્રશ્નોત્તરી (ભાગ ૧)

ઈશ્વર પ્રાર્થના પરની પ્રશ્નોત્તરી - 1

પ્રશ્ન: ઈશ્વર ઉપાસનાની વૈદિક પદ્ધતિ કંઈ છે?

વેદમાં ઈશ્વરને નિરાકાર કહ્યો છે. વેદ ઇશ્વરને મનુષ્ય અવરાતમાં જોતો નથી. વેદ ઈશ્વરની પૂજા માટે સમજ્યા કે વિચાર્યા વગરના કર્મકાંડ કરાવનું પણ કહેતો નથી. ઉલટાનું, વેદ યોગિક પદ્ધતિથી ઈશ્વરની ઉપાસના કરવાનું કહે છે. યોગિક ઉપાસના પદ્ધતિ શરીર, મન અને આત્મા માટે એક ટોનિક તરીકેનું કામ કરે છે. પણ યોગિક પદ્ધતિ એટલે આસન અને પ્રાણાયામ કરવા એવું નથી. આજે યોગના નામ પર આસન અને પ્રાણાયામ કરવા લોકો ગાંડા થયેલા છે. આસન અને પ્રાણાયામ સ્વાસ્થ્ય માટે લાભકારી છે તે પણ સંપૂર્ણ યોગ નથી.

ઈશ્વરની યોગિક પદ્ધતિથી ઉપાસના એ સ્વયમને ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવ અને પ્રકૃતિના અપરિવર્તનશીલ નિયમો સાથે એકલય કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ઈશ્વરની ઉપાસનાની આ યોગિક પદ્ધતિ આપણાં આનંદ અને મનોબળમાં અનેક ઘણી વૃદ્ધિ કરે છે.

પ્રશ્ન: પણ જો ઈશ્વર અપરિવર્તનશીલ નિયમો અનુસાર જ કર્મ કરતો હોય તો ઈશ્વરની ઉપાસના કરવાનો શો લાભ?

ઈશ્વરની ઉપાસના કરનારને ઈશ્વર કોઈ ડિસ્કાઉન્ટ આપતો નથી. તેના અપરિવર્તનશીલ નિયમો અને તેની કાર્ય પદ્ધતિમાં જ તેની દયા રહેલી છે. આમ ઈશ્વરની ઉપાસના કરવાથી કર્મના સિધ્ધાંતનું ઉલ્લંઘન કે અવહેલના થતી નથી. ઈશ્વરની પ્રાર્થના કરવાથી આપણી ઈચ્છા શક્તિ અને આત્મબળ વધે છે. આથી સાચી દિશામાં સત્કર્મો કરવા માટે આપણે વધુ સક્ષમ બનીએ અને આથી આગળ પાપકર્મો કરતાં અટકીએ છીએ.

પ્રશ્ન: જો ઈશ્વરની પૂજા કરવા છતાં ઈશ્વર આપણને પાપકર્મ ફળમાંથી મુક્ત નથી કરતો, તો પછી ઈશ્વરની પૂજા કરવાથી શો લાભ?

એ સત્ય છે કે પૂજા કરવા છતાં પણ ઈશ્વર જીવને પાપકર્મ ફળમાંથી મુક્ત નથી કરતો. દરેક જીવને તેના સત્કર્મો કે દુષ્કર્મોનું ફળ ઈશ્વરની ન્યાય વ્યવસ્થા અનુસાર ભોગવવું જ પડે છે. ઈશ્વરની પૂજા કરવાથી કે ઈશ્વર પાસે માફી માંગી લેવાથી જીવના પાપકર્મોનો નાશ થતો નથી.

માત્ર આળસુ અને છેતરપીંડી કરનારા લોકો જ સફળતા મેળવવા માટે આવાં અનૈતિક માધ્યમનો સહારો લે છે.

ઈશ્વરની પૂજા કરવાના લાભ અલગ જ છે, જેમ કે:

૧. ઈશ્વર અને તેના દ્વારા સર્જિત શ્રુષ્ટિને વધુ સારી રીતે સમજી શકાય છે.

૨. ઈશ્વરના ગુણોને વધુ સારી રીતે સમજી તેને આપણાં જીવનમાં ધારણ કરી શકાય છે.

૩. મનની શુદ્ધિ થાય છે. મન શુદ્ધ થવાથી આપણી "આત્માનો અવાજ" વધુ સ્પષ્ટપણે સાંભળી શકાય છે અને આપણે ઈશ્વર પાસેથી આત્માના અવાજના રૂપમાં નિરંતર અને સ્પષ્ટ માર્ગદર્શન મેળવી શકીએ છીએ.

