Asambhav - books and stories free download online pdf in Gujarati

અસંભવ -

અસંભવ

'મમ્મી, મમ્મી મને પ્રમોશન મળ્યું...' સ્કૂટર પાર્ક કરી ચાર પગે દોડતી સમીરાએ ઘરમાં આવતા વેંત ખુશીના સમાચાર આપ્યા.

આજે તેને રોજના કરતાં પણ મોડું થયું હતું. બહાર બગીચામાં વૃક્ષો અંધારાની ચાદર ખેંચી રહ્યાં હતાં ત્યાં સ્કુટરનો ઘૂઘવાટો સંભળાતા ચાતકની જેમ પોતાની લાડલીની રાહ જોતી મમ્મીએ રસોડાની બારીમાંથી બહાર જોયું હતું.

સમીરાએ શિરે, મોઢે વીંટાળેલી જામલી રંગની ઓઢણી છોડી ખભે લટકાવી, વાળને સરખા કરતા સ્કુટરના કાચમાં જોઈ મોં પર હાથ ફેરવ્યો ત્યાં તો વાદળું હટી જતાં જાણે ચન્દ્ર ખીલી હસી રહ્યો ! એ હોત તો બોલત, 'આ તારી નખરાળીએ તારા રંગ-રૂપને મારી ઊંચાઈ ચોરી છે. ને હોશિયારીમાં આપણને બન્નેને ટપી જાય!

દીકરીના પ્રમોશનથી આનન્દમાં રઘવાયી થઈ ગયેલી મમ્મી રસોડામાંથી દોડતી આવી લોટવાળા હાથથી તેને ભેટવા ગઈ ત્યાં સમીરા બોલી: 'મારે બીજે ગામ જવું પડશે. '

તેની મમ્મીના હાથ લકવો થયો હોય તેમ લટકી રહ્યા.

'અહીં ઘરનું ઘર છોડી પારકા ગામમાં જવાની?' ઉમાના ગળામાં રુદન અટકી પડ્યું, તેને સમીરાને ઘણું બધું કહેવું હતું પણ... .

તે ખૂબ થાકી ગઈ હોય તેમ હતાશ થઈ સોફામાં બેસી પડી. પગભેર, સ્વતંત્ર છોકરી પોતાના જીવન વિષે વિચારે તેમાં તેને ઘરમાં બાંધી ન રખાય તે ઉમા સમજી ચૂકી હતી પણ હવે સમી ય જતી રહેશે? દીકરો પરદેશ ગયો, ઘર ધમાલ -મસ્તી વગરનું મૂગું થઈ ગયું હતું પણ સમીરાની વસ્તીથી તે મન મનાવતી.

સમીરા મમ્મીની પાસે બેઠી. તેને બરડે હાથ ફેરવ્યો, બોલી:'મમ્મી અપ ડાઉન થાય એટલું નજીક છે. તું ચિંતા ના કર '

ઉમા વિચારતી હતી આવ-જાવ કરવામાં થાકી જવાય તે બોલી ;' સમીરા થોડા દિવસ ચાલે પછી તારે ત્યાં ઘર રાખવું પડેઃ'

'મને ભૂખ લાગી છે, જમવા બેસીએ પછી વિચારશું '.

મમ્મીના હાથની ગરમ રોટલી ખાતા સમીરાનું મન પલળવા માંડ્યું 'ગરમ રોટલી, મમ્મી ઘર બધું ય મિસ કરીશ 'તેણે કહ્યું :

''મમ્મી, તું ય મારી સાથે આવજે. આપણે અહીંની જેમ જ બગીચામાં હીંચકો હોય તેવું ઘર રાખીશું. '

ઉમાના અવાજમાં સૂનાપણું છલકાયું :'તારા પાપાના ગયા પછી હીંચકો ધૂળ ખાય છે, ઝૂલવાનું મન જ નથી થતું. '

પાપા હતા ત્યારે ઉનાળાની રાત્રે મોડા સુધી હીંચકે તેઓ બેસતાં. હું અને નિકેત 'ડોશીના ઘરમાં ધક્કામુક્કી' કરતાં તેઓની વચ્ચે હીંચકે બેસતા.

'અહીં કોઈ ડોશો કે ડૉશી નથી, ભાગો અહીંથી. '

નિકેત મસ્તીમાં પાપાના ટાલિયા માથે હાથ ફેરવતો અને મમ્મીને કહેતો :'આ સમીરાના લગ્ન વખતે તને હૅર કલર માટે પાર્લરમાં લઈ જઈશ. '

પાપા જાતે બેઠખડમાં જઈ હાર્મોનિયમ લાવી હીંચકા પર મૂકતા પછી કહેતા 'ઉમા તને ખબર છે શિવને રીઝવવા પાર્વતીએ કેટલું તપ કરેલું ? તું તારા મહેશ માટે એક ભજન નહીં સંભળાવું ? પાપાના પ્રેમાગ્રહથી આખા દિવસના કામ અને ટ્યુશનથી થાકેલી મમ્મી હાર્મોનિયમ ખોલી સૂર મેળવતી. મમ્મીને હાર્મોનિયમ જીવ જેટલું વ્હાલું હતું. પાપાએ સુરતના હીરા કાળીદાસની પાસે ખાસ બનાવડાવેલું.

