ચાંદની - પાર્ટ 38 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 38

અનુરાગ અને તક્ષવી બંને બ્રેકફાસ્ટ ટેબલ પર જ હતા ત્યાં આર.કે.આવ્યો અને  બ્રેકફાસ્ટ ટેબલ પાસે બેસતા બોલ્યો, "અનુ, તારા માટે એક ખુશ ખબર છે.તું મારી વાત સાંભળી ખુશીથી ઝૂમી  ઉઠીશ."

આર.કે.ની વાત સાંભળી અનુરાગનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું,

શું છે આજે મોસમનો મિજાજ?
કેમ છે આજે કિસ્મત પણ નારાજ?
દિલમાં છે એક અજીબ ખળભળાટ
તલસે છે રૂહ મારી સાંભળવા બસ તારો અવાજ...!

હવે આગળ..

આર.કે.ની વાત સાંભળી અનુરાગ વિચારતો હતો કે હેવે શી સરપ્રાઈઝ છે.પણ તે અત્યારે કંઈ પૂછે એ પહેલા આર.કે.નો ફોન આવ્યો અને તે વાતો કરતો કરતો ત્યાંથી જતો રહ્યો.

*****

આખરે આર.કે.અને જે. ડી.જે પળનો ઇન્તજાર કરતા હતા તે નજીક આવી રહ્યો હતો. સુરજદાદા પોતાની સવારી અવનિ પરથી ઉઠાવી વિદાય લઈ રહ્યા હતા .અને સંધ્યા રાણી આસમાનમાં પોતાના સુનેહરા રંગો ખીલવી રહ્યા હતા.

આર.કે અને જે.ડી ફાર્મ હાઉસમાં પાર્ટીની બધી તૈયારીઓ નિહાળી રહ્યા હતા. આજની અનુરાગના જન્મદિવસની પાર્ટીને  આર.કે ખૂબ ધામધૂમથી ઉજવી વધી યાદગાર બનાવવા માંગતો હતો.

આર.કે.એ ફાર્મ હાઉસની સાજ સજાવટ માટે પાર્ટી ઓર્ગેનાઇઝરોને ઓર્ડર આપ્યો હતો. આખા ફાર્મ હાઉસને રંગબેરંગી રોશનીની ચાદર ઓઢાડી દીધી હતી. દેશી અને વિદેશી ફૂલોની મહેકથી ફાર્મ હાઉસ મઘમઘી રહ્યુ હતું.

ફાર્મ હાઉસની પાછળ આવેલ વિશાળ લોન એરીયા જે પહેલેથી જ ગાર્ડનની માફક શોભી રહ્યો હતો .તે આ રોશની અને ફૂલોના લીધે દીપી ઉઠ્યો હતો. બ્લુન્સ અને ફૂલોના વિશાલ ગુલદસ્તાથી લોનની શરૂઆતમાં એક વિશાળ ગેટ બનાવવામાં આવ્યો હતો. આ ગેટ ઉપર અનુરાગનું એક ખૂબ સુંદર ફોટાવાળું  હોર્ડિંગ્સ મુકવામાં આવ્યું હતું. વેલકમ માય સન લખેલું એક અન્ય મોટુ બેનર પણ લગાવ્યું હતું.

આર.કે.આજે કોઈ કસર રાખવા નહોતો માંગતો. આજની આ પાર્ટી પોતાના રાજકારણ અને આવનારા સમય માટે ખૂબ મહત્વની  હતી. તે કદાચ વર્ષોથી આજ દિવસના ઈંતજારમાં હતો. અનુરાગ કોઈપણ જાતની આનાકાની વગર આટલી સરળતાથી પાર્ટી માટે માની જશે એવું તેણે કદી સ્વપ્નમાં પણ વિચાર્યું  ન હતું. તે અનુરાગનું દિલ જીતવા માંગતો હતો .અને તે માટે તે હર કોશિશ કરી રહ્યો હતો. જેમાં જે.ડી .તેને પૂરેપૂરો સાથ આપતો હતો.