૪. આપણી અજ્ઞાનતાનો નાશ થાય છે, આત્મબળ મળે છે અને આપણે દ્રઢ આત્મવિશ્વાસ સાથે જીવનના કઠોર પડકારોનો સામનો સહજતાથી કરવામાં સક્ષમ બનીએ છીએ.

૫. આપણી અજ્ઞાનતાનો સંપૂર્ણપણે નાશ કરવામાં સક્ષમ બનીએ છીએ અને અંતે મોક્ષરૂપી પરમ આનંદને પ્રાપ્ત કરીએ છીએ.

ઈશ્વરની પૂજા કરવા માટેનું હું અહીં વધુ એક કારણ જોડું છું.

ઈશ્વરે જગતમાં સર્વ પદાર્થો જીવોના સુખ માટે આપી આપણાં પર અપાર કૃપા કરી છે. આગળ પણ તેની કૃપા આપણાં પર નિરંતર વરસતી રહેશે. આથી આપણો ઈશ્વર પ્રતિ કૃતજ્ઞભાવ એટલો જ સ્વાભવિક છે કે જેટલો કૃતજ્ઞભાવ આપણને આપણાં માતા-પિતા પ્રતિ તેમના આશીર્વાદ બદલ હોય છે. મહામુર્ખ વ્યક્તિ જ ઈશ્વર પ્રતિ કૃતજ્ઞભાવ ન રાખી, ઈશ્વરની ઉપાસના ન કરી, પોતાની જીવાત્મા અને અંત:કરણને પવિત્ર અને સત્યથી પૂર્ણ કરવાની તક ગુમાવશે.

એ વાતનું ધ્યાન રાખો કે વૈદિક પૂજા માત્ર યાંત્રિક રીતે કરવામાં આવતા મંત્રોચ્ચાર કે પાઠ વાંચન નથી. વૈદિક પૂજાનો અર્થ વિચાર શૂન્યતા પણ નથી. વૈદિક પૂજા એ જ્ઞાન, કર્મ અને ચિંતન(મનન) દ્વરા વિદ્વતાને આત્મસાત કરવાની અસરકારક રીત છે.

પ્રશ્ન: ઈશ્વરની પૂજા કેવી રીતે કરવી જોઈએ?

જીવનના નિત્ય ક્રમ અને પ્રત્યેક કર્મમાં ઈશ્વરની પૂજા રહેલી છે. પણ ઈશ્વરની સાચી પૂજા તો “આત્માના અવાજ” ને નિરંતર અનુસરવામાં છે. જીવનની દરેક ક્ષણે આત્માના અવાજને અનુસરનારનું જીવન “યજ્ઞ” કહેવાય છે. – યજ્ઞરૂપી જીવન એટલે કે ઉત્કૃષ્ટ ઉદ્દેશોને પૂર્ણ કરવા માટે સમર્પિત જીવન.

આ પૂજાને કર્મો દ્વારા કરવામાં આવેલ પૂજા કહેવાય છે. પણ આ ઉપરાંત મનુષ્ય અધર્મયુક્ત કર્મો તરફ વળ્યાં વગર પોતાનું જીવન માત્ર ઉત્કૃષ્ટ હેતુ માટે નિ:સ્વાર્થ કર્મો કરતાં રહેવામાં જ વિતાવે એ માટે વૈદિક પૂજાના બીજા બે પાસાઓનો અભ્યાસ પણ કરવો જરૂરી છે. આ બે પાસાઓ છે:

૧. જ્ઞાન - જ્ઞાન પ્રાપ્તિ

૨. મનન – જ્ઞાનને આપણાં સંસ્કારોનો ભાગ બનાવવા માટે જ્ઞાન ગ્રહણ કર્યા બાદ તેના પર ચિંતન કરવું

જ્ઞાન-મનન-કર્મ એક સમૂહ સ્વરૂપે એકબીજા સાથે હંમેશા જોડાયેલા રહે છે. તેમનો અલગ-અલગ અભ્યાસ નિરર્થક છે.

પ્રશ્ન: ઈશ્વરની પૂજા પદ્ધતિના મૂખ્ય અંગ કયા છે?

ઈશ્વરની પૂજા પદ્ધતિના મૂખ્ય ત્રણ અંગ છે.

૧. સ્તુતિ – ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવથી પોતાના ગુણ, કર્મ અને સ્વભાવ સુધારવા.

૨. પ્રાર્થના – નિરાભિમાની થઈ ઈશ્વરમાંથી ઉત્સાહ અને સહાયતાની પ્રાપ્તિ થવી.

૩. ઉપાસના – ઈશ્વરની અનુભૂતિ અને સાક્ષાત્કાર થવો.

