Ek samany maanas books and stories free download online pdf in Gujarati

એક સામાન્ય માણસ

એક સામાન્ય માણસ

Sharad Thummar

વહેલો ઊગે છે ભરવાડનો સૂરજ

ઊગે છે મધરાતે ગોવાળનો સૂરજ

આદમ સૂતો હતો, પણ ઊંઘી ગયો ન હતો. માતા-પિતાની વાત સાંભળતો હતો. સોળે સાન તો આવે જ ને ! તેને થયું કે દર વખતે માતા-પિતા જ શું કામ ભેટ આપે ? શું બાળકો મા-બાપને ભેટ ન આપી શકે ?

આદમ વહેલી સવારે ઊઠી ગયો. હજી ચાર નહોતા થયા. આકાશ ભારે સુંદર હતું. ભૂરા આકાશમાં સોનેરી તારાઓ ઝગઝગતા હતા. કોઈક તારાઓ લાલ-સોનેરી હતા.

એક તારો ઘણો મોટો હતો. જાણે હમણાં નજીક આવી જશે. જાણે હમણાં વાતો કરવા લાગશે.

એ તારો આંખ મિચકારતો હતો. એ તારામાં એને કોઈક દેખાતું હતું. એ તારા સામે જોઈ આદમે હસી દીધું. તે કામે લાગી ગયો.

તે હંમેશાં વહેલો જ ઊઠતો. આજે નાતાલ હતી. પણ તેને માટે રોજ નાતાલ હતી.

તે ગાય દોહવા ગયો. ગાયને તેણે નીરણ નીરી દીધું. ઘાસ-દાણ-ખાણ બધું ગાય સામે ધરી દીધું. ગેંએંએં... ગાયે આનંદ જાહેર કરી દીધો.

આદમે ગાય દોહવાની શરૃઆત કરી દીધી. માતા સમ ગાયો મોટી ધારે દૂધ આપવા લાગી. જાડી ધારે તાંબડી ભરાતી થઈ ગઈ. નાતાલનું સંગીત સંભળાતું હતું.

દૂધની ધાર સાથે સંગીત અદ્ભુત બની જતું.

એક કેન ભરાઈ ગયું. આદમે બીજું કેન લીધું. દોહવાની સેર પર સેર શરૃ થઈ.

અને શરૃ થઈ ગયાં સપનાંઓ. શરૃ થઈ ગઈ જૂની યાદો. પુરાણી યાદો સપનાં બને છે, સપનાં જૂની યાદોમાં ફેરવાઈ જાય છે.

તે વખતે તેની ઉંમર સોળ સાલની હતી. તે મહેનતુ ખરો પણ તેને ઊંઘ બહુ આવતી. સવારે કદી તે વહેલો ઊઠતો નહિ. તેનાં માતા-પિતા જ વહેલાં ઊઠી, બધું કામ કરતાં.

મા કહેતી : ભરવાડના ધંધામાં વહેલું ઊઠવું જરૃરી છે. ભરવાડનો સૂરજ તો મધરાતે જ ઊગે.

બાપા કહેતા : છો ઊંઘે. હજી એની ઉંમર શી છે ? જવાબદારી સમજશે એટલે એની મળે વહેલો ઊઠશે.

સેએએ... સેએએ... સરરર... સરરર... દૂધની ધાર સંગીત છેડતી હતી. વાસણ ભરાતું હતું. સપનાંઓ છલકાઈ ઊઠતાં, જૂની યાદો મલકાઈ ઊઠતી.

વાતને પૂરાં ચાળીસ સાલ થયાં. આજે નાતાલ હતી. તે વખતેય નાતાલ હતી. આગલી રાતે માતાએ બહુ મહેનત કરી હતી. નાતાલનું ઝાડ શણગારવામાં મા નિપુણ હતી. બાપા બીજી તૈયારીમાં પડી જતા.

રાતનાં ગમે તેટલાં મોડાં સુએ તોપણ મા-બાપ વહેલાં ઊઠી જતાં. વહેલા ઊઠવાનો નિયમ એટલે નિયમ.

