રામાપીરનો ઘોડો - ૩

“બેન અંદર મકાનમાલિક હાલ હાજર નથી. ચોકિદારે કહ્યુ કે, એ બહાર ગયા છે. એકાદ કલાકમાં આવવા જોઇએ. આપ જો રાહ જોવા માંગતા હો તો અંદર બેસી શકો છો." ચોકિદાર સાથે વાત કરીને આવેલા ડ્રાઇવરે કહ્યુ.

“એમને કહી દો કે, હું સાંજે ફરી આવીશ અને હા, એમનો ફોન નંબર લેતા આવજો એટલે આવતા પહેલાં કહેવડાવી દેવાય.” આટલું કહીને જયાબેન પાછાં ગાડીમાં બેઠાં.

“જી બાઇસા.”

ડ્રાઇવરે એનુ કામ કરી લીધું. ફરી ગાડી ચાલુ થઈ.

“કઈ બાજુ લઉં?

“કોઇ સારી હોટલમાં લઈલો. હવે સાંજે જ બહાર નીકળીશું. તમે જમીને થોડો આરામ કરી લેજો, જો કામ પતી જાય તો આજે રાત્રે જ પાછા ફરી જઈશુ." 

“ભલે બેન!"

હોટેલના રૂમમા જઈને જયાએ પહેલા મોઢું ધોયુ. આખા મોઢા પર ઝીણી માટીની એક પરત બાજી ગઈ હતી. નાજુક, મુલાયમ ગાલ અને હથેળી વચ્ચે ધુળની રજકણો ઘસાતી હતી. જયાને એ રજકણો પરિચિત લાગી. એ રજકણો એને પાછી ભુતકાળમા ખેંચી ગઈ!

વરસો પહેલા એ એના દાદા એટલેકે, બાપા સાથે ગીરના જંગલમાં ફરી રહી હતી ત્યારે પણ એના મોઢા પર આવી જ ધુળ બાજી ગયેલી. કપાળ પર, ગળા પર બાજેલી પરસેવાની બુંદોને હાથ વડે એણે લુંછી ત્યારે એનું એ તરફ ધ્યાન ગયેલું.

“થાકી જઈ માવડી?” દાદાએ બોખા મોંઢે હસતા હસતા કહેલું.

“ના થોડી તરસ લાગી છે." હાંફી રહેલી સોળ સત્તર વરસની લાલી(જયા)એ કહેલું.

“હાલ તને નાળીયેરપોણી પિવડાવુ."

બન્ને ચાલતા ચાલતા ગિરનાર પર્વતની તળેટીમાં આવી ગયા હતા. એક મોટા પથ્થર પર બેઉ જણે બેઠક જમાવી. દાદાએ સામે ઉભેલા લારીવાળાને હાથથી કંઇક ઇશારો કર્યો અને પછી લાલી સામે જોઈ વાત ચાલું કરી, “જંગલ સેવું લાઈગુ?"

એકદમ મસ્ત! આટલી ગીચ ઝાડી વચ્ચે ફરવાની બહું મજા આવી. લાલીના અવાજમાં ખુશીનો રણકાર હતો. બાપાને એ ગમ્યું.

“હારુ, હારુ સે, હજી કુદરતને ખોળો ગમે સે ઈમને? સરસ!"
ત્યાં પેલો લારીવાળો છોકરો પાણી ભરેલું નારિયેળ આપી ગયો.

“કેમસો બાપા? આ મોટા ભઈની સોડી સ?" એ છોકરાએ નાળિયેર આપીને લાલી સામે જોતા પૂછ્યું.

“હોવ, ઈ નારીયેલ ઈન આલી દે."

જયાએ નારિયેળમાથી ડોકાતી લાંબી ભુંગળી મોઢામાં નાખી ઝડપથી બેત્રણ ઘુંટડા ભર્યા પછી, એને દાદા તરફ ધર્યુ. દાદાએ હાથથીજ ઇશારો કરી ના પાડી.

“તન કાલ રાતે જોઇન મન મારી જુવોની યાદ આઈ ગઈ. મેં પણ હાવજ હારે એક ભાલો હાથમાં લઈ લડાઇ કરેલી! ઈ વખતે એક અંગ્રેજે ગોળી ચલાવીને ઈને મારી નાખેલો. એ વખતે   અંગ્રેજો આયાં જંગલમા ફરવા અન શિકાર કરવા આવતા. હું એમનો ભોમીયો બની એમને જંગલ બતાવતો." દાદાએ જયા તરફ એક નજર કરી, એ ધ્યાનથી એમને સાંભળતી હતી.

