ચાંદની - પાર્ટ 39 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 39નાનામાં નાની વાત પણ તેના મમ્મીને દસ વાર કરતી ચાંદની, આજે પોતાના જીવનનું આટલું મોટું રાઝ દિલમાં દબાવી બેઠી હતી.એટલે એ મૂંઝવણમાં હતી કે તેના મમ્મીને  અનુરાગની હકીકત કહેવી કે નહિ? હજુ તો તેણે ઘરમાં પોતાના અને અનુરાગના સબંધની પણ વાત કરી નહતી અને ઉપરથી અણુરાગનો પાસ્ટ! તે નિર્ણય નહોતી કરી શકતી કે શું કરવું.

તુજ સંગ મને પ્રિત છે અપાર..
સપનાઓ સંજોવ્યાં તુજ સંગ પારાવાર...
સમયનું ચક્ર ફરે ભલે ગમે તેમ..
પ્રેમ રહેશે દિલમાં અકબંધ બની સદાબહાર...

હવે આગળ....

વ્યક્તિ જ્યારે કોઇ વાતથી ખુશ કે દુઃખી હોય ત્યારે તે લાગણીઓ કોઈની સામે વ્યક્ત થવા વલખા મારતી હોય છે.સુખ અને દુઃખ બન્ને મનગમતા સથવારા વગર અધૂરું હોય છે. આવા સમયે જો કોઇ સ્વજન કે દોસ્ત જરાક અમથું પાસે આવી , પોતિકાપણું બતાવે એટલે દિલના દરવાજા તેની સમક્ષ આપોઆપ ખૂલવા લાગે છે! અને અંદર ધરબાયેલા રાઝ,લાગણીઓ કે દર્દ એક ધસમસતા પ્રવાસ સાથે તેના તરફ વહેવા લાગે છે! એ દરકાર વગર કે આ પ્રવાહને કોઈ મનગમતો કિનારો મળશે કે નહીં!

આ એક માનવ સહજ પ્રકૃતિ છે. જેનાથી માણસ ગમે તેટલું ધારે તો પણ તેને રોકી શકતો નથી. હા ક્યારેક મનની ઉપર વટ જઈએ તો વાત જુદી! પણ મોટાભાગે ઉપરવટ જવાના પરિણામ એટલા સુખદાયક નથી હોતા જેટલા મનની વાત સાંભળી તેને અનુસરવાથી હોય.

ચાંદની પણ કંઈક આવું જ અનુભવ કરી રહી હતી .અને વળી અત્યારે તેની સામે તો તેની સગી માં હતી .જે તેના માટે તેની માત્ર માં નહીં પણ, એક સખી પણ હતી. તેની સામે તે કેમ કરીને પોતાની લાગણીઓને છુપાવે!

ચાંદની પોતાની મમ્મીને બાજી પડી. અને તેના આંસુઓ મારફતે દિલની સંવેદનાઓ છલકાવા લાગી. થોડી ખુશી અને થોડા દર્દ સાથે, આ સંવેદનાઓ જાણે આજે બહાર આવવા, ઘણા સમયથી ઈંતજાર કરતી હોય ,અને અચાનક તેને કોઈ પોતાના પાલવમાં સમાવવા આવ્યું હોય તેમ ઉછળી રહી હતી.

કેટલીય વાર સુધી માનો પ્રેમાળ સ્પર્શ તેને સહેલાવી રહ્યો. ઘણીવાર સુધી માની અપ્રિતમ સ્નેહભરી સોડમાં રહ્યા બાદ ચાંદની બોલી,

"મમ્મી, આજે તને કંઈક કહેવું છે. મારા જીવનની સૌથી મોટી ખુશી મારે તારી સાથે વહેંચવી છે .મારા જીવનનું એક એવું રાઝ કે જે એણે મને બદલી નાખી છે. મમ્મી ,વાત શરૂ કરતા પહેલા તો હું તારી પાસે માફી માગું છું. કેમકે નાની નાની વાતો શેર કરતી તારી ચાંદની આજે પોતાના જીવનનું સૌથી મોટી ખુશીઓ અને રાઝ દિલમાં  લઈને બેઠી છે."

આટલું સાંભળ્યા પછી, કોઈપણ માં આ ઉંમરે દીકરીને શું અસમંજસ હશે, એટલો તો તેનો ચહેરો જોઈ અંદાજ લગાવી જ લે છે ! મિતા પણ ચાંદનીનો ચહેરો અને તેના લથડતાં શબ્દો સાંભળી એટલું તો સમજી ચૂકી હતી કે, દીકરીના દિલમાં પ્રેમના અંકુરણ ફૂટી  રહ્યા છે. તેના મન મંદિરમાં કોઈ સુરત દસ્તક દઈ રહી છે!

આ વાત એક માં માટે ખુશીની પણ હોય છે. અને પોતાની વહાલસોઈની આવનારી જિંદગીની ચિંતાની પણ  હોય છે.

મીતા ભણેલી અને ખૂબ સમજુ હતી. તેણે ખૂબ મૃદુ પણ હસતા સ્વરે ચાંદનીને માથે હાથ ફેરવતા કહ્યું," બેટા,બે  જીજક તું મનના દ્વારે વાંસેલી સાંકળ ખોલ. કોણ છે એ જે ઘોડેસવારી કરી, રાજકુમાર બની ,મારી ચાંદનીને  અમારી પાસેથી હંમેશ માટે લઈને ઉડી જવાનો છે! કોનાં નામથી ધડકી રહ્યું છે તારું દિલ? શું તે અનુરાગ છે?"

