અને આપણે ફરી વખત મળ્યા-૨ Rohit Suthar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અને આપણે ફરી વખત મળ્યા-૨

હું માનતો હતો કે હું ઓછું બોલવાવાળો વ્યક્તિ હતો. પણ હિમાની સાથે વાત કરવાના મેં ઘણા પ્રયાસ કરી જોયા હતા. આખરે એક રોજિંદો ક્રમ બની ચુક્યો હતો. હું મારા બિઝનેસમાં વ્યસ્ત રહેવા લાગ્યો અને તે ફેશન ડિઝાઈનીંગના પ્રોફેશનમાં. બાકીનો સમય પણ તે માર્કેટીંગ કરવા માટે સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતી.

ધીમે ધીમે મનમાં અમુક શંકા-કુશંકાઓ ઉદ્દભવવા લાગી. શું તેના જીવનમાં મારાથી પહેલાં કોઈ હશે? કે પછી અત્યારે પણ છે? કેમ કે ઘણી વાર એમ થતું કે એ મને પસંદ નથી કરતી. તો પછી આખરે લગ્ન કેમ કર્યા. જો અન્ય કોઈ વાત હોય તો પણ પતિને કહેવી તો જોઈએ ને.

હિમાની ઘણી વાર મને કહ્યા વિના જ ક્યાંય પણ જતી રહેતી. અમુક વાર તો પખવાડિયા બાદ પણ આવતી. બે-ત્રણ મિનિટ માટે અમુક વાર વાત થતી, એ પણ સામેથી હું કરું તો જ. તે તો જાણે મારા કરતાં પણ વધુ વ્યસ્ત હતી. આ લગ્નજીવન તો જાણે મારા માટે બોજ સમાન થઈ ચૂક્યું હતું.

એક દિવસ સવારે તે સ્નાન કરતી હતી. ત્યારે તેના મોબાઈલની ડિસ્પ્લે બ્લીંક થઈ. નજાણે કેમ મને શંકા ઉદભવી અને મેં એનો ફોન હાથમાં લીધો. જો એ દિવસે મેં ફોન ચેક ન કર્યો હોત, તો એની સચ્ચાઈ મને ખબર જ ન પડત.

ફેસબુકના મેસેન્જરમાં અમુક મેસેજીસ આવેલા હતા. કોઈ વિશાલ ચૌધરીના નામેથી. "ગુડ મોર્નિંગ માય એન્જલ, લવ યુ." મારી આંખો સહેજ પહોળી થઇ અને એના જુના મેસેજ પણ વાંચ્યા. હિમાની પણ તેને “જાન” કહીને જ બોલાવતી અને "આઈ લવ યુ" તો જાણે એક દિવસમાં તેઓ એકબીજાને સો વાર કહેતા હોય તેવું લાગ્યું. હિમાનીએ મારી જિંદગી બરબાદ કરી નાખી હોય તેવો અહેસાસ મને થઈ રહ્યો હતો. ઓફિસમાં દસ વાગ્યે ખાસ મિટિંગ હતી, પણ તેથીય વધુ જરૂરી આજે હિમાની સાથે મિટિંગ કરવી જરૂરી હતી.

હિમાની સ્નાન કરીને બહાર આવી અને મેં વાત શરૂ કરી. ના...વાત ન કહી શકાય, મેં ઝઘડો જ કરી નાંખ્યો. વાત જાણતા તે પણ ભડકી ઉઠી, "તારી હિંમત કેવી રીતે થઈ, મારો ફોન ટચ કરવાની?"

"તું લફરું કરી શકે છે ને હું ફોન પણ ના જોઈ શકું એમ ને?" મેં જોરથી કહ્યું.

થોડી વારની શાબ્દિક લડાઈ બાદ તે જોરથી બરાડી, "મારી ફ્રેન્ડ અંજલીની ફેક આઈડી છે વિશાલ ચૌધરીના નામથી..."

"હેં...." મને નવાઈ લાગી.