સૂવા જતી મા પૂછે : છોકરાઓ માટે કોઈ ભેટ રાખી છે કે નહિ ?

બાપા કહે : કેમ નહિ ! ઊઠીને જોશે અને ખુશ થઈ જશે. સાંતાદાદાનો આભાર માનશે.

મા કહે : તમે બહુ ભલા છો, પણ છોકરાને હવે તૈયાર કરવા જોઈએ.

બાપા કહે : તું ચિંતા ના કર. એની મેળે તૈયાર થશે. તૈયાર થશે પછી તો આપણનેય ટપી જશે.

આદમ સૂતો હતો, પણ ઊંઘી ગયો ન હતો. માતા-પિતાની વાત સાંભળતો હતો. સોળે સાન તો આવે જ ને ! તેને થયું કે દર વખતે માતા-પિતા જ શું કામ ભેટ આપે ? શું બાળકો મા-બાપને ભેટ ન આપી શકે ?

બસ, તેના વિચાર આગળ વધી ગયા. તે મનમાં જ કહે : આ વખતે હું ભેટ આપીશ. મારા વડીલો રાજી થાય તેવી ભેટ આપીશ.

પણ હવે તો રાત પડી ગઈ હતી. હવે તે ભેટ કેવી રીતે મેળવે ?

તેને ઊંઘ ન આવી. તે સૂતો સૂતો વિચારે ચડી ગયો.

અને... એક વિચાર તેણે પાકો કરી લીધો. તે સવારની રાહ જોતો થઈ ગયો. આજે તે વહેલો ઊઠશે.

તે ઊઠી ગયો. અવાજ ન થાય તેમ ગમાણમાં ગયો. જતી વખતે માને ધાબળો ઓઢાડી દીધો, બાપાને ગોદડું ઢાંકી દીધું કે તેઓ ઊઠે નહિ.

બહાર આકાશ સુંદર હતું. તારાઓ ઝગઝગતા હતા. એક મોટો તારો નજીક દેખાયો. સાંતાદાદા આવતા હતા કે શું ?

તેણે ગાયોને નીરણ નીરી દીધું. ઘાસ અને ખાણદાણ ધરી દીધું. ગાયનેય નવાઈ લાગી. હજી સવાર કંઈ થોડી જ થઈ છે ?

સોળ વરસના આદમે વાછરડાં પંપાળી દીધાં. ગાયોને હાથ ફેરવી દીધા. ગાય-વાછરડાંનો મેળાપ કરાવી દીધો. મા-દીકરા મળે છે ને કેવાં વહાલ કરે છે. ગાય માતા પછી દૂધ પણ ઘણું આપે છે. આપે જ જાય છે. જાણે અમીધારા બંધ થશે જ નહિ.

આદમે દોહવાની શરૃઆત કરી. તે કંઈ બહુ હોશિયાર ન હતો, પણ ભરવાડનો દીકરો હતો. હાથમાં કસબ ખરો ને કામની હોંશ !

સેએએએ... સેએએએ... ! સરરર... સરરર... ! દૂધની ધાર શરૃ થઈ. તાંબડીઓ ભરાતી ગઈ, તાંબડીમાંથી કેન ભરાયું. બીજું કેન પાસે લીધું.

તે બધું ઝડપથી પતાવવા માગતો હતો, પણ કામ બગાડવા માગતો ન હતો.

અને હા-શ ! કામ પતી ગયું ખરું. સમયસર પતી ગયું. ફરીથી તેણે વાછરડાને વહાલ કરી દીધું. ગાયના આખા શરીરે હાથ ફેરવી દીધા. કેન મજબૂત બંધ કરી દીધાં. પછી હળવેથી ખસી ગયો. માતાનો ધાબળો બરાબર કરી દીધો. પિતાનું

ગોદડું ઠીક કરી દીધું. જાણે કંઈ થયું જ નથી, એમ તે સૂઈ ગયો.

પણ ઊંઘ શેની આવે ? નાતાલની રાતે કંઈ સાંતાદાદા સૂતા નથી !

તેની માતા ઊઠી. પિતાને બૂમ પાડી તે કહે : તહેવારને દિવસે તો વહેલા ઊઠો. કેટલું ઊંઘશો ?

બાપા કહે : જાગી જ ગયો છું. હું કંઈ એટલો ઊંઘણશી નથી હા... !

મા કહે : આદમને ઉઠાડીશું ?

બાપા કહે : સૂવા દે એને. છોકરાંઓને તો વધારે ઊંઘ જોઈએ.

મા કહે : તમે હંમેશાં છોકરાંઓની દયા જ ખાશો. પછી એ મોટા કેવી રીતે થશે ?

બાપા કહે : એની મેળે થશે. તારે કહેવુંય નહિ પડે.

આદમ બધું સાંભળતો હતો. મનમાં જ રાજી થતો હતો.

માતા ઘરકામમાં લાગી ગઈ. પિતા ગમાણમાં ગયા. વાછરડાને વહાલ કરી દીધું. ગાયોને હાથ ફેરવી દીધો. ઘાસ-ખાણદાણ નીરી દીધું.

ગેંએંએંએં... ગાયોએ સાદ દીધો. તે કહેતી હતી : આજે બીજી વખત ખાણ ધરો છો, કેમ ?

બાપાએ તાંબડીઓ ભેગી કરી. તાંબડી સહેજ ભીની લાગી. કૌતુક થયું. પછી કેન ખસેડીને પાસે લેવા ગયા તો... કેન ભારે દેખાયાં. ઢાંકણું ખોલીને જોયું તો કેન છલોછલ હતાં. તાજાં દૂધથી ભરેલાં. ઉપરનું ફીણ બહાર આવતું હતું.

ઘડીભર બાપા ઠેરી ગયા. આજ સુધી વાત સાંભળી હતી કે : સાંતાદાદા આવે છે... નાતાલની ભેટ લાવે છે.

પણ આ ભેટ નવી નવાઈની હતી. સાંતાદાદા દૂધ દોહી ગયા ? આટલી સરસ મહેનત કરી ગયા ?!

તેઓ કહે : આદમની મા ! તને શું મદદ કરું ? કહે. આજે આપણે બે થઈને નાતાલની કેક બનાવીએ...

માતા કહે : કેમ, દૂધ નથી દોહવાનું ?

બાપા કહે : દૂધ તો દોહવાઈ ગયું.

માતા કહે : દોહવાઈ ગયું ? કોણ દોહી ગયું ?

બાપા કહે : સાંતાદાદા, વળી બીજું કોણ ? માતાએ દોડી જઈને જોયું. ખરેખર દૂધ દોહેલું હતું. કેન ભરેલાં હતાં.

માતા કહે : ખરેખર દૂધ દોહેલું છે ? શું ખરેખર સાંતાદાદા આવી ગયા ?

બાપા કહે : હા. ખરેખર સાંતાદાદા આવી ગયા, પણ સાંતાદાદા કંઈ હંમેશાં ઘરડા નથી હોતા. આ વખતે સોળ વરસના સાંતાદાદા આવી ગયા. દૂધ દોહી ગયા અને મહેનતની ભેટ ધરી ગયા.

માતા કહે : સોળ વરસના સાંતાદાદા ? આ શું કહો છો તમે ?

બાપા કહે : હવે ઉઠાડ તારા આદમને. આજે એણે જ આ બધી ચાલાકી કરી છે. એ જ સાંતાદાદા બની બેઠો છે.

આદમ તો જાગતો જ હતો. બાપાએ તેનો કામળો ખેંચી લીધો. વહાલથી ભેટી પડતાં કહી દીધું : બેટા આદમ... ! બેટા સાંતા... !! આજે તો તેં અમને અદ્ભુત ભેટ આપી દીધી, ખરેખર અદ્ભુત ભેટ આપી દીધી. હવે સાંતાદાદાને અમારે બહાર નહિ શોધવા પડે.

