ન્યાયચક્ર - 1 Bhumika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ન્યાયચક્ર - 1

     એક  ગામની બહાર શાંત વગડો છે , ચારે તરફ જ્યાં નજર જાય ત્યાં બસ હરિયાળી જ હરિયાળી છે. કોઈ શોર બકોર નહિ. અવાજ છે તો ફક્ત  અને ફક્ત પક્ષીઓ ના મધુર કલરવ નો. પવન ના આવવાથી પાંદડા ના ફરફરવાનો. ત્યાજ એક તરફ એક વિશાળ વૃક્ષની નીચે ઘાસથી બનાવેલી એક ઝૂંપડી છે. બહાર એક ૨૨-૨૫ વર્ષનો યુવાન સેવક ઝાડુ મારીને ઝૂંપડીની આસ પાસ ના આંગણાને સ્વચ્છ કરી રહ્યો છે. અચાનક તેને દૂર થી ઘણા માણસો આવતા નજરે પડે છે. તેમની આગળ એક શરીરમાં કદાવર વ્યક્તિ ચાલી રહ્યો છે. જાણે કે આ માનવીઓનાં ટોળા નો એ મુખ્ય સૂત્રધાર છે. જોત જોતામાં તે વ્યક્તિ અને ઘણા માણસોનું ટોળું એ ઝૂંપડી આગળ પહોંચી જાય છે. નજીક આવતા સેવક યુવાન એમને ઓળખી જાય છે કે આતો નજીક માં આવેલા નગરના નગર શેઠ છે અને આ બધા તે નગર ના નિવાસીઓ છે. તે ઊભો થઈ સર્વેને પ્રણામ કરે છે અને આવકાર આપે છે.સામે થી પણ પ્રણમનો શિષ્ટાચાર થાય છે. નગર શેઠે બે હાથ જોડી અને વિનમ્રતા પૂર્વક યુવાન સેવક ને પૂછ્યું કે ગુરુજી ક્યાં છે હું અને મારા નગરજનો તેમનાં દર્શન અર્થે અહી આવ્યા છીએ. યુવાન સેવક ઘડીભર વિચારમાં પડી ગયો કે નગર શેઠ તો ક્યારેક ક્યારેક આવતા પણ આજે તો સાથે વિશાળ જનમેદની છે, ગુરુજી ધ્યાનમાં બેઠા છે એમના ધ્યાન નો ભંગ કરવો શું યોગ્ય રહેશે પણ વળી વિચાર આવ્યો કે આ બધા દૂર થી ગુરુજીના દર્શન માટે આવ્યા છે, ઈશ્વર જાણે શું શું આશાઓ સાથે આવ્યા હશે તો એમને નિરાશ કરવો એ પણ અધર્મ થશે. સેવક યુવાન ધર્મ સંકટમાં મુકાઈ ગયો કે હવે કરવું શું? સામે નજર કરી તો નગરશેઠ અને તેમની સાથે આવેલા બધાજ માણસો હાથ જોડી આશાભરી નજરે સેવક યુવાન સામે નીહાળી રહ્યા છે. આખરે તેણે નિર્ણય કર્યો કે આંગણે યાચક બનીને આવેલા આ લોકો માટે તે ગુરુજી ને ધ્યાનમાં થી જગાડશે. એ નગરશેઠ સામે જોઈ જવાબ આપે છે કે ગુરુજી ધ્યાનમગ્ન છે હું કોશિશ કરું છું કે એ આપને દર્શન આપે આગળ જેવું આપનું ભાગ્ય. તે ઘાસની ઝાંપલી ખોલી ઝૂંપડીમાં પ્રવેશ કરે છે પણ ગુરુજીને ધ્યાન મુદ્રામાં જોઈ તેના પગ ત્યાજ થોભી જાય છે એને મન નથી થતું કે ગુરુજીના ધ્યાન નો ભંગ થાય પણ બહાર ઘણા લોકો તેમના દર્શન માટે આવ્યા છે એટલે એણે ના ગમવા છતાંય ગુરુજીના ધ્યાન નો ભંગ કરવોજ પડશે. એ દબાતા પગલે ગુરુજી પાસે જાય છે અને એમના ચરણોને સ્પર્શ કરી પછી હાથ જોડી ને સામે ઊભો રહી ને યાચના કરે છે,  "હે ગુરુજી આમ અચાનક આપના ધ્યાનનો ભંગ કરવા બદલ હું આપનો અપરાધી બની જઈશ પણ બહાર બાજુના નગરશેઠ એમના નગરના નગરજનો સાથે આપના દર્શન ની અભિલાષા એ અહી સુધી આવ્યા છે એમની યાચના કરતી આંખોમાં આપના પ્રત્યેની અપાર શ્રદ્ધા થી વિવશ થઈ ને હું આ અક્ષમ્ય કૃત્ય કરી રહ્યો છું એ બદલ આપનો જે દંડ હોય એ મને સ્વીકાર છે".