“મારામાં સાહસ છે ભણ્યો નોતો જાજુ પણ, જાતે હંધુય હિખેલો. આ બધી આપણી ગાયુ મેં જાતે વસાવેલી ન હાસવેલી. આખા જંગલમા તારા બાપાનુ માન સે હોં કે! એક બીજી ખાસ વસ્તુ તે ભાઇચારો. કુદરત પરતે, આ ગામ, જંગલ પરતે પરેમની ભાવના! આ મારી માટી, મારુ જંગલ, બધી વનરાજીયે મારીને બધા જનાવરો, માણહોએ મારા! આ ગિરનાર પર્વત જ મારો આરાધ્ય દેવ! એજ અમને પાળતો ને પોસતો એના સિવા એક્કે માતાજીને હું આજ લગણ નમ્યો નહી. એ સે તો આ બધુ સે.
તારા પપ્પામાં બુદ્ધિ છે, નેહાળમા ઇ હર સાલ પેલ્લો જ આવતો પણ, એવડો ઈ સાહસી નહી. તુ નોની હતી. બે વરહોની. તાણ એક વાર કાલની જેમ જ હાવજ આપડા વાડામો ઘુસી આવેલો, તને તો મેં ઇ વેળા ઘરમાં પુરી રાસેલી તોયે તારો પપ્પોતો મોનેલો જ નઈ. જીદે સડેલો કે અવ આ ગોમમો નહી રેવુ. મેં સેટલોય હમજાવેલો પણ ના મોન્યો તે ના જ મોન્યો. ભુજમાં પસ પટાવાળાની નોકરી મલી ને ઇ આ ગોમ સોડીને જતો રયો.” 

 પૌત્રી સામે કર્યુ તો સ્મિત જ હતુ છતા જયાને એ ખુબ ખુબ દુખી લાગયા.

“તારા કાકામાં બળ બૌવ સે પણ ઇયે બળદિયા જેવો સે હાવ! જરાકેય અક્કલ નો હાલે ઇના મો! આ હું સુ તે બધુ જેમ વતાવુ ઇમ કરે જાય સે પણ મારા પસ?" દાદા એમની જગાએથી ઉભા થઈને જયાની સામે આવીને ઊભા,
“મહાભારતમાં સુ કેસ તમારો શામળો? આ બધા દેવતાઓ ન મેલો દેવતા અન ગોવર્ધન પરવતની પૂજા કરો. આ ગિરનાર પરવત ઇ જ આપણો ગોવરધન! લાકડી એક હોય તો ચીયોય હાલી મવાલી તોડી જાય પણ બધી જો એકહારે હોય તો? કદી નો તુટે! તમે બધા ભાઇઓ બહેનો હારે મલીને અહિં રેતા હો તો? તન થસે મુ હુ કરવા આ બધુ તને કવસુ, હેન?"

“ના બાપા!  બોલો તમે, તમારી વાત સાચી છે પણ, તમે મારી પાસેથી શું અપેક્ષા રાખો છો એ ખબર ના પડી.”

“કાલે તે હુ કીધુતુ યાદસ? મારા ભાઇને બચાવવા મીએ લાકડી ઉઠાવી, સિંહ હામે! બસ તારી ઇ ભાવનાને જીવતી રાખજે માવડી! એ કોઇ તારો હગો ભઈ નતો, ચાર દાડાની તો ઓળખાણ ને તોયે...! તારી પાહે બધુજ સે. સાહસ, શક્તિ, બુધ્ધી, ભણતર, લાગણી! એનો સદઉપયોગ કરજે માવડી! બીજી બધી બાયુ કરતાં તું નોખી સે તો, એવુ જ કોક નોખુ કોમ કર જેનાથી આપણ બધાનો ઉધ્ધાર થાય. આપણી કોમનુ જ નઈ પણ, આપણા આખા ગોમનું નામ થાય. આખા પંથકમા લોકો કેકી એક આહિર બાઇ સે બધાની માવડી. મારુ મોન તો તું કલેક્ટર બનજે. અન પસી ઓય જ આવીન રેજે, આપણા આ જંગલ અને એમાં વસતા ગરીબ માણહુનો વિકાસ થાય એવુ કાંક કરજે." દાદા હસી પડ્યા ખડખડાટ!

“શું થયુ?" જયાને નવાઇ લાગી છતાં દાદાની સાથે એ પણ હસી હતી.

“તારો પપ્પો કેસે ડોહાએ એની છોડીને બગાડી મેલી. ઉગાડી ઓંખોના સપના સે બધા પણ, તું ધારે તો પુરા કરી હકે એવો મને વિસવાસ સે ને, મારા આશિર્વાદ પણ!"

ઉગાડી આંખના સપના! આવુ ક્યાં સાંભળેલુ? દાદા સિવાય પણ કોઈક આવું બોલ્યું હતું. કોઇક તો બોલ્યું હતુ! જયાને અચાનક વિચાર આવ્યો. એક ઘડી માટે એની નજર આગળથી પેલા ઘરનું ચિત્ર આવીને જતું રહ્યું, રામાપીરના ઘોડાવાળું ઘર...

                  ************************

બધા પાછા ભુજ આવી ગયા હતા. થોડા સમય બાદ જયાની પરીક્ષા પણ પુરી થઈ ગઈ. એના બધા પેપર સારા ગયા હતા. એ ખુબ ખુશ હતી. પરિણામનો દિવસ પણ આવી ગયો. જયાએ આવખતે ૮૯.૮૯% સાથે સમગ્ર જિલ્લામા બીજો નંબર મેળવેલો. એની શાળામાં એનુ સન્માન કરવામાં આવેલું. ત્યાંના એક જાણીતા સમાજસુધારકે જયાને એક હજાર રુપિયાનુ ઇનામ આપેલુ . જયાના પપ્પા આજે ખુબ ખુશ હતા. જયાને હવે તબિબ બનતા કોઇ નહીં રોકી શકે એવું તેમનુ માનવું હતુ.

ના જાણ્યુ જાનકીનાથે કાલે શું થવાનુ તો આપણીતો શી ઓકાત? નિયતિ એમ સીધુ ક્યાં કોઇને કંઇ આપી દે છે...!

દીકરીની સફળતાનો નશો હજી બાપના મગજ પરથી ઉતર્યો પણ ન હતો કે એક બીજા નશામાં ચુર માણસે એને ઓફિસમાં બોલાવેલો. એ જે કાર્યાલયમાં પટાવાળાની ફરજ બજાવતો હતો, ત્યાં આજે એક મોટા સાહેબ મળવા આવ્યા હતા. એમણે જયાના પપ્પાને અંદર મળવા બોલાવેલા.

“અંદર આવુ સાહેબ?" દરવાજે ઊભેલા કાનજીએ પૂછેલું.

“હા, કાનજી આવીજા." મોટા સાહેબે અનુમતી આપતા કાનજી એટલેકે આપણી જયાના પપ્પા અંદર ગયા.
કોઇક તીવ્ર વાસથી કાનજીનુ નાક ભરાઇ ગયુ. મગજે તરત ઓળખી કાઢ્યું એ દારુની વાસ હતી.

“કાનજી આ મયંકભાઇ! ભુજના જાણીતા સમાજ સુધારક અને મંત્રી. સ્ત્રીઓના કલ્યાણ માટે સાહેબે ઘણુ કર્યુ છે. મેં તારી જયા વિષે એમને વાત કરી. એમનું કહેવું છે કે, જો છોકરી હોંશિયાર હોય તો એ જરુર મદદ કરશે. તારે જો છોકરીને ડોક્ટર બનાવવી હોય તો આ મયંકભાઇની મદદ લેવી જ પડશે." કાનજીના સાહેબે કહ્યું.

કાનજીએ એક નજર મયંક સાહેબ પર નાખી. કોઇ ખાઇબદેલા રીઢા નેતા જેવો એનો દેખાવ હતો. લાંચરુશવત ખાઇ ખાઇને ફુલી ગયેલુ પેટ એના ખાદીના ઝભ્ભામાંથી મોટા ફુટબોલની જેમ કુદી કે હાંફી રહ્યુ હતુ. એની આંખોના ડોળામાં નકારો વિકાર ભર્યો હતો. નશાની અસરથી એ લાલ અને બિહામણી લાગી રહી હતી. કાનજી સામે જોઇને એ હસ્યો હતો. પીળાપચક દાંતોની વચ્ચેની જગા પાન મસાલા ખાઇ ખાઇને કથ્થાઇ રંગની થઈ ગયેલી. એના હસવાની સાથેજ એના બે મોટા, જાડા હોઠમાંથી સડેલા દાંતની સાથે સાથે દારુની વાસ પણ બહાર નીકળી આવી. કાનજીને પહેલી નજરે જ એ માણસ ના ગમ્યો.