પ્રશ્ન: સ્તુતિને વિગતવાર સમજાવો?

ઈશ્વર અથવા કોઈ અન્ય સત્તાના ગુણ, કર્મ અને સ્વભાવનું સંપૂર્ણ સત્યભાવથી કથન, શ્રાવણ અને સત્યભાષણ કરવું એટલે સ્તુતિ. આમ કોઈની ખોટી મસ્કાબાજી કે પછી અનુચિત નિંદા સ્તુતિ નથી.

ઈશ્વરની સ્તુતિ કરવાનો ઉદ્દેશ એ છે કે જેવા ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવ છે, તેવા પોતાના ગુણ, કર્મ અને સ્વભાવ પણ કરવા. જેમ કે ઈશ્વર ન્યાયકારી છે તેમ પોતે પણ ન્યાયકારી થવું, જેમ ઈશ્વર દયાળુ છે તેમ પોતે પણ દયાળુ થવું, જેમ ઈશ્વર પુરુષાર્થી છે તેમ પોતે પણ પુરુષાર્થી બનવું.

જે કેવળ ભાંડ સમાન ઈશ્વરનું ગુણ કીર્તન કરતો રહે છે અને પોતાનું ચરિત્ર નથી સુધરતો તેની સ્તુતિ વ્યર્થ છે. કારણ કે ઈશ્વર એ કોઈ અહમપ્રેમી તાનાશાહ નથી કે જેને પોતાના ગુણગાન સંભાળવામાં રસ હોય. પોતાના ગુણ, કર્મ અને સ્વભાવને ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવની જેમ ઉત્તમ કરવા એ જ ઈશ્વરની સ્તુતિનો એક માત્ર ઉદ્દેશ છે.

પ્રશ્ન: સ્તુતિ કેટલા પ્રકારની હોય છે?

સ્તુતિ બે પ્રકારની છે. પણ આ બે પ્રકારની સ્તુતિમાં અંતર માત્ર શબ્દાર્થના ફેરફારને લઈને જ છે અને નહીં કે મૂળભૂત સિદ્ધાંતને લઈને.

સગુણ સ્તુતિ:

ઈશ્વરમાં વિદ્યમાન હોય તેવા દિવ્યગુણોનું સ્મરણ કરી કરવામાં આવતી સ્તુતિ એટલે સગુણ સ્તુતિ. ઉદાહરણ તરીકે, ઈશ્વર સર્વવ્યાપક છે, સનાતન છે, શુદ્ધ છે, સર્વજ્ઞ છે, આ સગુણ સ્તુતિ એટલે કે જે જે ગુણો સહીત પરમેશ્વરની સ્તુતિ કરવી તે “સગુણ સ્તુતિ” છે.

નિર્ગુણ સ્તુતિ:

ઈશ્વરમાં વિદ્યમાન ન હોય તેવા ગુણોનું સ્મરણ કરી કરવામાં આવતી સ્તુતિ એટલે નિર્ગુણ સ્તુતિ. ઉદાહરણ તરીકે, ઈશ્વર અકાય છે, નિરાકાર છે, નિષ્પાપ છે, આ નિર્ગુણ સ્તુતિ એટલે કે જે જે રાગદ્વેષાદી ગુણોથી પૃથ્થક માની પરમેશ્વરની સ્તુતિ કરવી તે “નિર્ગુણ સ્તુતિ” છે.

પ્રશ્ન: ઈશ્વરની સ્તુતિ ગાતા કેટલાંક વેદમંત્ર જણાવશો?

વેદોનો મુખ્ય વિષય જ ઈશ્વર છે. આથી વેદમાં ઈશ્વરની સ્તુતિ ગાતા ઘણાં મંત્રો જોવા મળે છે. ઉદાહરણ તરીકે:

યજુર્વેદ ૪૦.૮:

સર્વમાં વ્યાપક, શીઘ્રકારી અને સર્વશક્તિમાન, શુદ્ધ, સર્વજ્ઞ, સનાતન, સર્વોપરી વિરાજમાન, સર્વાંન્તર્યામી, પરમેશ્વર પોતાની જીવરૂપ અનાદિ પ્રજાને પોતાની સનાતન વિદ્યાથી યથાવત અર્થોનો બોધ વેદ દ્વારા કરાવે છે. (આ સગુણ સ્તુતિ કહેવાય છે.)

પરમેશ્વર અકાય છે, એટલે કે કદી શરીર ધારણ કરતો નથી કે જન્મ લેતો નથી, જેમાં છિદ્ર નથી હોતા. તે નાડી આદિ બંધમાં આવતો નથી, તે કદી પાપ કરતો નથી, જેમાં કલેશ, દુઃખ, અજ્ઞાન કદી પણ નથી હોતું. (આ નિર્ગુણ સ્તુતિ કહેવાય છે.)