આર કે લગભગ દરેક વીચારો જે.ડી. સાથે શેર કરતો. બંને વચ્ચેની દોસ્તી ઊંડી તો હતી, પણ અજીબ પણ એટલી જ! એક શબ્દમાં વર્ણવીએતો આર.કે. અને જે ડી એક મંઝિલના એવા બે કિનારા હતા, જે મંઝિલ સુધી  પહોંચવા સાથે ચાલી એક સાયુજ્ય સાધતા હતા.

પણ આર.કે માટે અત્યારે સૌથી વધુ મહત્વનું હતો અનુરાગ! તે કોઈ પણ વિરોધ વગર આર.કે.ની હા મા હા ભરતો હતો. તે વાતની તેને ખુશી તો હતી, પણ મનમાં ક્યાંક ડર પણ હતો.
કેમ કે આર .કે .વર્ષોથી અનેક લોકોની વચ્ચે રહીને ખૂબ શાતીર રાજકારણી થઈ ગયો હતો. શામ દામ અને દંડથી તેણે પોતાનું નામ કમાયું હતું. એટલે તેની અનુભવી આંખોથી કશું છૂપું રહી શકતું ન હતું તેણે જમાનાનું ઘણું ઝેર પચાવ્યું હતું .તે લોકોના ચહેરા જોઈ તેને માપી લેતો હતો.

પણ તે અનુરાગનનેકળી શકતો ન હતો. લાખ મથામણ કરવા છતાં તે અનુરાગના દિલમાં ઝાંકવા માટે અસમર્થ હતો. અને હમણાં તેને કંઈ પૂછવું એટલે પોતે જ સવાલોના ઘેરામાં આવી જવું!  તે આ વાત પૂરેપૂરી રીતે જાણતો હતો.

પણ, અનુરાગ વિશે તે એટલું સમજી ચુક્યો હતો કે, આ નીરવ શાંતિ કોઈ તોફાન આવવા પહેલાંનો પૈગામ છે. અને એટલે જ કોઈ તોફાન આવી પોતાની બધું તહસ નહસ કરે , તે પહેલા તે પોતાની યોજનાને હકીકત બનાવવાની પેરવીમાં હતો.

પાર્ટીની તૈયારીનું નિરીક્ષણ કરતા કરતા આર.કે ને એક ખૂણામાં આટલો શાંત અને ખૂબ ઊંડા વિચારોની મુદ્રામાં બેસેલો જોઈ જે.ડી .તેની પાસે આવી બોલ્યો,

"આર .કે .શું વાત છે?આટલા ઊંડા વિચારોમાં ક્યાં ખોવાયેલ છે? શું ગડમથલ ચાલી રહી છે તારા મનમાં ?શું તું અનુરાગ માટે ચિંતિત છે?"

જે.ડી. ના એકધારા સવાલો સાંભળી આર.કે.ની તંદ્રા તૂટી તે મનમાં ખંધુ હસ્યો. તે ચાહતો ન હતો કે પોતાના મનની વાત જે.ડી .જાણી જાય .એટલે તે બોલ્યો,

" જે.ડી. છોડને કંઈ નહીં. ફરી ક્યારેક વાત. અત્યારે જો મહેમાનોનો આવવાનો સમય  થઇ ગયો છે .હું બધું  જોઉં છું. તું  અનુ અને તક્ષવી રેડી થયા છે કે નહીં તે જો અને તેમને લઈને અહીં આવ."

તેનો જવાબ સાંભળી જે.ડી .સમજી ગયો કે આર.કે. કંઈ કહેવા નથી માગતો. કદાચ તે પોતાનાથી કંઈક છુપાવી રહ્યો છે .પણ જે. ડી ., આર. કે. ને કંઈ પૂછવાની હિંમત કરી શકે તેમ ન હતો. તે આર.કે.ના ગુસ્સાથી સારી રીતે પરિચિત હતો. એટલે જ એકવાર જે વાત આર.કે અધુરી છોડે તેને ફરીથી ખોલવી મતલબ પોતાની શામત  લાવવી.

