રીસન જેક આઈલેન્ડ - ૦૭ Bhavik Radadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

રીસન જેક આઈલેન્ડ - ૦૭

રીસન જેક આઇલેન્ડ

(પ્રકરણ – ૦૭)

મોનાર્થે મિકેનિક બોલાવીને મહિન્દ્રા ઠીક કરાવી લીધી. આયુષ ભાર્ગવની સાથે હતો. એ ભાર્ગવ અને ભાવ્યાનાં રિલેશન વિશે કહી રહ્યો હતો. નીલિમાના ગયા પછી, તે બંને કેવા એક બીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં! સવારથી લઈને સાંજ સુથી બંને એક સાથે જ હોય. તેઓએ કોલેજમાં સાથે મળીને કરેલી ધમાલ, સાથે મળીને કરેલી ફેસ્ટીવલની ઉજાણીઓ, લોંગ ડ્રાઈવ અને કઈ પણ તૈયારી કર્યા વગર દિવસો સુધી ફરવા નીકળી જતા. જબરદસ્ત ટ્યુનીંગ હતું બંને વચ્ચે. તેઓની જોડી પરફેક્ટ હતી. ફ્રેન્ડસથી લઈને કોલેજની ફેકલ્ટી સુધી બધાને ખબર હતી તેઓના સંબંધ વિશે. તેઓ ભવિષ્યમાં લગ્ન પણ કરવાના હતાં.

બપોર સુધીમાં મોનાર્થ અને આયુષ બંને પોત પોતાના ઘેર જતા રહ્યા. અલબત તેઓ સાંજે ફરીથી ભાર્ગવને મળવા આવવાના હતાં.

આ તરફ ભાર્ગવ વધારે ઉશ્કેરતો જાય છે. એ જેમ જેમ એક પછી એક કડીઓ જોડતો જાય છે, તેમ તેમ વધુંને વધું અટવાતો જાય છે. પણ એ તેની પાછળ પડી રહ્યો, એટલે આખરે રસ્તો મળ્યો ખરો.

એ બેઠો થયો. દીવાલ પરના વર્તુળ પર જોરથી હાથ દબાવ્યો, એ સાથે જ લાઈબ્રેરી વાળા હોલના તળિયા માંથી પેલી નકશા વાળી પેટી બહાર નીકળી. ભાર્ગવે એક ઊંડો શ્વાસ લીધો અને પેટીને ઢસડીને ઘરની મધ્યમાં લઇ આવ્યો. ઝડપથી ઘરની બહાર નીકળ્યો અને બહારથી દરવાજો લોક કરી દીધો. ઘરની આગળનો ભાગ ગુલમહોરના ફૂલોથી મધમધતો હતો. ગઈ રાતના પવનનાં તોફાનને લીધે ફળિયામાં ઠેર ઠેર ગુલમહોરના ફૂલોની નાની- મોટી ઢગલીઓ પથરાઈ ગઈ હતી. હારબંધ ઉભેલા અખંડ સાધુઓ જેવા ગુલમહોરના વૃક્ષો ગઈકાલ કરતાંય વધારે શાંત અદામાં હસતાં હતાં. જાણે કે તેઓને આવા નાના મોટા તોફાનો અને રોજે રોજ બદલાતા જીવન સાથે કોઈ સંબંધ જ નથી રહ્યો, તટસ્થ થઇ ગયા છે તેઓ.

ભાર્ગવે એક નજર ગુલમહોરની આવી અદભુત ગરિમા પર નાંખી ન નાંખી ને’ કઈક શોધવા આગળ વધી ગયો. ઘરની બંને બાજું રહેલી જગ્યાએથી એ ઘરની પાછળની તરફ ગયો, પરંતુ તેને જોઈતું હતું એ ના મળ્યું. એ ઘરની આગળની તરફ આવ્યો અને મહિન્દ્રા ક્લાસિક પડી હતી ત્યાં, પાર્કિંગ ઝોનમાં આવ્યો. મહિન્દ્રાનું સ્પેર વ્હીલ હજી ખુલ્લું જ પડ્યું હતું. તેને ઉઠાવ્યું અને ઘરના દરવાજાના આગળના ભાગમાં મૂકી દીધું. ફરીથી એ આંગણામાં આવ્યો અને રેલીંગ વાળો દરવાજો ખોલીને બહાર નિકળ્યો. આજે પહેલીવાર એ બહાર નીકળીને ઘરની પાછળની તરફ ગયો. ઘરની પાછળની તરફ અડાબીડ જંગલની જેમ લીમડાના વૃક્ષો ઉભા હતાં. આગળના એક લીમડાના થડના ટેકે બે ત્રણ સિમેન્ટની જામી ગયેલી થેલીઓ પડી હતી. ભાર્ગવે તેમાંથી એક થેલી બાજુમાં ખસેડી અને મહામહેનતે પીઠ પર ઉપાડી. થેલીને ઉઠાવીને એ આગળ વધતો જ હતો ત્યાં લીમડાના પાંદડાના થરમાંથી એનો પગ બહાર નિકળ્યો અને સાથે ઇલેક્ટ્રિકલ વાયર પણ આવ્યો! તેણે થેલી મૂકી પડતી અને વાયર ઉઠાવ્યો. ત્યાં ફક્ત વાયર જ નહોતો, તેની આસપાસથી એક સીસીટીવી કેમેરો અને બત્તીમાં વપરાતી બેટરી પણ મળી.