પછી સમીરાની મીઠી નિંદરમાં 'સબસે ઉંચી પ્રેમ સગાઈ .... ગૂંજ્યા કરતું, તેમાંય પાપાનું ફેવરિટ 'સજન તુમ ઝૂઠ મત બોલો ... ' ભજનમાં તેઓ તાલમાં સૂર પૂરાવતા. છેલ્લા બે વર્ષથી પાપાની ગેરહાજરીમાં મમ્મી રાત્રે બગીચામાં ન હીંચકે ઝૂલવા જતી કે ના કદી ભજન ગાતી . રાત્રે સમીરા અગાશીમાંથી જોતી હીંચકાને વીંટળાયેલી મધુમાલતીની વેલના સફેદ, ગુલાબી ફૂલોની વર્ષા ચારેકોર થયા કરતી. ફૂલોની મંદ, મધુરી ફોરમમાં વિસરાયેલા સૂરોનું સંગીત તેને બેચેન કરી દેતું.

***

સમીરાનું મન દેના બેન્કમાં બ્રાન્ચ મેનેજર થવાનું એનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું હતું તેથી આનન્દમાં તરતું હતું પણ તેણે પોતાનું વતન વડોદરા છોડી ઉત્તરસંડા જવાનું સ્વીકારી લીધું તેથી મમ્મી, ઘર, પાપાની જીવતી જાગતી યાદો અને ઉપરની રૂમમાં નિકેતની ધમાચક્ડીના ભણકારા... ગળામાં ડૂમો ભરાયો હતો. પાપાને બે વર્ષ પહેલાં હાર્ટએટેક આવેલો ત્યારે એણે મમ્મીને સંભાળી લીધી હતી પણ અત્યારે જાણે પાપાના ખભે માથુ મૂકવા તલસાટ થતો હતો.

જવાના બે દિવસ પહેલાં તેણે રજા લીધી હતી. એનાં કપડાં અને બીજી વસ્તુઓ પેક કરતા તે બે માળના બંગલામાં આંટાફેરા કરતી હતી. નિકેત અમેરિકા ગયો પછી ઉપરના બે ય રૂમ તે છૂટથી વાપરતી.

રસોડામાંથી થોડાં મરી-મસાલા અને વાસણો લેવા તે નીચે આવી.

આજે મમ્મી હજી નાહી નહોતી, કેડે સાડીનો પાલવ બાંધી કામે લાગી હતી . આગળના બેઠકખડમા કામવાળી પાસે સાફસૂફી કરાવતી હતી. બે સોફા વચ્ચે જગ્યા કરાવી જમવાના ટેબલની ખુરશીઓ મૂકાવી. ટી. વી. આઘુંપાછું કરી દીવાન ગોઠવી ખૂણામાં હાર્મોનિયમ મૂક્યું. ત્યાં હાર ચઢાવેલો પાપાનો ફોટો હતો. ઘરમાં પાપાના મહેમાનો આવતા કે પાર્ટી જેવું હોય ત્યારે આમ થતું. સમીરા નવાઈ પામી બોલી:

'કોણ આવવાનું છે. ?'

મમ્મી કહે: તું જવાની છું તે તારા સ્ટાફના મિત્રો મળવા આવશે ને?' એ બહાને કામ કાઢયું . '

સમીરાને મૂઝવણ થઈ કેમકે એણે બે દિવસ પહેલાં મમ્મીને કહ્યું હતું કે એના સ્ટાફે રેસ્ટોરન્ટમાં એને વિદાયપાર્ટી આપેલી, પછી આ બધી ધમાલ ? તેણે મમ્મીને હાથ પકડી સોફામાં બેસાડી : મમ્મી રિલેક્સ, કોઈ આવવાનું નથી. તારી કેડો દુઃખશે,

દોડાદોડી છોડ. ' એ રસોડામાં ગઈ એટલે ઉમા જંપીને બેઠી નહીં . કામવાળીને કહેતી હતી :'ભજનમંડળીને આપણે ઘેર બોલાવીશું . '

***

સમીરાને છેલ્લી ઘડીએ યાદ આવ્યું ઉત્તરસંડા નાનું ગામ છે ક્યારેક લાઈટ જતી રહે તો બેટરીની જરૂર પડે .

