સુખ - હેપ્પીનેસ (૨) ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખ - હેપ્પીનેસ (૨)

સુખ - હેપ્પીનેસ (2)

(એડજસ્ટમેન્ટ)

આજનો દિવસ શુભ છે, કારણ તમે નીચેના એક બે ફકરાં વાંચશોને તો ખરેખર દરેક દિવસ શુભજ હોય છે એનો એહસાસ તમને થશે.

તમે કોઈ દિવસ શાંતિથી એક રૂમમાં બેસી સંગીત સાંભળવાની કોશિશ કરી છે ? બસ, સંગીત સાંભળતા હોય ત્યારે ગીતમાં વાગતું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે ગિટાર, તબલા કે વાંસળીને તમે પોતે વગાડી રહ્યાં છો એમ માણીને સંગીતનો આનંદ લીધો છે ? જો..જો..બહુજ મઝા આવશે. તમે પોતે પણ ગીતની સાથે ગાશોને તો તમને ઓર મઝા આવશે. કેમ ? સંગીતના સાત સૂરોનો જે અનહદ નાદ છે દૈવી છે. ખરું સુખ આપનારો છે. તમને પોતાનામાં સમાવીલે છે. એટલે તો સંગીત કે ગીત સાથે આપણે ઓતપ્રોત થઇ જઈએ છીએ.

કોઈ કોન્સર્ટમાં ગયા હોઈએ તો તાળીઓથી એની દાદ આપીયે છીએ અને તમે અનુભવ્યું હોય તો, તે વખતે વાગતી તાલીઓમાં પણ સંગીત હોય છે. મતલબમાં કોઈએ તમારી સામે ગાઈને અને વાદકવૃંદે સંગીતને એની સાથે જોડીને તમને સુખ આપ્યું, તમે એની સાથે જોડાઈને સુખને કે આનંદને માન્યું અને તાળીઓથી ગાયકને, વાદકવૃંદને તથા કાર્યક્રમના આયોજકોને દાદ આપી તમે મળેલ સુખનો એહસાસ બધાંને પણ કરાવ્યો, એટલે અનાયાસે તમે એકજ ઘડીમાં ઘણાને સુખ પીરસ્યું અને સુખ માન્યું. જોયુંને કેટલી સહજતાથી સુખનો પ્રસાર થાય છે ?

આખી જિંદગી આપણે સુખ અને સુખજ શોધતા જ હોઈએ છીએ અને ઘણી વાર નજદીક માંજ હોય પણ આપણે એને પકડી નથી શકતા, કારણ પોતાના ગમા-અણગમા કહો કે ચોઈસ. એ કેવી રીતે, તો ચાલો મળીયે એક ભાવિ મુરતિયાને -

મમ્મી મને લગ્ન માટે બહુ પરેશાન ના કરો. હજુ તો મારુ કેરિયર સેટ કરવાની કોશિશ કરું છું. મને કોઈક છોકરી ગમશે ત્યારે હું તમને ચોક્કસ મારી પસંદ જણાવીશ. હજુ સુધી અંગે મેં વિચારપણ નથી કર્યો”.

શરદ, દિકરા….તું આમ ક્યાં સુધી બહાના કાઢીશ ? જો, ફોટો કેટલી સુંદર છોકરી છે ? અરે એકની એક છે એમની ફેમિલીમાં. પાછું ફેમિલી કઈ જેવું તેવું ફેમિલી નથી. સમાજમાં વગદાર ફેમિલી છે. ફોરેઈનમાં પણ એમનો બિઝનેસ છે. ખાનદાની લોકો છે. બહુ ચીકણાં ના થઈએ સારું. આજ સુધી કેટલી બધી છોકરીઓ તને બતાવી, પરંતુ તું કંઈક ને કંઈક બહાનું કાઢી રિજેક્ટ કરે છે. તને કેવી છોકરી જોઈએ તો કહે ?”