હિમાનીએ તેની ફ્રેન્ડ અંજલીને ફોન કરીને આ અંગે વાત જણાવી, ત્યારબાદ ફોન મને આપ્યો. સહેજ કચવાતા મને મેં એની સાથે વાત કરી અને મનની શંકા દૂર થઈ. ઘણા છોકરાઓ ફેસબુક પર અંજલીને મેસેજ કરીને પરેશાન કરતા હતા. આથી તેણે વિશાલ ચૌધરીના નામે ફેક આઈડી બનાવી હતી. સત્ય જાણીને હું હિમાનીની સામે ભોંઠો પડ્યો. આથી સોરી કહીને ત્યાંથી નીકળી ગયો.

★★★

એ દિવસ બાદ હિમાની મારાથી ખૂબ જ નારાજ થઈ ગઈ. વાત કરવાની તો દૂરની વાત રહી, મારી સામે જોતી પણ નહીં. ભૂલ મારી હતી, એટલે મેં એની માફી પણ માંગી અને મનાવવાની કોશિશ પણ કરી. પણ બધું વ્યર્થ રહ્યું. તે પહેલાં કરતા પણ મારાથી વધુ દૂર થઈ ગઈ.

અમે એકબીજાને ન તો પ્રેમ કરતા હતા, ન સમજતા હતા. અહીં સુધી કે અમેં એકબીજા વિશે વધુ કંઈ જાણતા પણ નહોતા. એક છતની નીચે બે અજનબીઓ રહેતા હતા. નાની નાની વાતોમાં પણ ઘણી વાર તકરારો વધી જતી. હવે પહેલા કરતા પણ ભયંકર ઝઘડાઓ થવા લાગ્યા. પાંચેક મહિનાઓ બાદ એક દિવસ પરસ્પરની સહમતીથી ડિવોર્સ લેવાનું અમે બન્નેએ નક્કી કર્યું. આમાં જ ભલાઈ હતી. અમે એકબીજા સાથે નહીં, પણ એકબીજા વિના જ ખુશ રહીશું. એ વાત અમે સમજી ચુક્યા હતા.

હિમાની એના માતા-પિતાને ત્યાં રહેવા જતી રહી. શરૂઆતમાં અમારા પરિવારે સમજાવવાની નાકામ કોશિશ કરી જોઈ. પણ અમે અમારા નિર્ણય પર મક્કમ હતા. અમે કોર્ટમાં ડિવોર્સ માટે અરજી કરી દીધી. એ સમયે ખબર નહોતી કે આપણા ભારત દેશમાં જલ્દી ડિવોર્સ નથી મળતા. કોર્ટમાં તારીખ પે તારીખ પડતી ગઈ. ઘણી વાર તો હું કે તે કામમાં વ્યસ્ત હોવાથી કોર્ટે આપેલ તારીખે હાજર નહોતા રહી શકતા. પરિણામે તારીખ આગળ વધી જતી.

લગભગ દોઢ વર્ષ બાદ અમને ડિવોર્સ મળેલા. એ દિવસે મેં એને આખરી વાર જોઈ હતી. અમારી આંખો મળી અને તરત ફેરવી પણ લીધી. અમે બન્ને વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા હતા. મેં પાછળ ફરીને ન જોયું અને મને ખાતરી છે કે તેણે પણ પાછળ ફરીને નહિ જ જોયું હોય.

એક નવા જીવનની શરૂઆત અમે કરવાના હતા. હું બીજી વાર લગ્ન નહિ કરું, એ નિર્ણય કરી ચુક્યો હતો. લગ્ન એટલે માત્ર જીવનની બરબાદી. એમ માની ચુક્યો હતો.

★★★

વર્તમાન...