“ઓહ તારી... લાગે છે મને એકેય બાજુથી છોડયો નથી.” ભાર્ગવથી બોલાય ગયું.

તેણે ઉપરની તરફ નજર નાંખી. લીમડાની અમુક નાની ડાળીઓ તોડેલી હતી, અર્થાત આ કેમેરો ત્યાં જ હતો. પરંતુ ઉત્તર – પશ્ચિમ ખૂણામાં આવેલા લીમડાની એ જગ્યા એવી રીતે હતી કે ત્યાંથી ફક્ત ઘરનો મેઈન ગેટ જોઈ શકાય અથવા તો વધુમાં વધુ ઘરની પાછળની પછીત જોઈ શકાય. પાછળના ભાગમાં બારીઓ હતી, પણ તેની ઉચાઈ ખાસ્સી એવી હતી ઉપરાંત ઘરની બારીઓ અને કેમેરા વચ્ચેનું ત્રાસુ અંતર પણ ઘણું એવું હતું એટલે ઘરની અંદરની હિલચાલ તો જોઈ શકવી શક્ય જ નહોતી. લેબ કમ લાઈબ્રેરી વાળા ભાગમાં એકપણ બારી નથી. તો પછી કેમેરો અહીં જ કેમ લગાવ્યો હશે? અને શા માટે? ભાર્ગવે કઈક વિચાર્યું અને પછી કેમેરાને પહેલા ઘરના આંગણામાં મૂકી આવ્યો. ત્યારબાદ એ સિમેન્ટની થેલી ઉપાડી લાવ્યો અને દાદર ચઢીને જેવો દરવાજાના આગળના ભાગમાં પહોચ્યો કે ઘરની અંદરથી એક અસ્પષ્ટ અવાજ સંભળાયો. “ધડામ...”

“અરે વાહ... ગર્વ છે તારા પર ભાર્ગવ!” ભાર્ગવ ખુશીથી ઉછળ્યો અને પોતાના જ વખાણ કરવા લાગ્યો, “અચ્છા, હવે સમજાયું કે હિંમતનગરથી ઘરે આવ્યા ત્યારે ઘરની અંદરથી શેનો અવાજ આવ્યો હતો. આજે સવારે પણ આવું બન્યું હતું. કેમકે સવારે મોનાર્થ, આયુષ અને હર્ષવર્ધન ત્રણેય હતાં. હવે સ્પષ્ટ થયું કે સેન્સર પગની નીચે, દરવાજાના આગળના ભાગમાં છે. અમુક વજનથી વધારે વજન દરવાજાના આગળના ભાગમાં આવે એટલે નકશા વાળી પેટી આપોઆપ તળિયામાં જતી રહે. બે કે તેથી વધારે વ્યક્તિનો વજન એટલે કે લગભગ સો કિલોગ્રામ જેટલો વજન આવે ત્યારે આવું બને છે. એટલે જ હું એકલો બહાર આવ્યો ત્યારે પેટી તેની જગ્યાએ જ રહી હતી. વાહ ભાર્ગવ વાહ. શું દિમાગ દોડાવ્યું છે તે!” તેણે સિમેન્ટની થેલીને બાજુમાં નીચે ધકેલી દીધી અને મહિન્દ્રાનું વ્હીલ પાર્કિંગ ઝોનમાં રાખી દીધું. સીસીટીવી કેમેરો લઈને ભાર્ગવ ઘરની અંદર ગયો અને તેને લેબમાં સાચવીને મૂકી દીધો. તથા પેટીને બહાર કાઢી અને તેની સાથે જોડાયેલી લોખંડની સાંકળનો નકુચો ખોલી નાખ્યો. ફરીથી તેને યથાવત સ્થાને રાખી દીધી.

***

ડોરબેલના અવાજથી ભાર્ગવ જાગી ગયો. ઘણાં સમય પછી તેણે આટલી આરામ દાયક અને લાંબી નીંદર લીધી હતી. આંખો ચોળતા ચોળતા તેણે દરવાજો ખોલ્યો. આયુષ અને મોનાર્થ સુકો નાસ્તો લઈને આવ્યા હતાં.

“અત્યાર સુધી સુતો હતો?” આયુષએ પૂછ્યું અને ઉમેર્યું, “આ પહેલા તું ક્યારેય દિવસે સુતો હોય એવું યાદ નથી મને.”