લાગે છે ભાઈ સ્પેસિફિકેશન નક્કી કરી નથી શકતાં કે કદાચ એકદમ એક્યુરેટ સ્પેસિફિકેશનવળી છોકરી ગોતે છે. નિર્ણય લેવામાં આત્મવિશ્વાસ પણ એક વધારાનો ભાગ ભજવે છે.

ચાલો એક યુવતીને મળીએ….

પપ્પા, મમ્મી તમે મને આમ ગમે તેવા ફોટા બતાવી લગ્ન કરવા માટે ફોર્સ ના કરો. મમ્મી મેં તો તને મારે કેવો છોકરો જોઈએ છે, મેં તને જણાવી દીધું છે, હવે જ્યાં સુધી એવો છોકરોના મળે ત્યાં સુધી મને લગ્ન માટે વાત કરશો નહિ. થોડી શાંતિ રાખતા શીખો, હું ક્યાં ડોશી થઇ ગયી છું ?”

ના... દિકરી... ઘરમાં જુવાન દિકરી હોય એટલે મા-બાપને ચિંતા તો હોય . સવાલ છે કે આમને આમ કદાચ આપણા હાથમાંથી કોઈ સારું સ્થળ નીકળી ના જાય. ભલે તારી પસંદ કઈક જુદી હોઈ શકે, પણ બેન, થોડી ઘણી તો બાંધછોડ તો કરવી પડે. તો સારું છે કે કળિયુગમાં અમે તમને પસંદગીનો ચાન્સ આપીએ છીએ, અમારી વખતે ક્યાં આવું હતું”.

હવે ખરેખર સમજવા જેવી વાત છે કે પસંદગી, ચોઈસ હોવી તો જોઈએ, પરંતુ ભૌતિક વસ્તુઓ હોય ત્યાં સુધી બરાબર છે, કારણ તમે વસ્તુ લેવા માટે કે સજાવવા માટે તમારા પસીનાના પૈસા ખર્ચો છો. દાખલા તરીકે એક સ્માર્ટ ફોન લેવો હોય તો તમને જે સ્પેસિફિકેશન જોઈએ તે વેચનાર કંપની તમારી સામે મૂકે છે, તમને આપે પણ છે. એકજ સ્પેસિફિકેશનના ફોન પણ ઘણી કંપની બનાવતી પણ હોય છે અને આપણે આપણી જરૂરિયાત કે જાણકારીના આધારે તે ખરીદતા હોય છે. કંપનીના રેપોના આધારે.

હવે જયારે આપણે પોતાનો વિચાર કરીયે તો શું આપણાં પોતાના કોઈ એવા સ્પેસિફિકેશન છે ? દરેક જગ્યાએ આપણે માહિર છીએ ? માની લઈએ, કદાચ હોય તો થોડા ! કારણ આપણે સમય અને સંજોગોના આધારે જીવીએ છીએ અને એમાં ચેન્જ કે બદલ આવવો સ્વાભાવિક છે. પાછો કળિયુગ ખરોને ? એક દસ હજારનો ફોન કે મોટરસાયકલ ખરીદીનો નિર્ણય એક યંગ છોકરો કે છોકરી સહજતાથી લઈ શકે છે, કારણ વસ્તુના નિયત સ્પેસિફિકેશન છે અને આપણને ગેરેન્ટી છે કે મળશે , એટલે આપણે આપણી ચોઈસને અનુરૂપ એની સાથે બંધાઈ જઈએ છીએ. પરંતુ જિંદગીના સ્પેસિફિકેશનનો તાગ મેળવવો મુશ્કેલ છે.