સવારે છ વાગ્યે ઉઠ્યો ત્યારે હું નોર્મલ હતો. હિમાનીએ ટેબ્લેટ આપી એ કારણે રાહત થઈ હતી. ટ્રાવેલ એજન્ટને ત્યાં મેં ગઈ રાત્રે જ આબુ દર્શન માટે બુકીંગ કરાવ્યું હતું. એ મુજબ નવ વાગ્યે ત્યાં પહોંચવાનું હતું. ઉભો થઈને નિત્યક્રિયાઓ પૂર્ણ કરી મેં ચા-નાસ્તા માટે ફોન પર ઓર્ડર કર્યો. પંદર મિનિટમાં ચા અને સેન્ડવીચ આવી ગઈ હતી. એ બન્નેને ન્યાય આપ્યા બાદ મેં મોબાઈલમાં સમાચાર વાંચવાનું શરૂ કર્યું. પણ એમાં મારુ મન નહોતું લાગતું, એ નજાણે કેમ હિમાનીમાં ખોવાયેલું હતું.

"અરે યાર, એ અકડું છોકરીને હું કેમ યાદ કરું છું?" મનોમન બબડીને એના પર ગુસ્સો વ્યક્ત કર્યો.

★★★

નવ વાગ્યે હું બસમાં બેઠો હતો. બારી પાસેની સોળ નંબરની સીટ મારી હતી. આસપાસ ડોકિયું કર્યું, બધા એમના પરિવાર સાથે હતા, બસ એકમાત્ર મને છોડીને. મનમાં જ એક ઘેરો નિસાસો નાખ્યો.

"શું મારે બીજા લગ્ન કરવા જોઈએ...?" ખબર નહિ કેમ, પણ આટલા વર્ષોમાં પહેલી વાર મારા મનમાં આ પ્રશ્ન ઉદ્દભવ્યો.

"જો ફરી વાર નિષ્ફળતા મળે તો...?"

"જરૂરી તો નથી ને, કે એકવાર તમે નિષ્ફળ થાઓ તો બીજી વાર પણ એવું જ થવાનું. જો આનાથી વિપરિત થાય તો? કોઈ એવું મળી જાય જે મને ખુબ પ્રેમ કરે....હું એને ખૂબ પ્રેમ કરું..."

મનોમન હું આ વિષે વિચારી રહ્યો હતો. નવ ને પંદર થઈ ગઈ હતી, પણ બસ સ્ટાર્ટ નહોતી થઈ. આસપાસ તો બધા આવી ગયા હતાં. બસ મારી બાજુની સીટ ખાલી હતી. અમુક લોકો અકળાઈને બસ ડ્રાયવરને પણ મળી આવ્યા હતા. તે કોઈને ફોન જોડી રહ્યો હતો.

હું આ બધું ઇગ્નોર કરીને ઈયરફોન કાનમાં ભરાવીને ગીતો સાંભળી રહ્યો હતો. મારી આંખો બંધ હતી. અચાનક મારી બાજુમાં આવીને કોઈ બેઠું હોય એવો આભાસ થયો. પણ મેં એ બાજુ જોવાની તસ્દી ન લીધી. બસ સ્ટાર્ટ થઈ. બસનો ગાઈડ પણ સાથે જ હતો. દસેક મિનિટ બાદ એ કઈક બોલી રહ્યો હતો. ત્યાર બાદ બસ થોભી. પહેલો પોઇન્ટ આવી ગયો હતો. મહાદેવનું મંદિર...

આંખો ખોલીને જોયું તો મારી બાજુમાં હિમાની બેઠી હતી. ઓહ! આ કેવા સંયોગ છે? જે વ્યક્તિને હું એક ક્ષણ માટે પણ જોવા નથી માંગતો એને હું કાલથી જ જોઇ રહ્યો છું. પહેલા સનસેટ પોઇન્ટ પર, પછી હોટલમાં એ પણ મારાથી બે રૂમ છોડીને જ, અને હવે અહીં બસમાં. મતલબ કે સાંજ સુધીના પ્રવાસમાં એ મારી સાથે જ રહેશે? એ પણ મારી બાજુની સીટમાં...? ઈચ્છા તો થઈ કે હું કોઈ બીજા પ્રવાસી સાથે સીટની બદલી કરાવી લઉં. પણ એ શક્ય નહોતું. કારણ કે બધા એમના પરિવાર સાથે હતા અથવા કપલ્સ હતા. મારે આને સાંજ સુધી સહન કર્યા સિવાય છૂટકો નહોતો.

"હાય...." હિમાનીએ કહ્યું.