પોતાના માંના મુખેથી આટલી મીઠી મજાક  સાંભળી ચાંદનીનો ડર એક પળમાં ગાયબ થઈ ગયો.અને અનુરગનું નામ સાંભળતા ચહેરો શરમથી લાલ થવા લાગ્યો.તેની મોટી આંખો અને સુંદર  પાંપણો ઢળી પડી.તે ફરીથી પોતાની માંને ભેટી પડી અને ધીરેથી બોલી, "હા.. મા, તે અનુરાગ જ છે.પણ મને કહે તને કેવી રીતે ખબર પડ?મે તો કશું જ કીધું નથી."

અનુરાગનું નામ સાચું પડતા મીતાને ખુશી થઇ તેના દિલને પૂરો વિશ્વાસ હતો કે ચાંદીની જેને પસંદ કરે એ ગલત ન હોય. અને આખરે વિશ્વાસની જીત થઈ હતી. તે અનુરાગને ઓળખતા હતા. ખરેખર તે અને ચાંદીના પિતા બંને ચાંદની માટે અનુરાગ નો જ વિચાર કરતા હતા. બંને વ્યક્તિને અનુરાગ ખૂબ સારો અને સરળ લાગતો. અને એ જ વાત તે ચાંદનીને કરતા બોલ્યા,

"બેટા, સાચું કહું તો હું અને તારા પપ્પા  આ વિશે જ વિચારતા હતા." આટલું સાંભળતા જ ચાંદની તો જાણે આસમાનમાં વિહરતી હોય તેમ ઉછળી પડી. તેની ખુશી ક્યાંય સમાતી ન હતી . તે જાણતી હતી કે તેના મમ્મી પપ્પા આજના સમયના વિચારો ધરાવે છે .તે પોતાનો નિર્ણય કદી પોતાના પર નહીં થોપે .નાનપણથી જ ચાંદનીને આપેલી આઝાદી તે વાતની ગવાહી હતી !

પણ પોતાની અને પોતાના મમ્મી પપ્પાની પસંદ એક છે એ વાતે ચાંદનીને આજે અનહદ ખુશી થતી હતી. તે બોલી ,  "મમ્મી યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ .આઇ લવ યુ સો મચ."

ચાંદની સામે જોઈ મીતા બોલી, "ભાગ્યેજ કોઈ મા એવી હોય છે જેને પોતાની દીકરીના પગલાંઓ અણસાર ન હોય! બાકી દરેક માં પોતાની દીકરીના જીવનમાં ખીલી રહેલ મેઘધનુષ્યના રંગોની રંગત જાણી જતી હોય છે. તારી નજરોમાં ખિલી રહેલા નવા ખ્વાબને હું વાંચી શકતી હતી!"

"હવે મને એ કહે,અનુરાગને તો ઓળખીએ છીએ. પણ તેનો પરિવાર ક્યાં છે ?અને શું કરે છે ?તું શું જાણે છે એમની બાબતે?"

પોતાની મમ્મીની વાતો સાંભળતા ચાંદનીના ચહેરા પર ચિંતાના વાદળો છવાઈ ગયા .પોતાની દિકરીના ચહેરા પર એક પળમાં આવેલી ઉદાસી જોઈ તે સમજી ગઈ અને બોલી,

"તું એની ચિંતા ન કર. જે હોય તે સાચું કહે હું તને દરેક પરિસ્થિતિમાં સાથ આપીશ .મને જાણ કરવાથી તારા મનનો ભાર પણ ઓછો થશે. અને કોઈ સમસ્યા હોય તો તેનો ઉપાય પણ મળી રહેશે."

પોતાની મમ્મીના મુખેથી આશ્વસ્ત શબ્દો સાંભળી ચાંદનીને હિંમત આવી તેણે અનુરાગના પરિવાર વિશે જેટલી પણ જાણકારી હતી તે સઘળે જણાવી દીધી.

આખી વાત સાંભળ્યા બાદ એક પલ માટે પોતાની દીકરીનું ભવિષ્ય ક્યાંક અંધકાર તરફ તો નથી જઈ રહ્યું ને ?તેવો આભાસ તેને થવા લાગ્યો.

ચાંદનીના મમ્મી પપ્પાને ચાંદની પર વિશ્વાસ હતો. તેની પસંદ ખોટી ન હોય હોય. આટલા સમયમાં તેઓ પણ અનુરાગના સ્વભાવ અને વર્તનથી પ્રભાવિત થયા હતા .એટલે જ તેમણે અનુરાગ માટે ચાંદનીનું વિચારતા હતા. તેણે તરત બધી વાત ચાંદનીના પિતાને કરી. અને બંનેએ ચાંદીનીને સાંત્વના આપતા કહ્યું,

" બેટા, ચાંદની તો બિલકુલ ચિંતા ન કર .તારા અને અનુરાગના દરેક નિર્ણયમાં અમે તારી સાથે હોઈશું."

એ વાતથી બેખબર કે વિધાતાને કંઈક ઓર જ મંજૂર હતું.

પાગલ માનવ મન નિતનવા સપના સેવે હરપળ..
પણ કદી કોઈ ક્યાં જાણે શું છુપાયું ભાવિના ગર્ભ તળ..

ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન"
18/5/2021

શું ચાંદની માટે તેના મા બાપે જોયેલ સ્વપ્નાઓ સાચા પડશે?
શું ચાંદની અનુરાગ સુધી પહોંચી શકશે?
શું ધમાકો થશે અનુરાગી પાર્ટીમાં?

જાણવા માટે વાંચતા રહો..


રેટ કરો અને રિવ્યુ આપો

narendra

narendra 5 દિવસ પહેલા

Neepa

Neepa 3 અઠવાડિયા પહેલા

Vishwa

Vishwa 3 અઠવાડિયા પહેલા

Nikita

Nikita 1 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 1 માસ પહેલા