રામાપીરનો ઘોડો - ૨૦

વિરલે એક યોજના ઘડી નાખી હતી, ધવલના એને ગમતી છોકરી સાથે લગ્ન કરાવવા માટે અને એની વાત સાથે બધા સહમત થયા હતા.


એ ઘટનાને થોડા જ દિવસો વીત્યા હતા કે વસંતભાઈની દુકાને એક છોકરી આવેલી. ચૂડીદાર અને સલવારમાં સજ્જ એ યુવતી ઘાટીલી હતી. વસંતભાઈએ છાપામાં એક જાહેરાત આપી હતી. એમની મીઠાઈની દુકાન માટે  બનાવી શસરસ ગુલાબજાંબુ બનાવી શકે એવો હોંશિયાર રસોયો જોઈતો હતો. એમને ત્યાં કારીગર ઘણાં હતા પણ ગુલાબજાંબુ બનાવનાર ભૈયો બીજે કામ મળતા ભાગી ગયેલો. વસંતભાઈએ કહ્યું કે એમને રસોયો જોઈએ છે, કોઈ બહેન નહિ, એભાઈ જ હોવો જોઈએ. ત્યારે એ છોકરીએ રડમસ અવાજે કહેલું કે એને હાલ પૈસાની ખુબ જરૂર છે. એની બિમાર મમ્મીની દવા માટે, એના નાના ભાઈની સ્કુલની ફી માટે, એના પપ્પાની નોકરી છૂટી ગઈ છે અને એના ઉપર જ બધો આધાર છે. એણે જણાવ્યું કે એને બધી ટાઈપની ગુજરાતી મીઠાઈ અને ફરસાણ બનાવતા આવડે છે. મહેરબાની કરીને એને એક તક આપી જુએ. એક મહિના પછી એનું કામ ના ગમે તો એ નોકરી છોડીને જતી રહેશે. આખરે વસંતભાઈ માની ગયા.


એ છોકરીના હાથમાં જાદુ હતું. એણે બનાવ્યા એટલા નરમ ગુલાબજાંબુ આજ સુંધી કોઈએ બનાવ્યા ન હતા. વસંતભાઈને રાજકોટના વણેલા ગાંઠીયા ભાવતા. આ છોકરીએ એ બનાવીને એમને ચાખવા આપ્યા. ગાંઠીયા જાદુ કરી ગયા. એ વસંતભાઈનું દિલ જીતી ગયા. કોઈએ સાચું જ કહ્યું છે દિલનો રસ્તો માણસના પેટમાં થઈને જાય છે!


આ તરફ ધવલ જીદ લઈને બેઠો હતો. એને સલોની સિવાય બીજી કોઈ છોકરીમાં રસ ન હતો. વિરલ ઘરે આવતો અને વસંતભાઈ તરફી દલીલ કરતો. વસંતભાઈને વિરલ માટે માન થઇ ગયેલું. એક દિવસ આવી જ વાતો ચાલતી હતી ત્યારે બાપ બેટા વછે ટસલ થઇ ગઈ અને એમણે કહી દીધું કે ગમે તે છોકરી સાથે ધવલને પરણાવી દેશે પણ પેલી બંગાળન જોડે નહિ જ! ધવલે પણ કહી દીધું કે, એમનું ચાલે તો એમના ત્યાં કામ કરતી છોકરી સાથેય પરણાવી દે.


“તે એમાં કશું ખોટું નથી. એ છોકરી કેટલી સંસ્કારી છે. આટલી ઉંમરમાં એના આખા પરિવારનું ગુજરાન કરે છે. ગુજરાતી મીઠાઈ અને ફરસાણતો એવા બનાવે કે આંગળા ચાટતા રહી જાઓ. એવી સારી છોકરી તારા જેવા ગધેડાના નસીબમાં ક્યાંથી?” વસંતભાઈ એ બોલી ગયા જેની અત્યાર સુંધી વિરલ રાહ જોઈ રહ્યો હતો.


“અંકલ એ છોકરી ખરેખર એટલી સારી હોય તો એની સાથે જ આના લગન કરાવી દો. જીવનભર પછી તમારે દુકાનની ચિંતા નહિ કરવી પડે.”