“ગઈ રાત્રે મોડે સુધી જાગતો હતો એટલે. આવો અંદર.”

થોડી ઔપચારિક વાતો કરી. તબિયત વિશે પૂછ્યું પછી અચાનક મોનાર્થે ધડાકો કર્યો.

“આયુષ, મને લાગે છે કે હવે ભાર્ગવની તબિયત સારી છે તો આપણે તેને બધી હકીકત કહી દેવી જોઈએ.”

“હા, મને પણ એવું જ લાગે છે કે....”

“એક મિનીટ, તમે કઈ હકીકતની વાત કરો છો?” ભાર્ગવે આયુષની વાત વચ્ચેથી જ કાપી નાંખી.

“જો ભાર્ગવ, અમે અત્યાર સુધી તારાથી એક વાત છુપાવી છે. પણ હવે અમને લાગે છે કે સાચી વાત કહી દેવી જોઈએ. તને અમારા બંને પર શંકા છે એ વાત અમે જાણીએ છીએ. અને હોવી પણ જોઈએ. પરંતુ સાચી વાત એ છે કે અમે ફક્ત મિત્રતા નિભાવવા માટે તારી આટલી મદદ નથી કરી રહ્યા. અમારો પણ સ્વાર્થ છે થોડો....”

“કેવો સ્વાર્થ? અને શું જોઈએ છે તમારે મારી પાસેથી?”

“બ્લેક ઓપલ.”

“શું? બ્લેક ઓપલ? રીસન જેક આઈલેન્ડ વાળા.”

“હા, એ જ. સાંભળ, ભવ્યા સુરત નથી ગઈ. તે કિડનેપ થઇ ચુકી છે. કારણ કે તે રીસન જેક સુધી પહોચવાનો રસ્તો જાણે છે. ‘રીસન જેક આઈલેન્ડ’ નો નકશો તારી પાસે છે. પણ ત્યાં સુધી પહોચવા માટે પણ નકશો તો જોઇશે ને? એ પછી જ તેમાં આગળ વધી શકાય. તો સુંદરવનના જંગલમાં થઈને રીસન જેક સુધી પહોચવાનો નકશો અમારી પાસે છે. હવે સૌથી ખાસ વાત. તારી ગર્લફ્રેન્ડ, તારી હરહંમેશની સાથી ભાવ્યાને રીસન જેક લઇ જવામાં આવી છે. તારે તારી ગર્લફ્રેન્ડ જોઈએ છે અને અમને બ્લેક ઓપલ. સાથે મળીને કામ કરીશું તો જલ્દી કામ પતિ જશે, નહિ તો ઘણું મોડું થઇ જાશે. એકલા હાથે આ કામ પૂરું પાડવું શક્ય નથી. તો હવે નિર્ણય તારા હાથમાં છે.”

***

( મિત્રો, હું અહી લખીને સીધોજ માતૃભારતી પર અપલોડ કરું છું એટલે અમુક જગ્યાએ ભૂલો રહી જશે. તથા આ ફર્સ્ટ ડ્રાફ્ટ હોવાથી અપલોડ કર્યા પછી પણ ઘણાં બધા સુધારાઓ કરી રહ્યો છું. પહેલા અને બીજા ભાગમાં મેં દર્શાવ્યું હતું કે કથાના પત્રોનો કોલેજ સમયગાળો ત્રણ વર્ષ છે. પરંતુ આગળના પાર્ટથી આ સમયગાળો ચાર વર્ષ કરી દેવામાં આવ્યો છે. તથા એકસીડન્ટ સમયે ભાર્ગવ પાસે બાઈક હતી, પણ ટેકનીકલ કારણોસર તેને હટાવી દેવામાં આવી છે. આવા ઘણાં સુધારાઓ હજુ પણ થશે. મેં ફક્ત આ વાર્તાની શરૂઆત અને અંત વિચારી રાખ્યા છે. વચ્ચેનો ભાગ તો જાતે જ પુરતો જાય છે. માટે તમે આ વાર્તામાં આગળ શું થવું જોઈએ એવું ઈચ્છો છો કે શું થશે એવું તમને લાગે છે એ મારી સાથે શેર કરી શકો છો. મને વાર્તા આગળ લખવામાં હેલ્પ થશે. ટાઈટ શિડયુલ ના લીધે મોટો પાર્ટ નથી લખી શકતો. પણ ટૂંક સમયમાં જ એક ‘ફાસ્ટ ફોરવર્ડ’ પાર્ટ અપલોડ કરીશ. સાથ સહકારની અપેક્ષા સહ આભાર. તમારા વિચારો રજુ કરવા વિનંતી. – ભાવિક. )

( ક્રમશ: )

લેખક: ભાવિક એસ. રાદડિયા