Uttarayan books and stories free download online pdf in Gujarati

ઉત્તરાયાન

આકાશ તરફ મીટ માંડીને બેઠેલ અયાન તેના ભૂતકાળમાં ખોવાયેલ હતો. ૮ મહિના પહેલા આવેલા મહાવિનાશક ભૂકંપમાં અયાને તેની પ્રિયતમા ઉત્તરાને ગુમાવી દીધી. ત્યારબાદ જાણે અયાનના જીવનનું અસ્તિત્વ જ નહોતું.

અયાન એક અનાથઆશ્રમમાં રહીને મોટો થયો હતો. તેને પહેલેથી જ ઐતિહાસિક તથા રહસ્યમય સાહિત્ય વાંચવામાં તથા વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં ખૂબ જ અભિરુચિ હતી. આથી તેણે કૉલેજમાં પુરાતત્વશાસ્ત્રમાં વિશારદ પ્રાપ્તિ કરી. ઉત્તરા સાથે તેની મુલાકાત આ જ કૉલેજમાં થઈ હતી. ઉત્તરા અયાનની જુનિયર હતી. પરંતું બન્નેના સપના અને શોખ સમાન હતા. વિવિધ ઐતિહાસિક તથા રહસ્યમય સ્થળોની મુલાકાત લેવામાં તેઓ અવ્વલ હતા. ઘણા વણશોધાયેલ રહસ્યોની શોધ તેમના નામે બોલતી હતી.

૨ દિવસ પછી અયાન દરિયાના પ્રવાસ પર જવાનો હતો. પરંતું તેનું મન આજે ઉત્તરાને ખૂબ જ યાદ કરતું હતું. ઉત્તરાયણ જો આવવાની હતી. ઉત્તરાયણ એક એવો તહેવાર કે જે ઉત્તરા અને અયાનને નજીક લાવવામાં મદદરૂપ થયો. ૭ વર્ષ પૂર્વે ઉત્તરાયણના દિવસે કૉલેજમાં યોજાયેલ પતંગબાજીની સ્પર્ધામાં અયાન અને ઉત્તરા વચ્ચે બરાબરનું પતંગયુદ્ધ જામ્યું હતું. કોણ જીતશે અને કોણ કોને હરાવશે, તે નક્કી કરવું મુશ્કેલ હતું. બસ એવા જ સમયે એકાએક અયાનનું ધ્યાનભંગ થયું અને તે અગાશીની પાળી પરથી પડવા ની તૈયારીમાં જ હતો. તે જ સમયે ઉત્તરાનું ધ્યાન જતા તે પતંગબાજી પડતી મૂકી અયાનને બચાવવા દોડી. અયાન તો બચી ગયો પણ બંને પતંગબાજી હારી ગયા. પરંતું સાથે જ બંને પોતાનું દિલ પણ હારી બેઠા. બસ એ જ દિવસ પછી ઉત્તરાયણ તેમના માટે એક વિશેષ તહેવાર બની ગયો. દર વર્ષે તેઓ ઉત્તરાયણના દિવસે અચૂક પતંગબાજી કરતા જ, ભલેને તેઓ દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ના હોય!

પણ કહેવાય છે ને કે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે, ચગેલી પતંગ કપાય તો ખરી જ! તે જ રીતે ઉત્તરા અને અયાનના જીવનને પણ કાળની નજર લાગી જ ગઈ. આજથી ૧૦ મહિના પહેલા ઉત્તરાખંડમાં આવેલ મહાવિનાશક ભૂકંપમાં આખી ઇમારત જમીનદોસ્ત થતા ઈમારતમાં રહેલ અન્ય લોકો સાથે ઉત્તરા પણ સ્વર્ગલોક સિધાવી. સદ્ભાગ્યે કે પછી અયાનના દુર્ભાગ્યે ઇમારતની બહાર હોવાથી અયાનનો જીવ બચી ગયો. પરંતું હોનારતની સાથે અયાનનું એકમાત્ર જીવવાનું કારણ છીનવાઈ ગયું. હવે માત્ર અયાન જ હતો, ઉત્તરા નહિ.