માતા પાસે આવી જ હતી. બાપા કહે : તું કહેતી હતી ને કે છોકરાં કે'દિ મોટાં થશે ? તો જોઈ લે, મોટાય થઈ ગયા અને સાંતાય બની ગયા. હવે તો આપણે કહેવત બદલવી પડશે : સોળે

સાન અને સોળે સાંતા...

આદમની ઉંમર તો હવે પૂરી પચાસ અને છની થઈ હતી. ઉપરની ઘટનાને પૂરી ચાળીસ નાતાલ થઈ હતી. પણ આજેય તે માબાપની હૂંફ માણતો હતો.

તેના બાપાએ તે વખતે કહી દીધું હતું : સાંતાજી અનેક ભેટ આપે છે, પણ દીકરા આદમે જે મહેનતથી ભેટ આપી છે એની તોલે કોઈ ભેટ ન આવે.

માતા કહે : મહેનતની ભેટ અને વળી ઊલટી ભેટ. આજ સુધી માબાપો જ બાળકોને ભેટ આપતાં હતાં. આ તો હવે બાળકો માબાપને ભેટ ધરતાં થઈ ગયાં.

બાપા કહે : દીકરો મોટો થયો છે, શાણો અને સમજુ થયો છે, એનો કેવો સરસ દાખલો ?

માતા કહે : આજ સુધી એ નિરાંતે ઊંઘતો હતો, હવે આપણે નિરાંતે ઊંઘી શકીશું. કેવો બોધ ?

બાપા કહે : ઊંઘીશું શું કામ, બધાં ભેગાં થઈને કામ કરીશું.

માતા કહે : આ નાતાલ આપણે કદી ભૂલી શકીશું નહિ, કદી નહિ, કદી નહિ.

સમય જતાં મા ગઈ, બાપા ગયા. કુદરતનો નિયમ. અને હવે તો આદમ જાતે જ બાવા-આદમ બની ગયો હતો, પણ આજેય તે વહેલો ઊઠે છે. હંમેશાં વહેલો ઊઠે છે. એ નિયમ કદી ભંગ થયો નથી.

એને વડીલોની કહેવત સદા યાદ રહી છે : ભરવાડોનો સૂરજ તો મધરાતે જ ઊગી જાય છે.

આજે નાતાલની વહેલી પરોઢ છે. કેન ભરાઈ ગયાં છે. તે વાછરડાને હાથ ફેરવે છે. ગાયોને પંપાળે છે અને ઊંચા આકાશમાં જુએ છે. તારાઓ સુંદર છે. તારામઢેલું આકાશ વળી વધુ સુંદર છે અને એક તારો ઘણો નજીક આવે છે. એક નહિ, બે.

એ બે તારામાં તેને દેખાય છે તેના માતા-પિતા.

એ બે તારાના ઉજાસમાં નાતાલના ઘંટનાદ સંભળાય છે. રેન્ડિયરની ગાડીમાં બેસીને સાંતાદાદા પધારી રહેલ છે અને સુમધુર સંગીત સાથે દૂધની ધારનું સંગીત ભળી જાય છે. સાંતાની ગાડીમાં બેઠાં છે માતા-પિતા. તેઓ હસે છે, ખુશ છે, તેમને સંતોષ છે, આનંદ છે.

આદમ પણ ખુશ છે.

નાતાલ કદી ભુલાતી નથી.

કેટલીક નાતાલ કદી ભુલાતી નથી.

રહસ્ય

સવારે હું મારા શ્વાન સિકંદર સાથે ફરવા જાઉં છું ત્યારે બે અનુભવ થાય છે. સારા અને ખોટા

આ રોઝ ગાર્ડન આગળથી પસાર થતાં મારું નાક ગુલાબની ખુશ્બુથી તર થઈ જાય છે. થોડી વાર થોભી જવાનું મન થાય છે. પણ ત્યારે જ કોઈક મને જોતું હોય, તેવો અણસાર આવે છે. એ જોનાર કદાચ અન્કલ રોઝ હશે, એવું મને ભાસે છે.

હું રોઝ અન્કલને 'ગુડ મોર્નિંગ' કહું છું પણ તેમનો કોઈ પ્રતિભાવ મળતો નથી.