સાંજે એ બહાર જવા નીકળી ત્યારે તેણે જોયું મમ્મીએ પાપાની ગમતી આસમાની સાડી પહેરી છે, લાંબા વાળનો ચોટલો છુટ્ટો ઝૂલે છે, વાળમાં એક બાજુ મધુમાલતીના ફૂલોનું ઝુમખું લટકે છે . બગીચાના માળી પાસે હીચકાના કડાંમાં દીવેલ પૂરાવતી હતી. માળીએ ગાદી ઝાટકી હીંચકે તકિયા ગોઠવ્યા ને ઉનાળામાં પીળાશ ધારણ કરેલી લોન પર પાણી છાંટ્યું. સમીરા વિચારતી હતી 'હું જવાની છું તેની ઉદાસીમાં ગુમસુમ બેસી રહેવાને બદલે મમ્મીએ આજે શું કામ કાઢ્યું છે ?'

***

સમીરા બહાર ગઈ ત્યારે ઉમાએ આજે રોજની જેમ ટોકી નહીં કે વહેલી આવી જજે. માળીએ પૂછ્યું :'બહેન બગીચાની લાઈટ કરું?'

'ચાંદનીનું અજવાળું છે, લાઈટની જરૂર નથીં'. ઉમાએ માળીને દરવાજો બંધ કરી જવાનું કહ્યું.

સમીરા મોડી રાત્રે ધેર આવી ત્યારે તેને અફસોસ થયો કે મમ્મી જોડે નિરાંતે બેસાયું નહીં, સવારે કામની ધમાલ હતી ને અત્યારે.. ?

એ ખૂલ્લા દરવાજાની વચ્ચોવચ્ચ અટકી ગઈ.. બગીચામાં ચાંદનીના આછા તેજમાં તેના ઊંચા પાપાને ઘરમાંથી હાર્મોનિયમ લાવતા જોયા. સમીરાએ બેગમાંથી બેટરી કાઢી પ્રકાશમાં ચોખ્ખું જોયું, સફેદ, લેંઘો પહેરેલા પાપાના હાથમાં હાર્મોનિયમ હતું, ભીની લોનમાં તેમનાં પગલાંનો છપ છપ અવાજ તેણે સાંભળ્યો. તેમણે હાર્મોનિયમ હીચકા પર મમ્મીની સામે મૂક્યું . સફેદ લેધો સહેજ સંકેલી પલાંઠી વાળી અને ઝભ્ભો સરખો કર્યો. બોલ્યા : ઉમા, તારા મહેશ માટે એક ભજન ગાઈશ?' .

મમ્મીએ , 'તમે એવાને એવા જ રહ્યા '. બોલી હાર્મોનિયમ પર સૂર મેળવ્યા.

મમ્મીએ હાર્મોનિયમ પર 'સજન તુમ ઝૂઠ મત બોલો ' ભજન ઉપાડ્યું ને પાપા ડોલતા પગ પર થાપ આપતા હતા.

સમીરાના પગ સ્કૂટર પર આઈસ થઈ ગયા. ડરની મારી તે થર થર ધૂર્જતી હતી, એની ચીસ ઠરી ગઈ. સ્કૂટર પડી ગયું। એ ભોંયભેગી થઈ ગઇ ત્યાં જ પાપા દોડતા આવ્યા. પાપાએ તેને હીંચકા પર બેસાડી. ' અહીં ધક્કામુક્કી નહીં '... કોણ બોલ્યું?

એણે હીંચકે બેસી ગાતી મમ્મી જોઈ પછી ગાતા ગાતા થાકેલી મમ્મીએ માથું હાર્મોનિયમ પર ઢાળી દીધું . સમીરાએ પોતાનો ઠરેલો હાથ મમ્મીને માથે મૂક્યો।

તે જાગી ગઈ : 'ચાલ, હાર્મોનિયમ ઘરમાં લઇ લે ' સમીરાએ મમ્મીનો હાથ પકડી ઉઠાડી, હીંચકા પર બાજુની ખાલી જગ્યામાં તાજા ફૂલોનો હાર ચઢાવેલો પાપાનો ફોટો તકિયાને અઢેલીને હતો.. ઉમાએ હળવેથી ફોટાને હાથ ફેરવી છાતીસરસો ચાંપી ભીની લોનમાં ચાલવા માંડ્યું. તેનું માથું બાજુમાં કોઈના ખભાનો ટેકો હોય તેમ નમેલું હતું.

સમીરા પૂછતી હતી, 'હાર્મોનિયમ બહાર કોણ લાવ્યું?'

મમ્મી 'મારી તો કેડ ભાંગેલી, એતો એવા એ જ '

સજન તુમ ઝૂઠ મત બોલો ... ભજન સાંભળતી સાવ એકલી સમીરા હાથમાં બેટરી લઈ વરંડામાં આવી, ઘરનું તાળું ખોલી સૂના બેઠક રૂમમાં ગઈ. ખૂણામાં ટીપોઈ પર મૂકેલા સુખડના હારવાળા મમ્મી -પાપાના ફોટા આગળ ફસડાઈ પડી.

તરૂલતા મહેતા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED