ન્યાયચક્ર - 6 Bhumika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ન્યાયચક્ર - 6

       આગળના ભાગમાં આપણે જોયું કે ભોળો કટાર બનાવી રહ્યો છે ત્યારે એક વટેમાર્ગુ ત્યાંથી પસાર થઈ રહ્યો છે. તે ભોળાનું કામ જોઈ ત્યાજ થોભી જાય છે અને ભોળાના મામાને કહે છે કે તમારે જેટલી સોનામહોરો જોઈએ એટલી હું આપીશ બસ તમારો છોકરો મને આપિદો. મામા આશ્ચર્યથી પૂછે છે આપ કોણ છો?       હવે આગળ.......


      વટેમાર્ગુ એ પોતાનો પરિચય આપતાં કહ્યું મારું નામ રૂડો વણઝારો છે. મારા કબિલાનો હું મુખિયા છું.એ પોતાની વાત પૂરી કરે તે પહેલાં  જ મામા  બોલ્યા, જે રાજા મહારાજાઓ માટે શાસ્ત્રો બનાવે છે એ પ્રખ્યાત રૂડો વણઝારો છો આપ? હા હું એજ રૂડો વણઝારો છું.  અરે મારું તો આંગણું ધન્ય થઈ ગયું કે આજે આપ અમ ગરીબના આંગણે આવ્યા. મામા એ અહોભાવ થી કહ્યું અને જલદી ખાટલો પાથરી તેમને બેસવા જગ્યા કરી આપી. માફ કરશો બેસવાનો મારી પાસે સમય નથી હું બહુ ઉતાવળ માં છું પણ તમે મારી વાતનો જવાબ ના આપ્યો એણે કહ્યું. હું તો હજુ આશ્ચર્યમાં જ હતો કે આ કોણ છે અને આ બધું થઈ શું રહ્યું છે.


       તમે ભોળાને કેમ લઈ જવા માંગો છો? મામા એ પૂછ્યું. તો એણે જવાબ આપ્યો તમારા છોકરાના હાથમાં જાદુ છે. આ લોખંડને પાણી પીવડાવીને આગમાં તપવીને ટીપીને એણે સોનાથી સવાઈ કટાર બનાવી છે. આટલી સુંદર કારીગરી મે આજ સુધી કોઈ કરીગરમાં નથી જોઈ. બેજોડ કારીગર છે તમારો છોકરો આના હાથ આવા નાના મોટા કામ કરવા નહિ પણ યોદ્ધાઓ ની સમશીર બનાવવા માટે ઘડાયા છે. હું દરેક રાજ્યના રાજા માટે તલવાર બનાવું છું, મારા કબીલામા તમારા છોકરા જેવો એકપણ કસબી કારીગર નથી, મારા કબીલામા જ નહિ આખા ભારતમાં નથી માટે હું એને મારી સાથે લઈ જવા માંગુ છું. બોલ ભોળા મારી સાથે કામ કરીશ વીર યોદ્ધાઓ ની તલવારો બનાવીશ? બદલામાં તું જે મહેનતાણું માગે એ હું આપવા તૈયાર છું. હું ને મામા તો અવાક બની બસ એની વતોજ સાંભળી રહ્યા હતા. જ્યાં તનતોડ મહેનત કર્યા પછી માંડ બે કે ત્રણ કોડી મળતી ત્યાં આતો સોનામહોર ની વાત કરી રહ્યો હતો.


       મામા કઈ વિચારે અને જવાબ આપે એ પહેલાં જ મે વચ્ચેજ કહ્યું હા મને મંજૂર છે. મામા એ મારી તરફ જોયું એમની આંખોમાં મને સ્પષ્ટ ના દેખાઈ રહી હતી. મામા એ કહ્યું માફ કરશો પણ ભોળો મારી મરી ગયેલ બહેન ની અમાનત છે અને એ એના નામ પ્રમાણે બહુ ભોળો છે હું એને કેવી રીતે મારાથી દૂર મોકલી શકું? નાના હું એમ ના કરી શકું. ચાલાક મામી અંદર બારણાં પાછળથી અમારી વાતો સાંભળી રહી હતી તેણે તરત કહ્યું આ તમારો ભાણિયો ઘોડિયામા
 નથી ઝૂલતો હત્તર વરહનો ઢાંઢો થઈ ગયો છે. ને અહી ક્યાં કેડ હમાણા કામ છે જવાદો ને બે પૈસા મળશે અને કંઇક શીખશે. 