અથર્વવેદ ૧૦.૮.૧ અને ૧૦.૭.૩૨-૩૪:

જે પરમાત્મા ભૂત, વર્તમાન અને ભવિષ્યને પૂર્ણરીતે જાણનાર ત્રીકાળજ્ઞાની છે, જે સર્વ જગતમાં વ્યાપી રહેલો છે અને સર્વનો એ અધિષ્ઠતા અર્થાત સ્વામી છે, જે નિર્વિકાર અને કેવળ સુખસ્વરૂપ છે અર્થાત જેમાં દુઃખનો લેશ માત્ર પણ નથી, તે સર્વથી મહાન સર્વ સામર્થ્યયુક્ત પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમન કરીએ છીએ.

જેના યથાર્થ જ્ઞાનનું સાધન ભૂમિ એટલે કે પૃથ્વી જેના પાદસ્થાની છે, અંતરીક્ષ એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સ્થાન જેના ઉદરસ્થાની છે અને સર્વથી ઉચ્ચ સ્થાનમાં સૂર્યથી પ્રકાશમાન આકાશને જેણે પોતાના શિર:સ્થાની બનાવ્યું છે, તે સર્વથી મહાન સર્વ સામર્થ્યયુક્ત પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમન કરીએ છીએ.

જે સૂર્ય અને ચંદ્રમાને પ્રત્યેક કલ્પની આદિમાં નવા નવા બનાવે છે તે તેના ચક્ષુસ્થાની છે અને અગ્નિને મુખસ્થાને બનાવે છે, તે સર્વથી મહાન સર્વ સામર્થ્યયુક્ત પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમન કરીએ છીએ.

બ્રહ્માંડના વાયુ જેના પ્રાણ અને અપાન વાયુ તુલ્ય છે, પ્રકાશક કિરણો જેના નેત્રવત્ છે, જેના વિના રૂપ ગ્રહણ થઇ શકાતું નથી, દશે દિશાનોને જેણે સર્વ વ્યવહારોની સિદ્ધિ કરનારી બનાવી છે એવો જે અનંત વિદ્યાયુક્ત સર્વ શ્રેષ્ઠ પરમાત્મા સર્વનો ઇષ્ટદેવ છે તે પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમન કરીએ છીએ.

યજુર્વેદ ૨૫.૧૩:

જે જગદીશ્વર પોતાની કૃપાથી જીવમાત્રને વિદ્યાવિજ્ઞાન આપે છે, જે શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન થતા જીવાત્માને પુષ્ટ કરી ઉત્સાહ, પરાક્રમ તથા દ્રઢતાયુક્ત કરે છે, તેની જ સધળા વિદ્વાનો ઉપાસના કરે છે. જેના વેદ વિદ્યારૂપ અનુશાસનને વિદ્વાનો સ્વીકારી તે પ્રમાણે આચરણ કરે છે, જેની આશ્રયરૂપ છાયા અર્થાત કૃપા મોક્ષનું કારણ છે, જેની અનાશ્રાયરૂપ છાયા અર્થાત અકૃપા જન્મ-મરણના ચક્રમાં નાખનારી છે, એવા સર્વ સુખસ્વરૂપ તથા સર્વ પ્રજાના સ્વામી પરમાત્માની પ્રાપ્તિ માટે આપણે સત્ય, પ્રેમ, ભક્તિ જેવા સાધનો વડે ઉપાસના કરી મોક્ષને પ્રાપ્ત થઈએ.

પ્રશ્ન: પ્રાર્થનાને વિગતવાર સમજાવો?

યોગ્ય પુરુષાર્થ પછી ઉતમ કર્મોની સિદ્ધિ માટે પરમેશ્વરની સહાયતા લેવી તેને “પ્રાર્થના” કહે છે. યોગ્ય પુરષાર્થ કર્યા સિવાય કે હાનિકારક ઉદ્દેશ્યની પુરતી માટે કરવામાં આવતી પ્રાર્થના ઈશ્વર કદી માન્ય રાખતો નથી. આમ પ્રાર્થના આળસુ કે દુરાચારી વ્યક્તિ માટે નથી.