જયારે જિંદગી જીવવી કે કોઈને સાથે નિભાવવી બહુજ અલગ અનુભવ છે. અહીં સ્પેસિફિકેશન નથી. અહીં ઘણાં બધા પરિબળો કામ કરે છે, જેની આપણને કલ્પના પણ ના હોય. અનંત જન્મોથી આપણે કેટલી બધી યોનીઓ માંથી પસાર થઇ મનુષ્યજન્મમાં આવ્યાં છીએ. કઈ કેટલી ખ્વાહિશો અને પસંદગી ભેગી કરેલી હશે. શું બધી પુરી થશે ? આપણે એને પહોંચી વળીશું ? વળી પાછો કર્મનો સિદ્ધાંત તો એનું કામ કરશે . જેવું ડિપોઝિટ કર્યું હોય તે વિડ્રો કરવું પડે કે સામે આવે.

ખરેખર તો કર્મના આધારે આપણી સાથે બન્યું તે ન્યાય કહેવાય અને એની સાથે એડજસ્ટ થઈએ તો તકલીફો ઓછી લાગે. જિંદગીને સહજતાથી જીવીએ તો દુઃખનો ભાર ઓછો લાગે.

મરાઠીમાં શ્રી રામદાસસ્વામીનો એક સરસ શ્લોક છે

जगी सर्व सुखी असा कोण आहे |

विचारी मना तूज शोधूनि पाहे ||

જગમાં સર્વ સુખી એવો કોઈ નથી, હે મન ! તું જરા વિચાર કરી શોધી તો જો ?

સુખનું સ્પેસિફિકેશન આપણે પોતે બનાવવાનું છે. સુખ એક માઈન્ડસેટ છે. જે મીઠાઈમાં આપણને સુખ લાગતું હોય તે મીઠાઈ કદાચ કોઈને ભાવતી પણ ના હોય, એટલે સુખની પરિભાષા વ્યક્તિ વ્યક્તિ જુદી જુદી હોઈ શકે છે.

આજે આપણે કહીએ કે જમાનો બદલાયો છે, વાત ખરીજ છે, અને એના આધારે આપણી જિંદગી જીવવાની કળા પણ બદલાય છે. ગતિ છે તો ત્યાં પ્રગતિ તો હોવી જોઈએ. પ્રગતિ છે તો કોઈક ચોક્કસ લક્ષ પણ હોવું જરૂરી છે અને લક્ષ પ્રાપ્ત કરવા માટે કદાચ કોઈ એડજસ્ટમેન્ટ કરવું પડે તો પણ સમજ અને સૂઝથી કરતા આવડવું જોઈએ. મનનો થોડો ઉદ્વેગ શાંત કરી શાંતિથી સારા નિર્ણય લઇ શકાય. ધારેલા લક્ષ સુધી પહોંચી શકાય. સમુદ્રની લહેરો ઉછળે છે અને પડે છે ઇન્સ્પિરેશન નથી, પરંતુ ઇન્સ્પિરેશન વાતમાં છે કે પડી ગયા બાદ પાછું ઉછળવું અને એમાં ક્યારેય નાપાસ ના થવું એમાંછે. સદા ગતિશીલ રહેવું સુખની હાજરીમાં કળા શીખવા જેવી છે.

બસ, પોતાની પ્રકૃતિ ને સમજીને ચાલીએ અને સાથે સાથે એડજસ્ટમેન્ટ પણ લેતા જઈએ તો ઘણાં પ્રશ્નોના નિકાલ એની મેળે નીકળી આવશે. તમારું એડજસ્ટમેન્ટ તમારાં પપ્પા, મમ્મી અને કુટુંબને એક સરસ સુખનો એહસાસ કરાવશે. ઈનશોર્ટ તમે એમને હેપ્પીનેસ્સ આપી. એમનો દિવસ શુભ થયો કહેવાય.

ધીરે ધીરે ઈન્ટ્રોસ્પેક્શન કરો, પોતાની પ્રકૃતિ અને સ્વભાવને સમજીને આગળ વધો તો જરૂર એક ઉત્તમ વ્યક્તિત્વ નિખરી આવશે. તમારું વર્ચસ્વ દિન-પ્રતિદિન વધશે. તમને સુખનો અનુભવ થશે.

Just Spread Happiness among the society……Spray Happiness everywhere….

ફરીમળીશું....