     મામીના કટુ વચન સાંભળ્યા પછીતો મે મનોમન નક્કીજ કરી લીધું કે હું હવે જરૂર જઈશ. મે મામાને કહ્યું મામા હું હવે ખરેખર મોટો થઈ ગયો છું, માવતરની નજરે સંતાનો હંમેશા નાનાજ રહે પણ આજ સુધી તમે મારા માટે ઘણું કર્યું છે હવે મારી ફરજ છે કે હું તમારા માટે આ ઘર માટે કઈંક કરું માટે મને જવાદો. હા ભાઈ એ હંમેશા મારી સાથેજ રહેશે મારા કબીલા સાથે હું મારા જીવનની જેમ એને સાચવીશ અને હા એ તમને મળવા આવતો જતો રહેશે રૂડા એ મામાને આશ્વાશન આપ્યું. મામાની આંખમાં ઝળઝળીયાં આવી ગયા એ મને એમનાથી દૂર કરવા માટે તૈયાર નહતા પણ મારી જીદ આગળ ઝૂકી ગયા. મામા કંઇ પણ કહે એ પહેલાં રૂડા વણઝારા એ તેમના હાથમાં સોના મહોરો થી ભરેલી પોટલી મૂકી દીધી. મામા મને રોકી ના શક્યાં અને હું રૂડા વણઝારા સાથે નીકળી પડ્યો.


       ચાર પાંચ ગાવ દૂર એમના કબિલાનો પડાવ હતો. આખા દિવસના સફર પછી અમે ત્યાં પહોંચી ગયા. ત્યાં મોટા મોટા રંગબેરંગી તંબુ બાંધેલા હતા. બધાનો પહેરવેશ લગભગ રૂડા વણઝારા જેવોજ હતો. રૂડો વણઝારો પહેલાં મને એક તંબુમાં લઈ ગયો. ત્યાં એક લાંબી સફેદ દાઢી, લાંબા વાળ અને સાવ અસ્ત વ્યસ્ત લાગે એવો માણસ હતો જે એક આસન ઉપર બેઠો હતો. તેના તંબુ માં વિચિત્ર ચિત્રો અને ચિહ્નો દોરેલા હતા. ત્યાં કોઈ હવન કુંડ હોય તેવી અગ્નિ પ્રજ્વલિત હતી . અમે અંદર ગયા ત્યારે તે કંઇક ચિહ્નો ને નીરખી રહ્યો હતો. અંદર પેસ્તાજ રૂડા વણઝારા એ તેને સિતારા નામ થી સંબોધતા  કંઇક કહ્યું અને તેણે પણ કંઇક વળતો જવાબ આપ્યો મારી સામે જોઈ. તેઓ કઈ ભાષામાં વાત કરતા હતા મને ખબર ના પડી પણ એ મારા વિશે વાત કરી રહ્યા છે એટલું સમજાયું. 


       થોડી વાર એ મારી સામે તાકી રહ્યો મને પગથી માથા સુધી નીરખીને પછી નીચો નમીને કોઈ લાલ પીળા રંગ લઈ મારા કપાળમાં ચાંદલો કર્યો. રૂડા વણઝારા એ તેને બે હાથ જોડયા મને પણ એમ કરવા કહ્યું અને પછી અમે ત્યાંથી બહાર નીકળ્યા. રૂડા વણઝારા એ મને કહ્યું તને ખબર છે સિતારા એ શું કહ્યું, એણે કીધું કે તું બત્રીશ લક્ષણો યુવાન છે, તારા આવવાથી મારી અને મારાં કબિલાની બહુજ પ્રગતિ થશે. આપણા બંને ની જોડી સફળતાના શિખરો સર કરશે. હું નવાઈ ભરી નજરે તેની સામે જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે મારા જન્મથી માંડી આજ સુધી મારા લીધે કોઈને ખુશી નથી મળી તો આ શું કહી રહ્યો છે. જે હશે એ મારા માટે આ બધાજ નવા અનુભવ હતા, અને આ નવી દુનિયાને જાણવા હું બહુ આતુર હતો.......


.                             ક્રમશઃ

       


      

રેટ કરો અને રિવ્યુ આપો

Prashant

Prashant 10 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 11 માસ પહેલા

Rakesh Shukla

Rakesh Shukla 1 વર્ષ પહેલા

Batuk Patel

Batuk Patel 1 વર્ષ પહેલા

Mohit

Mohit 1 વર્ષ પહેલા