ઉત્તરાની ઈચ્છા હતી કે હવે આવનાર ઉત્તરાયણનો દિવસ તેઓ દરિયાની વચ્ચે ઉજવે અને દરિયાની લહેરોની વચ્ચે લગ્નગ્રંથિથી જોડાઈને બે શરીર એક આત્મા બને. બસ એ જ કારણસર અયાન આજના દિવસે તેની એક અંતિમ સફર, દરિયાની સફર ખેડવા મક્કમ હતો. આજ સુધી અકબંધ રહેલ રહસ્યમય બર્મુડા ત્રિકોણ (ટ્રાયેન્ગલ) કે જેમાંથી ગાયબ થયેલ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પાછી ફરી નથી (સિવાય એક શ્વાન), ત્યાં અયાન તેના જીવનની પૂર્ણાહુતિ કરવા મક્કમ હતો. આજથી ૧૪માં દિવસે એટલે કે ઉત્તરાયણના દિવસે તે બર્મુડા ત્રિકોણ (ટ્રાયેન્ગલ)માં સમાધિ લેશે.

અયાને સફર ચાલુ કરી અને નિશ્ચિત સમયે તેણે લક્ષ્ય પ્રાપ્ત પણ કર્યુ. ઉત્તરાયણના દિવસે તેણે બર્મુડા ત્રિકોણમાં પ્રવેશ કર્યો. સાથે ઉત્તરાને યાદ કરી તેને જલ્દીથી મળવાનું વચન આપ્યું. અને ત્યાં જ તેનું જહાજ આંખના પલકારામાં ગાયબ થઈ ગયું!

કહેવાય છે ને કે 'રામ રાખે તેને કોણ ચાખે!' બસ એમ જ અયાનના જહાજે ફરીથી દરિયાની સપાટી પર દેખા દીધી. જાણે ઉત્તરાને અને કુદરતને અયાનનો આ નિર્ણય સ્વીકાર્ય ન હોય! અયાન અચંબિત હતો કે તે કઈ રીતે પાછો આવ્યો. બીજી બાજુ તે ખુશ હતો કે અત્યાર સુધી એકમાત્ર જીવિત વ્યક્તિ હતો કેજે સહીસલામત બર્મુડા ત્રિકોણમાંથી બહાર આવ્યો હતો! તેનું જહાજ બર્મુડા ત્રિકોણની બહાર સફર કરતું હતું. તે વિચારોમાં હતો ત્યાં જ તેને સામેથી એક જહાજ બર્મુડા ત્રિકોણ તરફ પ્રયાણ કરતું દેખાયું. ઝડપથી અયાને બીજા જહાજ તરફ પ્રયાણ કર્યુ.

બીજા જહાજ પાસે જઇ જહાજમાં સવાર વ્યક્તિને અયાન વિસ્ફારિત નજરે જુએ છે. જાણે તે ખુલ્લી આંખે એક સપનું કેમ ન જોતો હોય! કારણ, જહાજમાં સવાર વ્યક્તિ બીજું કોઈ નહિ પણ ઉત્તરા જ હોય છે. હા, એ જ ઉત્તરા જે અયાનની જીવનસંગિની હતી. જે અયાનનો પ્રાણ હતી. ઉત્તરાને જીવંત જોઈ અયાન ખૂબ જ ખુશ હતો. પરંતું તેને ક્યાં ખબર હતી કે તે કઈ દુનિયામાં હતો!

ઉત્તરા અયાન ને જોઈ ખૂબ જ દુઃખી થાય છે, પરંતું સાથે તે ખુશ પણ હતી. ઉત્તરા પણ અયાન વગર સુની જ હતી ને! ઉત્તરાની ઈચ્છા હતી કે ભલે તે દુનિયામાં ન હોય, પણ અયાન તેની જિંદગી સારી રીતે જીવે. ઉત્તરાને પોતાની ઉત્તરાયણના દિવસે દરિયાની લહેરોની વચ્ચે લગ્ન કરવાની ઈચ્છા હોવાથી તે પરલોકના દરિયામાં સફર પર નીકળી હતી. પણ તેને ક્યાં ખબર હતી કે આ સફરમાં તેની અયાન સાથે મુલાકાત થશે!

આખરે, ઉત્તરાયણના દિવસે ઉત્તરા અને અયાન બંનેનું મિલન થયું! બન્ને એકબીજાને મળી ખૂબ જ ખુશ હતા. પરલોકના દરિયાની વચ્ચે તેમણે પતંગબાજી કરી એકબીજાને નવા જન્મમાં ફરીથી મળવાનું વચન આપ્યું. ભલે સદેહે નહિ, પરંતું આત્મારૂપે બંને "ઉત્તરાયાન" બની જ ગયા!

બીજા રસપ્રદ વિકલ્પો