એટલે જે ડી એ પણ અત્યારે ચુપ રહેવામાં પોતાની ભલાઈ સમજે આર.કે.ના નિર્દેશ મુજબ તક્ષવી અને અનુરાગને પાર્ટી  માટે રેડી કરવા ગયો.

*******

આ બાજુ અનુરાગ નો મેસેજ જોઈ ચાંદનીના મનનો બધો ભાર ઊતરી ગયો હતો. નંબર અજાણ્યો હતો. પણ નીચે અનુરાગનું નામ અને મેસેજના શબ્દો જોઈ તેને ખાતરી થઇ ગઈ કે ,આ શબ્દો અનુરાગ સિવાય કોઈના ન હોય .ખુશી અને દર્દના બેવડા સ્પંદનો તેના હૈયામાં રમી રહ્યા હતા.

આટલા લાંબા સમય પછી અનુરાગનો સંદેશ જોઈ તે ખુશીથી ઝૂમી ઉઠી. આખરે અનુરાગ પ્રત્યેના તેના વિશ્વાસની જીત થઈ હતી. હવે તેની પાકી ખાતરી હતી કે કોઈપણ સંજોગોમાં અનુરાગ તેનો હાથ  નહીં છોડે .અને ચાંદની પણ અનુરાગનો હાથ પકડી કોઈપણ તોફાનને જેલવા તૈયાર હતી.

ચાંદની બાલ્કનીમાં બેઠી બેઠી આ બધા વિચારોના વમળમાં ઘેરાઈ આમતેમ લટાર મારી રહી હતી . એવામાં તેના મમ્મી આવ્યા. તેને ઘણા દિવસથી ચાંદનીને ઉદાસ અને કંઇક છુપાવી રહે છે તેવું લાગી રહ્યું હતું. તે ચાંદનીની નજીક ગયા અને બોલ્યા,

"બેટા, ઘણા સમયથી જોઈ રહી છું કે તું કોઈ અસમંજસમાં છે !શું વાત છે?"

પોતાના મમ્મીને અનુરાગ વિશે અને પોતાના પ્રેમ વિશે ઘણા દિવસથી કહેવાનું વિચારી રહી હતી. પણ કઈ રીતે કહેવું તે તેને સૂઝતું ન હતું.

પોતાના પ્રેમની વાત જાણી તેના મમ્મી-પપ્પા શું વિચારશે ! પણ, તેના મમ્મીના અચાનક સવાલે આજે તેને ફરી વિચારતી કરી દીધી.

નાનામાં નાની વાત પણ તેના મમ્મીને દસ વાર કરતી ચાંદની, આજે પોતાના જીવનનું આટલું મોટું રાઝ દિલમાં દબાવી બેઠી હતી.

એટલે એ મૂંઝવણમાં હતી કે તેના મમ્મીને  અનુરાગની હકીકત કહેવી કે નહિ? હજુ તો તેણે ઘરમાં પોતાના અને અનુરાગના સબંધની પણ વાત કરી નહતી અને ઉપરથી અણુરાગનો પાસ્ટ! તે નિર્ણય નહોતી કરી શકતી કે શું કરવું.

તુજ સંગ મને પ્રિત છે અપાર..
સપનાઓ સંજોવ્યાં તુજ સંગ પારાવાર...
સમયનું ચક્ર ફરે ભલે ગમે તેમ..
પ્રેમ રહેશે દિલમાં અકબંધ બની સદાબહાર...

ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન"
15/5/2021


રેટ કરો અને રિવ્યુ આપો

narendra

narendra 5 દિવસ પહેલા

Neepa

Neepa 3 અઠવાડિયા પહેલા

Vishwa

Vishwa 3 અઠવાડિયા પહેલા

Aruna

Aruna 1 માસ પહેલા

Nikita

Nikita 1 માસ પહેલા