એમની વાત વસંતભાઈ જેવા વેપારી જીવડાને ગળે વધારે ઘી નાખેલા શીરાની જેમ ઉતરી ગઈ. એમને સાચેજ ધવલ અને એમને ત્યાં કામ કરવા આવેલી છોકરી સુહાનીની મુલાકાત કરાવી. ધવલ એને જોતાંજ જાણે એના પ્રેમમાં પડી ગયો.એણે કહું કે સલોની નહિ તો આ સુહાની જોડે જ એ લગ્ન કરશે. વસંતભાઈ માની ગયા. સુહાની માટે એમના દિલમાં માન હતું અને ધવલ જો રાજીખુશીથી પેલી બંગાલણને ભૂલીને સુહાની સાથે લગ્ન કરવા માની જાય તો એમની જિંદગીની સૌથી મોટી મુસીબત ટળી જાય.આખરે લગ્ન નક્કી થયા અને એ વખતે જ સુહાનીએ આવીને જણાવ્યું કે એજ સલોની છે. વસંતભાઈના માન્યામાં નાં આવ્યુ પણ એ જ હકીકત હતી.


છેલ્લે વિરલે એમને સમજાવ્યું કે સલોની કેટલી સારી છોકરી છે એની જાન તમને થાય એટલે જ આ બધું નાટક કરવું પડ્યું. એમને ખુશ કરવા સલોનીએ બે જ દિવસમાં ગુજરાતી મીઠાઈ અને ફરસાણ બનાવતા શીખી લીધું એ એના ધવલ અને એના પરિવાર માટેની લાગણી સિવાય શક્ય જ ના હોત.


વસંતભાઈ માની ગયા પણ એક શરતે, “સલોનીએ હવે ગુજરાતીની સાથે બંગાળી મીઠાઈ પણ બનાવવી પડશે!


આયુષનું પણ એની મમ્મીએ બતાવેલી છોકરી સાથે નક્કી થઇ ગયું. આયુષના કહેવા મુજબ આટલી સુંદર છોકરી એ પોતે સાત જનમમાય ના પટાવી શક્યો હોત!ત્રણેય ભાબંધના લગન એક જ દિવસે નક્કી થયા. એકજ સ્થળે વારાફરથી ત્રણે જોડાઈ અગ્નીની સાક્ષીએ ફેરા ફર્યા અને નવા જીવનમાં પ્રવેશ કર્યો.                     *************************

આજે જયા અને વિરલના લગ્ન રંગેચંગે પતી ગયા છે. ગીરની નજીક આવેલા એક રીસોર્ટમાં સાદગીથી પણ સરસ રીતે પ્રસંગ પુરો થયો. જયાએ જ્યારે એના રૂમમાં પગ મુક્યો એ જોતીજ રહી ગ​ઈ.


એના સેવંતી અને રજનીગંધાના ફૂલોથી ભરેલા પલંગની વચોવચ એક ઘોડો ઉભો હતો! રામદેવપીરનો ઘોડો! એના પગ નીચે કેટલાક કાગળ હતા સાથે એક ચીઠ્ઠિ જેમાં લખ્યું હતુ,

“મારા નાનકડાં દોહિત્રના સાફ દિલની વાત સાંભળીને રામદેવપીરના ઘોડાએ શોધેલી, એની વહુ માટે એક નાનકડી ભેંટ!”

એ કાગળિયામાં ભુજનું એ ઘર જયાને નામે કરેલ હતું....

જયા અને વિરલ આજે ખુશ છે. ધવલ હવે સલોની સાથે રેગ્યુલર દુકાને જાય છે. સલોનીએ ધવલના પપ્પાને ખુશ કરવા શીખેલા ફરસાણ અત્યારે એની આગવી ઓળખ બંજ ગયા છે. એ એક એવી બંગાલણ છે જે રસગુલ્લા કરતા ગુલાબજાંબુ સારા બનાવે છે! આયુષ એની પત્ની પમ્મી સાથે મજા કરે છે. એના જેટલી સુંદર પત્ની મેળવી આયુષ પોતાને લકી માને છે!