હું કહી શકું કે તેઓ ત્યાં છે જ, તેમના લાકડાના દરવાજાને પકડીને ઊભા છે. કદાચ દરવાજો ચરમરે નહિ, એટલા માટે પણ સામો જવાબ નથી આપતા તે નથી જ આપતા.

રહસ્ય એ જ છે.

હું તો તેમનાથી ડરૃં છું, એ હું કબૂલ કરૃં છું પણ તેઓ આવું શું કામ કરે છે ? શું હું પ્રજ્ઞાાચક્ષુ છું, તેથી ? પણ હું ન દેખી શકું તેમાં હું શું કરૃં ? હું તો જનમથી જ આંધળી છું. પણ જ્યારથી મને મારો સિકંદર મળ્યો છે, ત્યારથી મારામાં ઘણી હિંમત આવી છે. હું ઘણે દૂર સુધી ફરવા જઈ શકું છું. સિકંદર બરાબર મારો ખ્યાલ રાખે છે.

અંકલ રોઝ ટેનિસ રમે છે, બગીચામાં કામ કરે છે, માળી સાથે બાગકામમાં લાગેલા રહે છે, ત્યારે તો સતત બોલબોલ કરે છે. અરે, મારા સાથીદારો સાથે પણ ક્રિકેટ ટેનિસ ફૂટબોલના ગપ્પાં મારે છે.

મારા મોટાભાઈ સાથે તેઓ વાડનું સમારકામ પણ કરે છે.

મારી સાથે જ તેઓ કેમ અંતર રાખે છે ?

અમે ક્યારેક બધી સહિલીઓ સાથે હોઈએ છીએ ત્યારે અન્કલ રોઝ બધી છોકરીઓ સાથે બોલે છે અને મને જાણે કે ખાસ રૃપે દૂર રાખે છે.

મને એથી વધારે શંકા ડર અને વહેમ જાય છે કેમ, તેઓ કેમ એવું કરે છે ? શું બીજા દેશમાંથી આવી છું, માટે ?

અમારા અંધ શિક્ષિકાબહેન કહેતા હતા : ''ક્યારેક માણસો આપણને મદદ કરવાની વાતથી તો દૂર રહે છે, ઉપરથી ટગર ટગર જોઈ રહીને આપણને ચિંતામાં નાખે છે.''

પણ એક સવારે મેં નક્કી જ કર્યું કે અન્કલ રોઝ સાથે ચોખવટ કરીને જ રહીશ.

પણ થયું એવું કે એમના દરવાજા આગળથી હું પસાર થતી હતી ત્યારે જ મારા પગ અટવાયા. હું પડી જતી હતી, ત્યાં જ ''અરે અરે દીકરી, સાચવ સાચવ, તને ક્યાંક વાગી જશે તો...''

અન્કલ રોઝે મને ઉપાડી લીધી. મેં સામું કહ્યું : ''મને વાગે કે હું... જે થવાનું હોય તે થાય, તેમાં તમારે શું?''

સહેજ અંતર રાખીને દૂર રહેતાં તેઓ કહે : ''એવું ના કહે દીકરી, એવું ના કહે...''

''ત્યારે કેમ મારાથી દૂર રહો છો - અને મને દૂર રાખી ડરાવો છો?''

''હું ડરાવું છું છોકરી? તને... ?'' અન્કલ ગળગળા સાદે કહેતા હતા : ''અરે તમારાથી તો સામો હું જ ડરું છું...''

''ડર? મારો ડર ? એક આંધળીનો ?''

''ના રે... બહેની,'' અન્કલ કહે : ''તારો નહિ, આ તારા વાઘ જેવા સિકંદરનો.''

હા, મારો શ્વાન કદાવર હષ્ટપુષ્ટ અને વાઘ જેવો હતો. ઉપરથી મારો ખ્યાલ રાખવા તે સાવધ રહેતો અને શંકા જાય તો દૂરથી જ ઘૂરકાટ કરી દેતો.

અન્કલ અને શ્વાન બંને એક બીજાથી ડરતા હતા, એટલે જ અંતર રહેતું હતું, અંતર ઊભું થતું હતું.