"હાય..." મેં પણ ટૂંકમાં જવાબ આપ્યો.

"યાર, એકલા એકલા કંટાળી જઈએ ને? તું એકલો, હું એકલી...આજે સાથે મળીને ફરીએ તો…?!" હિમાનીએ પ્રસ્તાવ મુક્યો.

"તમને તો એકલા ફરવાનું ગમે છે ને? તો આજે શું વાંધો પડ્યો?" તમે શબ્દ પર ભાર આપીને મેં એને અહેસાસ કરાવ્યો કે હવે અમારા વચ્ચે કોઈ સંબંધ નથી.

"હા...એ તો છે...પણ..."

"પણ..." કહેતા હું ઉભો થયો. ગાઈડવાળાનું લેક્ચર પતી ગયું હતું. બધા પ્રવાસીઓ એક બાદ એક ઉતરી રહ્યા હતા. હિમાની ડાબી તરફ બેઠી હતી. એટલે એ બહાર નીકળે પછી હું નીકળી શકું. એ પણ ઉભી થઇ.

મહાદેવના મંદિરના બધાએ દર્શન કર્યા. શિવલિંગ ઘણું મોટું અને વિશાળ હતું. દર્શન કર્યા બાદ ત્યાંના પરિસરમાં બધા ફોટાઓ ખેંચી રહ્યા હતા.

"શું તમે અમારો ફોટો ખેંચી આપશો...?" એક યુવાને પૂછ્યું. મેં હા પાડતા મોબાઈલ મારા હાથમાં આપી એ એની વાઈફ પાસે જઈને ઉભો રહી ગયો. મેં બન્નેનો ફોટો કેપ્ચર કર્યો. બન્નેને સાથે જોઈને મને ગમ્યું એટલે ચાર-પાંચ વધુ ફોટા કેપ્ચર કરી આપ્યા. ખુશ થઈને તેણે ધન્યવાદ વ્યક્ત કર્યો. હું બસ તેમને જોઈ રહ્યો હતો.

"બન્ને એકબીજા સાથે કેટલા ખુશ છે ને...?" મારી બાજુએથી અવાજ આવ્યો. હિમાની મારી બાજુમાં જ ઉભી હતી.

"એકબીજા સાથે ખુશ રહેવા માટે, એકબીજાને સમજવા જરૂરી છે. અને એ માટે સમય આપવો જરૂરી છે. એમાં ખાસ તો પ્રેમ હોવો જરૂરી છે. નહીં....?" હું કટાક્ષમાં બોલ્યો.

"હા...તો જીવન સ્વર્ગથી પણ વધુ સુંદર થઈ જાય છે." તે હસીને બોલી. દસેક મિનિટ બાદ બસ ફરી ઉપડી.

"હવે તારી તબિયત કેમ છે?" હિમાનીએ પૂછ્યું.

"હા, સારી છે. તમારો આભાર..." મેં કહ્યું.

"હું 'તું' કહીને બોલવું છું ને તું મને 'તમે' કહીને કેમ બોલાવે છે? શું આપણે એકબીજાને ઓળખતા નથી?" તેણીએ પૂછ્યું.

"ઓળખતા હોવા છતાંય એકબીજા માટે અજાણ્યા જ છીએ..." મેં કહ્યું. થોડીવાર સુધી તે ચૂપ જ રહી.

ઓહ! હું કેમ ભૂલી રહ્યો હતો કે કાલે રાતે જ્યારે હું બીમાર હતો, ત્યારે એણે જ મારી મદદ કરી હતી. એ પણ કોઈ પૂર્વગ્રહ રાખ્યા વગર. તેણે વર્ષો પહેલા મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું, તો સામે મેં પણ ઝઘડાઓ કરીને એવું જ વર્તન કર્યું હતું ને? આજે હિમાની જો એ બધું ભૂલીને મારી સાથે સારી રીતે વર્તતી હોય, તો હું કેમ તોછડાઈથી વર્તુ? આખરે એક સમયે તે મારી જીવનસંગીની રહી ચુકી છે.