મનુષ્ય જે વાતની પ્રાર્થના કરે છે તેણે પોતાના જીવનમાં તે પ્રમાણે વર્તવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો મનુષ્ય પરમેશ્વર પાસે જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે તો, તેણે સૌ પ્રથમ જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાનાંથી બનતો પ્રયત્ન કરવો. એટલે કે યોગ્ય પુરુષાર્થ કર્યા બાદ પ્રાર્થના કરવાથી જ પ્રાર્થના સાર્થક નીવડે છે. જે ઈશ્વર સ્વયં પુરુષાર્થી છે તે ઈશ્વર પાસે પુરુષાર્થ કર્યા સિવાય પ્રાર્થના કરવી એ પ્રાર્થના કરનારની નહીં પણ ભિખારીની નિશાની છે. આમ પુરુષાર્થ બાદ જ પ્રાર્થના કરવી યોગ્ય છે.

કોઈનું અહિત કરવાના ઉદ્દેશ્યથી ઈશ્વરને પ્રાથના કદી ન કરવી. આમ કરવાથી ઉલટા પરિણામો આવે છે. કારણ કે આમ કરવાથી પ્રાર્થના કરનારનું મન દુષિત થાય છે અને આથી ભવિષ્યમાં તેની દુર્ગતિ થાય છે. આવી પ્રાર્થના કદી ન કરવી જોઈએ કારણ કે ઈશ્વર પણ આવી પ્રાર્થનાનો સ્વીકાર કરતો નથી. ઉદાહરણ તરીકે, ઈશ્વર આવી પ્રાર્થનાને સ્વીકારતો નથી, જેમ કે:

“હે પરમેશ્વર ! આપ મારા શત્રુઓનો નાશ કરો. મને સૌથી શક્તિશાળી બનાવો. સર્વે મારી જ પ્રતિષ્ઠા હોય અને સૌ મારે આધીન થઇ જાય.” કારણ કે જો તમારો શત્રુ પણ આવી જ પ્રાર્થના ઈશ્વરને કરે તો શું ઈશ્વર બંનેનો નાશ કરે?

જો કોઈ એમ કહે કે, જેમો પ્રેમ અધિક હોય તેની પ્રાર્થના સફળ થાય છે, તો પછી જેમો પ્રેમ ઓછો હોય તેના શત્રુનો ઓછો નાશ થવો જોઈએ. આ તો મૂર્ખતા જ છે.

આવી જ મૂર્ખતાની પ્રાર્થના કરતાં કરતાં કોઈ એવી પ્રાર્થના કરે કે “હે પરમેશ્વર! આપ અમને રોટલી બનાવી ખવડાવો, મકાન ચોખ્ખું કરી આપો, વસ્ત્ર ધોઈ આપો, ખેતીવાડી પણ કરી આપો.” આ રીતે પરમેશ્વરને ભરોસે આળસુ બની બેસી રહેવું મહામુર્ખાતા છે.

યજુર્વેદ ૪૦.૨ માં ઈશ્વર આજ્ઞા કરે છે કે: હે મનુષ્ય! તું ૧૦૦ વર્ષો પ્રયત્ન એટલે કે કર્મ કરતાં કરતાં જીવવાની ઈચ્છા કર. આળસી કદી ન થા. જે મનુષ્ય ઈશ્વરની આ આજ્ઞાનું પાલન કરતો નથી અને કર્મ કરવાનું ટાળે છે તે મનુષ્ય કદી સુખ પ્રાપ્ત કરી શકતો નથી. ભલે ને તેમાં અન્ય ઘણાં સદ્દગુણો કેમ હોય!

જીવનમાં પુરુષાર્થનો ગુણ અત્યંત મહત્વનો છે. જો મનુષ્ય પુરુષાર્થી ન હોય તો તેના બીજા ગુણો ભેગા મળીને પણ તેની ઉન્નતિ કરી શકતા નથી.

ધર્મથી પુરુષાર્થી વ્યક્તિને જ ઈશ્વર સહાય કરે છે.

આપણે પુરુષાર્થી મનુષ્યને જ કામ આપીએ છીએ, આળસી મનુષ્યને નહીં. જેને આંખો છે અને જોવાની ઈચ્છા છે તેને જ કશું બતાવી શકાય, આંધળાને નહીં. જે કોઈ ગોળ મીઠો છે, તેમ બોલ્યા જ કરે, તેથી તેને ગોળનો સ્વાદ કદી પ્રાપ્ત થતો નથી. પણ જે ગોળ મેળવવા માટે પ્રયત્ન કરે છે, તેને વહેલાં કે મોડાં ગોળ મળી જ જાય છે. આમ પરમેશ્વર પણ પુરુષાર્થ કર્યા બાદ સૌને ઉપકાર કરવાની પ્રાર્થનામાં સહાયક થાય છે, પણ હાનિકારક કર્મોમાં નહીં.

***