મેં કહ્યું : ''અન્કલ સર, સિકંદર જર્મન-શેફર્ડ છે. ખૂંખાર છે પણ ભારે ભલો છે, દોસ્ત છે. તમારો હાથ લાવો જોઈએ.''

મેં તેમના ધૂ્રજતા હાથને સિકંદર પર મૂક્યો. સિકંદરને કહ્યું : ''એ આપણા માણસ છે, સિકંદર. આપણા...''

''મિત્ર'', શબ્દ અન્કલ બોલી ગયા.

મારી સહાયથી તેમણે સિકંદરની ગરદન પર કાન હેઠળ, શરીર પર, પૂંછડી પર હૂંફાળો હાથ ફેરવ્યો.

સિકંદર તેમનો હાથ ચાટવા લાગ્યો.

અમે ત્રણ હવે સાથે ફરવા જવા લાગ્યા. સિકંદરના પટ્ટા અન્કલ રોઝ પકડી રાખતાં અને હું અન્કલ રોઝના હાથમાં મારો હાથ ભરાવી રાખતી.

એક રહસ્યનો ઉકેલ આવી ગયો હતો.

અમે ત્રણે મિત્રો હવે રોજ સાથે જ ફરવા જતાં હતાં, ગુલાબવાડીની સુગંધ સાથે...

ફકીર

એક નાનકડું ગામડું. ગામની બહાર છેવાડે એક પીરની તૂરબત (કબર). લોકો શ્રદ્ધાથી મસ્તક નમાવે. એક દિવસ એક ફકીર ચાચા ફરતા ફરતા ગામમાં આવી પહોંચ્યા. ફકીર મસ્તો મૌલા, આગળ ધરાળ નહિ પાછળ ઉલાળ નહિં. એટલે એમણે તો પીરની તૂરબત આગળ પાછળની જગ્યા વાળી ચોળી સાફ કરી. ગામમાંથી એક શ્રદ્ધાળુ મુસલમાને ફકીરને ટુટેલી ખાટલી આપી. ગોદડું આપ્યું. ફાટી ગયેલું ઓશિકું આપ્યું. ફકીરે તો જગ્યા વાળી ચોળી સાફ કરીને કબરની બાજુમાં જ ખાટલીમાં લંબાવ્યું. પરોઢીયે તો ફકીરે ફરીથી કૂવા કાંઠેથી પાણી લાવી ફળીયું સાફ કરી કબર ઉપર અગરબત્તી અને દીવો કરી તસ્બીહ ફેરવવા બેસી ગયા.

પછી તો ફકીરે ઈંટોનો ચુલો બનાવી ભાંગલી તૂટલી તપેલીમાં ચા મુકી. એક વટેમાર્ગુ દૂધવાળાએ દૂધ આપ્યું. ચા પીધા પછી ફકીર તો ટેસમાં આવી ગયા. જેટલા રસ્તે જનારા નીકળે, દરેકને ચા પાય. ધીરે ધીરે લોકોને ખબર પડવા માંડી કે ફકીર ચાચા તો કાયમ માટે રહેનાર છે, એટલે ગામલોકોએ એમને બે ટાઈમ ટીફીન પહોંચાડવાનું પણ માથે લઈ લીધું. લોકોને થયું, હાશ... ચલો પાદરની પીરની જગ્યા દીવાબત્તી વગરની નહિં રહે. પણ ફકીરને કાયમ એક ચિંતા સતાવે, દરગાહને કાયમી આવકનું સાધન થઈ જાય તો ભયો... ભયો.

એવામાં એક દિવસ ફકીર ચાચા ગામમાં ગયા ને જોયું ત્યારે ગામ આખું ચોખ્ખું ચણાક, ધજા પતાકાથી શણગારેલું. ગામના ચોકમાં મોટો મંડપ બાંધેલો, સ્ટેજ તૈયાર કરેલું. ફકીર ચાચાએ પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે જામનગરના જામ સાહેબ આ ગામના ભાણેજ થાય છે. આ જ મામાના ગામની ખબર કાઢવા આવવાના છે એની ખુશીમાં ગામ આખ્ખું નવા રૃપ ધરે છે.