"સોરી..." મેં કહ્યું.

"હમમમ... શું...?" તેણીએ કહ્યું.

"સોરી..." મેં ફરી કહ્યું.

"થોડું જોરથી કહો ને..." કાનમાંથી રૂ નીકાળતા તેણે કહ્યું

હિમાનીએ મારું કહેલું સોરી સાંભળી લીધું હતું, પણ જાણી જોઈને આમ નાટક કરી રહી હોય એવું મને લાગ્યું.

"સોરી...લાસ્ટ વાર કહું છું..." મેં સહેજ જોરથી કહ્યું.

"હમમમ...અરે યાર, આમ બેરૂખી, અતડા થયેલા રહેવું, મો સુજાઈને ફરવું...આમ સારું લાગે...? જીવન તો હસી ખુશી જીવવું જોઈએ...બને એટલા મિત્રો બનાવો... જીયો મજ્જાની લાઈફ...." તેણે હાથ પહોળા કરીને કહ્યું. પાછળની સીટે બેસેલા અમુક લોકો આ 'બલાને' ઘુરી રહ્યા હતા. અમુક હસ્યાં પણ હતા.

બ્રહ્માકુમારી મંદિર આવવાનું હતું. કદાચ એટલે જ પેલો ગાઈડ પાછો ઉભો થયો. એ પણ મને વિચિત્ર આઈટમ જ લાગતો હતો. પાતળો બાંધો, ભીનો વાન, સુકાઈ ગયેલો ચહેરો, કદાચ તે માંડ માંડ બોલતો હશે એવું મારુ અનુમાન હતું.

"સુનો જરા, યહાં પે પંદરા મિનિટ ગાડી ખડી રહેગી, અંદર આપ કો ટનાટન પ્રવચન દિયા જાયેગા, એસા લગેગા કી ઘંટો યહાઁ બેઠે સુનતે રહે, લેકિન એસા નહિ કરને કા...ક્યુ કી અપને કો આગે ભી અચ્છી જગહ ઘુમની હૈ, યહ તો ટીટુ ફિતું જેસી છોટી જગહ હૈ, તો શુરૂ હો જાઓ..." હાથને ગોળ ફેરવતો તે બસની બહાર નીકળ્યો. પાછળ અમે બધા પણ ઉતર્યા.

બ્રહ્માંકુમારીનું તે ભવ્ય મંદિર હતું. અંદર ગયા બાદ અમને બધાને એક હોલમાં લઈ જવામાં આવ્યા. એક સફેદ વસ્ત્રધારી પ્રવચન આપી રહ્યો હતો.

"જીવનમાં ત્રણ વસ્તુઓની ફેકટરી લગાવશો તો હંમેશા સુખી રહેશો, આઇસની...મતલબ...દિમાગને ઠંડુ રાખો, બીજું સુગરની...મતલબ...જીબાન હંમેશા મીઠી રાખો...અને ત્રીજું લવની...મતલબ...બધાને પ્રેમ કરતા રહો...કોઈ સાથે વેર ના રાખો..." પેલા ભાઈ બોલતા હતા. ત્યારે લવની ફેકટરીવાળી વાત કરી ત્યારે મારી બાજુમાં ઉભેલી હિમાનીએ મને કોણી મારી હતી. મેં બે ક્ષણ તેની તરફ જોયું ત્યારે તેણે નેણ ઉંચા કર્યા.

પ્રવચન હજુ લાંબું ચાલત, બધાને રસ પણ પડી રહ્યો હતો, પણ ત્યારે જ પેલો ગાઈડ ફરી ત્યાં ટપકી પડ્યો. બધાને હાથના ઈશારા કરીને બહાર આવવા માટે કહી રહ્યો હતો. આ ટુર બસમાં ફરવાનો આ એકમાત્ર ગેરફાયદો છે. તમે તમારી મરજીથી ના ફરી શકો. ગાઈડ તમને ટાઈમ લિમિટમાં બાંધીને રાખે. અમે બધા ફરી બસમાં ગોઠવાયા.

ક્રમશઃ

રોહિત સુથાર 'પ્રેમ'