   સેવક યુવાનની યાચના ગુરુજીના કાને પડી. તેઓ ધીરેથી આંખો ખોલીને જુએ છે તો સામે સેવક યુવાન બે હાથ જોડીને ઊભો છે, તેના આંખમાં અપરાધભાવ અને ડર બંને ઉભરાઈ આવ્યા છે. ગુરુજી તેની સામે અમીદ્રષ્ટિ કરે છે અને ચહેરા ઉપર હાસ્યની રેખાઓ ખેચાય છે. હવે સેવક યુવાન ના જીવમાં જીવ આવે છે. તે ફરીથી કહે છે ગુરુજી બાજુના નગરના નગરશેઠ તેમના કેટલાક નગરજનો સહિત આપના દર્શને પધાર્યા છે એટલે મેં આપન ધ્યાન માં વિઘ્ન નાખ્યું મને ક્ષમા કરો. ગુરુજી મૃદુ હાસ્ય ભાવ સાથે કંઇક બોલ્યા વગર પોતાના દભૅના આસન ઉપર થી ઊઠીને ઝૂંપડીની બહાર આવે છે. નગરશેઠ અને સૌ નગરજનો ગુરુજીને આવેલા જોઈ તેમનો જયકાર કરે છે. ગુરુજી પ્રસન્ન ચિત્તે બધાની સામે કૃપા દૃષ્ટિ કરી બધાને હાથ થી આશીર્વાદ આપી ત્યાજ ઝાડ નીચે બનેલા માટીના આસન ઉપર બેસી જાય છે. ગુરુજીની જ્ઞાન થી તરબોળ આંખો, એમના ચહેરા ઉપર તપોબળનું તેજ જોઈ બધા અભિભૂત થઈ ઊઠે છે. ગુરુજી હાથના ઇશારે બધાને નીચે બેસવા જણાવે છે.સૌ જ્યાં ઊભા છે ત્યાજ જમીન ઉપર બેસી જાય છે. નગરશેઠ બે હાથ જોડતા ગુરુજીની નજીક આવી તેમનાં ચરણસ્પર્શ કરે છે અને આજીજી ભર્યા સ્વરમાં કહે છે ગુરુજી અમે સૌ આપના દર્શન પામીને ધન્ય થઈ ગયા છીએ. આપ જ્યારથી અહી પધાર્યા છો અમારા નગરનું કલ્યાણ થવા લાગ્યું છે.નગરમાં સુખ સમૃદ્ધિ નો પર નથી.કોઇજ ભય કે કોઈ રોગના એંધાણ પણ નથી થયા. બસ સુખ અને શાંતિ જ છે સર્વત્ર એ બદલ અમે બધાજ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. આપના શ્રી ચરણોમાં મારા સર્વ નગરજનો વતી હું કોટી કોટી નમન કરું છું. ગુરુજી શાંત ચિત્તે બધું સાંભળી રહ્યા છે એમના મુખ ઉપર પ્રસન્નતાનો ભાવ સ્પષ્ટ દેખાય છે. તેઓ ધીરે થી મૌન ને ભેદે છે, આ કશુજ મે નથી કર્યું આતો ઈશ્વરની કૃપા છે, ધન્યવાદ એમનો માનો હું તો આપના જેવો એક સાધારણ માણસ માત્ર  છું બસ.એતો આપની મહાનતા છે ગુરુજી ટોળામાથી એક વ્યક્તિ હાથ જોડીને બોલે છે.ગુરુજી અમે આપના માટે થોડું ઘણું  કંઇક ફૂલ નહિ ને ફૂલની પાંખડી સમાન લાવ્યા છીએ એનો સ્વીકાર કરો કહેતા નગર શેઠ એ લાવવા ઈશારો કરે છે અને ૧૦-૧૨ વ્યક્તિઓ હાથમાં ઢાંકેલા થાળ લઈ આવે છે અને ગુરુજીની સામે મૂકે છે.


ક્રમશઃ

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 11 માસ પહેલા

Mamta

Mamta 12 માસ પહેલા

Udita Amlani

Udita Amlani 1 વર્ષ પહેલા

Rakesh Shukla

Rakesh Shukla 1 વર્ષ પહેલા

kalpesh

kalpesh 1 વર્ષ પહેલા

bahuj sunder