જયાનો સૌરાષ્ટ્રનો કારોબાર હવે એના કાકાનો છોકરો અને બીજા કુટુંબના યુવાનો સંભાળે છે. જયાએ સુરતમાં ચીઝ બનાવવાની એની નાની ફેક્ટરી ચાલુ કરી છે અને એ સરસ ચાલી રહી છે. જયા ગર્ભવતી છે અને થોડાંક જ સમયમાં એ બાળકને જનમ આપવાં જઈ રહી છે. ઘરમાં ચારે તરફ ખુશીઓની મૌસમ જામી છે ત્યારે એક દિવસ જયાને મળવા કેટલાક માણસો આવ્યા,


“જયાબેન તમે જુનાગઢમાં ખુબ સરસ કામગીરી કરી. ત્યાંના લોકોનું જીવનધોરણ ઊંચું લાવવામાં આપનો ફાળો જેવો તેવો ના કહી શકાય. હાલ ભલે એ લોકો જાતે બધું સંભાળતા હોય પણ એ લોકોને સપના જોતા અને એ સપના પુરા કરતાં તો આપે જ કર્યાને.”

“ભગવાનની મરજી છે ભાઈ બધી. આપણે તો નિમિત માત્ર!” જયાએ હસીને કહ્યું,એની સમજમાં એ નહતું આવ્યું કે આ લોકો અહીં કેમ આવ્યા છે અને એના વખાણ કેમ્કારી રહ્યાં છે?

“તો બેન હવે તમે અમને પણ એવા સપના જોતા કરો! અમે લોકો સુરત જીલ્લાના આંતરીયાળ ગામડામાં વસતા આદિવાસી છીએ. અમને પણ તમે કામ શીખવો. અમારા લીડર બનીને અમારો ઉધ્ધાર કરો.” જયાને મળવા આવેલા દસેક ગામડીયા હાથ જોડીને કહી રહ્યાં.

જયા માટે નક્કી કરવું એટલું આશાન ન હતું. શરૂઆતમાં જ્યારે એણે આ કામ શરુ કર્યું ત્યારે એને વિરલથી પાંચ વરસ દુર રહેવું પડ્યું હતું. એ સમયે વિરલ પર શું વીતેલી તે એ પોતે અનુભવી શકતી હતી અને હવે તો એ ‘મા’ બનવા જઈ રહી હતી. હવે આ શક્ય નથી.

“હું તમારી વાત સમજુ છું ભાઈ પણ મને માફ કરશો હું તમારી મદદ નહિ કરી શકું.”

ત્યાં હાજર દસેજણાના મોઢાં પડી ગયા. જયા પણ ઉદાસ થઇ ગઈ પણ એ શું કરે? ત્યારે વિરલે હસીને કહ્ય,

“હાલ જયાને પુરા દિવસો જઈ રહ્યાં છે એટલે ‘ના’ કહે છે. એકવાર બાળક આવી જાય અને જયા સ્વસ્થ થઇ જાય પછી એ જરૂર તમારી મદદ કરશે અને આ વખતે ફક્ત એજ નહિ અમે બંને, આપણે બધા સાથે મળીને સુરતના આંતરીયાળ ગામમાં, જંગલોમાં વસતા આદિવાસી કુટુંબોની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરીશું.”

“પણ, વિરલ આ બધું? આપણું બાળક?” જયાએ હોઠ ફફડાવી અંગ્રેજીમાં પૂછ્યું હતું.

“બધું જ થઇ જશે મેડમ! આ વખતે આપણે સાથે મળીને કામ કરીશું.” વિરલે જયા સામે જોઈ એનો અંગુઠો ઉપર ઉઠાવ્યો.

જયાએ પણ જવાબમાં પોતાનો અંગુઠો ઉપર કર્યો અને એમને જોઇને ત્યાં હાજર દરેક જાણે પોતાનો અંગુઠો બતાવી એમનો હરખ વ્યક્ત કર્યો...

 

નિયતી કાપડિયા.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Heena Suchak 1 માસ પહેલા

Verified icon

Parul Gondaliya 2 માસ પહેલા

Verified icon

Bhavika Parmar 2 માસ પહેલા

Verified icon

Rakhi 3 માસ પહેલા

Verified icon

Poonam Desai 3 માસ પહેલા

frankly speaking story nu tital Joi ne lagelu k koi village na background vali story hase.pan ek var vanchvanu chalu karyu pachi badha episodes kyare vanchai Gaya te pan khabar nahi padi.