“શું વિચારે છે? જા જઈને જયાને લઈ આવ, સાહેબ એને જોઇ લે." ફરીથી સાહેબ જ બોલેલા.

કાનજીને થયુ કે એનો સાહેબ મનમા જ મલક્યો કે પછી, સામેવાળા બન્ને જણાએ એક્બીજાની આંખોમાં જોઇ મલકી લીધું!

“હજી શું ઊભો છે આમ? જા ને, જલદી પાછો આવ, ઓફિસ બંધ કરવાનો ટાઈમ થયો."

કાનજીએ કમને પગ ઉપાડ્યા. એનુ ક્વાર્ટર નજીકમાં જ હતુ. એણે ઘર તરફ ચાલવા માંડ્યુ. રસ્તામાં જ એને જયા દેખાઇ. એ એના જેવડી છોકરીઓ સાથે એના ઘરના કંપાઉન્ડની બહાર ઊભી ઊભી બરફગોળો ખાઇ રહી હતી. કાનજીને કશુ વિચારવાનો વખત જ ના મલ્યો.

“તું શું કરે છે છોકરી આંયા? તારા કપડાને મોં જોતો, બધું કેસરી કર્યુ છે.”

જયા એના પપ્પા સામે જોઇને મીઠું હસી. એક્પળમાં પપ્પા શાંત થઈ ગયા.

“ચાલ તારે મારી સાથે આવવું પડશે. મોટા સાહેબે તને બોલાવી છે."

“મોટા સાહેબે મને શું કરવા બોલાવી, પપ્પા?" જયાએ ભોળા ભાવે પૂછેલું જેનો જવાબ આપવાનું કાનજી માટે ખૂબ મુશ્કેલ હતું.

“અંદર આવુ સાહેબ?"કાનજીએ બારણામાં ડોકુ નાખીને પુછ્યું.

“હા, આવને! તારીજ તો રાહ જોવાય છે."

કાનજીની પાછળ જ જયા પ્રવેશી.

"સાહેબ આ મારી દીકરી,"

“જયા...!" કાનજીની પહેલા જ મોટું પેટ ઊભું થઈને બોલ્યું. કાનજીને જરા બાજુએ ખસેડી એ મોટી ફાંદ જયાની ચારે બાજુ ગોળ કુંડાળુ ફરી, એના મોં સામે ઊભી રહી.

“મેં એને કાલે એની નિશાળમાં જોઇ હતી. જયા નામ પણ યાદ રહી ગયુ." મયંકભઈ જયા સામે મલક્યા. જયા પણ સામે થોડુ હસી. એની નજર જયાના ચહેરાં પરથી સરકતી સરકતી એની છાતી પર આવીને અટકી હતી. એ ભાગે પણ ઓરેન્જ ફ્લેવરના બરફગોળાનો થોડો રસ ટપકીને ચોંટ્યો હતો. જયાની પાતળી કુર્તી એ ભાગે સહેજ ચોંટી ગયેલી અને અંદરના ઉભારને બહાર ઉપસાવતી હતી.
કહે છે કે, પુરુષની નજર ફક્ત એક સ્ત્રી જ ઓળખી શકે છે, પણ એવું નથી પુરુષની ગંદી, લોલુપ નજર બીજો પુરુષ પણ તરત ઓળખી જાય છે જ્યારે એ બુરી નજર એની કોઈ ખુબ જ વહાલી વ્યક્તિ પર હોય! કાનજીને રુંવે રુંવે ઝાળ લાગી હતી પણ ઓફિસમાં સાહેબ આગળ એ કંઈ બોલી ના શક્યો અને એ જયાને લઈને ત્યાંથી નીકળવા જ જતો હતો કે એના સાહેબે એને એક કામ બતાવ્યું હતું.
કાનજી એની દીકરીના અંગો પર ફરતી પેલા નેતાની નજરોને વધારે વખત સહન કરી શકે એમ ન હતો. રખેને કોઈ બોલચાલ થઇ જાય અને વાત વણસી જાય. જયાનું કોઈ સારી કોલેજમાં ભણવાનું ઠેકાણું ના પડી જાય ત્યાં સુંધી આવા નીચ માણસો જોડે બગાડે પાલવે એમ નહતું. આખરે કાનજીએ કમને જયાને એકલી ઘરે જવા મોકલી અને એણે કામ હાથમાં લીધું...

કાનજીએ કામ પૂરું થતાંજ ઘરે જવાની રજા માંગી ત્યારે ત્યાં બેઠેલાં નેતા, મયંક્ભાઈએ એને કહ્યું કે, 

“હું તારી જયાંથી પ્રભાવિત છું અને એને મદદ કરવા ઈચ્છું છું. આગળ જતા છોકરીની જીંદગી બની જશે. એક કામ કર તું જયાને આજે રાત્રે જયાને મારા બંગલા પર મોકલી આપ હું એને આગળ શું કરવું જોઈએ એ વિષે સરસ રીતે સમજાવી દઈશ."

કાનજીને થયુકે સામેવાળાના ગાલે એક તમાચો મારી દે પણ પછી નોકરી જતી રહે... એ એક સામાન્ય પટાવાળો હતો અને સામેવાળો મંત્રી!

“શું થયું? તું ચુપ કેમ છે? શું વિચારે છે, હેં? જો આજકાલ જમાનો બહુ ખરાબ ચાલે છે, લોકો રસ્તે જતી છોકરીઓને ઉપાડી જાય છે અને એમનો પછી ક્યારેય પત્તો નથી લાગતો તારી જયા સાથે આવી કોઈ અનહોની હાય એના કરતા મારી વાત માન અને એને મારા જેવા પરોપકારી માણસને હવાલે કરી દે, હું એની લાઈફ બનાવી દઈશ. જા હવે ઘરે જા અને મારી વાત પર વિચાર કરજે." મયંકભાઇ સખત અવાજે આટલું કહીને ચૂપ થઈ ગયા હતા.

“તમે હદ વટાવી રહ્યાછો સાહેબ! એ ના ભુલો કે એ મારી દીકરી છે નહિંતો," કાનજીએ દાંત કચકચાવીને કહ્યું.

“નહિંતો? નહિંતો શું કરી લઈશ? અબે તારી તારી ઓકાત શું છે?" મયંકભાઇએ નજીક જઈ કાનજીના કોલરનો એક છેડો પકડી અવાજ થોડો ઉંચો કરી કહ્યુ.

“સર, અહીં બબાલ ના કરો." કાનજીનો સાહેબ વચ્ચે પડ્યો, “સોરી બોલ સાહેબને! કોની સાથે કેમ વાત થાય એનુ કઈ ભાનબાન પડે છે કે નઈ?"

મયંકભાઇએ કોલર છોડી, બે ડગલા ચાલી, ટેબલની ધારે ટેકણ લઈને ઊભા રહેતા કહ્યુ, 

“હું કોઇ બબાલ ઊભી કરવા નથી માંગતો. દસ હજાર અહિં પડ્યા છે. એણે ગજવામાંથી નોટોનુ બંડલ કાઢી ટેબલ પર મુક્યું. ઉઠાવીલે અને જયાને મારા બંગલે લઈ આવ, કાલે સવારે બીજા દસ હજાર આપીશ અને યાદ રાખજે છોકરીનું જો અપહરણ થઈ જશે તો એ કદી ઘરે પાછી નહિં આવે.” ગંધાતા મોંઢે, ગંદી વાત કરી એણે એના ગજવામાંથી બાટલી કાઢી મોંઢે માંડી.

લાચાર બાપે એક નજર એના સાહેબ પર નાખી જેને ત્યાં આટલા વરસો ઇમાનદારીથી ફરજ નિભાવી હતી. એણે કાનજી સામે નજર ના મિલાવી.

અપહરણ. બસ આ એક શબ્દ કાનજીને માથામાં જાણે કોઇએ હથોડો માર્યો હોય એવો વાગયો. એ ઘર તરફ ભાગ્યો.


રેટ કરો અને રિવ્યુ આપો

Raashi

Raashi 1 વર્ષ પહેલા

Mahi Joshi

Mahi Joshi 1 વર્ષ પહેલા

Heena Suchak

Heena Suchak 1 વર્ષ પહેલા

Bhavika Parmar

Bhavika Parmar 1 વર્ષ પહેલા

Sonal Mehta

Sonal Mehta 1 વર્ષ પહેલા