એમાં વળી એક હિતેચ્છુએ ફકીર ચાચાને કહ્યું કે ''ચાચા આજ મોકો છે. જામ બાપુ આવશે તે વખતે તમે તમારી દરગાહની કાયમી આવકની સમસ્યા રજુ કરશો તો કદાચ જામ બાપુ તેમને કાયમી ધોરણે એક ગામ બક્ષિસ આપી દે. જેથી કરીને તમારું દરગાહના જીવન નિર્વાહનું એક સાધન મળી જાય. ફકીરને તો એક અવસર મળી ગયો. ક્યારે જામ બાપુ આવે, પોતે જામબાપુના માનમાં કવિતા ગાય - અને બાપુ રીઝે તો આવકનું સાધન ઊભું થઈ જાય. એવા વિચારમાં રાચવા લાગ્યા.

નિયત સ્થળે અને સમયે જામ બાપુ આવ્યા. સામૈયા થયા. જમણવાર પતી ગયો પછી સભા ભરાઈ. દરેક જણ બાપુને બિરદાવવા લાગી ગયા. બાપુએ પણ સ્કૂલ, દવાખાનું, પાણીનો હવાડો કરવાનું વચન આપ્યું. એવામાં મુખીએ ફકીર ચાચાને ઠોંસો માર્યો. એટલે ફકીર ચાચાએ ઉભા થઈ જામબાપુને પ્રણામ કરી કહ્યું : 'રાજન! મારે પણ આપને બિરદાવવા છે. જામ તેની સામે જોઈ રહ્યા પછી કહ્યું : ''આજ્ઞા છે. જે કહેવું હોય તે કહો.'' એટલે ફકીરે તો મોટા અવાજે લલકાર્યું.

''જામ જામ જામડા! દઈદ એક ગામડા

હોગા મેરા કામડા, અને હોગા તેરા નામડા''

બિલકુલ ગામડી લાગે તેવી ભાષામાં ફકીરે કહ્યું કે : 'હે જામ! મારી પીરની જગ્યાની કાયમી આવક માટે તમે એક ગામ મને બક્ષિસ કરશો તો મારું કાયમનું કામ થઈ જશે, તમારું નામ થઈ જશે, અને તમારો જયજયકાર સમગ્ર રાજ્યમાં ફેલાઈ જશે કે જામબાપુએ પોતાના મોસાળના પીરની જગ્યા માટે એક ગામ બક્ષિસ કર્યું છે! અને દરગાહને કાયમી આવકનું સાધન મળશે. કહી ફકીર જામબાપુને પ્રણામ કરી બેસી ગયા.

એની આવી કાલીઘેલી કવિતા સાંભળી પહેલાં તો જામબાપુ ખખડીને હસ્યા, પછી મુખીને પૂછ્યું તો મુખીએ જવાબ આપ્યો કે ''રાજન! ફકીર એમના માટે કંઈ દાન દક્ષિણા નથી માંગતા પણ તકિયાની (દરગાહની) કાયમી આવકના ચક્કરમાં દરગાહના નિભાવ માટે આપને જાચે છે. ત્યારે જામ બાપુને થયું : 'અહો! કેટલી નિ:સ્વાર્થ સેવાવૃત્તિ! ફકીર તો બાળબચ્ચા વગરના ફક્કડ ગિરધારી છે એટલે પોતા માટે તો કાંઈ માંગતા જ નથી.''

જે કાંઈ માંગે છે એ તો પીરની જગ્યા માટે માંગે છે. એટલે જામ બાપુએ તરત જ બાજુનું ગામડું ફકીરને અને પીરની જગ્યાના નિભાવ માટે તાંબાના પતરે લખી બક્ષિસ કરી દીધું. ગામલોકોએ અને ફકીરે જામબાપુનો જયઘોષ કર્યો ત્યારથી દેવળીયા ગામ કાળુશાનું દેવળીયા નામથી ઓળખાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો